૩૭ સાલ બાદઃ મણિ રત્નમ અને કમલ હાસન… ફિર સે એક સાથ!
——————————-
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
——————————-
ડિરેક્ટરઃ મણિ રત્નમ. એક્ટરઃ કમલ હાસન, અને સંગીતકારઃ એ. આર. રહેમાન! આના કરતાં વધારે ખતરનાક કોમ્બિનેશન બીજું કયું હોવાનું! ગયા વર્ષે કમલ હાસને પોતાના બર્થડે પર ઘોષણા કરી હતી કે હું હવે મણિ રત્નમના ડિરેક્શનમાં બનનારી ફિલ્મમાં કામ કરવાનો છું. આ ફિલ્મ એટલે ‘ઠગ લાઇફ’, જેનું લગભગ પોણા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. બાય ધ વે, મણિ રત્નમનો જન્મદિવસ આ મહિનાની બીજી તારીખે જ ગયો. એમણે ૬૮ વર્ષ પૂરાં કર્યાં.
જ્યારથી ‘ઠગ લાઇફ’ની ઘોષણા થઈ છે ત્યારથી ઉત્તેજનાની એક એવી પ્રચંડ લહેર દોડી ગઈ છે જે શાંત પડવાનું નામ લેતી નથી. એનું કારણ છે. મણિ રત્નમ એટલે હિંદુસ્તાનના મહાનતમ ફિલ્મમેકર્સમાંનું એક નામ, જેની ફિલ્મો જોઈ જોઈને ડિરેક્ટરોની એક કરતાં વધારે પેઢીઓ મોટી થઈ છે. આપણે ઉત્તર-દક્ષિણના સીમાડા તોડીને આખા દેશમાં તરખાટ મચાવી શકે એવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર તરીકે ‘બાહુબિલ’ અને ‘આરઆરઆર’ ફેમ એસ.એસ. રાજામૌલિને ભલે જશ આપીએ, પણ ભારતના પહેલા સફળ પેન-ઇન્ડિયન ફિલ્મમેકર તો મણિ રત્નમ છે. એમની ‘રોજા’ (૧૯૯૨) નામની તમિળ ફિલ્મે આખા હિંદુસ્તાનમાં જબરદસ્ત તરખાટ મચાવ્યો હતો. તે પછી ‘બોમ્બે’ (૧૯૯૫) આવી. તે પણ સુપરહિટ. ‘દિલ સે’ (૧૯૯૮) મણિ રત્નમની પહેલી હિન્દી ફિલ્મ.
મણિ રત્નમ અને કમલ હાસને પહેલી વાર ‘નાયકન’ (૧૯૮૭)માં સાથે કામ કર્યું હતું. બન્નેનો મેળાપ શી રીતે થયો તે વાત ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. મણિ રત્નમને ઇન્ડસ્ટ્રીમાં ચારેક વર્ષ થઈ ગયાં હતાં. આટલા સમયગાળામાં તેઓ પાંચ તમિળ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. પાંચમી ફિલ્મ ‘મૌન રાગમ્’ (૧૯૮૬) ખાસ્સી વખણાઈ હતી. એક દિવસ મુક્તા શ્રીનિવાસન નામના પ્રોડયુસર મણિ રત્નમને મળવા આવ્યા. કમલ હાસન એમને મોકલ્યા હતા. કમલ હાસન તો એ વખતેય ભારતીય સિનેમાનું બહુ મોટું નામ, જ્યારે મણિ રત્નમ તમિળ ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રમાણમાં નવોદિત ડિરેક્ટર.
નિર્માતાએ કહ્યુંઃ ‘ઉત્તર દિશા તરફ મોઢું કર અને કમલસરે તારા માટે આ કવર મોકલ્યું છે તે ખોલ.’ મણિ રત્નમને થયું કે કવરમાં સાઇનિંગ અમાઉન્ટ જેવું કંઈ હશે કે શું? કવરમાં રોકડ કે ચેક-બેક તો નહોતો, પણ એક હિન્દી ફિલ્મની વીડિયો કેસેટ હતી. નિર્માતા કહેઃ કમલસરે કહ્યું છે કે તું આ ફિલ્મ જોઈ લે. મણિ રત્નમને રીમેક બનાવવામાં રસ નહોતો, પણ નિર્માતાએ બહુ આગ્રહ કર્યો એટલે એમણે કહ્યુઃ ભલે. હું જોઈ લઈશ.
તે હિન્દી ફિલ્મ હતી, શમ્મી કપૂરની ‘પગલા કહીં કા’ (૧૯૭૦). આમાં શમ્મી કપૂરના કિરદારને પાગલખાનામાં દાખલ કરવા પડે છે તેવી વાત છે. મણિ રત્નમ કહે છેઃ મારાથી આ ફિલ્મ સહન ન થઈ. (આ ખુદ મણિ રત્નમના શબ્દો છે. ન ખાતરી થતી હોય તો વાંચી લો બારદ્વાજ રંગન લિખિત ‘કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ’ નામનું અફલાતૂન પુસ્તક.) મણિ રત્નમને ખાતરી થઈ ગઈ કે હું આના પરથી તમિળ રીમેક નહીં જ બનાવું. બીજા દિવસે નિર્માતા મળવા આવ્યા ત્યારે એમને કહ્યુઃ સાહેબ, મને આ નહીં ફાવે, તમે બીજા કોઈ ડિરેક્ટરને પકડો, જે તમને આના પરથી સરસ તમિળ રીમેક બનાવી આપી શકે. નિર્માતા એમ કંઈ સહેલાઈથી માને એવા નહોતા. એ કહેઃ મારી સાથે કારમાં બેસી જાઓ. એવીએમ સ્ટુડિયોમાં કમલસરનું શૂટિંગ ચાલી રહ્યું છે. તમે એમને મળી લો અને મને જે કહ્યું તે એમને મોઢામોઢ કહી દો.
મણિ રત્નમ લંચબ્રેકમાં કમલ હાસનને મળ્યા. એમણે એ જ વાત દોહરાવી કે કમલસર, ‘પગલા કહીં કા’ મારા ટાઈપની ફિલ્મ નથી, મને એના પરથી તમિળ રીમેક બનાવતાં નહીં જ ફાવે. કમલ હાસને પૂછયુઃ ‘તો તમને કેવી ફિલ્મ બનાવવાનું ફાવે એ બોલ. મેં તો ‘પગલા કહીં કા’ની વીડિયો કેસેટ તને એટલા માટે મોકલાવી હતી કે તે બહાને આપણી વચ્ચે વાતચીતની શરૃઆત થાય.’
મણિ રત્નમ તો ના પાડવા ગયા હતા, પણ જ્યારે કમલ હાસનના સ્તરનો અભિનેતા સામેથી પૂછે કે તને કેવી ફિલ્મ બનાવવી ગમે, તો આવી તક થોડી જતી કરાય? મણિ રત્નમ કહેઃ ‘સર, મને બે સંભાવના દેખાય છે. કાં તો શહેરમાં આકાર લેતી એકદમ સ્ટાઇલિશ એક્શન ફિલ્મ બનાવી શકાય. ‘ડર્ટી હેરી’ કે ‘બિવર્લી હિલ્સ કોપ’ યા તો જેમ્સ બોન્ડ ટાઇપની ફિલ્મ. તમિળમાં આવી ફિલ્મો ખાસ બની નથી. નહીં તો પછી બીજી શક્યતા એવી છે કે આપણે વરદરાજા મુદલિયારના જીવન પરથી ફિલ્મ બનાવીએ.’
વરદરાજા મુદલિયાર એટલે મુંબઈનો એક જમાનાનો ડોન. ચેન્નાઈમાં બી.કોમ. કર્યા. પછી મણિ રત્નમે એમબીએ કરવા મુંબઈની જમનાલાલ બજાજ ઈન્સ્ટિટયુટ ઓફ્ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એડમિશન લીધું હતું. ૧૯૭૫-‘૭૭નો એ સમયગાળો. વરદરાજા મુદલિયારનું તે વખતે મુંબઈમાં રાજ ચાલે. માટુંગા વિસ્તારના લોકો એને રીતસર ભગવાનની જેમ પૂજતા. મણિ રત્નમને ભારે નવાઈ લાગતી કે આ વળી કેવું! આમ કેવી રીતે લોકો પોતાના જેવા જ એક કાળા માથાના માનવીને પોતાનો ભગવાનને સમકક્ષ માની શકે? તમિલનાડુમાંથી એક માણસ બોમ્બે જેવા મહાનગરમાં આવે છે, અહીં પોતાનું રજવાડું સ્થાપે છે, ગુંડાગીરી કરે છે અને છતાં લોકોનો આટલો બધો પ્રેમ મેળવે છે – આ આખી વાતમાં, વરદરાજા મુદલિયારના વ્યક્તિત્ત્વમાં મણિ રત્નમને પોતે એમબીએ કરતા હતા ત્યારથી ભારે રસ પડયો હતો.
આ જ વાત એમણે કમલ હાસનને કહી. કમલ હાસન કહેઃ ‘ભલે. આપણે આ ફિલ્મ કરીએ છીએ.’ વાત પાકી થઈ ગઈ. આ ફિલ્મ એટલે ‘નાયકન’. મણિ રત્નમને ‘મૌન રાગમ્’ માટે ફાયનાન્સર-પ્રોડયુસર શોધતાં પાંચ વર્ષ લાગ્યાં હતાં, જ્યારે ‘નાયકન’ને દસ જ મિનિટમાં ગ્રીન સિગ્નલ મળી ગયું! કમલ કહેઃ ‘જુઓ, અત્યારે સપ્ટેમ્બર ચાલે છે. આપણે જાન્યુઆરીમાં શૂટિંગ શરૃ કરી દઈએ.’ મણિ રત્નમ તે વખતે ઓલરેડી ‘અગ્નિ નટચતિરમ્’ નામની બીજી એક ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા ને એનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૃ થવાનું હતું. હવે ઓચિંતા એક સાથે બબ્બે ફિલ્મો શૂટ કરવાનું કામ આવી પડયું.
કમલ હાસન કહેઃ ડિસેમ્બરમાં મારી પાસે ત્રણ દિવસ ફાજલ છે. આપણે આ ત્રણ દિવસનો ઉપયોગ કરી લઈએ. મણિ રત્નમ કહેઃ પણ સર, મારી પાસે સ્ક્રિપ્ટ તો તૈયાર હોવી જોઈએને? કમલ હાસન કહેઃ સમજી લે કે આ ત્રણ દિવસ આપણને ટેસ્ટ શૂટ માટે મળ્યા છે. ફિલ્મમાં આપણે મારા કેરેક્ટરની ઉંમરના ત્રણ તબક્કા દેખાડવાના છીએ, તો આપણે ત્રણ અલગ અલગ ગેટ-અપમાં થોડું થોડું શૂટિંગ કરી લઈએ.
મણિ રત્નમ માટે તો આ લક્ઝરી હતી. બાપડા પ્રોડયુસરને ખબર પણ નહોતી કે આ બન્ને જણા ભેગા થઈને ત્રણ દિવસ માટે ટેસ્ટ શૂટ-ટેસ્ટ શૂટ રમવાના છે, કેમ કે તેઓ જે સીન શૂટ કરશે એ ફાઇનલ કટમાં ન પણ હોય એવું ચોક્કસ બને. એવું જ થયું. કમલ હાસનના ત્રણ અલગ અલગ લૂકમાં સીન તો સરસ શૂટ થયા, પણ ફાયનલ કટમાંથી ઉડી ગયા.
‘નાયકન’ ટુકડાઓમાં બનતી ગઈ. બબ્બે ફિલ્મો એકસાથે શૂટ કરવાનું ફાવતું નહોતું એટલે મણિ રત્નમે પછી ‘અગ્નિ નટચતિરમ્’ને અધવચ્ચેથી અટકાવી દઈને ફ્ક્ત ‘નાયકન’ પર ફોકસ કરવાનું નક્કી કર્યું. ‘ગોડફાધર’ની અસર ધરાવતી સુપરહિટ ‘નાયકન’ માત્ર તમિળ સિનેમાની જ નહીં, ભારતની ઓલટાઇમ ગ્રેટ ફિલ્મોમાંની એક સાબિત થઈ. માત્ર ગ્રેટ નહીં, પણ ક્લાસિક. શ્રે અને ક્લાસિક ફિલ્મમાં ફર્ક એ હોય છે કે ક્લાસિક જોઈને બીજા મેકરો ફિલ્મ કેવી રીતે બનાવાય તે શીખે છે. તેથી જ આપણે ત્યાં ‘મધર ઇન્ડિયા’, ‘પ્યાસા’, ‘મોગલ-એ-આઝમ’, ‘શોલે’ વગેરેને ‘ક્લાસિક ફિલ્મો’ કહેવામાં આવે છે. ‘નાયકન’ ફિલ્મે કમલ હાસનની આભાને ઓર તીવ્ર બનાવી. મણિ રત્નમ ‘નાયકન’ પછી જ ‘મણિસર’ બન્યા. ‘નાયકન’ પરથી પછી ફિરોઝ ખાને ‘દયાવાન’ (૧૯૮૮) નામની હિન્દી રિમેક બનાવી હતી, જેમાં વિનોદ ખન્નાએ કમલ હાસનવાળો રોલ કર્યો. માધુરી દીક્ષિત હિરોઈન હતી. ‘નાયકન’ની તુલનામાં ‘દયાવાન’ અતિ સાધારણ પૂરવાર થઈ.
…અને હવે, ૩૭ વર્ષના વહાણાં વાઈ ગયા પછી, કમલ હાસન અને મણિ રત્નમ પાછા ભેગા થયા છે. એમની આગામી ‘ઠગ લાઇફ’ નામની ફિલ્મનાં ટીઝર જોયાં તમે? મસ્ત છે. આ કોઈ રણપ્રદેશ જેવા વિસ્તારમાં આકાર લેતી એક્શન ફિલ્મ છે, જેમાં કમલ હાસનનું કેરેક્ટર માર્શલ આર્ટસના પ્રયોગ દ્વારા દુશ્મનોની બેન્ડ બજાવે છે. ‘ઠગ લાઇફ’ આ વર્ષના અંતે રિલીઝ થાય તેવી સંભાવના છે.
છેલ્લે એક આડવાત. ૧૯૮૭માં ‘નાયકન’ રિલીઝ થઈ અને પછીના વર્ષે મણિ રત્નમે સુહાસિની ચારુહાસન નામની એક્ટ્રેસ સાથે લગ્ન કર્યાં. ચારુહાસન એટલે કમલ હાસનના સગા ભાઈ. આ ન્યાયે, કમલ હાસન, મણિ રત્નમના કાકા-સસરા થાય! ‘નાયકન’ અમેઝોન પ્રાઇમ વીડિયો પર અવેલેબેલ છે. જોજો. સાથે સાથે ‘ઠગ લાઇફ’ના ટીઝર્સ પણ યુટયુબ પર જોજો. મોજ પડશે.
– શિશિર રામાવત
#CinemaExpress #ManiRatnam #KamalHaasan #Chitralok #GujaratiSamachar #thuglife
Leave a Reply