સત્યજિત, સંગીત અને સિનેમા
——————–
‘મને ખાતરી હતી કે ડિરેક્ટર ભલે સાવ નવોસવો હોય, ભલે એણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકેનો અનુભવ પણ ન મેળવ્યો હોત, પરંતુ જો એના આઇડિયાઝ અને સિનેમા વિશેની સમજ ટકોરાબંધ હશે તો એ ખરાબ ફિલ્મ તો નહીં જ બનાવે.’ – સત્યજિત રાય
———————-
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
———————-
હજુ ગઈ કાલે, બીજી મેએ, સત્યજિત રાયની જન્મજયંતિ હતી. જો આ સર્વકાલીન મહાનતમ ભારતીય ફિલ્મમેકર આજે જીવતા હોત તો ગઈ કાલે તેમણે ૧૦૩ વર્ષ પૂરાં કરીને ૧૦૪મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ફિલ્મમેકરોની કેટલીય પેઢી સત્યજિત રાય (જન્મ: ૧૯૨૧, મૃત્યુ: ૧૯૯૨)ની ફિલ્મોથી પ્રભાવિત થઈ છે. વિધુ વિનોદ ચોપડાની જ વાત કરો. આપણે સૌ એમની કરીઅરની શ્રેષ્ઠતમ ફિલ્મોમાંની એક એવી ‘ટ્વેલ્થ ફેઇલ’ના પ્રેમમાં છીએ. આ ફિલ્મ ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થઈ. આ ફિલ્મનાં અન્ય પાસાંની સાથે એના બેકગ્રાઉન્ડ સ્કોરના પણ ખૂબ વખાણ થયા છે. ઓછામાં ઓછું, સાદું, મિનિમલિસ્ટીક પાર્શ્વ સંગીત, જે સીનના શરૂઆતથી અંત સુધી એકધારૂં વાગતું ન રહે, પણ સીન છેક પૂરો થવા આવે ત્યારે થોડુંક વાગે. જાણે કે આખા દશ્યનો નિચોડ થોડાક સૂરમાં સમાવી દેવાનો ન હોય.
વિધુ વિનોદ ચોપડાએ કહ્યું છે, ‘અફ કોર્સ, આ ફિલ્મમાં અમુક પ્રકારનું બેકગ્રાઉન્ડ વાપરીને મેં સત્યજિત રાયને અંજલિ આપી છે. મેં મારા મ્યુઝિક ડિરેક્ટર શાંતનુ મોઇત્રાને કહેલું, શાંતનુ, મારે બેકગ્રાઉન્ડ સ્કોરમાં ત્રણ જ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ છે – વાંસળી, સરોદ અને સિતાર. શા માટે? કારણ કે સત્યજિત રાયની ‘પાથેર પાંચાલી’માં પંડિત રવિશંકરે પણ બેકગ્રાઉન્ડ સ્કોર માટે આ ત્રણ વાદ્યો જ વાપર્યા હતાં. રાયે તો નાણાભીડને કારણે વધારે વાદ્યોનો ઉપયોગ નહોતો કર્યો, પણ મારે એ સાદગી જોઈતી હતી. મેં અને શાતંનુ મોઇત્રાએ બેકગ્રાઉન્ડ સ્કોર પાછળ ખૂબ મહેનત કરી છે.’
સત્યજિત રાયે પોતાના ‘અવર ફિલ્મ્સ ધીઅર ફિલ્મ્સ’ નામના પુસ્તકમાં એક જગ્યાએ કહ્યું છે:
‘એવું નહોતું કે ૧૯૫૦ના દાયકાની બંગાળી ફિલ્મોમાં બધું ખરાબ જ હતું. વચ્ચે વચ્ચે અમુક ફિલ્મોમાં સરસ એક્ટિંગ, કલ્પનાશીલ ફોટોગ્રાફી, સારી રીતે પ્લાન થયેલા અને એડિટ થયેલા સીન, બનાવટી ન લાગે એવા ડાયલોગ્ઝ દેખાઈ જતા. તકલીફ એ હતી કે આ બધું છૂટુંછવાયું જોવા મળતું. આખેઆખા પિક્ચરના તમામ પાસાં હાઈક્લાસ હોય એવું કદી ન બનતું… પછી મને સમજાયું છે કે ઇન્ડિયન ડિરેક્ટરો ફિલ્મના સ્ટ્રક્ચરમાં મ્યુઝિકલ પાસાંની સાવ અવગણના કરતા હતા. ફિલ્મના ઓવરઓલ સ્વરૂપ અને સિનેમેટિક રિધમની જે સેન્સ હોવી જોઈએ, તેની એમનામાં કમી વર્તાતી હતી.’
લાગે છે, વિધુ વિનોદ ચોપડાએ સત્યજિત રાયની આ મ્યુઝિકલ પાસાની અવગણનાવાળી વાતને બહુ ગંભીરતાથી લઈ લીધી છે.
સારૂં જ છે!
————————–
સિનેમા – એક કન્ઝયુમેબલ કોમોડિટી
————————–
સિનેમામાં આવતા પહેલાં રાય એક એડવર્ટાઇઝિંગ કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતા હતા. દેશ-વિદેશનાં પિક્ચરો જોવાના શોખ સિવાય ફિલ્મલાઇન સાથે એમને સ્નાનસૂતકનોય સંબંધ નહોતો. જાહેરાત બનાવવાનું કામ કરતાં કરતાં તેઓ અચાનક ફિલ્મોમાં કેવી રીતે આવી ગયા? તે પણ કોઈ જાતની ટ્રેનિંગ કે બેકગ્રાઉન્ડ વગર? ‘પાથેર પાંચાલી’ એમની પહેલી જ ફિલ્મ છે, જે દંતકથારૂપ બની ગઈ છે. કરિયરની પહેલી જ અવરના છ બોલમાં તેઓ છ સિક્સર કેવી રીતે ફટકારી શક્યા?
‘કોઈ મને આવું પૂછે એટલે સૌથી પહેલાં તો હું ભેદી સ્માઇલ કરું!’ સત્યજિત રાય એક લેખમાં કહે છે, ‘હકીકત એ છે કે એડવર્ટાઇઝિંગ અને સિનેમા બન્ને કન્ઝયુમેબલ કોમોડિટી છે. એકમાં આર્ટિસ્ટનાં માથા પર મેન્યુફેક્ચરર બેઠો હોય, તો બીજામાં પ્રોડયુસર. આ બન્નેમાંથી એકેયને કળા સાથે કોઈ લેવાદેવા ન હોય. આર્ટિસ્ટ બિચારો જાતજાતનાં બંધનો વચ્ચે પોતાની કળા દેખાડવા મથતો હોય. બેઝિકલી એડવર્ડાઇઝિંગ અને સિનેમા બન્ને ક્રિએટિવ ફિલ્ડ્સ છે અને મને નથી લાગતું કે એકમાંથી બીજામાં ગતિ કરવા માટે મારે વધારે પડતો સંઘર્ષ કરવો પડયો હોય. કોઈએ સરસ કહ્યું છે કે સિનેમા એટલે commercial આર્ટનું સૌથી ઊંચું સ્વરૂપ. આ વ્યાખ્યા સાથે અસહમત થવાનું મારી પાસે કોઈ કારણ નથી.’
સલામત ડેસ્ક જોબ છોડીને અનિશ્ચિતતાવાળી ફિલ્મલાઇનમાં જતી વખતે સત્યજિત રાય સ્પષ્ટ હતા કે એમણે સૌથી પહેલી વિભૂતિભૂષણ બંદોપાધ્યાય લિખિત ‘પાથેર પાંચાલી’ નવલકથા પરથી ફિલ્મ બનાવવી છે. એમણે કામ શરૂ કર્યું ત્યારે બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈએ એમનું નામ પણ સાંભળ્યું નહોતું. પરંપરાગત માન્યતા એવી હતી કે ડિરેક્ટર બનતાં પહેલાં છ-સાત વર્ષ સ્ટુડિયોમાં કોઈ ને કોઈ પોસ્ટ પર ખૂબ મહેનત કરવી પડે. કાં ફર્સ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે યા તો કેમેરામેન તરીકે અથવા કમ સે કમ સ્ક્રિપ્ટ રાઈટર તરીકે. સત્યજિત રાયે આમાંનું કશું નહોતું કર્યું. તેમણે ફક્ત થિયેટરમાં જઈને ફિલ્મો જોઈ હતી. નાનપણથી ફિલ્મો જોવાનો બહુ શોખ હતો. મોટા થયા પછી ગંભીર વિદ્યાર્થીની જેમ ફિલ્મોનો અભ્યાસ કરતા, ટેકનિક વિશે જે કંઈ મટીરિયલ મળે તે વાંચતા, થિયેટરના અંધકારમાં ડાયરીમાં નોંધ કર્યા કરતા. આ નોટ્સ ઘણું કરીને એડિટિંગ પેટર્ન વિશેની હોય. ખાસ કરીને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા (‘ધ ગોડફાધર’), ફ્રેન્ક કાપ્રા (‘ઈટ હેપન્ડ વન નાઈટ’), જોન હ્યુસ્ટન (‘ધ ટ્રેઝર્સ ઓફ ધ સિએરા માડ્રી’), બિલી વાઈલ્ડર (‘સનસેટ બુલેવાર્ડ’) અને વિલિયમ વાઈલર (‘બેન-હર’) જેવા અમેરિકન ડિરેક્ટરોની ફિલ્મો જોતી વખતે આ એક્સરસાઈઝ વિશેષ થતી.
સત્યજિત રાયના મનમાં અહીંના અને ત્યાંના ડિરેક્ટરો વચ્ચે સરખામણી થયા કરતી. આપણે ત્યાં કેવી રેઢિયાળ રીતે ફિલ્મો બને છે તે વધારે ને વધારે સમજાતું ગયું. ‘પણ આને લીધે ફિલ્મમેકર બનવાનો મારો ઉત્સાહ વધતો જતો હતો,’ રાય કહે છે, ‘મને ખાતરી જ હતી કે ડિરેક્ટર ભલે બિનઅનુભવી હોય, પણ જો એના આઇડિયાઝ અને સમજ ટકોરાબંધ હશે તો એ એટલી બધી ખરાબ ફિલ્મ તો નહીં જ બનાવે. વળી, મારે જેના પરથી ફિલ્મ બનાવવી હતી તે ‘માલ’ પણ સારો હતો (સત્યજિત રાયે ‘પ્રોપર્ટી’ શબ્દ વાપર્યો છે), નીવડેલો હતો એટલે મને બહુ ચિંતા નહોતી.’
ખેર, ટ્રાયલ-એન્ડ-એરર કરતાં કરતાં શૂટિંગ આગળ વધતું ગયું. ‘પાથેર પાંચાલી’ બની અને તે પછી જે કંઈ બન્યું એ ઇતિહાસ છે.
– શિશિર રામાવત
#SatyajitRay #Chitralok #CinemaExpress #gujaratsamachar
Leave a Reply