Sun-Temple-Baanner

પૃથ્વીરાજ સુકુમારનઃ કામદેવથી રણ-પશુ સુધી…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પૃથ્વીરાજ સુકુમારનઃ કામદેવથી રણ-પશુ સુધી…


પૃથ્વીરાજ સુકુમારનઃ કામદેવથી રણ-પશુ સુધી…

————————

‘હું મલયાલમ ફિલ્મોને સિંહાસન પર બેસાડીને અન્ય ભાષાની ઉતરતી ગણવા તૈયાર નથી. દરેક ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક દૌર આવતો હોય છે. એક સમય હતો જ્યારે અમે હિન્દી ફિલ્મો જોઈને આભા થઈ જતા હતા અને વિચારતા કે આ બોલિવુડવાળા આટલી સરસ મેઇનસ્ટ્રીમ ફિલ્મો કેવી રીતે બનાવી શકતા હશે?’ : પૃથ્વીરાજ સુકુમારન

———————————
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
———————————

જરા ફ્લેશબેકમાં જાઓ અને યાદ કરો રાની મુખર્જીની ‘ઐય્યા’ નામની ભમરાળી ફિલ્મ. ૨૦૧૨માં આવેલી આ ફિલ્મનો વિષય અને સૂર સાચા અર્થમાં ‘હટ કે’ હતા. સામાન્યપણે ફિલ્મોમાં હિરોઈનને કામુક રીતે પેશ કરવામાં આવતી હોય છે. ગણી ગણાય નહીં એટલી ફિલ્મોમાં હિરોઇનોનું કામ જ જાણે અંગમરોડ અને દેહ પ્રદર્શનથી ઓડિયન્સમાં બેઠેલા પુરૃષોની કામોત્તેજના ભડકાવવાનું હોય છે. ‘ઐય્યા’માં એનાથી ઉલટું હતું. અહીં હીરોએ મહિલા દર્શકોને ઉત્તેજિત કરવાની હતી! રાની મુખર્જીના પાત્રને એક શામળિયા યુવાન પ્રત્યે જબરદસ્ત શારીરિક આકર્ષણ થઈ જાય છે. એ પુરૃષના શરીરની મહેક એને પાગલ કરી નાખે છે. રાનીની સામે જેને કાસ્ટ કરવામાં આવ્યો હતો તે હટ્ટોકટ્ટો હેન્ડસમ હીરો હિન્દી ફિલ્મોના ઓડિયન્સ માટે સાવ નવો હતો. આ એક્ટરને ખાસ સાઉથમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવેલો.

હવે પાછા વર્તમાનમાં આવી જાઓ. જો તમે ઉત્તમ સિનેમાના ચાહક હશો તો અત્યાર સુધીમાં તમે નેટફ્લિક્સ પર ‘ધ ગોટ લાઇફ’ (મૂળ ટાઇટલઃ ‘આદુજીવિતમ્’) નામની અદભુત ફિલ્મ જોઈ કાઢી હશે. આને ફક્ત મલયાલમ ફિલ્મ ગણશો તો તેને અન્યાય કરી બેસશો. આ વર્લ્ડ સિનેમા છે. ડિરેક્શન, અભિનય, સિનેમેટોગ્રાફી… આ સઘળું અહીં ટોપ ક્લાસ છે. સત્યઘટના પર આધારિત કથા એવી છે કે સાઉદી એરેબિયાના નર્ક જેવા અંતરિયાળ રણમાં કેરળનો એક નિર્દોષ યુવાન ફસાઈ ચૂક્યો છે. એનો શેતાન જેવો માલિક એની સાથે ઢોર જેવો વહેવાર કરે છે. રોજ ઘેટા ચરાવવા એ જ એનું કામ. વરસોનાં વરસો વીતતાં જાય છે ને આખી દુનિયાથી કપાઈ ગયેલો આ માણસ સૂકાઈને કાંટા જેવો થઈ જાય છે. એક દિવસ લાગ જોઈને એ નાસી છૂટવાની કોશિશ કરે છે અને…

—————————
ટ્વિન્કલ ટ્વિન્કલ સધર્ન સધર્ન સ્ટાર
—————————

એ વિચારીને આશ્ચર્યચકિત થઈ જવાય છે કે ‘ધ ગોટ લાઇફ’માં નજીબ નામના આ અભાગિયા માણસનો હૃદય વલોવી નાખે એવો અભિનય કરનાર એક્ટર એ જ છે, જેણે વર્ષો પહેલાં ‘ઐય્યા’માં રાની મુખર્જીના સેક્સી ફેન્ટસી મેનનો રોલ કર્યો હતો. નામ છે એનું પૃથ્વીરાજ સુકુમારન. પૃથ્વીરાજને તમે સંભવતઃ ‘સાલાર’ અને અક્ષય-ટાઇગરવાળી ‘બડે મિયાં છોેટે મિયાં’માં પણ જોયો હશે. સો કરતાંય વધારે ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલો પૃથ્વીરાજ સાચા અર્થમાં વર્સેટાઇલ કલાકાર છે. એમણે ‘લ્યુસિફર’ જેવી એકાધિક હિટ ફિલ્મો ડિરેક્ટ કરી છે, કેટલીય ફિલ્મો પોતાનાં બેનર હેઠળ પ્રોડયુસ કરી છે, એ ફિલ્મ વિતરક છે ને લટકામાં પ્લેબેક સિંગર પણ છે!

પૃથ્વીરાજ આમ તો એક ‘નેપો કિડ’ છે. એનાં માતા-પિતા બન્ને મલયાલી ફિલ્મોનાં એક્ટર. ‘લોકો મારા ફાધર (સુકુમારન)ને ફક્ત અભિનેતા તરીકે જાણે છે,’ પૃથ્વીરાજ એક મુલાકાતમાં કહે છે, ‘પણ એ ઇંગ્લિશના પ્રોફેસર હતા અને પ્રેક્ટિસિંગ લૉયર પણ હતા. અમારા ઘરમાં ફ્લોરથી છત સુધી ઊંચાં કબાટોમાં હજારો પુસ્તકો હતાં. હું નાનપણમાં પુસ્તકિયો કીડો હતો. સ્વભાવે અંતર્મુખ, ઓછાબોલો, લગભગ અસામાજિક કહી શકાય એવો. મારો મોટો ભાઈ ઇન્દ્રજિત મારાથી સાવ ઊલટો. એને દોસ્તોના ઢગલા. જ્યાં પણ જાય ત્યાં છવાઈ જાય. એ એક્ટર પણ બહુ જ સરસ.’

પૃથ્વીરાજ હજુ દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે એમના સાવ સાજાસારા પિતાજીનું અણધાર્યું મૃત્યુ થઈ ગયું. ‘પણ મારી મા (એક્ટ્રેસ મલ્લિકા સુકુમારન) બહુ જ સ્ટ્રોંગ લેડી છે,’ પૃથ્વીરાજ કહે છે, ‘એણે અમારા ઉછેરમાં કોઈ કચાશ રહેવા દીધી નથી. મારી મધરને ઇન્ડસ્ટ્રીમાં પચાસ વર્ષ થઈ ગયાં છે. ઇન ફેક્ટ, મારા ફેમિલીમાં સૌથી ટેલેન્ટેડ કલાકાર હોય તો એ મારી મા છે. એક ફિલ્મમાં એણે મારી દાદીનો રોલ કર્યો હતો. એ ગાય છે પણ ખૂબ સુંદર.’

પૃથ્વીરાજની પત્ની સુપ્રિયા મેનન, ફોર અ ચેન્જ, એક્ટ્રેસ નથી. એ બીબીસીની પત્રકાર હતી. સાઉથ ઇન્ડિયન સિનેમા વિશે લેખ લખવાના સંદર્ભમાં એણે પૃથ્વીરાજનો સાથે સંપર્ક કર્યો હતો. બન્ને વચ્ચે દોસ્તી થઈ, પ્રેમ થયો ને તેઓ પરણી ગયાં. આજે તેઓ એક મીઠડી દીકરીનાં મમ્મી-પપ્પાં છે.

————————
મલયાલમ ફિલ્મો વિરુદ્ધ અન્ય ફિલ્મો
————————

પૃથ્વીરાજની કરીઅરમાં ઘણા ચડાવઉતાર આવ્યા છે. એણે સફળતાય ખૂબ જોઈ છે અને નિષ્ફળતાઓ પણ. છેલ્લાં કેટલાંક વર્ષોથી, ખાસ કરીને લોકડાઉન શરૃ થયું ત્યારથી, ભારતમાં મલયાલમ ફિલ્મો એકાએક ખૂબ લોકપ્રિય બની ગઈ છે. એની ગુણવત્તાના ખૂબ વખાણ થાય છે. પૃથ્વીરાજ આ વિશે શું કહે છે? ‘જુઓ, આમાં એવું છે કે કેરળની બહાર લોકોના કાને માત્ર સારી મલયાલમ ફિલ્મોની વાતો જ પડે છે. એમને ખબર નથી કે એક સારી મલયાલમ ફિલ્મની પાછળ પાછળ અમારે ત્યાં પાંચ ખરાબ ફિલ્મો પણ બને છે. મેં પોતે ખરાબ મલયામલ ફિલ્મો કરી છે. ભારતમાં મલયાલમ ફિલ્મોની જે ફુલગુલાબી ઇમેજ ઊભી થઈ છે એ સાવ સાચી નથી. હું આ અધિકારપૂર્વક કહી શકું છું કેમ કે હું પોતે મલયાલમ ઇન્ડસ્ટ્રીનો ભાગ છું. આ એક વાત થઈ. સાથે સાથે હું એમ પણ કહીશ કે મલયાલમ સિનેમા અત્યારે એક ઉત્તમ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અત્યંત પ્રતિભાવંત લેખકો, ડિરેક્ટરો, એક્ટરો અને પ્રોડયુસરો હિંમતપૂર્વક નવા નવા વિષયો પર કામ કરી રહ્યા છે અને ભારે નિષ્ઠાથી સિનેમાના માધ્યમને એક્સપ્લોર કરી રહ્યા છે.’

આટલું કહીને પૃથ્વીરાજ ઉમેરે છે, ‘હું મલયાલમ ફિલ્મોને સિંહાસન પર બેસાડીને અન્ય ભાષાની ઉતરતી ગણવા તૈયાર નથી. જુઓ, દરેક ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક દૌર આવતો હોય છે. એક સમય હતો જ્યારે અમે હિન્દી ફિલ્મો જોઈને આભા થઈ જતા હતા અને વિચારતા કે આ બોલિવુડવાળા આટલી સરસ મેઇનસ્ટ્રીમ ફિલ્મો કેવી રીતે બનાવી શકતા હશે?’

પૃથ્વીરાજ માટે ‘વિઝનરી’ (દીર્ઘદ્રષ્ટા) શબ્દ વપરાય છે. એ કહે છે, ‘અમને હવે અચાનક ભાન થયું છે કે મલયાલમ ફિલ્મો માત્ર કેરળમાં જ નહીં, યુએઇમાં પણ ભરપૂર બિઝનેસ કરી શકે છે. અમેરિકામાં મલયાલમ ફિલ્મોનું ૪૦ હજાર ડોલરનું નહીં, પણ એક મિલિયન ડોલરનું માર્કેટ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં અમારૃં નેટવર્ક હજુ પા-પા પગલી કરે છે. આ દિશામાં અમારે ભરપૂર પ્રયત્નો કરવાની જરૃર છે.’

૮૨ કરોડના બજેટમાં બનેલી અને આ જ વર્ષે રિલીઝ થયેલી ‘ધ ગોટ લાઇફ’ ફિલ્મે ઓલરેડી ૧૬૦ કરોડનો વકરો કરી નાખ્યો છે. આ વખતે ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે ‘ધ ગોટ લાઇફ’ની પસંદગી થાય તો જરાય આશ્ચર્ય પામવું નહીં. પૃથ્વીરાજ સુકુમારન ભવિષ્યમાં એક એક્ટર અને ડિરેક્ટર તરીકે કેવીક કમાલ કરે છે તે જોવાની મજા આવશે.

– શિશિર રામાવત

#PrithvirajSukumaran #cinemaexpess #Chitralok #GujaratiSamachar

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.