કરિયાવર મેરી લાડકી
દરેક માતાપિતાને સંતાન પોતાની જાત કરતા પણ વધારે વહાલું હોય છે. તેમાય દીકરી એટલે આહા! ઘર આખું મહેકાવતી જુહીની વેલ. તેની કિલકારીઓથી ઘર આંગણ સદાય ગુંજતું રહે છે.
દીકરીના જન્મ સાથેજ દરેક માતાપિતા મનોમન તેના દહેજની તૈયારીઓ કરતા હોય છે. દહેજ એટલે ધન દોલત નહિ પણ સંસ્કાર અને અઢળક વહાલનું ભાથું. દીકરી જેમજેમ મોટી થાય એમ એમાં વધારો થાય છે, સાથે દીકરીના વિદાયની કસક પણ વધતી જાય છે. એટલેજ કોઈ પારકી દીકરીના વિદાઈની વસમી વેળાએ પણ દરેકની આંખો ભીંજાઈ જાય છે. એ આપણા ઘરની જ્યોતિ નથી છતાં પણ આમ કેમ થાય છે?
કારણ એજકે આપણા દરેકના મનમાં ક્યાંક આ વિદાઈની વેળા કસક બની મોટી થઇ રહી છે. હું આ બાબતે સાવ ઢીલી છું. તેમાય હવે જ્યારે મારી દીકરીના લગ્નનાં દિવસો જેમજેમ નજીક આવતા ગયા તેમ આનંદથી બધી તૈયારીઓ કરવાની સાથે એક મા છાના ખૂણે આવનારી વેળાને યાદ કરી બેચેન કરતા ગયા. ક્યારેક કામ કરતા આંખોના ખૂણા ભીનાં થઈ જતા. ટૂંકમાં સુખ સાથે દુઃખનાં મિશ્રિત આંસુઓનો પરિભાષા અલગ હોય છે જે શબ્દોમાં વર્ણવી સહેલી નથી.
આજ સુધી ઘણા બધા આર્ટીકલ વાર્તાઓ અને કવિતાઓ લખ્યા. પરંતુ આજે વાત છે મારી દીકરી નીલિમાની,
મારી દીકરી મખમલી અહેસાસ ધરાવતું પારિજાતનું મઘમઘતું ફૂલ. જન્મથી લઇને આજ સુધી સતત અમને વળગીને રહેતી દીકરી પોતાનું ઘર વસાવી લે તેવી સુયોગ્ય થઇ, લગ્નની વેળા આવી ત્યારે હર્ષ સાથે કઈક છૂટી રહ્યું હોવાનો અહેસાસ પણ બરાબર થયો.
દીકરીના સુખમાં માતા પિતાનું મન તેની ખુશીઓને સ્વીકારી ખુશ રહે છે. છતાં લગ્ન એવીજ એક ઘડી છે જેમાં ખુશી સાથે દુઃખની કસક હોય છે. દીકરી કદીયે અંતરથી પારકી નથી થતી છતાં વિદાઈ વેળાએ તેને પારકી બન્યાનો અનુભવ સતત થાય છે. મુઠ્ઠીમાંથી હૃદય છટકી જતું હોય તેવું અનુભવતા હૈયા સાથે આંખો વરસી પડે છે.
અત્યારના સમયમાં બાળકો મોટા થતાની સાથેજ બહાર સ્ટડીઝ માટે નીકળી જાય છે. સાથે રાખવા કે રહેવાનો સવાલ નથી. છતાં લગ્ન પછી જાણે હાથમાં જકડી રાખેલું મનગમતું કશુંક કોઈના હાથમાં સ્વેચ્છાએ સોપવાનો ભાવ આવી જાય છે.
દીકરી એટલે મીઠા જળનું માનસરોવર જેના સ્નેહમાં ડૂબકી લગાવી દરેકને તૃપ્તિનો અહેસાસ થાય છે. માતા પિતાના ઘરે જુહીની મઘમઘતી વેલ અને આંગણ તુલસીનો છોડ બની આભા ફેલાવતી દીકરી સાસરે જાય ત્યારે અચાનક ધેધુર વડલા સમી બની જાય છે. તેની છાયામાં બંને પરિવાર શીતળતાનો અનુભવ કરી શકે છે. એક સાથે બે પરિવારને સમાવી લેવાની તાકાત કોણ જાણે તેનામાં ક્યાંથી આવતી હશે! ખુબ અભિમાન સાથે લખું છું કે મારી દીકરી મારા કરતા તેની સાસુની વધારે પ્રિય થઇ રહી છે. ખુબ ખુશ છું કે દીકરીને અમારા કરતા પણ વધુ પ્રેમ આપે તેવી સાસરી મળી છે. લગ્નના આખા પ્રસંગ દરમિયાન કોણ શું કરશે! કોને શું ગમશે,થી લઈને દરેક કામને સમયસર કેમ પૂરું કરવું એ બધાની ચિંતા મારી દીકરીને કરતી જોઈ ત્યારે એક મા તરીકે મને અભિમાન થયું છે. મને દીકરાની ખોટ ના ક્યારે લાગી છે નાં કદી લાગશે. દીકરા કરતા સવાઈ મારી દીકરી એ મારી સમજ સો ટકા સાચી પડી.
દીકરી જેમજેમ મોટી થાય તેમતેમ લાગણીઓમાં વધારો થતો જાય છે. પરણવા લાયક થતા તેને લગ્નમાં આપવા માટેની વસ્તુઓ પણ વધતી જાય છે. આમ મેં પણ ઘણું ભેગું કરી રાખ્યું છે. પરંતુ જ્યારે એ બધાનો પથારો કરી તેને બતાવું છું ત્યારે એ કહે છે ” મોમ હું આ બધું નથી પહેરવાની, હું કશુજ સાથે નથી લઇ જવાની. તું પ્લીઝ મને કશુંજ નાં આપીશ.”
દીકરીને કેમ સમજાવવી કે આ વસ્તુઓ માત્ર નથી માનો પ્રેમ છે જે તારો કરિયાવર છે. અમારા પછી બધું તમારું છે છતાં આજે કશું ના આપી હું મને ગુનેહગાર કેમ બનાવું! એક પત્રમાં મારી તમામ લાગણીઓ તેને કરિયાવર સ્વરૂપે ભેટમાં આપી હું મારો હક અને ફરજ બંને નિભાવું છું. હું જાણતી હતી કે રીસેપ્શન વેળાએ દરેકના આભાર સાથે દીકરી વિષે બે શબ્દો કહેવા શક્ય નહોતા આથી મનની તમામ ભાવનાઓને એક ગીતમાં વ્યક્ત કરી જેને જાણીતા ગુજરાતી ગાયક કીર્તીદાન ગઢવીએ સ્વર આપ્યો જે મારી એની માટેની ભેટ હતી.
લગ્ન પ્રસંગ તો સ્નેહીજનો, મિત્રોના સાથમાં રંગેચંગે ઉજવાઈ જાય છે. આ માટેની પૂર્વ તૈયારીઓ પણ સહુના સાથમાં ઇચ્છિત રીતે થતી જાય છે. ત્યારે લાગતો થાક હાશ એક કામ પત્યું નાં અહેસાસમાં ઓગળી જાય છે. પરંતુ સાચો માનસિક અને શારીરિક થાક લગ્ન પછી અનુભવાય છે. એમાય જો એકલે હાથે બધું આટોપવાનો સમય આવે ત્યારે આ બધું બેવડાઈ જાય છે. એક તો દીકરીની વિદાઈનું દુઃખ અને ઉપરથી અસ્તવ્યસ્ત ફેલાએલું ઘર કોઈ અંગત હુંફ શોધે એમાં કોઈ નવાઈ નથી. મારી આ લાગણીઓને વાચા આપતું આ કાવ્ય પણ ઘણું કહે છે.
કેટલું અઘરું !
દીકરીની વિદાઈ પછી
સાવ પીંખાઈ ગયેલા ઘરને
ફરી ફરી સુવ્યવસ્થિત કરવાનું,
કામના બોજ હેઠળ
ઢબૂરાઈ ગયેલી લાગણીઓને
રહી રહી વાચા આપવાનું
કેટલું અઘરું? કેટલું અઘરું!
એમાં વળી
અઢળક કામ વચમાં
કંઈ પણ ના સૂઝે
ત્યારે,
ક્યાં કરું, શું કરું? અસમંજસમાં
શરીર સાથે મન અટવાય
સમજાવવું એને કેટલું અઘરું!
પ્રસંગના ઓવારણા લેવાને,
સહુ કોઈ ચાલે સાથે
ત્યારે,
થાક ના એકલતા લાગે.
પછી સાવ ખાલી પડેલા ઘરને,
એકલા હાથે જરી જરી ભરવાનું.
ને, પછી સાચુ ખોટું હસતા રહી
ફરી એમજ જીવવાનું
કેટલું સહેલું? કેટલું અઘરું!
મારી દીકરી સદાય ખુશ રહેજે, સુહાગણ રહેજે. જીવનમાં આવનારા સૂર્યોદય વેળાએ અનંત પ્રેમ સાથે વિસ્તરેલ નિર્મળ “આકાશ” તેની “નીલિમા”ને કાયમ સાચવી લેશે તેવી અતુટ આશા સાથે વિદાઈ વેળાએ આશીર્વાદ આપી ખુબજ ઘન્યતા અનુભવવા સાથે નીલિમા અને આકાશને અંતરના આશીર્વાદ મળતા રહે તેવી ભાવના સાથે આજનો લેખ સહુને અર્પણ. મારી લાગણીને વાચા આપવા દેવા બદલ રાષ્ટ્રદર્પણનાં તંત્રી શ્રી રવીન્દ્રભાઈ અને દિવ્યાબહેનની ખુબ આભારી છું.
– રેખા વિનોદ પટેલ (ડેલાવર)
Leave a Reply