ઈર્ષા વધી જાય ત્યારે પ્રગતિનો આંનદ છીનવાઈ જાય છે
આજે સાયન્સ સાથેની હરણફાળમાં માનવી ચાંદ ઉપર પહોચી ગયો, કલાકોમાં એક જગ્યાએ થી દુર બીજી જગ્યાએ જવાનો લાભ મેળવી રહ્યો છે. ઈન્ટરનેટને કારણે પળવારમાં હજારો માઈલ દુર બેઠેલાને સાંભળી શકવાનો, જોવાનો મોકો મેળવી વિશ્વને મુઠ્ઠીમાં ભર્યાનું સુખ પામી રહ્યો છે. મેડીકલ સાયન્સમાં શરીરના કોઈ પણ અંગને બદલી નાખવાથી લઈને મન ચાહ્યા બાળકને જન્મ આપવા સુધી પહોચી પોતાને ખુદા માનવા લાગ્યો છે. છતાં તેનામાં પશુતા વધતી જાય છે બદલાની ભાવના અને ઈર્ષા વધી રહ્યા છે.
પહેલા ઈર્ષા નહોતી સાવ એવું નથી. પરંતુ આજે દરેકની નાની મોટી ખુશી, વૈભવ અને લાઈફસ્ટાઈલનું જાહેરમાં પ્રદર્શન થવા લાગ્યું છે આથી આમ થવાનું કારણ અને સ્થાન વધી રહ્યા છે. આમ થતું રોકવા દરેકે જાતે મહેનત કરવી પડશે. વિશ્વમાનવ બનવા માટે હું માંથી બહાર નીકળવું જરૂરી છે. આપણે ભગવાન કે કોઈ મહાન આત્મા નથી છતાં પોતાનીની આસપાસના લોકોનું સારું વિચારી મદદરૂપ થવા પ્રયત્ન કરવામાં આવે તો પણ ઘણું બદલાઈ શકે છે.
મનુષ્ય સ્વભાવની વિષમતા છે કે દુર બેઠેલાઓની કે અજાણ્યા લોકોની પ્રગતિ કે ઉન્નતી જોઈ ખુશ થઇ શકે પરંતુ ઓળખીતા જાણીતા કે નજીકના લોકોની પ્રગતિની ઈર્ષા કરે છે. આજ સ્વભાવ તેને ખુશી આપી શકતો નથી. જે એની પાસે હોય છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતો નથી.
કોઈના વખાણ સાભળવાની શક્તિ વિકસાવવી એ પણ આર્ટ ઓફ લિવિંગ કહેવાય છે. જીવન જીવવાની કળા છે જેમાં કોઈની ખુશીમાં ખુશ થવાનું છે. આટલા નાનકડા બદલાવથી બીજાઓને આનંદ થસે, પોતાને સુખ મળે એ નક્કી છે. આ માટે દરેક જણે કોઈના પણ સારા કૃત્યને જાહેરમાં બિરદાવતા શીખવું પડે. આમ કરતા પરસ્પર માન અને પ્રેમ વધે છે.
બે બાળકો અને પતિ સાથે માલવી તેના પરિવારમાં ખુબ ખુશ હતી. પતિ હર્ષદ સારું એવું કમાઈ લેતો જેથી સામાન્ય રીતે કોઈ તકલીફ નહોતી. પરિવારમાં બીજા સગાઓ દુર રહેતા હતા, સહુ વારે તહેવારે મળતા અને એમજ ખુશીથી છુટા પડતા.
સમય પસાર કરવા, મિત્રો સગા સબંધીઓ સાથે સંપર્કમાં રહેવાના ઈરાદાથી માલવી ફેસબુક જેવા સોશ્યલ મીડિયામાં જોડાઈ. શરૂવાતમાં બધાને પોતપોતાની ખુશી, રોજીંદી એક્ટીવીટી ફોટાઓ વગેરે અહીના પ્લેટફોર્મમાં વ્યક્ત કરતા જોઈ એ પણ નાના મોટા બનાવો ફોટા બધું મુકવા લાગી.
સાવ અજાણ્યા લોકોને જેમના વિષે કોઈ ખબર નથી તેવા લોકોની પ્રગતિ અને પ્રસિદ્ધિ જોઈ ખુશ થતી તેમને ઓળખે છે એ વાત થી પોરસાતી. જાહેરમાં વખાણ કરતા થાકતી નહોતી. સાથે પોતાની કોઈ પોસ્ટ ફોટા ઉપર આવા જ પ્રતિભાવ મળતા ખુશ થઇ જતી. આમ જોતજોતામાં ઘણા મિત્રો બનાવી દીધા.
આ બધાથી વિરુદ્ધ જ્યારે ઓળખીતા કે અંગત સગાની કોઈ ખુશી કે પ્રગતિની વાત સોશ્યલ મીડિયા ઉપર જોતી ત્યારે બહારથી ખુશી વ્યક્ત કરતી પરંતુ અંદરથી કડવાશ અનુભવતી, અકારણ દુખી થતી. પોતાના કરતા બીજા પાસે વધુ છે એમ નાનીનાની વાતમાં ઈર્ષા કરવાની તેની આદત બનતી ચાલી. આજ કારણે જાણીતા મિત્રો અને સગાઓ માટે મનમાં કડવાશ વધતી ચાલી.
માલવીને માસીની દીકરી સ્નેહા સાથે ખુબ બનતું હતું. સ્નેહા ફેશન ડિઝાઈનર હતી આથી તેનું વર્તુળ અને ફેશન સેન્સ ઘણા વધારે હતા. સોશ્યલ મીડિયા ઉપર રોજરોજ તેની અવનવી પોસ્ટ, ફોટા અને તેની જાહોજલાલીની વાતો જોતી વાંચતી, તેને સ્નેહા માટે માન વધવાને બદલે કટુતા આવવા લાગી. જેની સાથે પહેલા ફોનમાં કલાકો વાતો કરતા થાકતી નહોતી તેની સાથે વાત કરવાનું ટાળવા લાગી. આમ અકારણ બહેન સાથેના મીઠાં સબંધોમાં ઓટ આવી ગઈ.
ખરેખર તો આપણા પોતાનો માટે ખુશ થવાનું હોય. તેમની પ્રગતિથી અભિમાન થવું જોઈએ. પરંતુ એના બદલે મોટાભાગના મુક્ત મને વખાણી કે સાંભળી શકતા નથી. એના બદલે જેમને કદી મળ્યા ના હોય કે નવીનવી ઓળખાણ થઇ હોય તેવા મિત્રો ના આજ લોકો બીજાઓ સામે વખાણ કરતા થાકતા નથી કે પોતાને તેમની સાથે સંબંધ છે તેવું બતાવવામાં ગર્વ અનુભવે છે.
કોઈની પણ માટે ખુશી અનુભવવી સારી આદત છે, પરંતુ જે લોકોને આપણે જાણતા નથી તેમની માટે આપણે ખુશ થઈ શકીએ છીએ તો પોતાનાઓ માટે કેમ નહિ? તેમની માટેજ આવો વિરુધ્ધ પ્રતિભાવ કેમ આવે છે. માણસ સ્વભાવની આજ વિષમતા છે. પછી જાતેજ વિચારી લઈએ છીએ કે સગાઓ કરતા મિત્રો ચડિયાતા છે. પરંતુ આમ થવાનું કારણ પણ આપણો સ્વભાવ માત્ર છે.
ઈર્ષા કેટલીક હદે આગળ વધવાનું કારણ બની જાય છે. કોઈ એકજ ક્ષેત્રમાં કામ કરતા બે જણ વચ્ચે બીજા કરતા આગળ નીકળવાની હોડમાં પોતાને શ્રેષ્ઠ પુરવાર કરવામાં કે વધુ પ્રાપ્ત કરવામાં કાર્યક્ષમતા વધી જાય છે. પરંતુ આ બધું એક હદમાં હોય તોજ પ્રગતિ કરાવે છે. બાકી દુઃખ અને અધોગતિ આપે છે. બીજાને નીચા દેખાડવામાં પોતાની જીત ના સમજતા પોતાને આગળ લાવીને ઊંચા થવાની વૃત્તિ એજ પ્રગતિ છે.
– રેખા પટેલ( ડેલાવર)
Leave a Reply