સમજણનો સેતુ
એકલતા હોય કે મેળાવળામાં દરેક વ્યક્તિને સ્વજનોના હુંફની જરુરુ પડે છે. સબંધોને સાચવવા માટે થોડું ઘણું જતું કરવાની તૈયારીઓ રાખવી પડે છે. જરાક અમથી ગેરસમજ પણ ગમતા સુખને હડસેલો આપે છે.
જીવનમાં સંબંધોનું સાચું સ્વરૂપ ત્યારે સમજાય જ્યારે તકલીફના સમયમાં પોતાનાં સાથ છોડી જાય. જ્યારે મીઠા સબંધોમાં જરાક અમથી ખટાશ ઉમેરાઈ જાય છે. નાની અમથી ગેરસમજ પણ વર્ષોના પ્રેમમાં આંટી લાવી દે છે.
પંપાળ્યો સબંધ ખુબ સમજણ દાખવી, ત્યારે બહુ ફાલ્યો ફૂલ્યો,
સૂકાં પાન જરાક ચૂંટ્યા, ત્યાંતો ભૂલી લીલાશ ગુસ્સામાં ઝૂલ્યો.
માણસનો સ્વભાવ છે એ પોતાની કુટેવોને સહેલાથી ઓળખી શકતો નથી. અંગત વ્યક્તિ વખાણ કરે તો બહુ ખુશ રહે છે, પરંતુ જો એ કોઈ ભૂલ સામે આંગળી ચીંધે તો રુંવાડે આગ લાગી જાય છે.
જીવનમાં દરેકને ગમતી સ્થિતિમાં ગમતી વ્યક્તિઓ સાથે હક કરવાની મઝા અલગ હોય છે. મનગમતું જીવન જીવવાનો દરેકને હક રહેલો છે. છતાં ગમતા સાથે જીવવા માટે થોડું ઘણું જતું કરવાની ભાવના પણ હોવી જરૂરી છે.
બે વ્યક્તિ જ્યારે સાથે હોય ત્યારે તેમના વિચારો ગમો અણગમો સરખો ના હોય તે સ્વાભાવિક છે છતાં લાંબો સમય વ્યતીત કરવા માટે એકબીજાને અનુરૂપ થવું જરૂરી છે. આમ ના થાય તો બે માંથી એકને પરાણે સાથ આપવાનો અનુભવ સતત થયા કરે છે પરિણામે જાણે અજાણે કડવાશ ઉભી થાય છે.
જ્યારે પણ લાગે કોઈનો સંગાથ અસહ્ય થઇ રહ્યો છે ત્યારે સત્વરે તેનાથી દુર જવામાં ભલાઈ છે. આમ કરવાથી બે ફાયદા થાય છે. એક તો સબંધમાં કડવાશ વધતી અટકી જાય છે. જેથી છુટા પડ્યા પછી પણ ક્યારેક સામસામે નજર મળે તો મન સ્વચ્છ રહે. બીજું આગળ વધુ સારું વિચારવા રસ્તો મોકળો બને. જોકે આ બધું સામાન્ય સબંધોમાં કામ લાગે છે.
જેની સાથે જીવનભરના સબંધો હોય ત્યાં આ થીયરી કામ ના લાગે, ત્યાં તો સલાહ અને સમજ અને સહનશીલતા કામ લાગે છે. સમજુ વ્યક્તિ આવી સ્થિતિમાં ચુપ રહે છે, સામા પક્ષે ઉતાવળિયા અવિવેકી બની સામો વિસ્ફોટ કરે, ગુસ્સામાં ભાન ભૂલી અણછાજતું વર્તન કરી બેસે. ઠોકર વાગતા શીખશે માની ઘણી વખત સમય ઉપર છોડી દેવામાં અને અંગત સંબંધોમાં ચુપ રહેવામાં શાણપણ છે.
આઈના અને અલય ભાઈ બહેન વચ્ચે નાનપણથી ખુબ પ્રેમ હતો. આઈના બે વર્ષ મોટી હતી છતાં બંને મિત્રો વધારે હતા. સાથે તે નાના ભાઈનું ખુબ ઘ્યાન રાખતી. સમય જતા આઈના લગ્ન કરી એજ શહેરમાં બીજા ભાગમાં રહેવા ચાલી ગઈ. છતાં વારતહેવાર પિયરમાં આવતી. તેના માતા પિતા સમૃદ્ધ હતા સામે આઈનાના સાસરીમાં પણ સુખ હતું. શરૂઆતમાં બધું બરાબર હતું.
આઈનાના પતિને ધંધામાં મોટી ખોટ આવતા તેમની મુશ્કેલીઓ વધવા માંડી. આજ સુધી માતાપિતા પાસે એક રૂપિયાની આશા ના રાખનાર આઈના હવે ઇચ્છતી કે પપ્પા અને ભાઈ મદદ કરે. પપ્પા આ માટે તૈયાર હતા છતાં બિઝનેશ હવે ભાઈના હાથમાં હતો. આથી પપ્પાનું ખાસ ચાલતું નહોતું.
નાનીમોટી મદદ માટે શરૂવાતમાં અલય તૈયાર રહેતો. પરંતુ જ્યારે દસ દુકાનો માંથી બે દુકાન આઈનાએ બુટીક કરવા માટે માંગી ત્યારે બધુજ બદલાઈ ગયું. બાપની મિલકત ઉપર માત્ર દીકરાનો હક માની અલય વચમાં આવ્યો. આજ સુધીના મીઠાં સબંધો ઉપર કાળાશ ફરી વળી. અચાનક બધુજ બદલાઈ ગયું. માત્ર એ માંગ અને પ્રેમ હવા થઇ ઉડી ગયો.
આક્ષેપો અને માંગણીઓ હવે તેમની વચમાં કાયમી બની ગઈ. આઈનાએ પિયર સાથે સબંધો કાપી નાખ્યા. રક્ષાબંધન જેવા તહેવાર ઉપર પણ તે ઘરે આવી નહિ. આ બધું તેમની મમ્મી ધરતી જોઈ રહી હતી. છેવટે તેણે બધું સુલેહ કરવા બીડું ઝડપ્યું.
ધરતીએ પોતાને બિઝનેશ કરવો છે એવી માંગ મૂકી. પપ્પાની મિલકતમાં મમ્મીનો હક સહુથી પહેલો હતો. તેના પપ્પા આમ કરવાનું કારણ જાણતા હતા. ધરતીએ દીકરી આઈનાને વર્કિંગ બીઝનેસ પાર્ટનર બનાવી બધું કામ તેને સોંપી દીધું. આમ આઈના પણ પોતાના પગ ઉપર ઉભી રહેવા કાબેલ બની ગઈ. સમય જતા કડવાશ ધોવાઈ ગઈ અને અલયે સામેથી બહેનને બે દુકાનો ધંધો વધારવા આપી દીધી. આમ તેની મમ્મીએ સેતુ બની ભાઈ બહેનના સંબંધોને સુધારી દીધા.
જુનાપુરાણા રીતિ રિવાજોની માફક રૂઢીચુસ્ત વિચારોને પણ તિલાંજલી આપી બુદ્ધિ શક્તિ સાથે વિચારોમાં સમજશક્તિમાં વિશાળતા આવવી જોઈએ. બાપની મિલકત માં માત્ર દીકરાનો હક હોય તે સાવ ખોટું છે. દીકરી પણ તેની સમાજ અધિકારી છે. હા દીકરીઓ ખાસ હક રાખતી નથી તે વાત અલગ છે. છતાં તેની જરૂરિયાત પ્રમાણે તેને મળવુંજ જોઈએ.
ભેદભાવ કોઈ પણ જાતના હોય એકતા માટે યોગ્ય નથી. અંતરમાં પડતી ખાઈ બે દિલોમાં તિરાડ પાડે, જીવનમાં ભંગાણ લાવે છે. તેમાય પૈસો અને પદ પ્રતિષ્ઠા હજારો વર્ષોથી માણસને માણસથી દુર કરવામાં ભાગ ભજવી રહ્યો છે. આવામાં એક સામાન્ય તણખો સંબંધોમાં મનમોટાવના યુધ્ધો કરાવે છે
બે વ્યક્તિ કે કુટુંબના ઝગડામાં દરેકને પોતાની દ્રષ્ટીએ બધું વ્યાજબી લાગે છે આથી કોઈ નાની સરખી વાતમાં પણ બાંધછોડ કરવા રાજી નથી હોતું. જતું કરવાની ભાવના નહીવત હોય તો સુલેહ થવાની શક્યતાઓ પણ સાવ પાંખી હોય છે. છેવટે શાંતિને ખોઈ અને બદનામી વહોરીને છેવટ લડીને થાકે એવી હાલત બંને તરફ રહે છે.
આંતરવિગ્રહને કારણે એક મન, ઘર, કુટુંબમાં ભાગલા પડી જાય છે. તેનો લાભ બીજાઓને જરૂર થાય છે અને નુકશાન માત્ર છુટા પડેલા પરિવાર કે સ્વજનોના ભાગમાં જાય છે.
સંબંધોમાં થોડું જતુ કરવાની ભાવના રાખવી જરાય ખોટું નથી. એમ કરતા ઘણું સુખ હુંફ પાછી મળશે તે નક્કી છે. ભૂલો ઉપરથી શીખવામાં હવે આપણી ભલાઈ છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply