સરદાર એટલે સરદાર
જે વાત હું કહેવા માંગુ છું એ હું સરદાર વલ્લભભાઈ પટેલના ત્રણ દીર્ઘલેખોમાં લખી જ઼ ચુક્યો છું. આ વાત જે કહેવા માંગુ છું એનો આજે ખાસ સંદર્ભ છે એટલાં જ઼ માટે હું આજે એ સંદર્ભને અનુલક્ષીને ફરીથી લખવા પ્રેરાયો છું. સવારે છાપું વાંચ્યું…
મોરબીના ઝૂલતા પૂલ તૂટી પડ્યાની ઘટનાથી અને દસ જેટલાં માનવોના દુઃખદ અવસાનથી હું વ્યથિત થઇ ગયો, આમેય મોરબી અને હોનારતને બહુ જ઼ પુરાણો રિશ્તો છે. હું જે વાત કરવાં માંગું છું એ પૂલને લગતી જ઼ છે, વાત મુંબઈની છે એટલે થોડું મુંબઈ વિષે પણ જાણી લેવું જરૂરી છે. મુંબઈને ધાર્મિક સ્થાનોને બાદ કરતાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ સાથે કોઈ જ઼ લેવાદેવા નથી, તાત્પર્ય એ કે મુંબઈમાં કોઈ પ્રખ્યાત રાજવંશોએ રાજ નથી કર્યું. વાત જો મરાઠા શાસનકાળની કરવામાં આવે તો એ મહારાષ્ટ્રના પૂણે સહિત સમગ્ર મહારાષ્ટ્રની આવે, જેમાં મુંબઈનું ક્યાંય પણ નામોનિશાન નથી.
એનું કારણ એ છે કે — મુંબઈ બાંધ્યું જ઼ છે અંગ્રેજોએ અને એને મહાનગર બનાવ્યું છે સૌ પ્રથમ અંગ્રેજોએ અને ત્યાર પછી ગુજરાતીઓએ ! મહાન છત્રપતિ શિવાજી મહારાજ કે મહાન બાજીરાવ પેશ્વા પર મુંબઈએ ફીફાં ખાંડવા રહેવાં જ઼ દેવાં જોઈએ ! તો…. વાત છે મુમાઈની અને એ પણ ૨૦મી સદીની, જયારે ભારતની આઝાદીની ચળવળ એની ચરમસીમાએ હતી. રાષ્ટ્ર પિતા ગાંધીજીનો કરિશ્મા દેશવ્યાપી બન્યો હતો. ગાંધીજી હોય એટલે એમની સાથે સરદાર પટેલ તો હોય જ઼ હોય ! અંગેજો ભારતને આઝાદી આપવાની તૈયારી માં હતાં, બીજું વિશ્વયુદ્ધ લગભગ પૂર્ણતાને આરે હતું.
અંગ્રેજો વિજયના મદમાં રાચતાં હતાં. એ જ઼ સમયે મુમાઈમાં બળવો ફાટી નીકળ્યો. કોલેજમાં ભણતાં યુવાનો પણ એમાં વિપુલ માત્રામાં જોડાવા લાગ્યાં હતાં. યુવા કન્યાઓ પણ એમાંથી બાકાત નહોતી. પણ યુવાનો અગ્રેસર હતાં ! યુવાનો અંગ્રેજોને હંફાવતાં હતાં ! આ બળવાને “મુંબઈ મ્યુટિની ” નામે ઓળખવામાં આવે છે. આ બળવાને ડામવા માટે અંગ્રેજો કટિબદ્ધ હતાં, એમણે બર્માથી સ્પેશિયલ ફોર્સ મંગાવી હતી. મુંબઈના તોફાનો ત્રણ – ત્રણ દિવસ થઇ ગયાં પણ અંગ્રેજો તેનાં પર કાબુ મેળવવામાં નિષ્ફ્ળ નિવડ્યા હતાં. મુંબઈમાં જી. ટી. બોર્ડિંગમાં એક રૂમમાં બે વિદ્યાર્થીઓ રહેતાં હતાં.
એક મારાં પિતાજી અને બીજો એક કેરાલિયન, આ કેરળના યુવકને બૉમ્બ બનાવતાં આવડે ! એણે બૉમ્બ બનાવ્યા. તે વખતે મુંબઈના બળવાની આગેવાની સરદારે લીધી હતી. સરદારમાં નેતૃત્વના એટલાં બધાં ગુણો હતાં જે આજે કોઈનામાં શોધ્યાય જડે એમ નથી. સરદારના કહ્યા વગર કે એમની જાણ બહાર કોઈનાથી કોઈ પગલું ભરાય જ઼ નહીં ! એટલે મારાં પિતાજી અને આ કેરળનો યુવાન સરદાર પટેલની અનુમતિ લેવાં સરદાર વલ્લભબાઈ પટેલ પાસે પહોંચ્યાં
કારણકે બહારથી મુંબઈ આવવાનો ટ્રેન મારફતે આવવાનો એક જ઼ રસ્તો હતો. એ છે વસઈની ખાડી પરનો બ્રિજ, આ બ્રિજ જો ઉડાવી દેવામાં આવે તો બર્માથી જે સૈન્યદળ આવવાનું હતું તે મુંબઈ આવી / પહોંચી જ઼ ના શકે આ બ્રિજ ઉડાવી દેવાની આ યુવાનોની નેમ હતી. પિતાજી તો અનેકોવાર સરદારને મળ્યાં હતાં એટલે એમને તો ખબર જ઼ હતી કે સરદાર પટેલ શું જવાબ આપશે તે ! પણ કેરળના આ નવયુવાનથી રહેવાયું નહીં.
એણે સરદારને પૂછ્યું — ” અમે વસાઈની ખાડી પરનો બ્રિજ ઉડાવી દેવાં માંગીએ છીએ ! “. સરદાર ગુસ્સે થયાં, એમણે ઝભ્ભાની બાંયો ચડાવી અને પછી તેમની આગવી શૈલીમાં કહ્યું — ” કૂણ તમારો બાપ આ બ્રિજ બાંધવાનો છે ફરીથી. એ તો અંગ્રેજોની ઇજનેરી કળાની કરામત છે, એ તો ભારતમાં જ઼ રહેવાનો છે. અંગ્રેજો કઈ પોતાની સાથે લઇ જવાના નથી. અંગેજો જ઼ આ બાંધી શકે, આપણને તે બાંધતાં તો વર્ષો લાગશે ! અંગ્રેજો તો બે -ત્રણ વર્ષોમાં જતાં રહશે !
મુકાબલો કરો પણ અહિંસક અને દ્રઢતાથી કરો, આમ પેનિક ના બનો ! છાનાંમાનાં પાછાં હોસ્ટેલમાં જતાં રહો, આવાં વાહિયાત વિચારો મનમાંથી કાઢી નાંખી ભણવામાં ધ્યાન આપો તો વધુ સારું !”
તેઓ પાછાં જતાં રહ્યાં. પિતાજીએ તે યુવાનને કહ્યું — “મેં તને કહ્યું હતુંને કે સરદાર આમ જ઼ કહેશે, આવો વિચાર છોડી દેશને જે જરૂર છે એ કામમાં લાગીએ “. મુંબઈ માં બર્મીઝ સૈન્ય આવ્યું, તોફાનો શમ્યાં…. મુંબઈ 5 દિવસ પછી અંગ્રેજોના તાબામાં આવ્યું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હેડ લાઈન હતી — “મુંબઈ રી કેપ્ચર્ડ આફ્ટર 5 ડેઝ “. પછી બે જ઼ વર્ષોમાં અંગ્રેજો જતાં રહ્યાં અને ભારતને આઝાદી મળી. આજે એ એજ મુંબઈમાં વારલી સિફેસ પર અદ્દભુત બ્રિજ અને રામેશ્વરનો પમ્બન બ્રિજ આપણે બાંધી શક્યાં છીએ. જે ભારતીય ઇજનેરી કળાની ખૂબી છે, તેમ છતાં આ હોનારતો અટકતી નથી.
અંગ્રેજોએ કટકી નહોતી ખાધી કે સગાવાદ કે મળતિયાવાદ નહોતો અપનાવ્યો ! અંગ્રેજો પાસે ઘણું શીખવાનું આપણે બાકી છે, પણ આપણે તે નથી શીખ્યાં એમાં આપણો જ઼ વાંક ગણાય ! આવી હોનારતો વિષે જ્યારે હું વાંચું છું…. જોઉં છું કે સાંભળું છું ત્યારે મને વાયા પિતાજીએ કહેલાં સરદારના શબ્દો યાદ આવે છે. સરદારની વિચક્ષણતા અને એમની દૂરંદેશીતા યાદ આવે છે કે સરદારના આ શબ્દો કેટલાં સાચાં પડે છે !
શત શત પ્રણામ મારાં આદર્શ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને !
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply