મમ્મી મને ચાંદીની રાખડી જોઈએ
મમ્મી મને ચાંદીની રાખડી જોઈએ
ઘડિયાર વાળી, મોટી રાખડી.
રુપિયા બહેનને જાતે આપીશ
મારા ગુલ્લક માંથી.
૬ વર્ષની રમતીયાળ ઉંમરે
મેળામાં વાપરવા,
મળેલા 2 રૂપિયામાંથી
નાનકો બહેન માટે,
માથામાં નાખવાની પિન લાવ્યો,
ત્યારે મળેલી ખુશી
વરસોના વરસ તાજી રહી.
સમયનું પીંછું જરાક ફર્યું.
બહેન નાની રાખડી બાંધજે.
ને પછી બંધ કવરમાં રુપિયા આપતા
એજ ભાઇ હસીને કહે,
તમારા આશીર્વાદથી સુખી છું.
બંનેની નજર એની નવી આવેલી
મર્સડિઝની ચાવી ઉપર પડી.
એ વહાલથી ભેટતા બોલ્યો.
“હેપી રક્ષાબંધન”
ને, પેલી પચાસ પૈસાની પિન યાદ આવી ગઈ.
– રેખા પટેલ
રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમને માત્ર એક સુતરના ધાગાથી બાંધી રાખતું મજબુત બંધન.
જ્યાં નાના મોટાનો વયભેદ નથી,કોઈ લેણદેણની વાત નથી. અહી માત્ર લાગણીઓનું ચલણ સાથે પ્રેમનો હક હોય છે. એનાથી વધારે પરસ્પર સુખની કામનાઓ રહેલી છે.
મારો ભાઈ લાબું નીરોગી જીવન જીવે તેના સર્વ સપનાઓ પુરા થાય તેવી અંતરની આશિષ દરેક બહેનના મનમાં રહેલી હોય, તો સામા પક્ષે મારી બહેન સુખના ઝૂલા ઉપર ઝૂલતી રહે તેના માર્ગમાં આવતી દરેક અડચણને દુર કરવા હું શક્તિમાન રહું એવી લાગણી ભાઈના અંતરમાંથી વરસતી રહે…. બસ આજ રક્ષા બંધન.
આવા પવિત્ર સંબંધને ધનદોલતથી તોલવાની ભૂલ ના કરીએ તોજ તેની મધુરતા જળવાઈ રહે છે. છતાં ભાઈ પાસે બહેન હક કરીને કૈંક માગે ત્યારે પણ મીઠાશ જળવાઈ રહેવી જોઈએ. કારણ આજના દિવસે તેનાં સર્વ હકો માન્ય છે.
ખુબજ કોમર્શીયલ થતા જતા સંબંધોના બજારમાં આવા તહેવારો મુરઝાઈ જતી લાગણીઓમાં નવજીવન ભરે છે, તો હૃદય પૂર્વક તેને આવકારવા અને ઉજવવા જોઈએ. માત્ર રાખડી મોકલી દેવાથી કે હાથ ઉપર બાંધી દેવાથી કઈ રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો નથી.
કેટલીક બહેનો માત્ર રાખીને કવરમાં બીડીને મોકલી આપે છે. હું અચૂક માનું છું કે વધારે નહિ તો ભાઈ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતી બે લીટી જરૂર લખવી જોઈએ. એથી બહેન પાસે હોવાની લાગણી ભાઈ ચોક્કસ અનુભવી શકશે. ભાઈ પણ માત્ર રૂપિયાનું કવર આપીને છૂટી જશે તો શું બહેન તેના ભાઈના પ્રેમને પામી શકશે ખરી?
બહેનને માથે ભીનો મમતા ભર્યો હાથ એજ તેની મૂડી છે. ભાઈ નાનો હોય કે મોટો જો બહેનના માથે હાથ મુકીને માત્ર એટલું કહે કે ” બહેન તકલીફમાં હું તારી સાથેજ છું.” તો અચૂક બહેનની આંખોમાં સંતોષના ઝળઝળિયા આવી જશે.
બહેનો પ્રેમની ભૂખી હોય છે. આ એક તહેવાર એવો છે જેમાં બહેન સગી હોય, કુટુંબી કે માનેલી, જો કોઈ કારણોસર સામેથી રાખડી ના બાંધે તો હક કરીને તેને આવકારવાની હોય છે.
રાખડી બાંધનાર અને બંધાવનાર બંનેના મનમાં શ્રદ્ધા અને પ્રેમ અવશ્ય હોવો જોઈએ .
હાથો હાથ રાખડી બંધાય તોજ પ્રેમ દર્શાવી શકાય એવું નથી. આ પવિત્ર પ્રેમ કવરમાં પણ એકબીજા સુધી પહોચાડાય છે. દુર રહેલી બહેનની રાખડી હાથમાં આવતાની પહાડ જેવું હર્દય ધરાવતા ભાઈની આંખો ભીંજાઈ જાય તો માનવું આનાથી વધુ સ્નેહ ક્યાંય નથી.
રાખડી બાંધવી એટલે કે રક્ષા કરવાની એક પ્રતિજ્ઞા લેવી, એ ગમે તે કોઈ ગમે તેના હાથ બાંધી શકે છે. એની માટે જરૂરી નથી કે માત્ર બહેન ભાઈના હાથે જ બાંધી શકે, ભાઈ પણ બહેનના હાથે બાંધી શકે છે. કારણકે બહેન પણ હંમેશા ભાઈની રક્ષાને કાજ આમ કરતી આવી છે. જો ભાઈ ના હોય તો બે બહેનો પરસ્પર રાખડી બાંધીને એકમેકને સાથ આપવાનું વચન આપે છે.
ઘણી જગ્યાએ દીકરી પિતાને પણ રાખડી બાંધતી હોય છે, અંતમાં રક્ષાબંધન એ એકબીજાનાં સુખદુઃખમાં સાથ આપવાની લાગણીઓ દર્શાવતો તહેવાર છે.
મારા ઉપર પ્રીતિ રાખનાર દરેક ભાઈઓ અને બહેનોને હેપી રક્ષાબંધન
– રેખા પટેલ (વિનોદિની )
Leave a Reply