સામ બહાદુર કેમ ન ચાલી?
——————————–
સામ માણેક શૉ જેવા અસાધારણ નેશનલ હીરોના જીવનમાંથી કેટલા ટુકડા સ્ક્રીન પર મૂકવા છે તે નક્કી કરવાનો શું ફિલ્મમેકરને ક્રિયેટિવ અધિકાર નથી? કે પછી, તેમની સાથે સરકાર દ્વારા થયેલા ગેરવર્તાવનો ઉલ્લેખ સુધ્ધાં ન કરીને ‘સામ બહાદુર’નાં ડિરેક્ટર મેઘના ગુલઝારે બૌદ્ધિક બદમાશી કરી છે?
———————————-
Cinema Express – Chitralok purti – ગુજરાત સમાચાર
———————————-
‘એ નિમલ’ની સુનામી એવી આવી કે એના પ્રચંડ પ્રવાહમાં બાપડા ‘સામ બહાદૂર’ ક્યાંય તણાઈ ગયા. આ બન્ને પાવરફુલ ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ હતી. ‘સામ બહાદુર’ની ટીમે પ્રમોશન સારું એવું કર્યું હતું, ફિલ્મની હવા પણ સરસ ઊભી થઈ હતી, પણ ‘એનિમલ’ ફિલ્મે એવો વિસ્ફોટ કરી નાખ્યો કે એક મજાની ફિલ્મ પરથી આખા દેશનું ધ્યાન હટી ગયું. ‘એનિમલે’ ઓડિયન્સને માત્ર એન્ટરટેઇન ન કર્યા, એણે પ્રેક્ષકોને ચમકાવી પણ દીધા. ફિલ્મની પુષ્કળ ટીકા પણ થઈ, પણ આ બમ્પર હિટ ફિલ્મે તીવ્ર તરંગો જન્માવી દીધા. એક તરફ એક જંગલી જાનવર જેવા ક્રોધી, હિંસક પ્રતિનાયકની ફિલ્મ ને બીજી તરફ ભારતના અસલી મહાનાયક એવા ફિલ્ડમાર્શલ સામ માણેક શૉની બાયોપિક. આ બન્નેમાંથી ઓડિયન્સે જંગલી પશુ જેવા માણસની કહાણી જોવાનું પસંદ કર્યું. નેશનલ હીરો એક તરફ હડસેલાઈ ગયો. શું આ સમાજની તાસીરનું જ પ્રતિબિંબ નથી? બાકી ‘સામ બહાદુર’ એક વેલ-મેઇડ ફિલ્મ છે. વિકી કૌશલે, એની આદત મુજબ, ઉત્તમ અભિનય કર્યો છે. ફિલ્મ આગળ વધતી જાય છે તેમ તેમ ઇતિહાસનાં કેટલાંય જાણ્યાં-અજાણ્યાં પાનાં સ્ક્રીન પર ક્રમશ: ખૂલતાં જાય છે. ડિરેક્ટર મેઘના ગુલઝારે ડિટેઇલિંગ પર પુષ્કળ ધ્યાન આપ્યું છે. લશ્કરી અધિકારીઓએ પણ આ ફિલ્મને વખાણી છે. આ બધુંય સાચું, પણ…
——————
કડવી કિન્નાખોરી
વિવાદથી તો ‘સામ બહાદુર’ પણ બાકાત રહી શકી નથી. ટીકાકારો ઉગ્રતાથી કહે છે કે આ ફિલ્મ સામ માણેક શૉના જીવનના એક બહુ જ મહત્ત્વના પાસાને જાણી જાઈને સ્પર્શતી જ નથી. કયું પાસું? ઇંદિરા ગાંધી અને કોંગ્રેસ પક્ષે સામ માણેક શૉ જેવા દેશના અસલી હીરો પ્રત્યે કિન્નાખોરી દાખવી હતી – માત્ર તેઓ જીવ્યા ત્યાં સુધી જ નહીં, પણ તેઓ મૃત્યુ પામ્યા તે પછી પણ – આ વાતની કોઈ ચર્ચા જ ફિલ્મમાં થઈ નથી. ટીકાકારો તો કડવાશપૂર્વક ત્યાં સુધી કહે છે કે મેઘના ગુલઝાર જેવાં ‘લેફ્ટિસ્ટ’ ફિલ્મમેકર પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખી શકાય?
જરા વિગતવાર વાત કરીએ. સામ માણક શૉ ભારતના પહેલા ફિલ્ડ માર્શલ હતા. ભારતીય સૈન્યના અધિકારીઓનું જે પિરામિડ સ્ટ્રક્ચર છે, તેમાં સૌથી ટોચ પર ફિલ્ડ માર્શલનું સ્થાન છે. સામ માણેક શૉ એ વ્યક્તિ છે, જેમની આગેવાની નીચે ભારતીય સૈન્યે ૧૯૭૧ના યુદ્ધમાં શાનદાર જીત મેળવીને બાંગલાદેશનું સર્જન કર્યું હતું. ૧૯૭૩માં સામ નિવૃત્ત થયા.
એમના પ્રત્યે આચરવામાં આવેલી કિન્નાખોરીની વાત હવે આવે છે. ૧૯૭૩થી લઈને ૨૦૦૭, એટલે કે લગભગ ૩૪ વર્ષ સુધી, ફિલ્ડ માર્શલ માણેક શૉને એમના હોદ્દાને અનુરૂપ વેતન (કે પેન્શન) આપવામાં આવ્યું નહોતું. શા માટે? કેમ કે, લાગતાવળગતાઓનું કહેવું હતું કે સામ માણેક શૉ ભારતના પહેલા જ ફિલ્ડ માર્શલ હતા તેથી ભારત સરકારને ખબર નહોતી કે આ ટોપ પોસ્ટ પરથી રિટાયર થનારને કેટલું પેન્શન આપવું જોઈએ! એક-બે વર્ષ ખબર ન પડે તો સમજાય, પણ સરકારને ચોત્રીસ વર્ષ સુધી આ ન સમજાયું! સરકારે પેન્શન આપ્યું ખરું, પણ ઓછું. કોલેજના પ્રિન્સિપાલના હોદ્દાથી નિવૃત થનાર વ્યક્તિને પ્રિન્સિપાલપદને અનુરુપ પેન્શન આપવાનું હોય, એને બદલે તમે એને પ્રોફેસરની કક્ષાનું પેન્શન આપો તે કેમ ચાલે? ચોત્રીસ વર્ષ સુધી સરકાર સામ માણેક શૉને ઓછું પેન્શન આપતી રહી. સામ માણક શા એક ગરિમાપૂર્ણ અને ક્લાસી માણસ હતા. આ એમની સજ્જનતા ભલમનસાઈ હતી કે તેમણે ક્યારેય પોતાની લેણિયાત રકમના મુદ્દે કોઈ ઉધામા ન કર્યા. આખરે ડો. અબ્દુલ કલામ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમના ધ્યાનમાં આ વાત આવી. એમણે અંગત રીતે આ મામલામાં રસ લીધો. એમણે જોયું કે સામ માણેક શૉની સરકાર પાસેથી લેણિયાત રકમનો આંકડો ૧.૩ કરોડ સુધી પહોંચી ગયો છે. એમણે તત્કાલીન ડિફેન્સ સેક્રેટરી શેખર દત્ત મારફત આદરપૂર્વક સામ માણેક શૉને રૂપિયા ૧.૩ કરોડનો ચેક મોકલાવ્યો.
શેખર દત્ત સ્વયં એક વાર વેટરન છે. ખુદ સામ માણેક શૉએ એમને શૌર્ય પદક એનાયત કર્યો હતો. નિવૃત્તિ બાદ શેખર દત્તે સિવિલ સર્વિસીસ જોઈન કરી હતી. ૨૦૦૭માં બીમાર સામ માણેક શાની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. શેખર દત્ત એમને હોસ્પિટલ મળવા ગયા અને હાથોહાથ ચેક આપ્યો. આ નાણું હવે તેમને એ કશું કામનું નહોતું. થોડા મહિનાઓમાં, ૨૦૦૮માં, એમનું મૃત્યુ થઈ ગયું.
સામ માણેક શૉને અપમાનિત કરવાનો સિલસિલો હજુ અટક્યો નહોતો. એમની અંતિમ વિધિમાં કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારનો એક પણ નેતા ઉપસ્થિત નહોતો. ડિફેન્સ મિનિસ્ટર નહીં, ડિફેન્સ સેક્રેટરી નહીં.
આવું કેમ બન્યું? સામ માણેક શૉએ એવો તો શું ગુનો કરી નાખ્યો હતો? એમનો અપરાધ એટલો જ હતો કે તેઓ ક્યારેય હા-જી-હા કરનારા કે ‘યસ મેડમ, યસ મેડમ’ કહનારા ફૌજી નહોતા. પૂર્વ પાકિસ્તાન પર અટેક કરવાની વાત આવી ત્યારે સામ માણેક શૉએ તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે એમ તાત્કાલિક હુમલો નહીં થાય. હુમલો ત્યારે જ થશે જ્યારે મારી સેના તૈયાર હશે. યુદ્ધના પ્રારંભની તારીખ હું નક્કી કરીશ, તમે નહીં! સામ આ મામલામાં સોએ સો ટકા સાચા પૂરવાર થયા. તેમના નેતૃત્વ હેઠળ તેર જ દિવસમાં ભારતે પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું. પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા અને બાંગલાદેશનો જન્મ થયો.
—————————–
સગવડિયું સિલેક્શન
ઇંદિરા ગાંધીને સામ માણેક શૉથી અસલામતીનો અનુભવ થયા કરતો હતો. એમણે એક વાર સામ માણેક શૉને પોતાની ઓફિસે બોલાવીને સીધેસીધું પૂછી લીધું હતું: શું તમે મારી સરકારને ઊથલાવી દેવાનો કારસો ઘડી રહ્યા છો? સામ માણેક શૉએ શાંતિથી જવાબ આપ્યો: મને રાજકારણમાં કોઈ રસ નથી. મારે માટે હું ભલો ને મારું લશ્કર ભલું.
‘સામ બહાદૂર’ ફિલ્મમાં, અલબત્ત, આ બન્ને પ્રસંગો આવરી લેવાયા છે. સામ માણેક શૉ નિવૃત્ત થાય છે તે બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે. નિવૃત્તિ પછી એમની સાથે જે ગેરવર્તાવ થયો તેનો ઉલ્લેખ ફિલ્મના અંતે મૂકાતા લખાણમાં પણ નથી. ફિલ્મના ટીકાકારો એટલે જ મેઘના ગુલઝાર પર રોષે ભરાયા છે.
સવાલ આ છે: શું સામ માણેક શૉની જીવનગાથા કહેનાર ફિલ્મમેકરે માત્ર એમની શૌર્યકથાઓ જ કહેવી જોઈએ? કે પછી, એમના મૃત્યુ સુધીની વાતોને પણ આવરી લેવી જોઈએ? જે-તે વ્યક્તિના જીવનમાંથી કેટલા ટુકડા સ્ક્રીન પર મૂકવા છે તે નક્કી કરવાનો શું ફિલ્મમેકરને ક્રિયેટિવ અધિકાર નથી? કે પછી, આ રીતે સિલેક્ટિવ વાતો કરવી ને અમુક ચાવીરૂપ વાતો ગુપચાવી જવી તે એક પ્રકારની બૌદ્ધિક બદમાશી છે?
તમે જ નક્કી કરો.
– Shishir Ramavat
#SamBahadur #CinemaExpress #gujaratsamachar
Leave a Reply