શેફાલી શાહ અને આર્યનમેનમાં શું કૉમન છે?
——————-
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
——————-
શેફાલી શાહ આજકાલ ખુશ ખુશ છે. શા માટે ન હોય? ‘દિલ્હી ક્રાઇમ’ની સિઝન-ટુમાં અફલાતૂન અભિનય આપવા બદલ એમને ઇન્ટરનેશનલ ઍમી અવોર્ડ્ઝ ૨૦૨૩ માટે ‘બેસ્ટ પર્ફોર્મન્સ બાય અન એક્ટ્રેસ’ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ઍમી એટલે સ્મોલ સ્ક્રીનનો ઓસ્કર. દર વર્ષે દુનિયાભરના ટીવી અને ઓટીટી કોન્ટેન્ટમાંથી શ્રેષ્ઠતમ કલાકારો અને શોઝને જુદી જુદી કેટેગરીમાં નોમિનેશન મળે છે. અદાકારો માટે ઓસ્કરની જેમ ઍમી પણ એક સિદ્ધિ અને વ્યાપક સ્વીકૃતિનું એક સર્વોચ્ચ શિખર છે. માત્ર ઍમી જીતવો નહીં, તેનું નોમિનેશન મેળવવું પણ એક ‘બીગ ડીલ’ છે.
શેફાલી વર્તમાન ભારતનાં સૌથી ઉત્કૃષ્ટ અભિનેત્રીઓ પૈકીનાં એક છે એવું એક પણ અપવાદ વગર સૌ કોઈ સ્વીકારે છે. શેફાલી ‘દિલ્હી ક્રાઇમ’ની પહેલી સિઝન માટે પણ નામાંકિત થઈ શક્યાં હોત. એમાં જોકે અફસોસ કરવા જેવું નથી, કેમ કે ‘દિલ્હી ક્રાઇમ’ની પહેલી સિઝને તો ૨૦૨૦માં બેસ્ટ ડ્રામા સિરીઝનો ઇન્ટરનેશનલ ઍમી અવોર્ડ જીતી લીધો હતો. પહેલી સિઝન અતિ કુખ્યાત નિર્ભયા કેસ પર આધારિત હતી. શેફાલીએ પહેલી અને બીજી એમ બન્ને સિઝનમાં ડીસીપી વર્તિકા ચતુર્વેદી (આઇપીએસ)નું કિરદાર શાનદાર રીતે ભજવ્યું છે.
સહેજે સવાલ થાય કે એક કલાકાર માટે એક જ શોની બીજી સિઝન કરવી ક્રિયેટિવ સ્તરે કેટલી હદે સંતોષકારક પૂરવાર થઈ શકે? પાત્રપ્રવેશ પહેલી સિઝનમાં જ થઈ ચૂક્યો હોય, પાત્રની સીમારેખા પણ અંકિત થઈ ચૂકી હોય એટલે અદાકાર સામે સાવ નવા પડકારો તો લગભગ ન હોય. આવી સ્થિતિમાં એક જ શોની બીજી-ત્રીજી સિઝન કરવી કલાકાર માટે સાવ સરળ પૂરવાર થાય, ખરું?
‘ના, એવું નથી,’ શેફાલી કહે છે, ‘બીજી સિઝનમાં એ જ રોલ પુન: ભજવવો તો ઊલટાનું વધારે અઘરું છે. બીજી સિઝનમાં તમારે પાત્રનું મૂળભૂત વ્યક્તિત્ત્વ પણ અકબંધ રાખવાનું છે અને સાથે સાથે દર્શકોનો રસ પણ જાળવી રાખવાનો છે. યુ કાન્ટ બી પ્રેડિક્ટિબલ. ‘દિલ્હી ક્રાઇમ’ની સિઝન-વન કરતાં સિઝન-ટુની વાર્તા સાવ જુદી છે, પરિસ્થિતિઓ જુદી છે. આ સંજોગોમાં વર્તિકા કેવી રીતે વર્તશે, એની પ્રતિક્રિયાઓ કેવી હશે તેની મને પણ ખબર હોતી નથી. હું વર્તિકાને હજુ પૂરેપૂરી ઓળખતી નથી! સમયની સાથે, સિઝનની સાથે વર્તિકા પણ વિકસી રહી છે, એક વ્યક્તિ તરીકે, એક પ્રોફેશનલ તરીકે.’
શેફાલી માટે એક જ પાત્ર પુન: પુન: ભજવતા રહેવું ક્યાં અજાણ્યું છે? તેઓ મૂળ તો મુંબઈની ગુજરાતી રંગભૂમિનાં કલાકાર. શેફાલીનાં મમ્મી ગુજરાતણ ને પપ્પા સાઉથ ઇન્ડિયન. ‘દેવકન્યા’ નામનું ગુજરાતી એકાંકી સંભવત: એમની કરીઅરનું સર્વપ્રથમ નાટક. પછી તો એમણે રંગમંચ પણ ઘણું કામ કર્યું. ‘અંત વગરની અંતાક્ષરી’ જેવાં એમનાં ફુલલેન્થ નાટકો દર્શકો હજુય બહુ પ્રેમથી યાદ કરે છે. શું થિયેટરની તાલીમ શેફાલીને આજે પણ ઉપયોગ નીવડે છે?
‘ઓહ, ખૂબ જ!’ શેફાલી કહે છે, ‘નાટકમાં ઓડિયન્સ સાથે તમારી લાઇવ કેમિસ્ટ્રી હોય, તમારી પાસે રીટેકની લક્ઝરી ન હોય. આ એક જુદો જ રોમાંચ છે. એક જ નાટકના કેટલાય શો થાય, પણ દરેક શોમાં તમે સૂક્ષ્મ રીતે કે પ્રગટપણે કંઈક જુદું કરતા હો, તમારાં એક્શન-રિએક્શન બદલાતાં હોય. તેથી જ નાટકના શો માટે ‘પ્રયોગ’ શબ્દ વાપરવામાં આવે છેને!’
શેફાલી શાહની કરીઅરનું વિહંગાવલોકન કરીએ તો ચાર સ્પષ્ટ વિભાગ જોવા મળે – રંગભૂમિ, ટેલિવિઝન, સિનેમા અને ઓટીટી! શેફાલી ખુદની કરીઅરને નિહાળે છે ત્યારે કેવી લાગણી અનુભવે છે?
‘યુ નો વોટ, ઇટ ઇઝ નોટ અ પ્લાન્ડ જર્ની. મેં કશું આયોજનપૂર્વક કર્યંુ જ નથી. હું તો બસ, વહેતી રહી છું ને મારી કરીઅર સમયની સાથે આપોઆપ આકાર લેતી ગઈ છે. મેં મારી ઇન્સ્ટિંક્ટ્સ (અંત:સ્ફૂરણા)ને આધારે નિર્ણયો લીધા છે. આ નિર્ણય ક્યારેક ખોટા પણ પડયા છે. જેમ કે, મેં નાની ઉંમરે માતાના રોલ સ્વીકાર્યા (યાદ કરો, ‘વક્ત’માં શેફાલી અક્ષયકુમારનાં અને ‘દિલ ધડકને દો’માં પ્રિયંકા ચોપડા-રણવીર સિંહનાં મમ્મી બન્યાં હતાં). મારો એટિટયુડ તે વખતે એવો હોય કે એમાં શું, હું એક એક્ટર છું અને એક્ટરે તો જુદી જુદી ઉંમરનાં પાત્રો ભજવવાનાં જ હોયને! પણ તેને કારણે થયું એવું કે મારા માટે ઘણા દરવાજા બંધ થઈ ગયા.’
વળી, શેફાલી ચૂઝી પણ ખરાં. લાંબા લાંબા અંતરાલ સુધી શેફાલી સ્ક્રીન પરથી ગાયબ રહેતાં હતાં તેનાં બે મુખ્ય કારણો આ જ. સૌની એક જ ફરિયાદ રહેતી કે આટલી ઉત્તમ અભિનેત્રી આટલું ઓછું કામ શા માટે કરે છે? ભલું થજો ઓટીટીનું કે આ ફરિયાદ આખરે દૂર થઈ. શરુઆત થઈ નીરજ ઘાયવાને ડિરેક્ટ કરેલી ઉત્તમ શોર્ટ ફિલ્મ ‘જ્યૂસ’થી. તે પછી આવી ‘દિલ્હી ક્રાઇમ’ની બન્ને સિઝન, પ્રોડયુસર-ડિરેક્ટર પતિ વિપુલ અમૃતલાલ શાહનો વેબ શો ‘હ્યુમન’, આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ અને બીજું ઘણું બધું. શેફાલી છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી જેટલા બિઝી છે એટલાં ભૂતકાળમાં ક્યારેય નહોતાં. થેન્ક ગોડ!
————————–
આઇ એમ અ બિન્જ-વોચર!
————————–
શેફાલીએ વર્ષો પહેલાં ‘દરિયાછોરુ’ નામની ગુજરાતી ફિલ્મ કરી હતી, તમને યાદ હોય તો. એમના હીરો હતા જે.ડી. મજિઠીયા અને ડિરેક્ટર, વિપુલ શાહ. શેફાલી કહે છે, ‘ગુજરાતી સિનેમામાં છેલ્લાં થોડાં વર્ષોથી ઘણું સરસ કામ થઈ રહ્યું છે તે હું બરાબર જાણું છું. મારે ગુજરાતી જ નહીં, મરાઠી, બંગાળી અને સાઉથ ઇન્ડિયન ભાષાની ફિલ્મો પણ કરવી છે. શરત એટલી જ કે સ્ક્રિપ્ટ અને મારો રોલ દમદાર હોવાં જોઈએ.’
શેફાલીને ઓટીટી પર શોઝ, ફિલ્મો, ડોક્યુમેન્ટરી જોવી ખૂબ જ ગમે. ‘આઇ એમ અ બિન્જ-વોચર!’ શેફાલી કહે છે, ‘હું અને વિપુલ એકસાથે જોવાનું શરૂ કરીએ. વિપુલ એક-બે એપિસોડ જોઈને ઊંઘી જાય, પણ હું તો આખી રાત જાગીને આખો શો પૂરો જ કરી નાખું!’
બન્ને પુત્રો શેફાલીના પ્રશંસક પણ ખરા, ક્રિટિક પણ ખરા. શેફાલી કહે છે, ‘મારા નાના દીકરાએ વચ્ચે એક સરસ વાત કરી હતી. એ મને કહે, મોમ, તું બધા સુપરહીરોમાંથી આર્યનમેન જેવી છે. મને સમજાયું નહીં. મેં પૂછ્યું, શી રીતે? એ કહે, મમ્મી, બીજા સુપરહીરોની ફિલ્મોમાં તો એક્ટરો બદલાયા કરે છે, પણ એક આર્યનમેન જ એવો છે, જેની બધી ફિલ્મો એકલા રોબર્ટ ડાઉની જુનિયરે કરી છે. એ જ રીતે ‘દિલ્હી ક્રાઇમ’માં નવી નવી સિઝનો આવતી જાય છે, પણ વર્તિકા ચતુર્વેદીનું કેરેક્ટર તું એક જ ભજવે છે!’
જી, બિલકુલ. ‘દિલ્હી ક્રાઇમ’ની ત્રીજી સિઝન પણ આવતા વર્ષે આવી જવાની… પણ એની પહેલાં, ૨૦ નવેમ્બરે, ન્યુ યોર્કમાં યોજાનારા ઍમી અવોર્ડ્ઝના ગ્લેમરસ ફંક્શનમાં શેફાલી સરસ મજાની ડિઝાઇનર સાડી ધારણ કરીને ગર્વભેર હાજરી આપવાનાં. ઍમી અવોર્ડ પોતાની સાથે લેતા આવજો,
શેફાલી. ઓલ ધ બેસ્ટ!
– શિશિર રામાવત
#ShefaliShah #CinemaExpress #Chitralok #gujaratsamachar
Leave a Reply