વો કૌન થા?
——————
તમને સાઇકોલોજિકલ ડ્રામામાં રસ પડતો હોય તો મલયાલમ ફિલ્મ ‘આટ્ટમ’ મિસ કરવા જેવી નથી.
‘આટ્ટમ’ જરાય ‘ફિલ્મી’ નથી. અહીં કોઈ કલાકાર ‘એક્ટિંગ’ કરતો નથી. બધાં પાત્રો ફક્ત ‘વર્તે’ છે. ફિલ્મ પૂરી થયા પછીય તમારા મનમાં ઘુમરાયા કરશે એ નક્કી.
——————-
સિનેમા એક્સપ્રેસ- ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
——————-
ક્યારેય તમારી સાથે એવું થયું છે કે અચાનક જ કોઈ એવી ફિલ્મ જોવા મળે કે દિલ બાગ બાગ થઈ જાય? મન-હૃદય તૃપ્ત થઈ જાય? તમને લાગે કે બસ, હવે ચાર-પાંચ મહિના બીજું કશું જ જોવા ન મળે તો પણ કશો વાંધો નથી? એવી પૂરેપૂરી શક્યતા છે કે ‘આટ્ટમ’ નામની મલયાલમ ફિલ્મ જોયા પછી તમને આવી અનુભૂતિ થાય. (ફિલ્મના ટાઈટલનો સાચો ઉચ્ચાર જો ‘આટ્ટમ’ને બદલે ‘અટ્ટમ’ થતો હોય તો ભૂલચૂક લેવીદેવી!) ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં છેલ્લાં કેટલાક વર્ષોથી કેરળમાં સંભવત: સૌથી વધારે માત્રામાં સત્ત્વશીલ, પ્રાયોગિક, મજબૂત અને છતાંય કમર્શિયલ ચોકઠામાં બંધ બેસે એવી ફિલ્મો બની રહી છે તે એક સર્વસ્વીકૃત તથ્ય છે. આજે જેની વાત કરી રહ્યા છીએ તે ખૂબ વખાણાયેલી અવોર્ડવિનિંગ ફિલ્મ ‘આટ્ટમ’માં એવું તે શું છે ?
મલયાલમ ભાષામાં ‘આટ્ટમ’ એટલે નાટક. આ ફિલ્મમાં એક થિયેટર ગ્રુપની જ વાત છે. સ્ટોરી કંઈક આવી છે. આ ગુ્રપમાં છેલ્લા કેટલાક સમયથી હરિ નામનો એક નવો એક્ટર સામેલ થયો છે. હરિ મૂળ ફિલ્મી હીરો છે, પોપ્યુલર છે, એટલે એના નામે ઘણું ઓડિયન્સ ખેંચાઈ આવે છે. હરિ નાટકમાં જે મેઇન લીડ રોલ કરે છે એ અગાઉ વિનય નામનો એક્ટર ભજવતો હતો. મેઇન રોલ હરિએ લઈ લીધો એટલે વિનયે હવે સાઇડ કેરેક્ટર ભજવવું પડે છે. વિનયને આ વાતનો ભારે ચચરાટ છે. નાટકમાં એકાદ ડઝન પુરુષો વચ્ચે એક જ સ્ત્રી પાત્ર છે, જે અંજલિ નામના એક્ટ્રેસ ભજવે છે. ડિવોર્સ તરફ આગળ વધી રહેલા હરિ અને અંજલિ વચ્ચે મીઠા સંબંધો છે. એક ત્રીજા એક્ટરને પણ અંજલિ પ્રત્યે આકર્ષણ છે, પણ અંજલિ એને ભાવ આપતી નથી.
એક વાર આખી નાટકમંડળી એક રિસોર્ટ જેવી જગ્યા પર ઓવરનાઇટ પિકનિક માટે જાય છે. રાત્રે બધા છૂટથી દારૂ પીને ગીતડાં ગાય છે, સ્વિમિંગ પૂલમાં ધૂબાકા મારે છે. આખરે સૌ પોતપોતાના કમરામાં જઈને સૂઈ જાય છે. અંજલિ એક સાથીકલાકારની પત્ની અને દીકરી સાથે રૂમ શેર કરે છે. બસ, આ રાતે જ કશુંક ન થવાનું થાય છે (જે આપણને ક્યારેય સ્ક્રીન પર દેખાડવામાં આવતું નથી). અંજલિ એના પ્રેમીને વાત કરે છે ને પછી એ વાત આખા ગ્રુપમાં ફેલાઈ જાય છે. બન્યું હતું એવું કે તે રાત્રે બધા સૂઈ ગયા હતા પછી હરિ (પેલો નવો જોઇન થયેલો ફિલ્મ એક્ટર) ભરઊંઘમાં સૂતેલી અંજલિ સાથે ગંદો ચાળો કરીને નાસી ગયો હતો. આ સાંભળીને બધા રાતાપીળા થઈ જાય છે. આપણે આટલાં વર્ષોથી સાથે કામ કરીએ છીએ, પણ આવી ગલીચ હરકત કોઈએ કરી નથી, ને આ આજકાલ આવેલો હરિ માહોલ બગાડી રહ્યો છે… એક હરિ સિવાયના બધા પુરુષ એક્ટરોની મીટિંગ થાય છે. હવે શું પગલાં ભરવાં છે તેની ચર્ચા કરે છે. બસ, આ ચર્ચા દરમિયાન જે કંઈ બને છે તે જ છે આ ફિલ્મનો હાર્દ.
————–
કોણ સાચું? કોણ ખોટું?
————–
આ ફિલ્મ બિહેવિયર સાઇકોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. માણસનો વ્યક્તિગત અભિપ્રાય કંઈ પણ હોય, પણ એ સમૂહમાં હોય ત્યારે સાવ જુદું જ વર્તન કરતો હોય, એવું બને. અહીં પાત્રોનાં વર્તન-વિચાર સતત બદલાયાં કરે છે, ‘એક રૂકા હુઆ ફેંસલા’ ફિલ્મની જેમ શંકાની સોય આમતેમ થયા કરે છે, બધાં પાત્રો વચ્ચે તાણખેંચ થતી રહે છે અને હવામાં એક પ્રકારનો દંભ ઊછળ્યા કરે છે. અહીં દૂધે ધોયેલું કોઈ નથી. ઇવન ફરિયાદી નાયિકાના વ્યક્તિત્ત્વમાં પણ ગ્રે શેડ્ઝ છે. શરૂઆતમાં તો એ પણ ખોટું બોલવા તૈયાર હતી, પણ પછી એનો વિચાર બદલાય છે. ડુંગળીની જેમ વાર્તાના એક પછી એક પડ ખુલતા જાય છે. માનવમનની જટિલતા, વિચિત્રતા અને વિરોધિતાને રાઇટર-ડિરેક્ટર જે બારીકાઈ અને કૌશલ્યથી પેશ કર્યાં છે તે જોઈને આફરીન થઈ જવાય છે.
મજાની વાત એ છે કે આ ફિલ્મ જરાય ‘ફિલ્મી’ નથી. અહીં કોઈ કલાકાર ‘એક્ટિંગ’ કરતો નથી. બધાં પાત્રો ફક્ત ‘વર્તે’ છે. અહીં બધું એટલું રિયલિસ્ટિક છે કે તમને લાગે કે ફિલ્મ ગુપ્ત રીતે છૂપાવી રાખેલા સ્ટિંગ કેમેરાથી શૂટ થઈ છે કે શું? ફિલ્મની સિનેમેટોગ્રાફીનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ એ છે કે ક્યારેય કેમેરાની હાજરી વર્તાતી નથી. બધા વચ્ચે ગરમાગરમી ચાલી રહી હોય ત્યારે જાણે તમે પોતે સ્થળ પર હાજર હો એવું તમને લાગે. ફિલ્મનો ચોટદાર અંત વાર્તાને એક જુદા જ સ્તર પર લઈ જાય છે.
————————
નવા નિશાળીઓએ લગાવી સિક્સર
————————
ફિલ્મના રાઇટર-ડિરેક્ટરનું નામ છે, આનંદ એકાર્થી. વીસ વર્ષથી તેઓ થિયેટર કરતા આવ્યા છે. ‘આટ્ટમ’ એમની પહેલી જ ફિલ્મ. એક સાથીએ એમને સૂચન કર્યું કે આપણે વર્ષોથી નાટકો તો કરીએ છીએ, પણ ચાલોને બધા ભેગા થઈને એક ફિલ્મ બનાવીએ. આનંદ કહે છે, ‘મને એકાએક ગિલ્ટ થઈ આવ્યું કે મારા થિયેટર ગ્રુપમાં જ આટલા અફલાતૂન એક્ટર્સ છે, તો મને કેમ અત્યાર સુધી એવો વિચાર ન આવ્યો? મેં મારાં બધાં કામ પડતા મૂક્યાં ને ‘આટ્ટમ’ની સ્ક્રિપ્ટ લખવા માંડયો.’
આનંદે દસ મિનિટની ફિલ્મ શૂટ કરીને સંભવિત પ્રોડયુસરને દેખાડી. આનંદે જે રીતે કલાકારો અને ટેકનિશિયનો પાસેથી કામ લીધું હતું તે જોઈને નિર્માતાને એમના પર ભરોસો બેઠો. એમણે ફિલ્મ માટે લીલી ઝંડી દેખાડી દીધી. ત્રણ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું. ત્રણ જ કરોડ! આજકાલ આપણી ગુજરાતી ફિલ્મોનાં જે બજેટ હોય છે તેના કરતાં પણ આ બજેટ ઓછું છે!
‘આટ્ટમ’માં ગણીને ત્રણ-ચાર લોકેશન છે, ને એમાંય ફિલ્મનો મોટો હિસ્સો તો એક બંગલામાં શૂટ થયો છે. શૂટિંગ શરૂ કરતાં પહેલાં ૩૫ દિવસ સુધી સઘન રિહર્સલ કરવામાં આવ્યાં હતાં. બે-ત્રણ એક્ટરોએ જ અગાઉ ફિલ્મોમાં કામ કર્યું હતું. બાકી બધાને રંગભૂમિ પર એક્ટિંગ કરવાનો પુષ્કળ અનુભવ હતો એ સાચું, પણ ફિલ્મનો કેમેરા એમણે જિંદગીમાં પહેલી વાર જોયો હતો. રિહર્સલનો આશય જ એ હતો કે તમામ કલાકારો મૂવી કેમેરાથી ટેવાઈ જાય. રંગમંચ પર અભિનય કરવો અને મૂવી કેમેરા સામે અભિનય કરવો બંને સાવ જુદી બાબત છે. તમે સ્ટેજ પર પર્ફોર્મ કરતા હો ત્યારે છેલ્લી હરોળમાં બેઠેલા પ્રેક્ષકો સુધી તમારો અવાજ બરાબર પહોંચે ને તમારી ભાવભંગિમાં બરાબર દેખાય તેનું ધ્યાન રાખવાનું હોય. ફિલ્મમાં એવું નથી. અહીં તો મૂવી કેમેરા તમારા ચહેરાની નાનામાં નાની રેખાને પણ કેપ્ચર કરી તેને અનેકગણી મોટી બનાવીને વિરાટ પડદા પર પેશ કરે છે. દેખીતું છે કે ફિલ્મમાં રંગમંચ જેવો અભિનય અતિ લાઉડ અને કૃત્રિમ લાગે. સદભાગ્યે ‘આટ્ટમ’ના એક્ટરો મૂવી કેમેરાના વ્યાકરણને ઝડપથી સમજી ગયા અને તે પ્રમાણે ઉત્તમ પફોર્મન્સ આપી શક્યા.
આ જ વર્ષના પ્રારંભમાં થિયેટરોમાં રિલીઝ થયેલી ‘આટ્ટમ’ હવે અમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ છે. તમને સાઇકોલોજિકલ ડ્રામામાં રસ પડતો હોય તો ‘આટ્ટમ’ મિસ કરવા જેવી નથી. ફિલ્મની શરૂઆત ધીમી લાગશે. ભલે લાગે. તમારે કંટાળીને ફિલ્મ જોવાનું છોડી નહીં દેવાની. એક વાર વાર્તા ગતિ પકડશે પછી જે મોજ પડશે તે કમાલની હશે. ફિલ્મ પૂરી થયા પછીય તમારા મનમાં ઘુમરાયા કરશે એ નક્કી.
– શિશિર રામાવત
#Aattam #Chitralok #GujaratiSamachar #cinemaexpess
Leave a Reply