રાજ કપૂર, કૃષ્ણા અને નરગીસ: કોઈએ કોઈને છેતર્યા નથી…
——————————–
‘ મેં ક્યારેય મારી વાઇફને એક્ટ્રેસ બનાવવાની કોશિશ કરી નથી કે મારી એક્ટ્રેસને (નરગીસને) વાઇફ બનાવવાની કોશિશ કરી નથી. બન્ને સ્ત્રીઓની ભૂમિકાઓ સ્પષ્ટ હતી. આમાં કોઈ નંબર વન કે નંબર ટુ નહોતું. બન્ને પોતપોતાની જગ્યાએ નંબર વન હતી…’
——————————
સિનેમા એક્સપ્રેસ # ચિત્રલોક પૂર્તિ # ગુજરાત સમાચાર
——————————
હિન્દી સિનેમાના ગ્રેટેસ્ટ શોમેન ગણાતા રાજ કપૂરનું આ ૧૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. ૧૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ પેશાવરમાં એમનો જન્મ. રાજજીનું સિનેમેટિક વ્યક્તિત્ત્વ એટલું વિરાટ છે કે એમનાં વિશે કંઈકેટલાય પુસ્તકો લખી શકાય. લખાયાં જ છે. કંઈકેટલીય ડોક્યુમેન્ટરી બની શકે. બની જ છે. એમના જૂના ઇન્ટરવ્યુઝ વાંચવાની આજે પણ એટલી જ મોજ પડે છે.
એક વાર એમને પૂછવામાં આવ્યુઃ રાજજી, કોઈ પણ ફિલ્મ બનાવતી વખતે તમારે માટે અત્યંત અનિવાર્ય કહી શકાય એવી કોઈ વસ્તુ યા તો તત્ત્વ શું હોય છે? આ એક્ટર-ડિરેક્ટર-પ્રોડયુસરે ઉત્તર આપ્યોઃ ‘માય ઇમોશનલ બિલોન્ગિંગ…’ એટલે કે લાગણીના સ્તરે પેદા થયેલું પરિચિતપણું અથવા સાદી ભાષામાં, લાગણીભર્યા સંબંધો. એક્ટરો સાથેના સંબંધો, અન્યો સાથેના સંબંધો… રાજ કપૂર ઉમેેરે છે, ‘હું બહુ નાની ઉંમરે પરિપક્વ થઈ ગયો હતો. હું જે કંઈ જોતો, અનુભવતો – જિંદગીની જુદી જુદી પરિસ્થિતિઓ, સંજોગો – પછી એ સારું-ખરાબ ગમે તેવું હોય, તે મારો માનસિક ખોરાક બની જતો. મારા આ અનુભવો, આ લાગણીઓ મારા કામમાં વ્યક્ત થતા રહે છે. ખાસ કરીને લોકો સાથે મારા જે સંબંધો રહ્યા છે… અને હું માત્ર મારા જીવનમાં આવેલી સ્ત્રીઓની વાત નથી કરતો. આમાં પુરુષો, મારા સંગી-સાથી-મિત્રો પણ આવી ગયા કે જેમના પ્રત્યે મને પુષ્કળ આદરભાવ છે. આ તમામ વ્યક્તિઓ મારાં મન-હૃદયના જુદા જુદા હિસ્સાઓમાં વસે છે. હું તેમને મારાથી અળગા થવા દેતો નથી.’
રાજ કપૂરની વાતોમાં ‘ઇમોશનલ બિલોન્ગિંગ’ શબ્દપ્રયોગનું અવારનવાર પુનરાવર્તન થયા કરે છે. તેઓ કહે છે, ‘મારા માટે મારી માન્યતાઓ અને કન્વિક્શન સૌથી મહત્ત્વનાં છે. હું ખોટો હોઈ શકું છું, હું કંઈ સર્વજ્ઞા નથી, પણ હું જે કંઈ બનાવું છે એ મારા આંતરિક વ્યક્તિત્ત્વનું પ્રોજેક્શન હોય છે.’
રાજ કપૂરે છેલ્લી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ (૧૯૮૫) બનાવી તે પછીના ગાળામાં, એટલે કે એમના મૃત્યુના થોડા સમય પહેલાં એમના જીવન પર પ્રસાર ભારતીએ એક ડોક્યુમેન્ટરી તૈયાર કરી હતી. એમાં રાજ કપૂરે નરગીસ સાથેના સંબંધ વિશે ખૂલીના વાત કરી છે. રાજ કપૂર અને નરગીસે અઢાર ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. રાજજી કહે છે, ‘મેં અને (નરગીસને) પહેલી વાર જોઈ ત્યારે એ બહુ નાની હતી. ફક્ત સોળ વર્ષની. દેવકન્યા જેવું દિવ્ય રૃપ… અને કેવી ગજબની એક્ટ્રેસ! મારા માટે સિનેમા એટલે એક નક્કર, નખશિખ સમપર્ણભરી ભક્તિ… અને સંબંધો. એટલે જે કોઈ વ્યક્તિ કે વસ્તુ મારા સિનેમાનો હિસ્સો હોય, તે આપોઆપ મારા અસ્તિત્ત્વનો ભાગ બની જ જાય.’
નરગીસ વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપની શરૃઆત થઈ ત્યારે રાજ કપૂર ઓલરેડી પરણેલા હતા, બાપ બની ચૂક્યા હતા. એમની દેખાવડી પત્નીનું નામ હતું, કૃષ્ણા. રાજ કપૂર કહે છે, ‘મેં શરૃઆતથી જ એક ભેદરેખા દોરી લીધી હતી. એકદમ સીધી વાત હતી કે મારી પત્ની મારી એક્ટ્રેસ નથી, ને મારી એક્ટ્રેસ મારી પત્ની નથી. મારી પત્ની એટલે મારાં બાળકોની મા. મારે ઘર હતું, પરિવાર હતો, સંતાનો હતાં, જેની સારસંભાળ કૃષ્ણા રાખતી હતી… અને આ બાજુ મારી એક્ટ્રેસ હતી, જે મારી ક્રિયેટિવ પ્રોસેસમાં ભાગ લેતી હતી, મારી સર્જનાત્મકતાને વધારે નિખારતી હતી. એને આમાંથી સંતોષ મળતો હતો.’
આ આખી ડોક્યુમેન્ટરીમાં રાજ કપૂરે એક પણ વાર નરગીસનો નામોલ્લેખ કર્યો નથી. તેઓ ‘ધ એક્ટ્રેસ’ શબ્દપ્રયોગ કરે છે. તેઓ કહે છે, ‘મેં ક્યારેય મારી વાઇફને એક્ટ્રેસ બનાવવાની કોશિશ કરી નથી કે મારી એક્ટ્રેસને (નરગીસને) વાઇફ બનાવવાની કોશિશ કરી નથી. આ સંતુલન હંમેશા રહ્યું છે. અમે વર્ષો સુધી સાથે કામ કરતાં રહ્યાં, પૂરેપૂરી તીવ્રતાથી. બન્ને સ્ત્રીઓની ભૂમિકાઓ સ્પષ્ટ હતી. આમાં કોઈ નંબર વન કે નંબર ટુ નહોતું. બન્ને પોતપોતાની જગ્યાએ નંબર વન હતી… અને અમારી વચ્ચે સમજદારી હતી. અમે એકમેકને સમજતાં હતાં, અને કોઈ કોઈની સાથે છેતરપિંડી કે ચિટીંગ કરતું નહોતું. મારાં બાળકોની માને ક્યારેય એક્ટ્રેસ બનવું જ નહોતું, એટલે એનામાં ક્યારેય છેતરાઈ ગયાનો ભાવ જાગ્યો નહીં. એ જ રીતે એક્ટ્રેસ મારા જીવનમાં અભિનેત્રી બનવા માટે જ આવી હતી, મારાં બાળકોની મા બનવા માટે નહીં.’
આ, ખેર, રાજ કપૂરનું દષ્ટિબિંદુ છે, એક પુરુષની કેફિયત છે. શું કૃષ્ણા પણ આવું જ માનતાં હતાં?
—————————————-
વૈજયંતિમાલા સાથેનું અફેર હું નહીં ચલાવું!
—————————————-
રાજ કપૂરના સૌથી નાના દીકરા રિશી કપૂરે પોતાની અફલાતૂન આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’માં ખૂલીને વાતો કહી છે. એક જગ્યાએ તેઓ લખે છે, ‘મારા ફાધરનું નરગીસજી સાથે અફેર ચાલતું હતું ત્યારે હું બહુ નાનો હતો, એટલે મારા પર એની બહુ અસર નહોતી થઈ. ઘરમાં કશુંક ખૂટે છે એવું મને લાગ્યું હોય એવું કશું યાદ આવતું નથી… પણ પપ્પા વૈજયંતિમાલા સાથે ઇન્વોલ્વ થયા હતા એ દિવસો મને યાદ છે. મારી મા આ સંબંધ ચલાવી લેવા માગતી નહોતી. એ ઘર છોડીને અમને બચ્ચાઓને લઈને મરીન ડ્રાઇવ પર આવેલી હોટલ નટરાજમાં રહેવા જતી રહી હતી.’
રાજ કપૂર અને વૈજયંતિમાલાએ બે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે – ‘નઝરાના’ (૧૯૬૧) અને ‘સંગમ’ (૧૯૬૪). અલબત્ત, રાજ કપૂર અને કૃષ્ણા વચ્ચે મને-કમને જે સમજણ અને સ્વીકૃતિ વિકસી ગયાં હતાં તે વાતમાં તથ્ય લાગે છે. રિશી કપૂરે એમની આત્મકથામાં લખ્યું છે કે-
‘નીતુ સાથે મારાં લગ્ન થયાં ત્યારે નરગીસજી આવ્યાં હતાં. એમને જોકે સંકોચ થઈ રહ્યો હતો. મારી મધરે તે પારખી લીધું. એ નરગીસજીને એક બાજુ લઈ ગઈ અને કહ્યું, જો, મારો હસબન્ડ હેન્ડસમ પુરુષ છે. એ રોમેન્ટિક પણ એટલો જ છે. તને એના પ્રત્યે આકર્ષણ થયું હતું તે સમજાય એવું છે. તારા મનમાં અત્યારે શું ગડમથલ ચાલી રહી છે એય મને સમજાય છે, પણ ભૂતકાળની ઘટનાઓને કારણે તું અત્યારે તારી જાતને સજા ન કર. આજે ઘરમાં આનંદનો અવસર છે, તું મારી મહેમાન બનીને આવી છો એટલે આજે આપણે બહેનપણીઓ છીએ.’
પુરુષ અતિ સફળ હોય, કલાકાર જીવ હોય, એનું વ્યક્તિત્ત્વ પણ લાર્જર-ધેન-લાઇફ હોય ત્યારે એને સ્વકેન્દ્રી બનતાં વાર લાગતી નથી. રાજ કપૂર પોતાની મસ્તીમાં રહીને પોતાની સાહજિક લય પ્રમાણે જીવી શક્યા, પોતાના કામ પર પૂરેપૂરું ધ્યાન આપી શક્યા તેનું એક મોટું કારણ એ હતું કે એમની પત્નીનું મૂક સમપર્ણ હતું… અને આ વિશે કોઈ અભિપ્રાયભેદ હોવો ન જોઈએ.
– શિશિર રામાવત
#RajKapoor #Nargis #CinemaExpress #Chitralok #GujaratiSamachar
Leave a Reply