ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ…
————————
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
————————-
પ્યારેલાલ રામપ્રસાદ શર્માને તમે કદાચ ઓળખતા નથી, પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલ (એલ.પી.)ની જોડી પૈકીના પ્યારેલાલને તમે ચોક્કસ ઓળખો છે. હિન્દી સિનેમા સંગીતમાં અવિસ્મરણીય યોગદાન આપનાર આ બેલડીમાંથી લક્ષ્મીકાંત તો આપણી વચ્ચે રહ્યા નથી, પણ પ્યારેલાલને આપણે અવારનવાર ટીવી પર મ્યુઝિક ટેલેન્ટ શોઝમાં વિશેષ અતિથિ તરીકે સ્વસ્થ અને સાજાસારા જોઈએ છીએ. આ ત્રીજી સપ્ટેમ્બરે એમનો બર્થડે છે. તેઓ ૮૪ વર્ષ પૂરાં કરીને ૮૫મા વર્ષમાં પ્રવેશ કરશે.
લોકો હંમેશા ગેરસમજ કરતા રહ્યા છે કે લક્ષ્મીકાંત અને પ્યારેલાલ સગા ભાઈઓ છે. ના, એવું નથી. પ્યારેલાલના સગા ભાઈઓ ચાર. ‘વો લમ્હેં વો બાતેં…’ (ઝહર) અને ‘ચલ તેરે ઈશ્ક મેં…'(ગદર-ટુ) જેવાં કેટલાય સુપરહિટ ગીતો કંપોઝ કરનાર સંગીતકાર મિથુનના પિતાજી નરેશ શર્મા, પ્યારેલાલના સગા ભાઈ થાય. સંજય લીલા ભણસાલીની ‘સાંવરિયા’ સહિત બીજી કેટલીય ફિલ્મોનાં ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક કંપોઝ કરનાર મોન્ટી શર્મા પણ પ્યારેલાલના સગા ભત્રીજા. મોન્ટીના પિતાજી આનંદ શર્મા બોલિવુડના ઉત્તમ વાયોલિનવાદક ગણાયા છે. પ્યારેલાલના અન્ય બે ભાઈઓ ગોરખ શર્મા અને વિશ્વનાથ શર્મા પણ સંગીતકાર. જોકે પાંચેય ભાઈઓમાંથી નામ કાઢયું એકલા પ્યારેલાલે. શર્મા પરિવારમાં આટલી પ્રચુર માત્રામાં સંગીત ઉતરી આવવાનું કારણ પ્યારેલાલના પિતાજી પંડિત રામપ્રસાદ શર્મા છે.
પ્યારેલાલ આઠ વર્ષની ઉંમરથી સંગીત ક્ષેત્રે સક્રિય થઈ ગયા હતા એટલે એમની પાસે વાતોનો અણમોલ ખજાનો હોવાનો. આવો, આ ખજાનામાંથી થોડાં રત્નો બહાર કાઢીએ…
————
કાકા, કિશોર અને એલ.પી.
————
કાકાજી એટલે કે સુપરસ્ટાર રાજેશ ખન્નાની મ્યુઝિક સેન્સ જબરદસ્ત હતી. એમની ફિલ્મોમાં ઘણું કરીને આર.ડી. બર્મનનું સંગીત રહેતું. એક વાર કોઈક વાતે રાજેશ ખન્ના અને આર.ડી. વચ્ચે ઝઘડો થઈ ગયો. રાજેશ ખન્ના કહેઃ હવે મારી ફિલ્મમાં તારૃં મ્યુઝિક તો નહીં જ હોય. તે વખતે શક્તિ સામંતાની ‘અનુરોધ’ (૧૯૭૭) ફિલ્મ બની રહી હતી. આર.ડી.નું પત્તું કપાઈ ગયું એટલે ડિરેક્ટર શક્તિ સામંતાએ લક્ષ્મીકાંત-પ્યારેલાલને વિનંતી કરીઃ હવે તમે ગીતો કંપોઝ કરી આપો. લક્ષ્મીકાંત-પ્યારેલાલે હા પાડી. એમણે ‘અનુરોધ’ માટે કંપોઝ કરેલાં ગીતોમાંથી ‘આતે જાતે ખૂબસૂરત આવારા સડકોં પે…’ અને ‘આપકે અનુરોધ પે મૈં યે ગીત સુનાતા હૂં…’ સુપરહિટ થયાં.
રાજેશ ખન્ના પર કિશોરકુમારનો અવાજ સૌથી વધારે બંધબેસતો હતો એટલે તેઓ હંમેશા સંગીતકારોને તાકીદ કરતા કે તમે બને ત્યાં સુધી કિશોરદા પાસે જ મારાં ગીતો ગવડાવજો. ‘દુશ્મન’ (૧૯૭૨) ફિલ્મમાં ‘વાદા તેરા વાદા…’ ગીત છે. કિશોરકુમારે આ ગીત ગાવા માટે બહુ ના-ના કરી હતી. તેઓ કહેઃ આ ગીત તમે મોહમ્મદ રફી પાસે ગવડાવી લો. એલ.પી. કહે, ના, એમ નહીં, તમે એક વાર રાજેશ સાથે ચર્ચા કરી લો. બન્નેની મિટીંગ કરવવામાં આવી. કિશોરદા જીદે ભરાયા હતાઃ આ ગીત રફી પાસે જ ગવડાવો. રાજેશ ખન્નાએ પ્યારેલાલ સામે આંખ મીંચકારી અને પછી કહ્યુંઃ ભલે, પણ એક વાત યાદ રાખજો. તમારા સિવાય બીજું કોઈ પણ આ ગીત ગાશે તો હું આખેઆખું ગીત જ ફિલ્મમાંથી કઢાવી નાખીશ! રાજેશ ખન્નાનો આવો આગ્રહ જોઈને કિશોરદા પીગળ્યા. એમણે આખરે ‘વાદા તેરા વાદા…’ ગીત ગાયું. આ ગીત આપણે હવે કિશોરકુમાર સિવાય બીજા કોઈના અવાજમાં વિચારી પણ શકતા નથી, રાઇટ?
રાજેશ ખન્ના અને લક્ષ્મીકાંત-પ્યારેલાલે સૌથી પહેલાં ‘દો રાસ્તે’ (૧૯૬૯)માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી લઈને ‘નઝરાના’ (૧૯૮૭) સુધીમાં એમણે કેટલાય સુપરહિટ ગીતો અને ફિલ્મો આપ્યાં. પોતાની સૌથી પહેલી વર્લ્ડ ટૂરમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ આગ્રહપૂર્વક રાજેશ ખન્નાને પોતાની સાથે લઈ ગયેલા. રાજેશ ખન્ના આખા શો દરમિયાન સ્ટેજ પર આવીને ગણીને ત્રણ ગીતો પર પર્ફોર્મ કરતા, પણ એમને સાક્ષાત્ સામે નાચતા-કૂદતા જોઈને ઓડિયન્સ પાગલ થઈ જતું. રાજેશ ખન્નાના હોવા માત્રથી આ ટૂર હિટ સાબિત થઈ ગઈ.
——————-
લતાબાઈ એટલે લતાબાઈ
——————-
લક્ષ્મીકાંત શાંતારામ કુદલકર તરૃણ વયના હતા ત્યારથી સરસ મેંડોલિન વગાડી જાણતા. તે જમાનામાં મુંબઈના ફેમસ સ્ટુડિયોમાં ફિલ્મી ગીતોનાં ખૂબ રેકોડગ થતાં. એક વાર લક્ષ્મીકાંતની નજર ફેમસ સ્ટુડિયોની બહાર ક્રિકેટ રમી રહેલા પ્યારેલાલ પર પડી. બન્ને વચ્ચે દોસ્તી થઈ. સંગીતના મામલામાં બન્ને છોકરાઓ ટેલેન્ટેડ હતા એટલે તેઓ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરની સુરીલા બાલ કેન્દ્ર નામની સંસ્થામાં જોડાઈ ગયા અને શોઝમાં પર્ફોર્મ કરવા લાગ્યા. લતાબાઈ ત્યારે વાલકેશ્વરમાં રહેતાં. એમના થ્રી બેડરૃમ-હાલવાળા ઘરમાં આ બન્ને છોકરાઓનો ખૂબ આવરોજાવરો રહે. એક વાર હૃદયનાથે ‘તિન્હી આંજા સાખે…’ શબ્દોવાળું મરાઠી ગીત કંપોઝ કર્યું, જેનું અરેન્જમેન્ટ પ્યારેલાલે કર્યું. આ ગીત લતા મંગેશકરે ગાયું હતું. તે વખતે પ્યારેલાલની ઉંમર ફક્ત ૧૧ વર્ષ!
દર રવિવારે લતાજી બધા માટે પ્રેમથી રસોઈ કરે. પ્યારેલાલ કહે છે, ‘અમારૃં એક જ કામ – લતાબાઈના હાથનું ભોજન ખાઈને એમના વખાણ કરવાના! વરસમાં એકાદ-બે વાર લતાબાઈ વિદેશ જતાં ત્યારે એમની ગેરહાજરીમાં અમે હકથી એમના બેડરૃમ પર કબ્જો કરી લેતા ને એમના બેડ પર જ સૂઈ જતા! લતાજીએ ભલામણ કરી એટલે અમને નૌશાદ, મદન મોહન અને શંકર-જયકિશન જેવા ટોચના કંપોર્ઝસના હાથ નીચે કામ કરવાની તક મળી. એ વખતે અમે બન્ને હજુ ટીનેજર હતા. અમને બેયને એક ગીત દીઠ પાંચ-પાંચ આના મળતા. આટલા પૈસામાંથી અમે પેટ ભરીને ખાતા – ત્રણ આનાનાં બે વડાપાઉં અને બે આનાનું મિસળ!’
૧૯૬૩માં લક્ષ્મીકાંત-પ્યારેલાલે પહેલી વાર ‘પારસમણિ’ ફિલ્મ માટે સ્વતંત્રપણે મ્યુઝિક ડિરેક્ટર તરીકે કામ કર્યું ને ભારતીય ફિલ્મ સંગીતની દુનિયામાં ઔર એક બેનમૂન જોડીનો ઉદય થયો. લતા મંગેશકર અને કમલ બારોટે ગાયેલું ‘હસતા હુઆ નૂરાની ચહેરા…’ આ ફિલ્મનું યાદગાર ગીત. લતા મંગેશકર અને એલ.પી.ની ક્રિયેટિવ પાર્ટનરશિપ વિશે તો કહેવું જ શું. એલ.પી. માટે ખાસ અપવાદ ઊભો કરીને લતા મંગેશકર ‘આ જાને જા…’ (ઇન્તકામ, ૧૯૬૮) જેવું કેબ્રે સોંગ પણ ગાય અને તીવ્ર આદ્રતા સાથે ભક્તિભાવથી છલકતું ‘સત્યમ્ શિવમ સુંદરમ્…’નું ટાઇટલ સોંગ (૧૯૭૮) પણ ગાય. એલ.પી.ના સંગીતમાં ભવ્યતા હોય, ખાસ કરીને ડ્રમ-ઢોલક-તબલાંનો અદભુત ઉપયોગ થયો હોય. નૌશાદ એમના ઓરકેસ્ટ્રામાં ૨૦ વાયોલિનવાદકો રાખતા, શંકર-જયકિશન ૩૦ રાખતા, જ્યારે એલ.પી. એકસાથે છત્રીસ-છત્રીસ વાયોલિનવાદકો દ્વારા સામૂહિક સૂર પેદા કરતા.
————–
દોસ્તી અને નારાજગી
————–
દાયકાઓ સુધી એકધારા સાથે કામ કરનાર બે ક્રિયેટિવ વ્યક્તિઓ વચ્ચે ચણભણ ન થાય એવું કઈ રીતે બને? એક વાર દુબઈમાં એલ.પી.નો શો હતો. સ્ટેજ સેટ-અપ કરવાનું કામ ચાલી રહ્યું હતું. પ્યારેલાલને તરસ લાગી. એમણે લક્ષ્મીકાંતને કહ્યુઃ જરા કોઈને કહીને પીવાનું પાણી મોકલને. પાણી-બાણી કશું આવ્યું નહીં. થોડી કલાકો પછી પ્યારેલાલ સ્ટેજ પરથી નીચે આવ્યા તો જોયું કે લક્ષ્મીકાંતની સામે પાણીની છ અને વ્હિસ્કીની એક બોટલ પડી હતી. લક્ષ્મીજી તો ટેસથી ઢીંચી રહ્યા હતા. પ્યારેલાલનો પિત્તો ગયોઃ હું ત્યાં સ્ટેજ પર ભૂખ્યો-તરસ્યો કામ કરું છું, ત્યારે મારા માટે પાણી મોકલવાને બદલે તું દારૃ પી રહ્યો છે. આજથી તારો-મારો સંબંધ પૂરો!
શો પૂરો કરીને મુંબઈ પાછા ફરેલા લક્ષ્મીકાંતે પ્યારેલાલને ટેલિગ્રામ કર્યોઃ ભાઈ, અહીં આપણાં કેટલાંય રેકોર્ડિંગ લાઇન-અપ થયેલાં છે, તું જલદી આવ… પણ પ્યારેલાલ આવે તોને! આખરે સુભાષ ઘાઈ અને જે. ઓમપ્રકાશ જેવા સિનિયર ફિલ્મમેકરોએ વચ્ચે પડવું પડયું. એમણે પ્યારેલાલને મનાવ્યા, બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું. મહેબૂબ સ્ટુડિયોમાં લક્ષ્મીકાંત અને પ્યારેલાલે બધાની હાજરીમાં એકબીજાને ફૂલમાળા પહેરાવી. લતા મંગેશકરે બેયને સમજાવ્યાઃ ‘ઘરની વાતો ઘરમાં જ રાખવાની હોય. ઘરની વાત ક્યારેય બહાર ન જવી જોઈએ…’ લક્ષ્મીકાંત-પ્યારેલાલે આ વાત ગાંઠે બાંધી લીધી.
રાજ કપૂરની ‘બોબી’, ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘પ્રેમરોગ’ જેવી ફિલ્મોમાં એલ.પી.એ અદભુત સંગીત પીરસ્યું છે. મનદુખનો પ્રસંગ અહીં પણ બન્યો હતો. આરકે અને એલ.પી. ઘણી વાર કાં લક્ષ્મીકાંતના અથવા પ્યારેલાલની ઘરે એકઠા થઈને ઊંચા માંહ્યલો શરાબ પીતા ને અલકમલકની વાતો કરતા. એક વાર રાજ કપૂર બપોરે ત્રણ વાગે લક્ષ્મીકાંતની ઘરે પહોંચ્યા. બહાર રસ્તા પરથી જ એમણે કારનું હોર્ન વગાડયું. લક્ષ્મીકાંત ભરઊંઘમાં હતા એટલે ઊભા થઈને દરવાજો ખોલી ન શક્યા. (આ પ્યારેલાલનું વર્ઝન છે.) રાજ કપૂરને ખૂબ માઠું લાગી ગયું. તેઓ અપમાનિત થઈને જતા રહ્યા. ખેર, પછી રાજ કપૂર અને લક્ષ્મીકાંત વચ્ચે બુચ્ચા થઈ ગયા, પણ રાજ કપૂરે પછી ક્યારેય એલ.પી. સાથે કામ ન કર્યું…
સંગીતની જેમ સંબંધોમાં પણ આરોહ-અવરોહ તો આવે જ છે, ખરું?
– શિશિર રામાવત
#cinemaexpess #Pyarelal #LaxmikantPyarelal #LataMangeshkar #rajkapoor #Chitralok #gujaratsamachar





Leave a Reply