સ્તંભ, કિરાડુ મંદિર, બાડમેરની ઉત્કૃષ્ટ વિગતો
૧૧મી સદી
ગોળાકાર મૂડી સહાયક કૌંસની વિગતો જે તળિયે રિંગ જેવી જ પેટર્ન ધરાવે છે. કુતબ સંકુલમાં પણ આ જ પેટર્ન જોવા મળે છે. ઉમા-મહેશ્વર અને સ્કંદ. સ્તંભ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.
કિરાડુ એના જમાનામાં રાજસ્થાનનું ખજુરાહો ગણાતું હતું. આ મંદિર સમૂહ છે પણ ખંડિત છે. એ વિશે વિગતે લેખ કરવાનો હોઈ અહી હું વધારે નથી લખતો ! આ જે સ્તંભ છે એ ખંડિત છે, વિચારો જરા કે જો એ ખંડિત ના હોત તો એ એના જમાનામાં કેટલો સુંદર અને અદભૂત લાગતો હશે !
કિરાડુ મંદિર સંકુલ, બાડમેરથી થાંભલા અને દરવાજાની વિગતો ટોચ પર સુંદર કીર્તિમુખ ફ્રિઝ જુઓ. જૂના સમયમાં તે કિરાટકુપા તરીકે ઓળખાતું હતું અને ચૌલુક્ય રાજાઓના જાગીરદારો દ્વારા તેનું શાસન હતું. સુશોભિત કોતરવામાં આવેલ કળશની તો ખાસ નોંધ લેવાતી જ જોઈએ.
આ સ્તંભ અને કિરાડુ સાથે ઇતિહાસ સંકળાયેલો છે.ખાસ કરીને ગુજરાતનો ઇતિહાસ, ઉપર જણાવ્યું કે ચૌલુકય એટલે કે સોલંકી યુગ ! ચલો હવે કહી જ દઉં કેમ? તે સમયની સાળવારી જુઓ ! એટલે તમને ખ્યાલ આવશે કે તે સમયે સોલંકી યુગના રાજા ભીમદેવ ૨ નું રાજ હતું અને આ કિરાડુ તેમના આધિપત્ય હેઠળ હતું !
ચૌલુક્ય ભીમ II ના શાસન દરમિયાન જારી કરાયેલ ૧૧૭૮ કિરાડુ શિલાલેખ, તુરુષ્કા દ્વારા ક્ષતિગ્રસ્ત મંદિરના સમારકામની નોંધ કરે છે. આ તુરુષ્કાઓ ઘોરના મુહમ્મદની આગેવાની હેઠળના ઘુરીદ સાથે ઓળખાય છે, જેઓ કસાહરાદાના યુદ્ધમાં ચૌલુક્ય દળો દ્વારા પરાજિત થયા હતા.
કંઇક યાદ આવ્યું ?
નાયકી.દેવી !
ફિલ્મની વાત છોડો વાત ઇતિહાસની જ કરીએ !
બાળ મૂળરાજ એટલે કે મૂળરાજ બીજો. તેમના ટૂંકા શાસનની સૌથી નોંધપાત્ર ઘટના કસાહરાદાની લડાઈ હતી, જે ૧૧૭૮માં આધુનિક ક્યારા (સિરોહી જિલ્લામાં; કાયધારા અથવા ક્યાદ્રમ પણ કહેવાય છે) ખાતે થઈ હતી. આ યુદ્ધમાં ચૌલુક્ય દળોએ ઘોરીના મુહમ્મદની આગેવાની હેઠળના મુસ્લિમ ઘુરીદ આક્રમણકારોને હરાવ્યા હતા.
૧૩મી સદીના ફારસી ઈતિહાસકાર મિન્હાજ-એ-સિરાજ અનુસાર –
ઘોરના મુહમ્મદે ઉચ્છા અને મુલતાન થઈને નહરવાલા (ચૌલુક્યની રાજધાની અણહિલવાડ) તરફ કૂચ કરી. “નહરવાલાનો રાય” (ચૌલુક્ય રાજા) યુવાન હતો, પરંતુ તેણે હાથીઓ સાથેની વિશાળ સેનાની કમાન સંભાળી હતી.
આગામી યુદ્ધમાં, “ઇસ્લામની સેનાને પરાજિત કરવામાં આવી હતી “, અને આક્રમણ કરનાર શાસકને કોઈપણ વિજયશ્રી વિના પાછા ફરવું પડ્યું હતું.
નિઝામ-ઉદ-દીન એક સમાન અહેવાલ આપે છે અને જણાવે છે કે ઘોરીના મુહમ્મદે રણમાંથી ગુજરાત તરફ કૂચ કરી હતી.
બદૌનીએ આક્રમણખોરની હારનો પણ ઉલ્લેખ કર્યો છે, અને જણાવે છે કે તે ખૂબ જ મુશ્કેલીથી ગઝની તરફ પાછો ફર્યો હતો. ફિરિશ્તા એ પણ જણાવે છે કે ગુજરાતના શાસકે મુસ્લિમ સૈન્યને “મહાન કત્લેઆમ” સાથે હરાવ્યું, અને હારેલી સેનાનો અવશેષ પરત પ્રવાસ દરમિયાન અદ્રશ્ય થઈ ગયો.
ગુજરાતના ઇતિહાસમાં મે એક શિલાલેખનો ઉલ્લેખ કર્યો છે જેમાં જ નાયકીદેવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાકી ગ્રંથાકારના ઇતિહાસમાં નાયકીદેવીનો ઉલ્લેખ નથી ! પણ એનાથી કંઈ ઇતિહાસ થોડો બદલાઈ જવાનો છે ! ઇતિહાસમાં તે વખતે ખરેખર શું બન્યું હતું તે તો કોઈને ય ખબર નથી. જે છે તે આ સ્થાપત્ય છે. જે ખરેખર અદભૂત છે, સ્થાપત્યની સરખામણી ઇતિહાસ સાથે ન કરાય.
ઇતિહાસ એટલે અગાઉનું અને સ્થાપત્ય એટલે અત્યારે આપણે જે જોઈએ છીએ તે એટલેકે દૃશ્યમ! એ જ જુઓ અને માણો તોય ઘણું છે, આ કિરાડુના મંદિરનું સમારકામ રાજા ભીમદેવ સોલંકી બીજાએ કરાવ્યું હતું તે ખાલી જાણ સારું. વધુ વિગતો કિરાડુંના મંદિર પરના લેખમાં !
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply