તમારી ફેવરિટ ફિલ્મનું નામ આપો તો!
——————————–
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
——————————–
લાંબી પ્રસ્તાવના બાંધ્યા વિના સીધા મુખ્ય વિષય પર આવી જઈએ. આપણે જુદા જુદા એક્ટરોનો અભિનય જોઈને પ્રભાવિત થતા રહીએ છીએ, પણ એક્ટરો ખુદ કોનો અભિનય જોઈને પ્રભાવિત થાય છે? હોલિવુડના ટોચના સ્ટાર્સે આપેલા જવાબ સાંભળો, એમના જ શબ્દોમાં. શરૃઆત કરીએ ‘ટાઇટેનિક’ સ્ટાર લિઓનાર્ડો ડીકેપ્રિયોથી.
લિઓનાર્ડો કેપ્રિયોઃ ‘હું માર્ટિન સ્કોર્સેઝીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘રેજિંગ બુલ’ જોઈને ચકિત થઈ ગયો હતો. મને બરાબર યાદ છે, મેં જ્યારે પહેલી વાર આ ફિલ્મ જોઈ હતી ત્યારે મારા શરીરમાંથી જાણે વિજળીનો કરંટ પસાર થઈ ગયો હોય તેવી લાગણી થઈ હતી. રોબર્ટ ડી નીરોની એક્ટિંગ જોઈને મને થયેલું, હુંય મોટો થઈને રોબર્ટ ડી નીરો બનીશ! આ રોલ માટે ડી નીરોએ જે નિષ્ઠા બતાવી છે અને જે રીતે પોતાની જાતને ટ્રાન્સફોર્મ કરી છે તે ગજબનાક છે.’
એ વખતે લિઓનાર્ડોએ કલ્પના સુધ્ધાં કરી હશે ખરી કે ભવિષ્યમાં એ પોતે માર્ટિન સ્કોર્સેઝીનો ફેવરિટ એક્ટર બની જવાનો છે? દુનિયાના મહાનતમ સમકાલીન ફિલ્મમેકર્સમાં સ્થાન પામતા માર્ટિને લિઓનાર્ડોને હીરો તરીકે લઈને છ-છ ફિલ્મો બનાવી ને બધી સુપરહિટ! એટલું જ નહીં, લિઓનાર્ડોને પોતાના ફેવરિટ એક્ટર રોબર્ટ ડી નીરો સાથે પણ ત્રણ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો છે. એમણે સાથે કરેલી છેલ્લી ફિલ્મ એટલે ‘કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન’ (૨૦૨૩), જે માર્ટિન સ્કોર્સેઝીએ જ ડિરેક્ટ કરી હતી.
રોબર્ટ ડી નીરોઃ ‘મને ‘ઓન ધ વોટરફ્રન્ટ’માં માર્લોન બ્રાન્ડોનો અભિનય જબરદસ્ત ગમે છે. આ ફિલ્મ અને એમાં બ્રાન્ડોના પર્ફોર્મન્સે એક નવો જ પ્રવાહ પેદા કર્યો હતો. એમની નેચરલ એક્ટિંગ અને લાગણીઓના સાચુકલાપણાએ અભિનયનાં નવા જ સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યાં. હી ઇઝ જસ્ટ વન્ડરફુલ ઇન ધિસ ફિલ્મ…’
૧૯૫૪માં આવેલી આ ફિલ્મમાં બંદરો પર કામ કરતા મજૂરોના યુનિયનની ભ્રષ્ટાચારની વાત છે. હીરો (માર્લોન બ્રાન્ડો)નો ભાઈ યુનિયનનો બોસ છે ને એ બંદરો પર ચાલતા ભ્રષ્ટાચાર અને અપરાધી પ્રવૃત્તિઓને ખુલ્લી પાડવા માગે છે.
મેરિલ સ્ટ્રીલઃ ‘ઓહ, વાયોલા ડેવિસ, ‘ફેન્સીસ’માં! શું ગજબનું કામ કર્યું છે વાયોલાએ! આખી ફિલ્મને એ જુદા જ લેવલ પર લઈ જાય છે. એના માટે એક્સ્ટ્રાઓર્ડિનરી શબ્દ ટૂંકો પડે.’
૨૦૧૬માં આવેલી ફિલ્મ ‘ફેન્સીસ’ મૂળ એક નાટક પરથી બનાવવામાં આવી હતી, જેમાં નસીબનું ચક્ર એવું ફરે છે કે એક બાસ્કેટબોલ પ્લેયરે (ડેન્ઝલ વોશિંગ્ટન) રસ્તા પરથી કચરો ઉપાડવાનું કામ કરવું પડે છે. વાયોલા ડેવિસે નાયકની પત્નીનો રોલ કર્યો છે.
ટોમ હેન્ક્સઃ ‘હું તો ‘ગોડફાધર’ની સ્ટોરીટેલિંગ અને પર્ફોર્મન્સીસથી સખ્ખત પ્રભાવિત છું. માર્લોન બ્રાન્ડો અને અલ પચીનોએ શું જબરદસ્ત અભિનય કર્યો છે! આ ફિલ્મ અભિનયના માસ્ટરક્લાસ સમાન છે.’
સવાલ એ છે કે ફ્રાન્સિસ ફોર્ડ કપોલાએ બનાવેલી ઓલ-ટાઇમ-ગ્રેટ ‘ગોડફાધર’ (૧૯૭૨)થી કોણ પ્રભાવિત નહીં હોય? આ ફિલ્મની બન્ને સિક્વલ પણ એટલી જ જોરદાર છે.
બ્રેડ પિટઃ ‘મને ગેરી ઓલ્ડમેને ‘સિડ એન્ડ નેન્સી’ ફિલ્મમાં કરેલો અભિનય સખ્ખત પસંદ છે. એકદમ નિર્ભીક, રૉ અને તમને જકડી રાખે એવું આ પર્ફોર્મન્સ છે. ખરેખર, આ ફિલ્મ અને એમાં ગેરીની એક્ટિંગ મારા ચિત્તમાં જડાઈ ગયાં છે.’
‘સિડ એન્ડ નેન્સી’ (૧૯૮૬)માં એક મ્યુઝિશિયન અને એની પ્રેમિકાની વિસ્ફોટક લવસ્ટોરી છે. ફિલ્મમાં પ્રેમિકા નેન્સીનું મર્ડર થઈ જાય છે. શું આ ખૂન ડ્રગ્ઝમાં ડૂબી ગયેલા સિડે કર્યું હતું? આ પ્રશ્નનો જવાબ છેક સુધી મળતો નથી. આ ફિલ્મ ખાસ્સી વિવાદાસ્પદ બની હતી. હોલિવુડની સૌથી પ્રભાવશાળી ફિલ્મોમાં તેનું નામ છે.
નેટલી પોર્ટમેનઃ ”બ્રેકફાસ્ટ એટ ટિફનીઝ’માં ઑડ્રી હેપ્બર્ને કરેલો અભિનય મારો ફેવરિટ છે. શી ઇઝ પ્યોર મેજિક! ઑડ્રી જેવો ચાર્મ અને ગરિમા બીજી કઈ હિરોઈનમાં જોવા મળે છે? એના અભિનયનું ઊંડાણ તો જુઓ. લાજવાબ!’
‘બ્રેકફાસ્ટ એટ ટિફનીઝ’ એક ક્લાસિક રોમેન્ટિક કોમેડી છે. ન્યુ યોર્કમાં રહેતી નાયિકાને આઝાદી જોઈએ છે, પ્રેમ જોઈએ છે. આ ફિલ્મમાં એકલતા, અરમાન અને માણસની માણસ સાથે સંધાન કરવાની ઝંખનાની વાત થઈ છે. ફિલ્મનું ‘મૂન રિવર’ ગીત અમર બની ગયું છે.
એમા સ્ટોનઃ ‘મારું ફેવરિટ પર્ફોર્મન્સ? ઓહ, ‘ઍની હૉલ’માં ડાયેના કીટનનો અભિનય! તે એટલો સાચુકલો અને રિલેટેબલ લાગે છે કે ન પૂછો વાત. શી ઇઝ સો ફની! મારા પર ડાયેના કીટનના આ પર્ફોર્મન્સનો ઊંડો પ્રભાવ પડયો છે.’
વૂડી એલન લિખિત-દિગ્દર્શિત-અભિનિત ‘ઍની હૉલ’ (૧૯૭૭) એક યાદગાર રોમેન્ટિક કોમેડી છે. અહીં હીરો વિચિત્ર માણસ છે, જ્યારે નાયિકા મુક્ત મિજાજની માલિકણ છે. આધુનિક સમયના પ્રેમસંબંધો અને એમાં પેદા થતી ગૂંચવણો અહીં રમૂજી પણ અત્યંત અસરકારક રીતે પેશ થઈ છે.
મેથ્યુ મેકાન્હેઃ ”કૂલ હેન્ડ લ્યુક’માં પૉલ ન્યુમેનનો અભિનય મને આઇકોનિક લાગે છે. આ માણસમાં એક કરિશ્મા છે, એક પ્રકારનું વિદ્રોહીપણું છે, જેને કારણે એણે ભજવેલું પાત્ર અવિસ્મરણીય બની ગયું છે.’
‘કૂલ હેન્ડ લ્યુક’માં હીરોને સાવ મામૂલી અપરાધ બદલ જેલમાં પૂરી દેવામાં આવ્યો છે. જેલનો માહોલ અતિ ક્રૂર છે. નાયક જેલના સાહેબો સાથે બાખડયા કરે છે. ફિલ્મમાં વિદ્રોહ, ધૈર્ય અને કપરા સમયમાં પણ ટકી રહેવાના જુસ્સાની વાત થઈ છે.
આ લેખમાં ઉલ્લેખ પામેલી તમામ ફિલ્મો તમારા મોબાઇલમાં કે બીજે કશેક નોંધી રાખજો અને તક મળે તેમ વન-બાય-વન જોઈ કાઢજો. મોજ પડશે.
– શિશિર રામાવત
#cinemaexpess #Chitralok #gujaratsamachar
Leave a Reply