ડાબી આંખેથી આંસુ ટપકાવું કે જમણી આંખેથી?
————————————–
‘નસીર ‘સ્પર્શ ‘ના શૂટિંગ દરમિયાન જે રીતે ખુદને અંધ માણસના કિરદારમાં ઢાળી દેતો હતો તે ગજબનું હતું. અંધજન તરીકે એ એટલો બધો કન્વિન્સિંગ હતો કે ક્યારેક કેમેરા ચાલતો ન હોય ત્યારે પણ સીડી ઉતરતી વખતે મારાથી એનો હાથ પકડાઈ જતો!’ : શબાના આઝમી
———————————-
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
———————————-
આપણે સઈ પરાંજપેના ડિરેક્શનમાં બનેલી અદ્ભુત ફિલ્મ ‘સ્પર્શ’ (૧૯૮૦) વિશે વાત માંડી હતી. નસીરુદ્દીન શાહનો બેનમૂન અભિનય ધરાવતી આ ફિલ્મની નિર્માણકથાને આગળ વધારતાં પહેલાં કથાનક વિશે ટૂંકમાં વાત કરી લઈએ.
ફિલ્મની સ્ટોરી એવી છે કે અનિરુદ્ધ પરમાર (નસીરુદ્દીન શાહ) અંધ બાળકો માટેની એક સ્કૂલના પ્રિન્સિપાલ છે. એ સ્વયં અંધ છે. ઉંમર હશે ત્રીસની આસપાસ. એક વાર ડોક્ટર પાસે જતી વખતે રસ્તામાં અનિરુદ્ધને ગીત ગાઈ રહેલી કોઈ સ્ત્રીનો મીઠો અવાજ સંભળાય છે. અવાજના આધારે અનિરુદ્ધ એ સ્રીના ઘરે પહોંચી જાય છે અને એને કોમ્પ્લીમેન્ટ્સ આપે છે. આ સ્ત્રી એટલે કવિતા (શબાના આઝમી). લગ્નનાં ત્રણ જ વર્ષ પછી એ વિધવા થઈ ગઈ હતી. એકાકી છે, ઉદાસ છે. એક-બે મુલાકાતો પછી કવિતા નિયમિતરૃપે અનિરુદ્ધની અંધશાળાના બાળકોને સંગીત શીખવવાનું, વાર્તાઓ સંભળાવવાનું શરૃ કરે છે. નિર્દોષ બાળકોના સંગાથથી એનો ખાલીપો ભરાવા લાગે છે. અનિરુદ્ધ અને ધીમે ધીમે એકમેક તરફ આર્કષાય છે. અનિરુદ્ધ અત્યંત સ્વમાની માણસ છે. નાની નાની વાતે એને ગુસ્સો આવી જાય છે. બન્ને પરણવાનું નક્કી કરે છે, પણ એમ બધુ સરળતાનું ઉકલી જતું હોય તો જોઈએ જ શું? અનિરુદ્ધ-કવિતાની પ્રેમકહાણીમાં પણ વિઘ્ન આવે છે. તેઓ આ વિધ્ન ઓળંગીને પોતાની પ્રેમસંબંધને આગળ વધારી શકે છે કે કેમ એ તમારે જાતે ફિલ્મમાં જોઈ લેવાનું છે.
આપણે ગયા શુક્રવારે જોયું તેમ, પોતાની ભૂમિકાની તૈયારી રૃપે નસીરુદ્દીન શાહે દિલ્હીની એક અંધશાળામાં પાંચ દિવસો ગાળ્યા હતા. જેમના વ્યક્તિત્ત્વ પરથી અનિરુદ્ધ પરમારનું પાત્ર ઘડવામાં આવ્યું હતું એ આ સ્કૂલના પ્રિન્સિપાલ અજય મિત્તલ હતા. એમની પાછળ પાછળ સતત પડછાયાની જેમ ફરીને નસીરે એમને પરેશાન કરી નાખ્યા હતા!
‘મને અંધ લોકોની બોડી લેંગ્વેજ હંમેશા ઇન્ટરેસ્ટિંગ લાગી છે,’ નસીર કહે છે, ‘મારાં દાદી અંધ હતાં. હું કોલેજમાં ભણતો હતો ત્યારે મારા બે ક્લાસમેટ્સ પણ અંધ હતા. હું એમને જોયા કરતો, એમનું નિરીક્ષણ કર્યા કરતો. ‘સ્પર્શ’ વખતે મારે ફક્ત એટલું જ સમજવું હતું કે અંધ લોકોની બોડી લેંગ્વેજ ચોક્કસ પ્રકારની શા માટે હોય છે. બાકી સઈ પરાંજપેએ સ્ક્રિપ્ટ એટલી સરસ રીતે લખી હતી કે મારા પાત્રની આંતરિક દુનિયા, એના વિચારો-લાગણીઓ વિશે મારા મનમાં કોઈ કન્ફ્યુઝન નહોતું. સ્ક્રિપ્ટ એટલી પરફેક્ટ હતી કે એમાં તમને એક વાક્ય સુધ્ધાં બદલાવાનું મન ન થાય.’
સામાન્યપણે આપણી ફિલ્મોમાં અંધ લોકોને દયામણાં અને બિચારાં ચિતરવામાં આવે છે, પણ અનિરુદ્ધનું પાત્ર અત્યંત ગવ અને ગરિમાપૂર્ણ છે. ‘અજય મિત્તલ અસલી જીવનમાં એવા જ છે,’ નસીર કહે છે, ‘કેટલી સુંદર આંખો છે એમની. એમને જોઈને તમે કહી ન શકો કે આ આંખોમાં ચેતના નહીં હોય. જે રીતે એ ચાલતા, સિગરેટ સળગાવતા, પોતાની જાતને સંભાળતા… આ બધું એક નોર્મલ માણસ જેવું જ હતું. એક વાર અજય મિત્તલે મને કહેલું, ‘તમે મને ડિસેબલ્ડ શા માટે કહો છો? આઇ એમ જસ્ટ ડિફરન્ટલી એબલ્ડ.’ તે દિવસે જિંદગીમાં પહેલી વાર મેં ‘ડિફરન્ટલી એબલ્ડ’ શબ્દપ્રયોગ સાંભળેલો.’
અજય મિત્તલ બધું જ કરી શકતા – કાર ચલાવવા સિવાય. એમને જોકે આશા હતી કે એક સમય એવો આવશે કે જ્યારે ટેકનોલોજીએ એટલી પ્રગતિ કરી લીધી હશે કે અંધ લોકો પણ કાર ચલાવી શકશે. નસીર કહે છે, ‘મારે ‘સ્પર્શ’ની તૈયારી માટે વિશેષ કંઈ કરવાનું નહોતું. મારે અજય મિત્તલની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરવાનો હતો અને અંધશાળાના માહોલથી પરિચિત થવાનું હતું. કેમેરા સામે અંધ દેખાવા માટે માટે ફક્ત એક્ટિંગની ટ્રિક કામે લગાડવાની હતી. તમને ખબર પડી કે મેં કઈ ટ્રિક અજમાવી છે? જો તમને ખબર પડી ન હોય તો એનો અર્થ એ થયો કે મેં સારી એક્ટિંગ કરી છે. ધેટ્સ અ કોમ્પ્લિમેન્ટ!’
‘સ્પર્શ’ અને ‘માસૂમ’ (૧૯૮૩) – આ બે ફિલ્મોનાં ખુદનાં પર્ફોર્મન્સીસ નસીરને સૌથી વધારે પસંદ છે. આ બન્ને ફિલ્મોમાં શબાના આઝમી એમના કો-સ્ટાર છે. શબાના કૉ-એક્ટર હોય ત્યારે પોતાના અભિનયમાં વિશેષ નિખાર આવે છે એવું નસીર ખુદ કબૂલે છે.
—————————————–
બેસ્ટ હિન્દી ફિલ્મ, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ એક્ટર
—————————————–
શબાના કહે છે, ”સ્પર્શ’માં બે એવા માણસોની વાત છે, જે સમાજના મેઇનસ્ટ્રીમનો હિસ્સો નથી. નાયક અંધ છે અને નાયિકા વિધવા છે. હિન્દી ફિલ્મોમાં વિધવા સ્ત્રીનાં પાત્રો અગાઉ ઘણાં આવી ગયાં હતાં, પણ સઈએ ‘સ્પર્શ’માં વિધવા મહિલાને જુદી રીતે પેશ કરી છે.’
‘સ્પર્શ’માં આપણે જે અંધ બાળકોને જોઈએ છીએ તેઓ ખરેખર અંધ છે. શબાના કહે છે, ‘શૂટિંગ શરૃ થયું ત્યારે શરૃઆતમાં હું બહુ સભાન રહેતી હતી કે આ છોકરાઓને બાપડાઓને દેખાતું નથી, પણ ધીમે ધીમે મને સમજાતું ગયું કે એમની શારીરિક પંગુતા આપણે નાહકના વિચાર-વિચાર કરીએ છીએ. છોકરાઓ તો પોતાના અંધાપાને સ્વીકારીને મોજથી જીવતાં ક્યારના શીખી ગયા છે. એ બધા તો ટેસથી ક્રિકેટ રમતા હોય ને હો-હો ને દેકારો બોલાવતા હોય.’
એક શબાના સેટ પર ગયાં તો બધા અંધ છોકરાઓ એમને ઘેરી વળ્યા. કહે, ‘દીદી, કાલે અમે તમારી ફિલ્મ જોઈ!’ શબાના ચમકી ગયાં. ફિલ્મ ‘જોઈ’ એટલે? પછી ખબર પડી કે દૂરદર્શન પર ફિલ્મનો સમય થાય ત્યારે છોકરાઓ ટીવી સામે ગોઠવાઈને આખી ફિલ્મ ‘સાંભળે’ છે!
શબાના કહે છે, ‘મેં ‘સ્પર્શ’ માટે ખાસ કોઈ તૈયારી નહોતી કરી. હું મારી ઇન્સ્ટિંક્ટ્સના આધારે ચાલતી ગઈ અને સઈ પરાંજપેની સૂચનાઓને અનુસરતી ગઈ. બાકી નસીર જે રીતે ખુદને અંધ માણસના કિરદારમાં ઢાળી દેતો હતો તે ગજબનું હતું. અંધજન તરીકે એ એટલો બધો કન્વિન્સિંગ હતો કે ક્યારેક કેમેરા ચાલતો ન હોય ત્યારે પણ સીડી ઉતરતી વખતે મારાથી એનો હાથ પકડાઈ જતો!’
ફિલ્મના એક બ્રેક-અપનો સીન છે. નસીર ઝઘડો કરીને જતો રહે છે અને કેમેરા શબાનાના ચહેરા પર સ્થિર થાય છે. આ સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે શબાનાએ પૂછ્યું, ‘સઈ, આ શોટમાં મારે રડવાનું નથી?’ સઈ કહે, ‘હા, રડજે, પણ મોટે મોટેથી ન રડતી. માત્ર એક જ આંસુ, બસ.’ શબાના કહે, ‘ફાઇન. એક જ આંસુ પાડીશ… પણ ડાબી આંખમાંથી પાડું કે જમણી આંખમાંથી?’ સઈ કહે, ‘અમ્… એમ કર. ડાબી આંખમાંથી પાડજે!’
તમે શબાનાની કાબેલિયત જુઓ. તમે કહો તે આંખમાંથી એ ગણીને આંસુડા પાડી શકે છે! ‘સ્પર્શ’ નસીરની જેમ શબાનાની પણ પર્સનલ ફેવરિટ છે. એનું એક અંગત કારણ એ પણ છે કે જાવેદ અખ્તરને ‘સ્પર્શ’ બહુ ગમી હતી અને બન્ને એકમેકથી નિકટ આવવાનું એક કારણ ‘સ્પર્શ’ પણ હતી.
‘સ્પર્શ’ રિલીઝ થઈ. ખૂબ વખણાઈ. એક સવારે સઈ પરાંજપે ચા પીતાં હતાં ત્યાં ઓચિંતા શબાનાનો ફોન આવ્યો. એ ઉત્સાહથી કહી રહ્યાં હતાં, ‘સઈ… હજુ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થવાનું બાકી છે, પણ મને અંદરથી સમાચાર મળ્યા છે કે આપણી ફિલ્મને ત્રણ નેશનલ અવોર્ડ્ઝ મળ્યા છે! બેસ્ટ હિન્દી ફિલ્મ, બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ એક્ટર. હું તો શૂટિંગ વખતે જ કહેતી હતી કે નસીર નેશનલ અવોર્ડ તાણી જવાનો છે ને એવું જ થયું! મને કંઈ નથી મળ્યું, પણ આ ત્રણેય અવોર્ડ્ઝ હું મારા જ ગણું છું!’
સઇ પરાંજપેની મસ્તમજાની આત્મકથા ‘અ પેચવર્ક ક્વિલ્ટ – અ કોલાજ ઓફ માય ક્રિયેટિવ લાઇફ’માં ‘સ્પર્શ’ વિશે મોટું પ્રકરણ છે. ‘સ્પર્શ’ તો જોવા જેવી છે જ (યુટયુબ પર ઉપલબ્ધ છે), આ પુસ્તક પણ વાંચવા જેવું છે. જોજો અને વાંચજો.
– શિશિર રામાવત
#cinemaexpre #GujaratiSamachar #Chitralok #Sparah #NaseeruddinShah #ShabanaAzmi #saiparanjpe
Leave a Reply