પાનખરનું સજીલું રૂપ
પતઝડ સાવન વસંત બહાર.. એક બરસકે મોસમ ચાર.
પાનખર ઋતુ, ઉનાળા પછી ચોમાસાની ભેજ અને આળસ મૂકી શિયાળાના શરૂવાતની મીઠી ગુલાબી ઠંડક લઈને આવતી આહલાદક ઋતુ છે.
એમાય અમેરિકામાં આ ઋતુ બહુ રંગીન હોય છે. અહી આવી જેણે પાનખર નથી જોઈ તેને ઘણું ગુમાવ્યું છે. પાનખરમાં વૃક્ષો અદભુત રૂપ ધારણ કરે છે, જાણે રંગોનો મેળો ભરાયો હોય. કુદરત પણ કોઈ ફેશન કોમ્પીટીશનમાં ઉતરી હોય એવું સજીલું વાતાવરણ લાગે છે. પાનખર વૃક્ષો એક આશ્ચર્યજનક રીતે જાણે કે તેમના આખા વર્ષ સાચવી રાખેલા શ્રેષ્ઠ કપડાં પહેરે છે. એ પણ ઉતારી નાખવા માટે.
રંગો ઘારણા કરવા માટે અમેરિકન ઓક ઉત્તમ વૃક્ષ છે, જે આખું વર્ષ હર્યું ભર્યું સુંદર દેખાય છે. અને પાનખરમાં આખું વૃક્ષ લાલ રંગથી શોભી ઉઠે છે. જાણે કોઈ નવોઢા પિયુને મળવા ઉતાવળી બની હોય. કેસરી રંગે રંગએલા વૃક્ષો સવારના ઉગતા સુરજમાં જાણે આગની લપટો હવા સાથે હેલે ચડી હોય તેમ જણાય છે. આ દ્રશ્ય મારું ફેવરીટ છે.
ચાર દિનકી ચાંદની, ફિર અંધેરી રાત, બસ પાંદડા ખરતાં રંગીનીયા બધીજ વિખેરાઈ જાય છે. જાણે કે વૃક્ષો કોઈ વિરહિણીની માફક બધોજ શણગાર ખેરવી નાખે છે. પાંદડા વિનાની સાવ નગ્ન ડાળીઓ જીવનના અંતિમ સ્વરૂપને સામે લાવી મુકે છે. જે આવ્યું છે તે બધુજ એક દિવસ જવાનું છે. એક વૈરાગ્ય ભાવ આપી જાય છે. સંધ્યાની લાલીમા જે આખા દિવસનાં પ્રકાશને ઝાંખો પાડી દેતી સુંદરતા લઈને આવે છે એવીજ આ ઋતુ છે.
ભારતમાં પોષ કે માઘ મહિનામાં આવતી પાનખર અમેરિકામાં સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં આવે છે. યુરોપમાં પણ પાનખર આવે છે છતાં અમેરિકા જેટલી ભવ્યતા નથી દેખાતી. પાનખરને અહી ફોલ કહેવાય છે. ફોલ એટલે કે પડવું, ઉનાળા દરમિયાન લીલી વનરાજીમાં શોભતો અમેરિકાનો આખો ઇસ્ટ કોસ્ટ ફોલની શરૂવાતમાં ભવ્યતા ધારણ કરે છે. આ તરફ કેનેડાની બોર્ડરથી લઈને છેક એટલાન્ટા સુધી રંગોની દુનિયા અદ્ભુત દેખાય છે.
ન્યુ યોર્કમાં આવેલ લેક પ્લેસીડ, મેઈનમાં આવેલ અકેડીયા નેશનલ પાર્ક, વર્મોન્ટનું ગ્રીન માઉન્ટેન નેશનલ પાર્ક, કનેટીકટ, ન્યુ જર્સી વર્જીનીયા, નોર્થ કેરેલીના બધીજ જગ્યાઓ રોડની બંને બાજુએ આવેલી વૃક્ષોની હારમાળાઓ જાણે જતા આવતા દરેકના સ્વાગતમાં હાથ ફેલાવી ઉભી હોય તેવો ભાસ કરાવે છે. એમાય પહાડી એરિયામાં આ સમય અદ્ભુત હોય છે. આખા ઢોળાવો મિશ્રિત રંગોથી છવાએલા દેખાય છે. યુરોપથી આ દરેક જગ્યાઓ ઉપર પર્યટકો ખાસ્સી માત્રામાં આવતા હોય છે.
જોકે અહી જગ્યાની કોઈ ખોટ નથી આથી કુદરત પણ મહેરબાન છે. ઠેરઠેર જંગલો અને વનરાજી છે. આ બધું સાચવવા માટે અહીની ગવર્મેન્ટ પણ ખુબ સતર્ક રહી છે. જેના કારણે કુદરતી સૌદર્ય હજુ પણ ટકી રહ્યું છે. ફોલની સિઝનને અનુરૂપ ટ્રાવેલ કંપનીઓ તેમના ખાસ રુટ નક્કી કરતી હોય છે. જેમાં આ સીઝનનો ભરપુર લાભ લઇ શકાય છે.
ફોલમાં હંમેશા એક વાતનું દુઃખ ઊંડે દિલમાં થયા કરે છે. લીલુડાં હર્યાભર્યા વૃક્ષો જોતજોતામાં સાવ પીંખાઇ જઈ બુઠાં થઇ જાય છે. ડાળીએથી લાલ પીળા અને ભૂખરા પાંદડા ખરખરના અવાજ સાથે નીચે પડે છે. ચોતરફ જાણે પાંદડાઓ જાજમ પાથરી ભીષ્મપિતામહની માફક પોતાની બાણસૈયા જાતે સજાવે છે. દુઃખમાં પણ સુખનો અનુભવ કરાવે એજ પાનખર. ઉદાસીની ક્ષણો વચમાં હવાના ઝોકાં સાથે દડબડ દોડતા પાંદડા જાણે એક સાથે હજારો બાળકો પકડાપકડી રમી રહ્યા હોય તેવો આભાસ કરાવે છે અને મન ફરી પાછું ઝૂમી ઉઠે છે. ફરી બાળક બની પેલા પાંદડાઓ પાછળ દોડવા ઉતાવળું બને છે.
ડીસેમ્બર આવતા સુધીમાં વૃક્ષો સાવ બુંઠા થઇ જાય છે. માત્ર દેવદાર, હોલી, ડ્રાફ્ટ જાસ્પર, ક્રિસમસ ટ્રી, વિલો જેવા વૃક્ષો ટકી શકે છે. બાકીના ફરીથી લીલુડાં થવા સ્પ્રિંગ એટલે કે માર્ચ એન્ડની રાહ જુવે છે.
પાનખરમાં ભલેને વાતાવરણ ઠંડુ પડી જાય છતાં બહાર ચાલવા જવાનો મોહ છોડી શકાતો નથી. મન ભરીને આ રંગોની દુનિયાને આંખોમાં સમાવી લેવા મોર્નિંગ વોક જેવો કોઈ સમય નથી. આ દિવસોમાં ચાર સાડાચાર સુધીમાં સુરજ ઢળવા લાગે છે. બસ આજ એક ના ગમતો સમય છે કે ઉનાળાની બહારની એક્ટીવીટી શિયાળામાં સાવ બંધ જેવી થઇ જાય છે.
ઉનાળા દિવસો દરમિયાન સવાર સાંજ બહાર જવું, બાગકામ વગેરે થઇ શકે છે, જે પાણી ભરેલા ગ્લાસને બરફમાં ફેરવી નાખતી કાતિલ ઠંડીમાં કરવું અશક્ય છે. જેઓ માત્ર ઘરે રહેતા હોય તેમની માટે સમય પસાર કરવો મુશ્કેલ બની જાય છે. આવા સમયે કોઈ શોખ કે ગમતી પ્રવૃત્તિ કામ લાગે છે. બાકી ઘણાને અહીના શિયાળામાં ડીપ્રેશન આવી જવાનો ભય રહે છે.
ઠંડીની શરૂવાત થતા બધા સાઉથ તરફ ગરમી ઘરાવતી જગ્યાઓ તરફ પ્રયાણ કરી જાય છે. ઉનાળામાં પંખીઓનાં ટહુકા જે દિવસની શરૂવાત કરતા એ હવે સાવ બંધ થઇ જવાના એ વિચારે ઘડીક ઉદાસી છવાઈ જાય છે.
પાનખર રંગીનીયા ભરી આવી,
ચોતરફની લીલોતરી સંધ્યાની લાલીમાં લઇ આવી.
સવારથી લઇ સાંજ સુધી
સરસર સરકતો લાંબો તડકો
વહેલો સંકોરાઈ જવા ટૂંકાઈ ગયો.
રોજ ખુલ્લી રહેતી બારી બંધ થઇ,
જે સવારમાં ખુલતી, સામેના વિપીંગ વિલો ઉપર
પંખીઓ, મીઠું ટહુકતા.
મારે તેમની સાથે, રોજની સંગત હતી.
હું માનતી પંખીઓ સાવ અબુધ છે,
પણ એ, બહુ શાણા નીકળ્યા.
હવા બદલાતી જોઈ
સંપ કરીને ઘર છોડી ગયા.
અને જાતી વેળાએ કરેલા ટહુકામાં
કોણ જાણે એવું તો શું કહી ગયા,
કે એ ઝાડ, બધાય પાનાં ખેરવી બહુ રડયું.
હું, ના પંખી બની ઉડી શકી
પાંદડા ખેરવી ના રડી શકી.
આજે કાચની બંધ બારીની અંદર,
ટહુકા સાંભળવાની રાહમાં
બારી ખોલવાની ચાહમાં….હું,
ફરી આશાઓ ભરેલી આંખે બેઠી છું…
નવેમ્બર મહિનાના છેલા ગુરુવારે થેક્સ ગિવીંગ આવે છે. આપણે ત્યાં જેમ વસંત પંચમીની ઉજવણી કરાય છે. એજ રીતે એને મળતો આ તહેવાર હાર્વેસ્ટ દિવસ તરીકે ઊજવાય છે. શિયાળાની શરૂઆત થતાં પહેલાં બધા પાકની લણણી કરી લેવાની હોય છે. તો એને યાદગાર બનાવવા અહીંના ખેડૂતો આ દિવસને માનભેર ઊજવે છે અમેરિકનોમાં આ દિવસે ખાસ થેક્સગિવિંગ ડિનરનો મહિમા રહેલો છે , જ્યાં આખું ફેમિલી એકસાથે ડિનર ટેબલ પર બેસી પ્રાર્થના કરી સૌપ્રથમ ગોડનો આભાર માને છે. એકબીજાને તેમનાં હેલ્પ અને કાઇન્ડનેશ માટે થેક્યું કહે છે, ગિફ્ટ આપે છે, ઘરમાં અંદર અને બહાર આ તહેવારને અનુરૂપ ફોલ રંગ એટલે કે લાલ પીળા અને કેસરી લીલા જેવા રંગોથી સુંદર સજાવટ કરે છે. ટૂંકમાં, આભાર વ્યક્ત કરવાનો આ દિવસ અનોખી રીતે ઊજવાય છે. થેક્સગિવિંગના દિવસે ટર્કી નામના પક્ષીનું માંસ રાંધીને ખાવાની પ્રથા પડી ગઈ છે. આ દિવસથી શરૂ થઈ છેક ક્રિસમસ સુધી અમેરિકામાં ઉત્સવ જેવો માહોલ રહેતો હોય છે. આ સમય બરાબર આપણી દિવાળીના નવા દિવસોને યાદ અપાવી જાય છે.
ટૂંકમાં અમેરિકાની પાનખર ખરેખર માણવા જેવી ઋતુ છે. સમય હોય તો કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરતા સ્વર્ગનો અનુભવ થાય તે જરાય ખોટું નથી.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply