‘થ્રી ઓફ અસ’ કેવી છે?
—————————–
Netflix પર ‘થ્રી ઓફ અસ’ ફિલ્મ જોતી વખતે જાણે વીનેશ અંતાણીની નવલકથા વાંચી રહ્યા હોઈએ એવી અનુભૂતિ થાય છે
——————————
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
——————————
મુંબઈની એક મધ્યમવર્ગીય મહિલા. નામ એનું શૈલજા (શેફાલી શાહ). રોજ બસ પકડીને એ સરકારી નોકરી કરવા જાય. છૂટાછેડા લેવા આવતાં યુગલોના સંબંધ પર કાયદેસર રીતે ને હંમેશ માટે પૂર્ણવિરામ મૂકાઈ જાય તે પહેલાં એમનું કાઉન્સેલિંગ કરીને સમાધાનની કોશિશ કરવાનું એનું કામ. લગ્નસંબંધનું તકલાદીપણું અને અર્થહીનતા શૈલજાએ ખૂબ નજીકથી, રોજેરોજ જોયાં છે. શૈલજા પોતાની આ જોબમાંથી પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ લઈ લે છે. તેની પાછળ એક કારણ છે…
શૈલજા એના પતિ દીપાંકર (સ્વાનંદ કિરકિરે)ને એક રાત્રે કહે છેઃ તમે આઠ-દસ દિવસની રજા લઈ લેશો? મને થાય છે કે એક વાર વેંગુરલા આંટો મારી આવીએ. વેંગુરલા મહારાષ્ટ્રમાં કોંકણના દરિયાકિનારે વસેલું નાનકડું રળિયામણું નગર છે, કે જ્યાં શૈલજાએ પોતાની તરુણાવસ્થાનાં થોડાં વર્ષો વીતાવ્યાં હતાં. પતિ કશી દલીલ કર્યા વિના શૈલજાની વાત માની જાય છે તેની પાછળ એક કારણ છે…
શૈલજાના ધીમે ધીમે બોલે છે, નીચા અવાજે બોલે છે. એની મોટી મોટી આંખો ક્યારેક એકાએક થીજી જાય છે, શૂન્ય થઈ જાય છે. એની પાછળ પણ એ જ કારણ છે અને તે છે, ડિમેન્શિયા. આ એક ન્યુરોલોજિકલ બીમારી છે, જેમાં માણસની યાદશક્તિ ધીમે ધીમે નાશ પામતી જાય. નિકટની વ્યક્તિઓ, આત્મીય સંબંધો, અરે, ખુદ પોતાની જાત પણ સ્મૃતિના વર્તુળની બહાર ફેંકાતાં જાય. યાદશક્તિ સંપૂર્ણપણે જતી રહે તે પહેલાં શૈલજા કોઈકને મળી લેવા માગે છે. એ છે, પ્રદીપ (જયદીપ અહલાવત).
કોણ છે પ્રદીપ? સ્કૂલનો દોસ્તાર? પહેલો પ્રેમ? ક્રશ? શૈલજાને પ્રદીપ ગમતો હતો, ખૂબ ગમતો હતો અને પ્રદીપને શૈલજા ગમતી હતી, ખૂબ ગમતી હતી. બસ, આટલું જ. આઠમા-નવમા ધોરણમાં આમેય ગમવા સિવાયની બીજી કોઈ લાગણીથી ક્યાં વિશેષ પરિચય થયો હોય છે? શૈલજાના પિતાની બદલી થઈ ગઈ હતી ને એ વેંગુરલા છોડીને જતી રહી હતી. અચાનક જ, કશી સ્પષ્ટતા કે ચર્ચા કર્યા વિના, ‘આવજે’ સુધ્ધાં કહ્યા વિના. જે સંબંધ કોઈ નિશ્ચિત પડાવ સુધી પહોંચતો નથી, જે સંબંધ કશી જ આગાહી કર્યા વિના એકાએક વિચ્છેદાઈ ગયો છે, એનો એક છેડો મનના કોઈક ખૂણામાં સતત લટક્યા કરતો હોય છે. આ સંબંધ કોલાહલ કરતો નથી, પણ તે કોઈક પ્રકારનું ‘ક્લોઝર’ ઝંખતો હોય છે. એને ગરિમાપૂર્ણ અને સુવ્યાખ્યાયિત અંતની અપેક્ષા હોય છે. શૈલજા ઇચ્છે છે કે ડિમેન્શિયાની બીમારી એની તમામ યાદોને ભરખી જાય તે પહેલાં પ્રદીપને એક વાર મળી લેવું. એ પ્રદીપ, જેની સાથે છેલ્લાં અઠ્ઠાવીસ વર્ષથી કોઈ સંપર્ક નથી.
…અને પ્રદીપ મળે છે. એ હવે બેન્ક મેનેજર બની ગયો છે. એક સુંદર, પ્રેમાળ પત્નીનો એ વફાદાર, પ્રેમાળ પતિ છે, બે દીકરીઓનો વત્સલ પિતા છે. ‘થ્રી ઓફ અસ’ ફિલ્મમાં પછી એક સીન આવે છે. એક ખુલ્લી રેસ્ટોરાંમાં ટેબલની એક બાજુ શૈલજા અને એનો પતિ દીપાંકર બેઠાં છે, સામે પ્રદીપ બેઠો છે. માહોલમાં અસહજતા છે, ઓકવર્ડનેસ છે. દીપાંકર આખરે કહે છેઃ ‘શૈલજા ને બતાયા કિ આપ લોગ બચપન કે દોસ્ત હૈં…’ પ્રદીપ સહેજ હસીને કહે છેઃ ‘બચપને મેં તો સભી દોસ્ત હોતે થે…’ દીપાંકર કંઈ વિશેષપણે બૌદ્ધિક કે વિચારશીલ માણસ નથી, પણ એ જાણે છે કે પોતાની હાજરીમાં શૈલજા અને દીપાંકર ખુલીને વાતચીત નહીં કરી શકે. તેથી એ ફોન પતાવવાનું બહાનું બતાવીને ઊભો થઈને જતો રહે છે.
યાદ રહે, આ લેખમાં સ્પોઇલર જેવું કશું નથી. આમાંનું લગભગ બધું જ ફિલ્મમાં ટ્રેલરમાં ઓલરેડી જોઈ શકાય છે. ફિલ્મનું ટાઇટલ ખરેખર તો ‘ફોર ઓફ અસ’ હોવું જોઈતું હતું, કેમ કે પ્રદીપની પત્ની સારિકા (કાદંબરી કદમ)ની ભૂમિકા પણ અહીં મહત્ત્વની છે. શૈલજાને મળ્યા પછી પ્રદીપ વર્ષો બાદ પોતાની ડાયરી ખોલીને કવિતા જેવું લખે છે. પત્ની એેને મીઠો ટોણો મારે છેઃ અરે વાહ કવિ મહોદય! સત્તર વર્ષ થઈ ગયાં આપણાં લગ્નનાં, પણ એક છંદ ન નીકળ્યો તમારી કલમમાંથી… ને આજે બાળપણની પ્રેમિકાને જોતાં જ આખેઆખી કવિતા લખાઈ ગઈ! દીપાંકર શરમાળ હસી પડે છે. બહુ જ સાદાં પણ ચોટદાર દશ્યો છે પ્રદીપ અને એની પત્નીનાં. સારિકાની લગભગ પરવાનગી લેતો હોય તેમ પ્રદીપ પૂછે છેઃ શૈલજા ઇચ્છે છે કે હું એની સાથે આજુબાજુનાં સ્થળોએ એને ફરવા લઈ જાઉં. સારિકા કહે છેઃ તારે જવું જોઈએ. આ તબક્કે પ્રદીપ કે સારિકાને ખબર નથી કે શૈલજા ડિમેન્શિયાની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે.
શૈલજા અહીં કંઈ એક્સ્ટ્રા-મેરિટલ અફેર કરવા આવી નથી. એ પોતાના પતિને સાથે લઈને આવી છે. એ તો માત્ર પોતાના બાળપણની સ્મૃતિઓને સમેટવા માગે છે. તોય એક તબક્કે પતિના મનમાં અસુરક્ષાનું નાનકડું મોજું જરૂર ઉછળે છે. એ કહે છેઃ તું મારી સાથે આટલી ખુશ ક્યારેય થઈ છો ખરી? શૈલજા કહે છેઃ મારા બાળપણના ઘરે આવી છું, ખુશ તો થાઉં જને, પણ એનો અર્થ એવો નથી કે હું તમારી સાથે ખુશ નહોતી. શૈલજા એક વાર પ્રદીપની પત્નીને કહે છેઃ હું પ્રદીપને મળવા ઓચિંતા આવી ગઈ તો તમને અજીબ લાગ્યું હશે, નહીં? સારિકા કહે છેઃ અજીબ તો લગા, લેકિન બહોત પ્યારા અજીબ લગા. શૈલજા (શેફાલી શાહ)ના પતિ કરતાં પ્રદીપ (જયદીપ અહલાવત)ની પત્ની પોતાનાં લગ્નમાં વધારે સુરક્ષા અનુભવે છે. શૈલજા સારી પત્ની બની, પણ પ્રદીપ કદાચ ઘણો વધારે બહેતર પતિ પૂરવાર થયો છે. પ્રદીપને એમ્બ્રોડરીનો શોખ છે. એ રાત જાગીને એક વસ્ત્ર પર એમ્બ્રોડરી કરવાનું શરૂ કરી દે છે… અને આ વસ્ત્ર પોતાની પત્નીને ભેટમાં આપે છે, શૈલજાને નહીં.
ફિલ્મનો અંત ખૂબ હૃદયસ્પર્શી છે, શૈલજા અને પ્રદીપ ચગડોળમાં બેઠાં છે. પ્રદીપ કહે છેઃ તું પાછી આવી, તેં મને યાદ કર્યો તે માટે થેન્ક્યુ, શૈલજા. શૈલજા ગમગીન સ્મિત કરે છેઃ હું હવે કદાચ વધારે સમય માટે તને યાદ નહીં રાખી શકું. પ્રદીપ કહે છેઃ કશો વાંધો નહીં… હું તને યાદ રાખીશ!
શેફાલી શાહના અભિનય વિશે શું કહેવું. ફુલલેન્થ ફિલ્મ હોય, શોર્ટ ફિલ્મ હોય કે વેબ શો હોય – શેફાલીને અભિનય કરતાં જોવાં એક લહાવો છે. જયદીપ અહલાવત અફલાતૂન છે. આવો ઊંચો-પહોળો એક્ટર આ રોલમાં એટલો બધો સહજ છે કે લાગતું જ નથી કે એ ‘અભિનય’ કરે છે. સ્વાનંદ કિરકિરે સારાં ગીતકાર ને ગાયક તો છે જ, એક્ટર તરીકે પણ મજાના છે. ‘થ્રી ઓફ અસ’નું ડિરેક્શન, સહલેખન અને સિનેમેટોગ્રાફી અવિનાશ અરૂણે કર્યાં છે. ભૂતકાળમાં તેઓ ‘કિલ્લા’ ફિલ્મ અને ‘પાતાલલોક’ વેબ શો ડિરેક્ટ કરી ચૂક્યા છે. ઓમકાર બર્વે અને અપતા ચેટર્જી સ્ક્રીનપ્લેની ટીમનાં સભ્યો છે, જ્યારે વરૂણ ગ્રોવર અને શોએબ નઝીરે સંવાદો લખ્યા છે.
બહુ જ સાદી, કોઈ પણ પ્રકારના તામ-જામ વગરની, બિલકુલ લો-બજેટ ફિલ્મ છે આ, પણ તેમાં એટલું કૌવત છે કે તે ચિત્ત પર ચોંટી જાય છે. આ ફિલ્મ જોતી વખતે જાણે વીનેશ અંતાણીની નવલકથા માણી રહ્યા હોઈએ તેવી લાગણી થાય છે. ‘થ્રી ઓફ અસ’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. તમને જો માત્ર ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી મસાલા ફિલ્મોમાં જ મજા આવતી હોય તો અલગ વાત છે, બાકી જો તમને મન-હૃદયને પોષણ આપે તેવું કોન્ટેન્ટ માણવામાં રસ હોય તો ‘થ્રી ઓફ અસ’ જોજો. ગમશે.
– Shishir Ramavat
#ThreeOfUs #CinemaExpress #Chitralok #gujaratsamachar
Leave a Reply