એકલવાઈ જીંદગીની સમસ્યાઓ દુર કરવા પુનઃલગ્ન કેટલું જરૂરી
લગ્ન કરવા માટે એક ચોક્કસ ઉંમર હોય છે. પ્રકૃતિની સંરચના પ્રમાણે આનું ખુબ મહત્વ છે. નાની ઉમરે થતા લગ્નોમાં ઘણી બાંધછોડ કરાવી પડે છે તેવીજ રીતે મોટી ઉંમરે પણ જીવનસાથીની શોધમાં તકલીફ પડે છે. કાયદો પણ લગ્ન કરવા માટે એક ચોક્કસ ઉંમર નક્કી કરે છે.
છતાં પણ લગ્ન પછી જેમ સમસ્યાઓના સમાધાન રૂપે ડિવોર્સ માટે કોઈ ઉંમર બાધ નથી તેમ રી-મેરેજને પણ ઉંમરનું બંધન હોતું નથી. છતાં મોટી વયે ફરી કરતા લગ્નો સામે સમાજની નજર વંકાય છે. અને એજ બીકે જીવનસાથીની ખરેખર જરૂરીયાત હોવા છતાં મોટાભાગના એકલતામાં જીવન વિતાવે છે. પુનઃલગ્ન સંજોગો અને જરૂરીયાત પ્રમાણે સફળ બને છે.
થોડા સમય પહેલા સાંભળવા મળ્યુ કે પંચોતેર વર્ષના કાકાએ લગ્ન કર્યા. ત્યારે સહુ પહેલા બધાના મનમાં પ્રશ્ન ઉઠશે કે આટલા વર્ષે ફરી લગ્ન કરવાને કોઈ કારણ હશે કે કોઈ જરૂરીઆત હશે? મને પરંતુ જ્યારે હકીકત જાણી ત્યારે થયું કે તેમણે સારું પગલું ભર્યું.
રમણકાકાના પત્ની દસ વર્ષ પહેલા ગુજરી ગયા હતા. શરીરે એકદમ ચુસ્ત અને નીરોગી હતા. સંતાનમાં એક દીકરી જે કેલીફોર્નીયામાં અમેરિકા રહેતી હતી. પત્નીના નિધન પછી ઇન્ડીયામાં રહેતા આ વડીલ એકલા પડ્યા. અમેરિકામાં રહેતી દીકરીના બાળકો નાના હતા તો અહી આવે તો બાળકોને નાનાનો પ્રેમ મળે અને તેમના અહી રહેવાથી ઘર સચવાય. વધારામાં દીકરી સાથે રહેવાનું મળે તેવા આશયથી તેઓ અહી આવી ગયા. તેમના આવવાથી દીકરી અને જમાઈને ઘણી રાહત હતી.
ચાર પાંચ વર્ષતો બધુજ બરાબર ચાલ્યું. હવે બાળકો પણ મોટા થઈ ગયા.આ દરમિયાન તેમના જમાઈના માતા પિતા ઇન્ડીયાથી અહી આવી ગયા. જમાઈના માતાપિતા સમજતા આ તેમના દીકરાનું ઘર છે અને તેમનો હક અહી વધારે છે. રમણકાકાની સમસ્યાઓની અહી શરૂવાત થઇ. જમાઈ અને તેમના માતાપિતાને હવે તેમની હાજરી ખુંચવા લાગી. આ કારણે દીકરી અને જમાઈ વચ્ચે થતા મનદુઃખ પણ કાકાના ઘ્યાનમાં આવી ગયા હતા. દીકરીનું ખાસ કઈ ચાલતું નહોતું. વધારે એ પણ એના જીવનમાં કોઈ કલેશ વધારાવા માગતી નહોતી.
રમણકાકા આટલા વર્ષોમાં અહી સીટીઝન થઈ ગયા હતા આથી ગવર્મેન્ટના આશીર્વાદ જેવું મેડીકેડ અને ફૂડસ્ટેમ્પ તરીકે થોડી રકમ મળતી હતી. પરતું આટલી રકમમાં જુદા રહેવું પણ તેમની માટે શક્ય નહોતું. ઇન્ડીયામાં પણ હવે કોઈ નજીકનું નહોતું રહ્યું. દીકરી આખો દિવસ જોબ ઉપર જતી, બાળકો સ્કુલે જતા ત્યારે તે પણ તેમનો દિવસ મોટા ભાગે નજીકના મંદિરમાં જઈને વિતાવી દેતા.
તેમની આ મનોવ્યથા મંદિરમાં આવતા એક સત્સંગીના ઘ્યાનમાં આવી. એક વખત રમણકાકાએ વાતવાતમાં આંખમાં પાણી સાથે પોતાની મજબુરી કહી સંભળાવી. છેવટે એ સત્સંગીની સલાહ અને મદદથી સેક્શન ૮ માં રહેવાની વ્યવસ્થા થઇ ગઈ. અહી ગવર્મેન્ટનાં એક કવોટામાં આવતા સેક્શન ૮ પ્રમાણે આવા ઉંમરલાયક અને જરૂરીયાત વાળાને કોઈ ખાસ ભાડા વિના સાવ મફતના ભાવે હાઉસ રહેવા અપાય છે. આવા જ કવોટામાં પેલા સજ્જને તેમને રહેવા માટે એક બેડરૂમ કિચનના ઘરની વ્યવસ્થા કરાવી આપી. રડતી આંખે દીકરીએ બાપને ત્યાં જવા દીધા. સમય મળતા તે તેમની માટે ખાવાનું પણ આપી આવતી. છતાંય એકલતા રમણકાકાને કોરી ખાતી.
આવી સ્થિતિમાં મંદીરમાં આવતા વિધવા અને એકલા રહેતા પાંસઠ વર્ષના સ્મિતાબેનની ઓળખાણ રમણકાકા સાથે થઈ. બંને સમદુઃખીયા હતા. આથી ઝડપથી તેઓ એકબીજાના સારા મિત્રો બની ગયા. ફરી પેલા સજ્જનની સલાહ અને સમજાવટને કારણે એકમેક સાથે આટલા વર્ષો પછી નજીકના સ્વજનોની હાજરીમાં ફરી પ્રભુતામાં પગલાં માંડયા.
આવા સમયે કરતા લગ્ન કોઈ શારીરિક જરૂરીયાત કે વંશવેલા માટે નથી કરાતા એ નક્કી છે.. આવા લગ્નો મોટેભાગે જીવનમાં એક પાત્ર આકસ્મિક વિદાય થાય ત્યારે બનેલી, એકલવાઈ જિંદગીના અસહ્ય દુઃખને ઓછું કરવા માટે કરાતા હોય છે. ઇન્ડીયામાં આવા એકલા પડેલ વ્યક્તિ માટે સમય પસાર કરવા માટે ઘર બહાર પણ ઘણી જગ્યાઓ હોય છે. પુરુષો માટે બજાર ચોતરો મંદિર અને પાર્ક ઠેકઠેકાણે આવા એકલવાયા મળી આવે જેમની સાથે મિત્રતા બાંધી સમય પસાર થઇ શકે.
તેવીજ રીતે સ્ત્રીઓને પણ મંદિર, ઓટલો અને ઘરમાં સમય પસાર કરવું સહેલું રહે છે. સાથે ભારતમાં સંયુક્ત કુટુંબ હજુ પણ સચવાએલું છે. જેનો આ મોટો ફાયદો છે.
પરતું આનાથી વિરુધ્ધ અહી ખુશીથી એકલા રહેતા શીખી લ્યો અથવા કોઈ સાથી હોય તો જીવન સહેલું બને છે. એમ નથી કે અહીના બાળકો મોટા થતા માતાપિતાને ત્યજી દે છે, પરંતુ અહીની રીત એવી છે કે દરેકને પોતાની પ્રાઈવસી અને સ્વતંત્રતા વધુ પ્રિય છે. આમાં માત્ર ન્યુ જનરેશન આવે તેવું નથી. વર્ષોથી અહી આવી ગયેલા ઇન્ડિયન બોર્ન પચાસની આસપાસના માતાપિતા પણ અંદરખાને બાળકોને સ્વતંત્ર રહે તેવું ઈચ્છે છે. જેથી પોતે રીટાયર્ડ સ્થિતિને શાન્તિથી માણી શકે.
જ્યારે બે માંથી એક થાય ત્યારે આજ સ્થિતિ ભારે લાગે છે. પરદેશમાં તેમાય ઠંડા પ્રદેશોમાં છૂટથી બહાર ફરવું શક્ય બનતું નથી. આવા સંજોગોમાં જીવન વ્યતીત કરવું બહુજ અઘરું બની રહે છે. અમેરિકામાં એકલી સ્ત્રીનું રહેવું પુરુષ કરતા થોડું આસાન બની રહે છે. એ ઘરમાં જમવાથી લઈને બહારનું કામકાજ તે જાતે કરી શકે છે. પરંતુ મોટાભાગના ઇન્ડીયન પુરુષો માટે આ બંને કામ કરવા સહેલા નથી હોતા. અહી દરેક જગ્યાએ બહારથી જમવાનું મળે તેવી વ્યવસ્થા નથી આથી સમસ્યા રહે છે. આ બધા પ્રોબ્લેમ્સનું એકજ સોલ્યુશન જીવનસાથી.
પુનર્લગ્નમાં ગમે તે ઉંમર હોય, વિધવા, વિધુર કે છૂટાછેડા લીધેલા હોય તે બધું મહત્વનું નથી. જરૂરી છે તેમના સંજોગો કેવા છે. અહી સ્મિતાબેન નિ:સંતાન હતા સાથે પતિ ગુમાવ્યા પછી આકરી એકલતાથી પીડાતા હતા. આવા સમયમાં તેમના રીમેરેજ થવાથી તેમની લાઈફ નવા આનંદ અને ઉત્સાહથી છલકાઈ ગઈ અને પાછલી ઉંમરે એક સહારો મળ્યો.
અત્યારના મોર્ડન સમાજમાં હવે સંતાનો સામે ચાલીને વિધુર થયેલ પિતાને પુનઃલગ્ન માટે સમજાવતા હોય છે. આ સમાજ વ્યવસ્થા જરાય ખોટી નથી. જીવન ખુશીથી જીવવા માટે છે. કોઈને પણ તકલીફ આપ્યા વિના જો પોતાનું સુખ જોવાનું હોય તો આવા લગ્નો આશીર્વાદ સમા બની જાય છે.
મોટી ઉંમરે વિધવા થતી સ્ત્રી ઘરમાં બાળકો સાથે કે ઘરકામમાં સમય વ્યતીત કરી શકે છે. પરંતુ પુરુષ માટે આ સમય બહુ અકારો થઇ પડે છે. તેમાય જો ઘરમાં કોઈ ઘ્યાન રાખનાર ન હોય તો પુરુષ માટે પુર્નલગ્નનો વિકલ્પ યોગ્ય રહે છે. વિધુર કે વિધવા કે ત્યકતા પુર્નલગ્ન માટે વિચારે એમાં કશું ખોટું નથી. સમાજના બદલાતા જતા માપદંડમાં આવા લગ્નને સામાજિક સ્વીકૃતિ પણ બહુ ઝડપથી મળી રહી છે આ આનંદની વાત છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply