પબ્લિક કો ઐસા ચ મંગતા! રિઅલી?
—————–
‘આર્ટિકલ 370’થી યમી ગૌતમ જેવી આઉટસાઇડર હિરોઈનનો સિતારો જોરદાર બુલંદ થઈ જવાનો છે. લિખ લો!
—————–
સિનેમા એક્સપ્રેસ- ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
—————–
‘યહાં રોમેન્ટિક સીન ડાલ દો… ફિલ્મ હેવી હો રહી હૈ, એક આઇટમ સોંગ ડાલ દો… એન્ડ મેં રોનાધોના તો હોના હી ચાહિએ… હીરો કી માં કો રુલાઓ… ઓડિયન્સ કો યે સમઝ મેં નહીં આયેગા, યાર… કાટ દો!’
ઓડિયન્સને તો આવું જ જોઈએ છે એમ માનીને કંઈ પણ કાચુંપાકું ગાંડુઘેલું પીરસી દેતા ફિલ્મમેકરો કઈ દુનિયામાં વસે છે? તેમણે વહેલી તકે ‘આર્ટિકલ ૩૭૦’ ફિલ્મ જોઈ લેવી જોઈએ. સૌથી પહેલાં તો ફિલ્મની રિલીઝના દસ દિવસ બાદ, રવિવારની બપોરે ઘરે આરામ ફરમાવવાને બદલે લોકો કષ્ટ ઉઠાવીને થિયેટર સુધી લાંબા થતા હોય અને આખું ઓડિટોરિયમ લગભગ હાઉસફુલ કરી દેતા હોય તો એ જ મોટી વાત છે. ‘આર્ટિકલ ૩૭૦’ કંઈ ‘મનોરંજક ફિલ્મ’ નથી, બલકે એમાં એવું કેટલુંય છે જે ખાસ્સું ટેકનિકલ છે, તરત ન સમજાય એવું છે. આ ફિલ્મમાં હીરો જ નથી, તેથી લવસ્ટોરી પણ નથી. મેઇન લીડ તરીકે આલિયા ભટ્ટ કે દીપિકા પાદુકોણ જેવી ટોચની હિરોઈન નહીં, પણ યમી ગૌતમ છે, જેનું નામ ક્યારેય બોલિવુડની ટોપ-ફાઇવ તો શું, કદાચ ટોપ-ટેન અભિનેત્રીઓના લિસ્ટમાં પણ મૂકાયું નથી. બીજા સૌથી મહત્ત્વના રોલમાં દક્ષિણ ભારતીય એક્ટ્રેસ પ્રિયમણિ છે, જેને હિન્દી સિનેમાનું ઓડિયન્સ ઓળખતું નથી. ફિલ્મમાં ગીતો નથી. જે એક છે તે સાવ છેલ્લે બેકગ્રાઉન્ડમાં વાગે છે.
….અને છતાંય દર્શકો પિન-ડ્રોપ સાયલન્સ વચ્ચે પૂરી તન્મયતાથી ને એકાગ્રતાથી આ અફલાતૂન ફિલ્મ જુએ છે. પ્રેક્ષકો ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપે એવું કાં તો નાટકોમાં બનતું હોય છે યા તો ફિલ્મ ફેસ્ટિવલોમાં. ‘આર્ટિકલ ૩૭૦’ પ્રમાણમાં ‘અઘરી’ અને ‘ભારે’ ફિલ્મ છે તો પણ વચ્ચે વચ્ચે કેટલીય વાર તાળીઓ પડે છે ને એન્ડ ક્રેડિટ્સ વખતે કેટલાય પ્રેક્ષકો સ્ટેન્ડિંગ ઓવેશનની મુદ્રામાં તેને વધાવી પણ લે છે. લગભગ ૨૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે આજે શુક્રવાર સુધીમાં સંભવતઃ ૭૫ કરોડનું ગ્લોબલ બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું હશે. મતલબ કે, ‘આર્ટિકલ ૩૭૦’ વ્યાવસાયિક સ્તરે પણ એક હિટ ફિલ્મ છે.
મહેરબાની કરીને વાંકદેખાઓ એવું ન કહે કે આ તો મોદીભક્તો ને રાષ્ટ્રવાદી જમણેરીઓનાં ટોળેટોળાં થિયેટરમાં ઉમટી પડે એટલે આ પ્રચારાત્મક ફિલ્મ હિટ જ થાયને! આ દલીલમાં કશું વજન નથી. જો એવું જ હોત તો ‘પીએમ નરેન્દ્ર મોદી’ નામની ઉમંગકુમારે બનાવેલી ફિલ્મ, કે જેમાં વિવેક ઓબેરોય મોદી બન્યો હતો, તે ઊંધા મોંએ પછડાઈ ન હોત. ઇન ફેક્ટ, આ ફિલ્મ એટલી ભયંકર રીતે નિષ્ફળ ગઈ હતી કે મોટા ભાગના લોકોને ખબર પણ નથી કે આવી કોઈ ફિલ્મ બની પણ છે. ‘ધ વેક્સિન વોર’, ‘તેજસ’ જેવી કહેવાતી ‘રાષ્ટ્રવાદી’ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ થઈ જ છે. ‘આર્ટિકલ ૩૭૦’ સફળ છે, કેમ કે અઘરા વિષયને પણ ડિરેક્ટર આદિત્ય જમ્ભાલે અને એમની ટીમે બહુ જ રસપ્રદ રીતે પેશ કરી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસના એક મહત્ત્વના પ્રકરણ પર બનેલી આ એક અગત્યની ફિલ્મ છે. આ ફિલ્મથી યમી ગૌતમ જેવી આઉટસાઇડર હિરોઈનનો સિતારો જોરદાર બુલંદ થઈ જવાનો છે. લિખ લો!
—————–
ઓડિયન્સ ઇન્ટેલિજન્ટ છે
—————–
ખેર, ચર્ચાનો મુદ્દો આ છેઃ ઓડિયન્સને આવું જ જોઈએ ને તેવું જ જોઈએ એવું ધારી લઈને જાતજાતની ફોર્મ્યુલાઓ ફિટ કરવાનો જમાનો હવે ગયો. પ્રિયંકા ચોપડા એક મુલાકાતમાં કહે છે, ‘જો અનકન્વેન્શનલ નરેટિવ ધરાવતી હોલિવુડની ફિલ્મ બહુ ચર્ચામાં હોય તો તે જોઈને આપણા બોલિવુડવાળા અભિભૂત થઈ જતા હોય છે. અમે કલાકારો અને ફિલ્મમેકરો પછી અંદરોઅંદર ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે જો હોલિવુડ આ પ્રકારના વિષય પર હિટ ફિલ્મ બનાવી શકતા હોય તો આપણે કેમ ન બનાવી શકીએ? પણ પછી જ્યારે આ જ ફિલ્મમેકરો ખુદ હિન્દી ફિલ્મ બનાવશે ત્યારે નવું કરવાની હિંમત નહીં કરે. એ એકદમ ‘સેફ’ ફિલ્મ બનાવશે. તેઓ સમજતા નથી કે ભારતનું અંગ્રેજી ફિલ્મો જોતું ઓડિયન્સ અને હિન્દી ફિલ્મો જોતું ઓડિયન્સ એક જ છે.’
‘દિમાગ ઘરે મૂકીને જોવા જેવી ફિલ્મ’ – કોઈ પણ ફિલ્મ માટે આવું કહેવું પડે તે અપ્રિય લાગે એવી વાત છે. પ્રિયંકા ઉમેરે છે, ‘મારો સવાલ આટલો જ છે કે આપણે શા માટે ભારતીય પ્રેક્ષકોની બુદ્ધિમત્તાને ઓછી આંકીએ છીએ? શા માટે આપણે એમને બધું જ તાસક પર ધરી દઈએ છીએ કે જેથી એમણે જાતે કશું વિચારવું જ ન પડે? શા માટે આપણે એમનો સિનેમા જોવાનો અનુભવ એટલી હદે એક્સાઇટિંગ બનાવી શકતા નથી કે એમના મોંમાંથી ‘વાહ!’ નીકળી જાય?’
પ્રિયંકા ચોપડાની વાતમાં દમ છે. એણે ક્રિસ્ટોફર નોલન જેવા વિદેશી ફિલ્મમેકરોની ફિલ્મોનો સંદર્ભ લીધો છે, કે જે ભારતમાં પણ ધૂમ કમાણી કરે છે. ક્રિસ્ટોફર નોલનની ફિલ્મોમાં જટિલતાનો પાર હોતો નથી. એમની લેટેસ્ટ ‘ઓપનહાઇમર’ ફિલ્મનો તો હીરો જ એક વૈજ્ઞાાનિક છે. અત્યંત વર્બોઝ (વાચાળ) એવી આ ફિલ્મના સંવાદોમાં વિજ્ઞાાનના સિદ્ધાંતો અને તથ્યોની રેલમછેલ છે. આવી અતિ અઘરી ફિલ્મ વિશ્વસ્તરે બમ્પર હિટ થઈ છે. ક્રિસ્ટોફર નોલન એટલે જ કહે છે કે, ‘આજના દર્શકો ખૂબ સોફિસ્ટિકેટેડ છે. તેમને એકેએક વસ્તુ સમજાવવા બેસવાની જરૃર નથી. તેઓ અત્યંત કોમ્પલેક્સ કહેવાય એવા કોન્સેપ્ટ અને આઇડિયા પણ જાતે સમજી લે છે. તમે તમારી ફિલ્મના કથાપ્રવાહમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા છોડી દેશો તો પણ પ્રેક્ષકો ખુદ એ ખાલી જગ્યા ભરી દેશે, કનેક્શન બનાવી લેશે અને તમારી સાથે સાથે ચાલશે.’
આજનો પ્રેક્ષક ખરેખર તો ફિલ્મમેકરની સાથે નહીં, એના કરતાં બે ડગલાં આગળ ચાલે છે. પૂછો હોલિવુડના દંતકથારૃપ ફિલ્મમેકર સ્ટીવન સ્પિલબર્ગને. ‘જુરાસિક પાર્ક’, ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી કેટલીય અવિસ્મરણીય ફિલ્મો બનાવનાર આ મેકર કહે છે, ‘ઓડિયન્સને અન્ડરએસ્ટિમેટ કરવાની ભૂલ હું ક્યારેય કરતો નથી. લોકોને નહીં સમજાય તો? – એવું વિચારીને હું ક્યારેય મારી વાર્તાને સિમ્પલીફાય કરવાની કોશિશ કરતો નથી. પ્રેક્ષક ફિલ્મમેકર કરતાં હંમેશા બે ડગલાં આગળ જ ચાલતો હોય છે.’
આજનો દર્શક સુપર સ્માર્ટ છે. એની પાસે દેશ-દુનિયાનું આજે જેટલું એક્સપોઝર છે એટલું ભૂતકાળમાં ક્યારેય નહોતું. એટલે જ જેમ્સ કેમરોન (‘ટાઇટેનિક’, ‘અવતાર’ ઇત્યાદિના મેકર) કહે છેને કે, ‘ઓડિયન્સ વિશે નાહકની ખોટી છાપ પડી ગઈ છે. ફિલ્મમેકરો અને મીડિયા ધારે છે એના કરતાં ઓડિયન્સ ક્યાંય વધારે હોશિયાર છે. તમારી ફિલ્મમાં ક્યાંય સહેજ પણ બનાવટીપણું હશે તો પ્રેક્ષકો એને એક કિલોમીટર દૂરથી સૂંઘી લેશે. ફિલ્મ બધાયને સમજાય એવી લાહ્યમાં વાતને સાવ મંદ ન કરી નાખવી અને પ્રેક્ષકોને કથાપ્રવાહમાં સતત વહેતા રાખવા – એક ફિલ્મેમેકર તરીકે મારે સતત આ બે સ્થિતિઓ વચ્ચે સંતુલન સાધવાનું હોય છે.’
સત્યજિત રાય તો પ્રેક્ષકને પોતાની ક્રિયેટિવ પ્રોસેસનો એક હિસ્સો જ ગણતા. મહાન મલયાલી ફિલ્મમેકર અદૂર ગોપાલકૃષ્ણને કહ્યું છે, ‘દર્શક કંઈ સિનેમાનો નિષ્ક્રિય કન્ઝ્યુમર નથી. એ ખુદના અનુભવો અને અતીત પર સવાર થઈને ફિલ્મ જોતો હોય છે. ફિલ્મ સારી હોય તો તેના દિમાગમાં વિચારોના, લાગણીઓના તરંગો જાગ્યા વિના રહેતા નથી.’ ઓડિયન્સની બુદ્ધિમત્તા માટે મણિરત્નમના મનમાં હંમેશા બહુ ઊંચો અભિપ્રાય રહ્યો છે. તેઓ કહે છે, ‘ફિલ્મનું જૉન્ર ગમે તે હોય, તેમાં ગમે એટલી કોમ્પલેક્સિટી હોય, પણ જો સ્ટોરી સારી હશે ને સરસ રીતે પેશ થઈ હશે તો પ્રેક્ષક ફિલ્મને ગમાડશે જ.’ ઝોયા અખ્તર હિન્દી સિનેમાની એક ખૂબ મજબૂત ડિરેક્ટર છે. (જોકે હમણાં એણે ‘આર્ચિઝ’ જેવું બોરિંગ જોણું બનાવી નાખ્યું તે દુર્ઘટનાને અપવાદ ગણવો.) ઝોયા કહે છે, ‘ભારતીય દર્શકોમાં વૈવિધ્યનો પાર નથી, પણ એક વાત અચળ છે, અને તે છે, જેની સાથે પોતે કનેક્ટ થઈ શકે તેવી સ્ટોરી અને કિરદારો માટેની તેમની ભૂખ. એક ફિલ્મમેકર તરીકે જો તમે આ મામલામાં ઓડિયન્સને અન્ડર-એસ્ટિમેટ કરશો તો મર્યા સમજજો.’
અલબત્ત, ‘પઠાણ’, ‘કેજીએફ’ પ્રકારની મારામારીથી ભરપૂર ‘માઇન્ડલેસ’ ફિલ્મો વચ્ચે વચ્ચે ખૂબ ચાલી જાય છે તે પણ હકીકત છે. આ બધા ટ્રેન્ડ્ઝ છે, જે આવશે ને જશે. સો વાતની એક વાત. સમય, શક્તિ અને પૈસા ખર્ચીને થિયેટરમાં ફિલ્મ જોવા જતી જનતાની સમજશક્તિ અને ગ્રહણશક્તિને સહેજ પણ ઓછી ન આંકવી!
– શિશિર રામાવત
#CinemaExpress #Chitralok #gujaratsamachar
Leave a Reply