બીઝી રહેવાનો ખોટો ડોળ ડિપ્રેશન તરફની દોડ…
‘”જુવો હું અત્યારે બહુ બીઝી છું એક મીનીટની પણ નવરાશ નથી, મને તો સમય જ નથી મળતો” સાવ નવરા ફરતા લોકો જ્યારે એમ કહે ત્યારે સમજવું કે તેઓ પોતાની ખોડ છુપાવી રહ્યા છે. આવા લોકો અંદરખાને તણાવગ્રસ્ત રહેતા હોય કે આળસુ હોય છે.
પોતાની ખોડ છુપાવવા કે પછી તેનાથી તદ્દન વિરુધ્ધ પોતાનું મહત્વ બતાવવા આવા વાક્યો વપરાય છે. બાકી વધારે નહિ પરંતુ કોઈની માટે દિવસમાં બે મિનીટ પણ સમય નાં કાઢી શકાય આ શક્ય નથી. હા ભૂલી જાય તે અલગ વાત છે. ધીમેધીમે આવા લોકો સમાજથી વિખુટા પડી જઈ એકલતામાં સરી જાય છે. ખરેખર જરૂરત હોય ત્યારે કોઈજ સાથે હોતું નથી.
આપણી પાસે જેમજેમ સહુલતો વધતી ગઈ તેમતેમ આપણે વ્યસ્ત થતા ગયા. આ કારણે ખરેખર તો સમયનો બચાવ થાય છે, કામ સરળ થાય છે. વધુ સમય મળવો જોઈએ. તેના બદલે વિરુદ્ધ થઇ રહ્યું છે. લોકો બીઝી થઇ રહ્યા છે. કે પછી વધુ મેળવવાની દોડમાં પોતાને અને આજુબાજુ વાળાને ભૂલી રાય છે તે નક્કી કરી શકાતું નથી.
કારણ ગમે તે હોય પરંતુ માણસ માણસથી દુર થઇ રહ્યો છે. અને એકબીજાને તેમની જરૂરીયાત અને હુંફ આ કોવીડના કપરા સમયમાં લોક ડાઉનમાં સમજી ગયું.
આજ ગેઝેટ્સ, ઓન લાઈન, ઈન્ટરનેટ બધું માણસને કારણ અકારણ વ્યસ્ત કરતા ગયા. તેમાં સોશ્યલ મીડિયા સાથેનું બંધન નજીકના લોકોને એકબીજાથી દુર કરતુ જાય છે. માણસને રોબેટિક લાઈફમાં જીવતો કરી મુકે છે. સોશ્યલ મીડિયા દ્વારા પોતાને સહુની સાથે ગણે છે પરંતુ સાચી જરૂરિયાતમાં એ બધા હંમેશા કામ આવે તેવું જરૂરી નથી. જીવનની આવી એકલતા ડીપ્રેશન તરફ ધકેલે છે. એકજ ઓરડામાં બેઠેલા ચાર માણસો એકબીજા સાથે નહિ પણ દુર બેઠેલા લોકો સાથે સંપર્ક કરે તેમની વાતોમાં રસ ધરાવે અથવા તો પોતાની અલગ દુનિયામાં મસ્ત રહેતા જોવા સાવ સામાન્ય બની ગયું છે.
એમાય આજે જ્યારે માણસને સાચા હૂંફની જરૂરીયાત છે ત્યારે વ્યસ્તતાનો ખોટો દંભ ભારે પડે છે. જયેશ એક ખાનગી કંપનીમાં જોબ કરતો હતો. કોઈ કારણોસર ત્યાં ઘણા વર્કરો ને છુટા કરવામાં આવ્યા. કંપનીના નિયમ પ્રમાણે છ મહિના તેને પૂરો પગાર મળવાનો હતો. આથી આ સમયનો ઉપયોગ કરી તેણે ઘરે રહેવાનું નક્કી કર્યું. તેની પત્ની મેધાવીને સારી નોકરી હતી આથી બીજો કોઈ પ્રશ્ન નહોતો. આમ છ મહિના પસાર થઈ ગયા. આ દરમિયાન ઘરે રહીને એ આરામપ્રિય થઇ ગયો. મેધાવીએ તેને બીજે કામ શોધવાનું જણાવ્યું.
“થોડો સમય મને મારી રીતે લહેર કરવા દે સમય આવતા શોધી લઈશ, શું ઉતાવળ છે, અથવા તો મારે લાયક જોબ નથી કહી વાતને ઠુકરાવતો રહેતો. આમને આમ તે આળસુ બની ગયો. ટીવી અને ફોન બેજ સાથ તેના કાયમી બની ગયા. તેને કામ કરવામાં કોઈજ રસ નહોતો. પરિણામે મેધાવી સાથે તેને અણબનાવ રહેવા લાગ્યા. અમરિકામાં સોમથી શુક્રવાર સુધી બધાજ પોતપોતાના કામમાં બીઝી રહેતા હોય છે. આથી જયેશ ઘરમાં આખો દિવસ ટીવી સામે બિયરની બોટલો સાથે આરામ ફરમાવતો. વીકેન્ડમાં બીજાઓના ઘરે સામેથી પહોચી જતો. તેની આવી આદતથી લોકો પણ કંટાળીને તેનાથી દુર રહેવા લાગ્યા.
તે સમજી ગયો કે અકારણ કોઈના ઘરે જવું બીજાઓને પસંદ નથી, આથી નાશીપાસ થઇ લોકો સ્વાર્થી છે કહી બધાથી અલગ થવા લાગ્યો. હવે કોઈ જ્યારે પણ કહે કે ” કેમ છો? કામ કાજ કેમ ચાલે છે? કે હમણાથી દેખાતા નથી, તો જવાબ આપતો બહુ બીઝી રહું છું.” સમયસર ફોન પણ ઉપાડતો નહિ. આમને આમ સમાજથી પણ દુર થવા લાગ્યો. એક રીતે ડીપ્રેશનમાં ઘેરાઈ ગયો. નવરા લોકોને ડિપ્રેશનની બીમારી સહુ પહેલા થાય છે.
કામ કરવાની જરૂર ના હોય તો ફ્રી રહેવામાં કશું ખોટું નથી. પરંતુ આવા સમયમાં વ્યસ્તતાનો દોડ કરી પોતીકાઓથી પણ દુર રહેવું અને મદદ ના કરવી કે દેખાડો કરવો એ ખોટું છે. પોતે વ્યસ્ત છે એ બતાવવા કેટલાક લોકો જાણી જોઇને ફોન પણ નથી ઉપાડતાં. આવી કુટેવ ક્યારે બીજા માટે જાન લેવા પણ બની જાય છે તેની જાણ નથી રહેતી.
વિહંગને હંમેશા પોતાનું મહત્વ બતાવવાની ટેવ હતી. ફોનની બધી રીંગ પૂરી થાય પછીજ ખાસ જરૂરિયાત લાગે તો ફોન ઉપાડે, અથવા તો દસ મિનીટ પછી પાછો રીપ્લાય આપે. આમ કરવામાં પોતાનું મહત્વ વધારે છે તેવો બતાવવા પ્રયાસ કરતો. તેની પત્ની તેને કાયમ આ કુટેવ માટે ટોકતી પરંતુ ખાસ કોઈ અસર થતી નહોતી.
એક વખત તેની બહેનેને એક્સિડન્ટ થયો. બનેવીએ બ્લડ માટે વિહંગને ફોન કર્યો. બંને ભાઈ બહેનનું બ્લડ ગ્રુપ ઓ પેઝેટિવ હતું. નાના શહેરમાં બીજા પાસેથી લોહી મેળવવું અઘરું હોવાથી તેને ફોન કરી તાત્કાલિક બોલાવી લેવાની જરૂર હતી.
વીહંગે મિત્ર સાથે લંચમાં ગયો હતો, ત્યાં જાણીને ફોન લીધો નહિ. બાજુમાં બેઠેલા મિત્ર સાથેની વાતોમાં દાખલ ના પડે એ માટે ફોન સાઈલન્ટ કર્યો. લંચ પતાવી બનેવીને પાછો ફોન જોડ્યો. ત્યારે જાણવા મળ્યું કે તાત્કાલિક લોહી ના મળતા તેની બહેન કોમામાં જતી રહી હતી. એક નાની ભૂલ તેને આજીવન પસ્તાવો અને દુઃખ આપી ગઈ.
વ્યસ્તતાનો ડોળ કરી, ઘણું બધું મેળવવા આજનો માણસ જીવનની રેસમાં આંખે પાટા બાંધી દોડતો રહે છે. ઘણી બધું પાસે હોવા છતાં વધુ મેળવવાની હોડમાં રહે છે. આ બધું મળે ત્યારે મોટાભાગનો સમય નીકળી જાય છે. પછી એ ભોગવવા સમય નથી રહેતો. ત્યારે હતાશા માઝા મુકે તો નવાઈ નથી. આનાથી વિરુદ્ધ આટલી ભાગદોડ પછી પણ જ્યારે મનગમતું મળતું નથી ત્યારે દુઃખ બેવડાઈ જાય છે. અથવા તો કોઈ અંગત દુર જતું રહે છે. પરિણામે જીવનમાં પડતી અસર દુઃખ વધારી જાય છે.
આજકાલ ડિપ્રેશનની બિમારી ઇન્ડિયામાં પણ ફેલાઈ રહી છે. આજથી વર્ષો પહેલા ડીપ્રેશન નામને કોઈ ખાસ જાણતું નહોતું. આજે તો નાના બાળકો પણ આની અસર તળે આવી ગયા છે.
“ઓહ મને સ્ટ્રેસ થઈ ગયો છે” કહેવું જાણે ફેશન બની ગઈ છે. હજુ માંડ બોલતા શીખેલા બાળકોના મોઢે જ્યારે આવો શબ્દ ભલેને રમતમાં સંભળાય છતાં અપ્રિય લાગે છે. કારણ આ નિર્દોષતાથી બોલાએલ આ શબ્દ અને સમજ તેમની આવનારી ખુબસુરત જીંદગીમાં ડાઘ બની ઉભરાવવાની શક્યતાઓ વધારે છે. સ્ટેસ મનનો વહેમ છે માની તેનાથી દુર રહેવામાં ભલાઈ છે.
– રેખા પટેલ
Leave a Reply