સફળતા માટે સ્પર્ધા જરૂરી નહિ કે ઈર્ષા
સફળતા અને સંતોષ બંને પરસ્પર વિરોધી છેડા છે. સફળતા અને સુખ બંનેને એક સાથે રાખવા એજ સાચી સફળતા છે. કારણ તેને પ્રાપ્ત કરવા ઘણું ગમતું છોડવું પડે છે. ગમતાઓમાં પણ જાણે અજાણે અપ્રિય થઇ જવાય છે.
સફળ થયા પછી સહુમાં એક સરખુ પ્રિય થઇ રહેવું એજ મોટી સફળતા. આમ થવું અઘરું છે કારણ સફળ વ્યક્તિ દરેકને ખુશ કરી શકતી નથી. એકની ઊંચાઈ બીજા કોઈની હાર પણ હોઈ શકે છે.
સફળતા અને નિષ્ફળતા માટે ઘણા કારણો જવાબદાર હોય છે. ખરેખર તો નિષ્ફળતા એજ સફળતાની પહેલી સીડી છે. મુખ્ય કારણ ઉતાવળે લીધેલા નિર્ણયો સાથે બેજવાબદારી સાથે ઈર્ષા હોઈ શકે છે. બીજા કરતા વધારે ઝડપથી આગળ નીકળી જવાની હોડમાં અવળા માર્ગે દોરવાઈને હાથે કરી નિષ્ફળતા વહોરે એવા ઘણા દાખલાઓ નજર સમક્ષ જોવા મળે છે.
આ જમાનો કટ્ટર સ્પર્ધાનો છે. તંદુરસ્ત હરીફાઈ હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી પરંતુ સ્પર્ધામાં ઈર્ષા, લોભ,અદેખાઈ, સ્વાર્થ, વગેરે દુર્ગુણો ત્યારે આવી જાય સફળતા સાથે અસંતોષ અને દુઃખ આપોઆપ જોડાઈ જાય છે. હરીફાઈમાં સ્પર્ધા સરખેસરખા વચમાં થાય તો આગળ વધવાનો જોશ ઉમેરાય છે. કઈક અલગ કરવાની પ્રેરણા મળે છે.
“સફળ થવા માટે અંગત સ્પર્ધા છોડી મુક્ત વિચારો દ્વારા આગવી સુઝબુઝ અપનાવી, ગમતું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો પ્રસિદ્ધિ અને પ્રાપ્તિ ચોક્કસ પાસે આવે છે.”
ઊંચાઈ પ્રાપ્ત કરવા બીજાને દાબી દેવા એજ પતનનું સહુથી મોટું કારણ બને છે, એના બદલે તેનાથી આગળ નીકળી જવા માટેની હામ એકઠી કરે એ ચોક્કસ આગળ નીકળી શકે છે.
સફળતાને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. દરેક ક્ષેત્રમાં આગળ આવવા અલગઅલગ પરિબળો ભાગ ભજવે છે. જેતે ક્ષેત્રમાં નિપુણતા સાથે એકાગ્રતા યશ અપાવે છે. સફળતાના માપદંડમાં સ્ત્રી પુરુષના ભેદભાવ નથી. જેમ દરેક કાર્ય કરવામાં સક્ષમ સ્ત્રીઓ પુરુષોને ટક્કર આપી રહી છે તેમ બીઝનેસ અને કમાણીના ક્ષેત્રે પણ સ્ત્રીઓની પ્રગતિ નોંધપાત્ર છે.
મહિલાઓ હંમેશાં સૌંદર્ય, આંતરિક તાકાત અને બુદ્ધિનો સંગમ ધરાવે છે. પુરુષ પાસે જેમ શારીરિક બળ છે તેમ સ્ત્રી પાસે સુંદરતાનું અમોધ શસ્ત્ર છે, સાથે જીવનના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સફળતા ઉડીને આંખે વળગે છે. એ સાબિત કરે છે કે સ્ત્રીઓ માત્ર સુંદરતાના જોરે આગળ નથી તેમની મહેનત અને બુદ્ધિ પણ દાદ માંગીલે તેવી હોય છે.
પ્રતિષ્ટા અને સફળતા ક્યારે કોના કદમ ચૂમે તેનું બંધન નથી હોતું. ઉંમરનાં હિસાબે આ બધું નક્કી નથી કરી શકાતું. ૧૯૮૭માં માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બીલ ગેટ્સ ૩૧ વર્ષે અજબોપતી બન્યા, ૨૦૦૮માં માત્ર ૨૩ વર્ષની ઉંમરે માર્ક ઝુકરબર્ગે પોતાની મહેનતથી અજબોપતીની પદવી મેળવી હતી. એ બધાને પાછળ ધકેલી ૨૦૧૮માં ૨૧ વર્ષની અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કાઇલી જેનર આગળ આવી ગઈ. તેનો જન્મ ૧૯૯૭માં થયો છે. ૨૧ વર્ષની નાની ઉંમરે આપ મેળે પોતાની આવડતથી અબજોપતિ બની ગઈ.
ન્યુયોર્કથી બહાર પડતા અમેરિકન વ્યાપાર સામાઈક ફોર્બ્સના સમાચાર અનુસાર, અમેરિકાની કાઇલી જેનર સૌથી નાની ઉંમરમાં અરબપતિ બની ગઇ છે. જેની સંપતિની કિંમત આશરે ૬૫૦૦ કરોડ રૂપિયા અંકાઈ હતી. જેણે પોતાની કોસ્મેટીક કંપની પણ શરુ કરી જેમાં આવડત અને તેની પોપ્યુલારીટીને કારણે એની એ કંપનીની કિંમત ત્રણ વરસમાં ૯૦૦ મિલિયન ડોલર થઇ ગઈ.
કાઈલી જેનર વ્યવસાએ મોડેલ અને ટીવી સ્ટાર છે. મ્યુઝીક આલ્બમમાં જાણીતું નામ છે. ફેશન રીપોર્ટમાં ૨૦૧૮માં સૌથી પોપ્યુલર સેલીબ્રીટી તરીકે તેનું નામ ઘોષિત થયું હતું. સોશ્યલ મીડિયામાં તેનો જબરજસ્ત પ્રભાવ છે. પ્રથમ દસમાં વધારે ફોલોઅર્સમાં તેનું નામ આવે છે. તેની સુંદરતા અને લોકપ્રિયતાની સીધી અસર તેના બિઝનેસ ઉપર સીધી પડે તે સ્વાભાવિક છે. દેખાવ અને વર્તન સાથે લોકપ્રિયતાની અસર પણ સફળતા ઉપર ખુબજ રહેલી છે. એજ રીતે સફળ વ્યક્તિઓ પણ લોકપ્રિય બનીજ જાય છે. તેના કપડા અને ધારણ કરેલી ચીજવસ્તુઓ ફેશન બ્રાંડ બની જાય છે.
આ બધું મેળવવા તેણે માત્ર ૧૭ વર્ષની ઉંમરે ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવ્યું હતું. સૌદર્યપ્રસાધન ઉદ્યોગમાં તેનું પ્રથમ સાહસ હતું. નાની વયે માર્કેટિંગ અને તેની વ્યૂહરચનાઓ સમજી તેમાં ક્રાંતિ લાવી જોત જોતામાં બિલીયોનર બની ગઈ.
વ્યક્તિની સફળતાથી ખુશ થનારની સંખ્યા ઓછી હોય ત્યારે માનવું કે બહુ ઝડપથી પ્રગતિ થઇ રહી છે. કારણ લોકો આ વાત આટલી ઝડપથી પચાવી શકતા નથી. અજાણ્યા કે દુરના ઓળખીતાની પ્રગતિ કે સફળતા જોઈ લોકો ખુશ થાય છે, ખુલ્લેઆમ વખાણ કરે છે. પરંતુ આજ પ્રગતિ સગા સબંધી કે જાણીતા વ્યક્તિઓની થાય તો પીઠ પાછળ વાત કરવાની કે ઈર્ષા કરવાની તક તેઓ જવા દેતા નથી. આગળ વધતા રહેવા વ્યક્તિએ શીખ લેવી પરંતુ ખોટા વખાણ કે ટકોરના વમળમાં ના અટવાઈ ઘ્યેયને વળગી રહેવું એ મૂળભૂત નિયમ છે.
સફળતા એ કઈ પરંપરાગત વારસામાં મળે એ જરૂરી નથી. લાખોની સંખ્યામાં લોકો આપમેળે આગળ આવ્યાના દાખલાઓ પડ્યા છે. આવુજ એક બીજું નામ છે વિનોદ ખોસલા. જે દિલ્હીમાં આઇઆઇટીમાં ગ્રેજ્યુએટ થયા બાદ અમેરિકા આવ્યા. અહી દુનિયાભરમાં વિખ્યાત કોમ્પ્યુટર, સોફટવેરની સનમાઈક્રોસીસ્ટમ કંપનીમાં કો ફાઉન્ડર તરીકે સ્થાન પામ્યા.
માત્ર બુધ્ધિ સાથે લઈને અમેરિકામાં આવેલા વિનોદ ખોસલાએ મહેનત અને ખંતથી પરદેશમાં પોતાનું નામ બનાવ્યું. અહી આવ્યા બાદ નોકરી સાથે વધુ અભ્યાસ કરી ખોસલા વેન્ચર્સ નામની ધિરાણ કંપની બનાવી. પત્ની નીરુ ખોસલા સાથે મળી સીએસ ફાઉન્ડેશનની સ્થાપના કરી. કેલીફોર્નીયાની સિલિકોન વેલીમાં ગ્રીન વેન્ચર કેપીટાલીસ્ટ તરીકે ઓળખાતા વિનોદ ખોસલા ૨૦૦૩મા ફોબ્સની સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોની યાદીમાં પ્રથમ ભારતીય હતા. એ સમયે વિનોદ ખોસલા અને તેમના પત્ની નીરૂએ તેમની અડધી સંપત્તિ દાનમાં આપી દેવાની જાહેરાત કરી હતી.
સંપતિ હોવી કે પામવી એ સાથે મહત્વનું છે કે તેને કેવી રીતે વાપરવી. પોતાના મોજશોખ દેખાડા પછી પણ વધેલી સંપતિને જે સમાજમાંથી મેળવી છે ત્યાં જરૂરિયાતો ધરાવતાને પાછી આપવી એ માનવતાનું કાર્ય છે.
આજ બતાવે છે કે સફળતા મેળવ્યા પછી તેને પચાવતા પણ શીખવું જરૂરી છે.
સફળ વ્યક્તિએ માત્ર આગળ નજર ના રાખતા પોતાની પાછળ ટેકા રૂપે રહેલા હાથોને પણ ઘ્યાનમાં રાખવા જરૂરી છે, તોજ તેની મહત્તા ગણાય છે. કોઈની પ્રગતિ જોઈ ખુશ થવાનો ગુણ દરેકે જાતેજ અપનાવવો જોઈએ તોજ વ્યક્તિની પોતાની પ્રગતિ શક્ય બનશે.
ઈર્ષા કરનારો માણસ કદી આગળ વધી શકતો નથી, તેની નકારાત્મકતાની અસર આખા પરિવાર ઉપર પડે છે. આ ઈર્ષા સમાજ અને કુટુંબ બંનેમાં વ્યક્તિને અપ્રિય બનાવી મુકે છે. મનથી નિષ્ફળ બનેલી વ્યક્તિ સફળ થવાના દરવાજા પોતાની હાથે બંધ કરી મુકે છે. જ્યાં સુધી માણસ મનથી સ્વસ્થ નહિ હોય ત્યાં સુધી હકારાત્મક વિચારો સાથે પ્રગતિ નહિ કરી શકે.
જો સાચા અર્થમાં સુખ અને સફળતા સાથે જોઈએ તો જે કરવાથી ખુશી મળે, જેમાં વિશ્વાસ હોય તે માર્ગ અપનાવવો. સો ટકા મનથી અને વિશ્વાસથી બનેલો પાયો મજબુત ઇમારત બનાવી શકે છે. કામ કામને શીખવે છે એજ રીતે ભૂલ ભૂલને સુધારે છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply