સ્મિતા પાટીલનું મંથન : હું કામુક ચેનચાળા નહીં જ કરું!
————————————
સ્મિતા પાટીલનાં માતા વિદ્યાતાઈએ કહૃાું: જો બેટા, તું તારી મરજીથી એક્ટિંગની લાઈનમાં આવી છો. તારો રોલ દેવીનો હોય કે વેશ્યાનો, અભિનય કરતી વખતે તારી નિષ્ઠામાં સહેજ પણ ફર્ક પડવો ન જોઈએ.
————————————
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
————————————
શ્યામ બેનેગલ – સ્મિતા પાટીલની ફિલ્મ ‘મંથન’ આજકાલ ન્યુઝમાં છે. તાજેતરમાં આટોપાયેલા અતિ પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં (કાન્સ નહીં પણ કાન, પ્લીઝ!)મા ‘મંથન’નું ગ્રાન્ડ સ્ક્રીનિંગ થયું. ૧૯૭૬માં રિલીઝ થયેલી ‘મંથન’ની ઓરિજિનલ પ્રિન્ટ સાવ કંગાળ હાલતમાં હતી. તેની નેગેટિવ્ઝમાં ફંગસ લાગી ગઈ હતી, જેને કારણે ફિલ્મ જોતી વખતે સ્ક્રીન પર ઊભી લીલી લીટીઓ દેખાતી હતી. પ્રિન્ટ સંપૂર્ણપણે નાશ પામે તે પહેલાં જહેમતપૂર્વક તેને રિસ્ટોર કરવામાં આવી અને થોડા દિવસો પહેલાં જ કાન ફેસ્ટિવલમાં અકિરા કુરોસાવા તેમજ જ્યોં લુક ગોદાર્દ જેવા વિશ્વના સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મમેકર્સની ફિલ્મોની હારોહાર તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.
ગુડ ન્યુઝ એ છે કે આ વીકએન્ડમાં, પહેલી અને બીજી જૂને, તમે પણ બિગ સ્ક્રીન પર ‘મંથન’ જોઈ શકશો. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ગાંધીનગર, નડિયાદ અને અફ કોર્સ, આણંદના અમુક ચુનંદા પીવીઆર થિયેટર્સમાં જાહેર જનતા માટે ‘મંથન’ના શોઝ ગોઠવાયા છે. આ તક મિસ કરવા જેવી નથી!
‘મંથન’ ભારતની સર્વપ્રથમ ક્રાઉડ-ફન્ડેડ ફિલ્મ છે. પાંચ લાખ ખેડૂતોએ ફાળો કરીને ઊભા કરેલા ભંડોળમાંથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ ગુજરાતના ડેરી ઉદ્યોગ પર આધારિત છે તે તમે જાણો જ છો. શ્યામ બેનેગલ મૂળ શબાનાને લઈને આ ફિલ્મ બનાવવાના હતા, પણ શબાના બિઝી સ્ટાર બની ચુકયાં હતાં એટલે સ્મિતાને મુખ્ય નાયિકા તરીકે કાસ્ટ કરવામાં આવ્યાં. સ્મિતા અને અન્ય કલાકારોને ગુજરાતી લહેકો શીખવવા માટે ખાસ કોચ રાખવામાં આવ્યો હતો. રાજકોટ નજીક સાંગણવા ગામે ૪૫ દિવસ ‘મંથન’નું શૂટિંગ ચાલ્યું હતું. એક વાર સ્મિતા પાટિલ પાસે જરા મોકળાશ હતી. એમણે જોયું કે ચાર-પાંચ સ્થાનિક મહિલાઓ દીવાલને ટેકે ધૂળમાં બેઠી છે. સ્મિતા એમની પાસે જઈને માંડયાં ટોળટપ્પાં મારવાં. એવામાં કેટલાક સાઈકલસવાર કોલેજીયોનો શૂટિંગ જોવા આવ્યા. પૃચ્છા કરી: હિરોઈન કયાં છે? કોઈએ સ્મિતા તરફ આંગળી ચીંધીને કહૃાું: જો… ત્યાં ટોળામાં લાલ સાડી પહેરીને બેઠી છેને એ! કોલેજિયનો માની ન શકયા: જાવ જાવ હવે. ગપ્પાં ન મારો. હિરોઈન કોઈ દી’ આ રીતે ગામડાંનાં બૈરાં સાથે સાવ આમ ધૂળમાં થોડી બેસે?
સ્મિતા પાટિલ એવાં જ હતાં. તેઓ આજે જીવતાં હોત તો ૬૮ વર્ષનાં હોત. એ માત્ર ૩૧ વર્ષ જીવ્યાં. ટુ બી પ્રિસાઇઝ, ૩૧ વર્ષ, ૧ મહિનો અને ૨૫ દિવસ!
મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ભણતર પૂરું કર્યા પછી સ્મિતાએ દૂરદર્શન પર મરાઠીમાં સમાચાર વાંચવાનું શરુ કર્યું ત્યારે તેઓ સૌના ગમતાં ન્યુઝરીડર બની ગયાં હતાં. એ જમાનાના બ્લેક-એન્ડ-વ્હાઈટ ટેલીવિઝન પર પણ સ્મિતાની સ્ક્રીન પ્રેઝન્સ ગજબની લાગતી. ફિલ્મમેકર શ્યામ બેનેગલનું ધ્યાન આ પાણીદાર આંખોવાળી યુવતી તરફ ખેંચાયું. શ્યામબાબુની પહેલી નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ ‘અંકુર’ (૧૯૭૩) રિલીઝ થઈ ચુકી હતી. શબાના આઝમીની પણ તે પહેલી ફિલ્મ. હવે શ્યામ બેનેગલ ફરી શબાનાને લઈને ‘નિશાંત’ની (૧૯૭૫) તૈયારી કરી રહૃાા હતા. આ ફિલ્મની સેકન્ડ લીડ તરીકે તેઓ સ્મિતાને લેવા માગતા હતા. સ્મિતાનાં મમ્મીપપ્પા તો તરત માની ગયાં, પણ સ્મિતા ખુદ અવઢવમાં હતાં. વિદ્યાતાઈને ‘અંકુર’ ખાસ્સી ગમી હતી. તેમણે દીકરીને કહૃાું: સ્મિતા, તું ધડ્ દઈને ના ન પાડી દે. એક વાર ડિરેકટરને મળી તો જો!
અપોઈન્મેન્ટ ફિકસ થઈ. શબાના પહેલી વાર શ્યામને મળવા ગયેલાં ત્યારે ખાસ બ્યુટી પાર્લરમાં જઈને આઈબ્રો- મેકઅપ કરાવીને આવેલાં, પણ વીસ-એકવીસ વર્ષનાં સ્મિતા તો સાવ મામૂલી જીન્સ અને ઢીલુંઢાલું ટીશર્ટ ચડાવીને ડિરેક્ટરસાહેબને મળવા પહોંચી ગયાં. શ્યામબાબુના મનમાં તે વખતે ‘નિશાંત’ ઉપરાંત ‘ચરણદાસ ચોર’ (૧૯૭૫) નામની બાળફિલ્મ પણ રમી રહી હતી. એમણે વિચાર્યું કે પહેલાં ‘ચરણદાસ ચોર’ બનાવીશ તો સ્મિતા માટે તે ‘નિશાંત’ની વર્કશોપ જેવું થઈ જશે. છત્તીસગઢના ભિલાઈ પાસેના કોઈ ગામડામાં ‘ચરણદાસ ચોર’નું શૂટિંગ કરવામાં આવ્યું હતું. શૂટિંગ દરમિયાન સ્મિતાને જે હોમસિકનેસ થઈ છે!
‘નિશાંત’માં સ્મિતા પાટીલે અત્યાચારી જમીનદારની માયાળુ પત્નીનો રોલ કર્યો હતો. રોલ નાનો હતો, પણ સ્મિતા સૌનું ધ્યાન ખેંચી શકવામાં કામિયાબ રહૃાાં. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘નિશાંત’નું સ્ક્રીનિંગ થયું હતું અને શ્યામ બેનેગલ પોતાની બન્ને હિરોઈનોને કાન (ફ્રાન્સ) પહોંચી ગયા હતા. વર્લ્ડ સિનેમાનું સ્મિતાનું આ પહેલું એકસપોઝર.
——————————-
સ્મિતા પાટીલને લાફો કેમ પડયો?
——————————–
‘ભૂમિકા’ (૧૯૭૭) ફિલ્મ સ્મિતાને ખાસ્સી અઘરી પડી હતી. તેનું શૂટિંગ ચાલી રહૃાું હતું તે દરમિયાન એક દિવસ અચાનક સ્મિતાનાં માતાજી વિદ્યાતાઈ પર શ્યામ બેનેગલનો ફોન આવ્યો: તાઈ, શૂટિંગ તાડદેવમાં તમારા ઘરથી નજીક જ ચાલી રહૃાું છે. પ્લીઝ, થોડી વાર સેટ પર આવીને તમારી દીકરીને સમજાવશો? વિદ્યાતાઈ ગયાં. ‘તુમ્હારે બીના જી ના લગે ઘર મેં’ ગીત ફિલ્માવાઈ રહૃાું હતું, જેમાં સ્મિતાએ થોડા કામુક કહી શકાય એવા લટકા-ઝટકા કરવાના હતા. સ્મિતા હઠે ભરાયેલાં કે આવી મુવમેન્ટ્સ તો હું નહીં જ કરું. વિદ્યાતાઈએ કહૃાું: જો બેટા, તું તારી મરજીથી આ લાઈનમાં આવી છો. તારો રોલ દેવીનો હોય કે વેશ્યાનો, એકિટંગ કરતી વખતે તારી નિષ્ઠામાં સહેજ પણ ફર્ક પડવો ન જોઈએ. આટલું કહીને વિદ્યાતાઈ ઘરે નીકળી ગયાં. થોડી કલાકો પછી શ્યામ બેનેગલનો પાછો ફોન આવ્યો: તાઈ, તમારી સમજાવટ કામ કરી ગઈ. સ્મિતાએ પરફેકટ શોટ્સ આપ્યા છે. થેન્કયુ સો મચ!
‘ભૂમિકા’ના જ બીજા એક શોટમાં સ્મિતાએ આઘાતથી સ્તબ્ધ થઈ જવાના એકસપ્રેશન આપવાના હતા. કોણ જાણે કેમ, એમનાથી ધાર્યા હાવભાવ આવતા જ નહોતા. એમણે કંટાળીને શ્યામ બેનેગલને કહી દીધું: સોરી, મારાથી આ નહીં જ થાય. શ્યામબાબુએ તોડ કાઢયો. એમણે સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાનીને કાનમાં કહૃાું: તું કેમેરા ચાલુ કરીને સ્મિતાના ચહેરા પર ફોકસ કર, હું કંઈક કરું છું. આટલું કહીને શ્યામ બેનેગલ સ્મિતા પાસે ગયા અને એમના ગાલ પર જોરથી લાફો ઠોકી દીધો! સ્મિતા હેબતાઈ ગયાં. એમનો આ ચહેરો કેમેરામાં કંડારાઈ ગયો. શ્યામ બેનેગલે આનંદથી ચિલ્લાયા: કટ… કટ! બસ, મારે આ જ એકસપ્રેશન જોઈતા હતા!
સ્મિતાએ પછી ત્રણેક દિવસ સુધી તેમણે શ્યામ બેનેગલ સાથે વાત નહોતી કરી! જોકે પછી તે વર્ષે આ જ ફિલ્મ માટે સ્મિતાને બેસ્ટ એકટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો ને તેઓ તદ્દન જ જુદી ભ્રમણકક્ષામાં મૂકાઈ ગયાં. અભિનય જ પોતાના માટે યોગ્ય ક્ષેત્ર છે અને મારે આ જ લાઈનમાં આગળ વધવાનું છે તે વાત સ્મિતાને ‘ભૂમિકા’ પછી પૂરેપૂરી સમજાઈ ગઈ.
કોણ જાણે કેમ સ્મિતાને હંમેશાં લાગતું કે પોતે લાંબું નહીં જીવે. એમનો અંદેશો સાચો પડયો. દીકરા પ્રતીકને જન્મ આપ્યા બાદ કોમ્પ્લીકેશન્સ થયાં ને બે જ વીક પછી, ૧૩ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ એમનું અવસાન થયું. સ્મિતાની આયુષ્યરેખા જો લાંબી હોત તો કોણ જાણે કેવા કેવા ચમત્કારો સર્જ્યા હોત!
– શિશિર રામાવત
#CinemaExpress #SmitaPatil #Manthan #Chitralok #gujaratsamachar
Leave a Reply