તમારી દીકરી સલામત તો છેને?
ફિઝિયો થેરાપિસ્ટ કહેતો કે બેટા, આને પ્રેશર પોઇન્ટ થેરાપી કહેવાય, હું તને આંગળીથી અહીં આ રીતે પ્રેશર આપીશને તો તને જલદી રાહત થશે. એ હલકટ માણસની હિંમત જુઓ. ક્યારેક તો છોકરીનાં મમ્મી કે પપ્પા રુમમાં હાજર હોય તો પણ એ દીકરી સાથે ઝડપથી આવો ગંદો ચાળો કરી લેતો. હાલ ચાલી રહેલા મહિલા કુસ્તીબાજોના વિરોધના સંદર્ભમાં આ ઘટનાક્રમ જાણવા જેવો છે.
————————————————-
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
————————————————-
રમતગમતના આંતરરાષ્ટ્રીય તખ્તે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દેશની તેજસ્વી દીકરીઓ જે રીતે ત્રસ્ત થઈ છે અને થઈ રહી છે તે જોઈને કોનો જીવ ચૂંથાતો નહીં હોય? દિલ્હીમાં ચાલી રહેલા મહિલા પહેલવાનોના દેખાવોના આ લખાઈ રહ્યું છે ત્યારે દસ દિવસ થઈ ચૂક્યા છે. દેશની એકાધિક મહિલા કુસ્તીબાજોએ રેસ્લિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા અને ભાજપી સાંસદ એવા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય શોષણના અતિ ગંભીર આક્ષેપો કર્યા છે. ગામના ઉતાર જેવા બ્રિજ ભૂષણનો અતીત અપરાધોથી ખદબદે છે તે હકીકત જગજાહેર છે. દુર્ભાગ્યે, રાજકારણીઓ અને આંદોલનજીવીઓ સામેલ થતાં મામલો ચુંથાઈ ગયો છે અને કંઈક ભળતીસળતી દિશામાં જ આગળ વધી રહ્યો હોય તેવી અસર ઊભી રહી છે.
ખેર, ખેલાડીઓના યૌનશોષણના સંદર્ભમાં ‘એથ્લીટ એ’ (૨૦૨૦) નામની ડોક્યુમેન્ટરીની વાત કરવી છે. એમાં પણ વાત મહિલા ખેલાડીઓના જાતીય શોષણની જ છે. ફર્ક એટલો છે કે આ દીકરીઓ ભારતની નથી પણ અમેરિકાની છે અને તેઓ રેસ્લર નથી, પણ જિમનેસ્ટિક્સની વર્લ્ડક્લાસ ખેલાડીઓ છે. ‘ધ ઇન્ડિયાનાપોલિસ સ્ટાર’ નામનું એક અમેરિકન અખબાર છે. એની એક રિપોર્ટર એક સ્ટોરી પર કામ કરી રહી હતી. સ્કૂલોમાં સેક્સ્યુઅલ એબ્યુઝના કિસ્સાઓ બનતા રહે છે, પણ સ્કૂલના સત્તાવાળા આખી વાતને શી રીતે દબાવી દે છે તે આ સ્ટોરીનો વિષય હતો. દરમિયાન રિપોર્ટરને એક ઇમેઇલ મળે છેઃ તમને ખબર છે કે યુએસએ જિમનેસ્ટિક્સ – યુએસએજી (અમેરિકાની ઓલિમ્પિક્સ કમિટી દ્વારા માન્યતા પામેલી જિમ્નેસ્ટિક્સની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા)માં પણ મહિલા ખેલાડીઓનું જાતીય શોષણ થાય છે અને એના ટોચના અધિકારી ગુનેગાર સામે કડકાઈથી પગલાં ભરવાને બદલે વાતને રફેદફે કરી નાખે છે?
‘ધ ઇન્ડિયાનાપોલિસ સ્ટાર’ની ટીમે આ સ્ટોરી પર કામ શરુ કર્યું અને ૨૦૧૪માં એક અહેવાલ છાપ્યો કે યુએસએજી સંસ્થાનો પ્રેસિડન્ટ સ્ટીવ પેની મહિલા જિમનેસ્ટ્સ સાથે દુર્વ્યવહાર કરતા કોચ સામે એક્શન લેવાને બદલે આખી વાત પર ઢાંકપિછોડા કરે છે. જેવો આ રિપોર્ટ છપાયો કે રેચલ, જેસિકા અને જેમી નામની ભૂતકાળમાં જિમનેસ્ટ રહી ચૂકેલી મહિલાઓ અખબારને ઇમેઇલ કર્યો. ત્રણેયે એક જ વાત લખીઃ આ સાચી વાત છે. જિમનેસ્ટિક્સની તાલીમ અને વિવિધ ટૂર્નામેન્ટો-સ્પર્ધાઓ દરમિયાન મારું જાતીય શોષણ થયું હતું. જાતીય શોષણ કરનારો માણસ સંસ્થાનો ડોક્ટર છે, જે મહિલા ખેલાડીઓની ફિઝિયોથેરાપી કરવાનું કામ કરે છે. જિમનેસ્ટિક્સની આ ત્રણેય ખેલાડીઓના ઇમેઇલમાં આ ડોક્ટરનું નામ કોમન હતું. ‘ધ ઇન્ડિયાનાપોલિસ સ્ટાર’ અખબારની ટીમે આ મામલામાં ઊંડા ઉતરવાનંુ નક્કી કર્યું.
પેલા ડોક્ટર યા તો ફિઝિયો થેરાપિસ્ટનું નામ હતું, લેરી નાસર. ડુંગળીના પડની વાત ધીમે ધીમે ખુલતી ગઈ અને ધીમે ધીમે એવી સચ્ચાઈ સામે આવતી ગઈ કે તે જોઈને સૌ સ્તબ્ધ થતા ગયા. લેરી નાસરે લાગલગાટ ૧૮ વર્ષ સુધી યુનાઇટેડ સ્ટેટ્સ વીમેન્સ નેશનલ જિમનેસ્ટિક્સ ટીમના ફિઝિશિયન તરીકે કામ કર્યું હતું અને આટલાં વર્ષોમાં એણે ૨૬૫ જિમનેસ્ટ છોકરીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આટલી તો પોતાનાં સાચાં નામ-સરનામાં સાથે જાહેરમાં આગળ આવેલી છોકરીઓ. પોતાની સાથે થયેલા કુકર્મોની વાત દુનિયા સામે આવીને કરી નથી એવી છોકરીઓ તો અલગ. એવો અંદાજ છે કે લેરીએ આશરે ૫૦૦ કરતાં વધારે દીકરીઓ સાથે કુકર્મ કર્યું હતું. ૫૦૦ દીકરીઓ! આ આંકડો જોઈને જ આંખો ફાટી જાય છે ને મગજ બંધ પડી જાય છે.
બન્યું એવું કે ૨૦૧૫માં મેગી નિકોલસ (જુઓ તસવીર) નામની તરૃણી એની જિમનેસ્ટ બહેનપણીઓ સાથે વાતો કરી રહી હતીઃ લેરીઅંકલ ચેકઅપ કરતી વખતે મારા શરીર સાથે આવા આવા ચાળા કરે છે. તને આવો અનુભવ થયો છે ક્યારેય? બહેનપણીએ કહ્યુંઃ શું વાત કરે છે, મેગી? મને એમ કે એ ફક્ત મારી સાથે જ આવું કરતા હશે… નજીકમાં જ મેગી નિકોલસની મહિલા કોચ બેઠી હતી. એના કાને છોકરીઓની આ વાત પડી. એ આંચકો ખાઈ ગઈ. છોકરીઓ આ શું બોલી રહી છે? એણે છોકરીઓની પૂછપરછ કરી. જે વાતો બહાર આવી એ સાંભળીને મહિલા કોચ હેબતાઈ ગઈ. એણે યુએસએજી સંસ્થામાં ફરિયાદ નોંધાવી. આટલી ગંભીર ફરિયાદ પછી શું એની સામે તરત પગલાં લેવાયાં? ના. લેરીને ટીમને ફિઝિશિયન તરીકે કાઢી મૂકાયો ત્યાં સુધીમાં એક વર્ષ અને ત્રણ મહિના વીતી ગયા હતા. 2016ના સમર ઓલિમ્પિક્સ માટે મેગીનું નામ કન્સિડર થઈ રહ્યું હતું. એણે અવાજ ઉઠાવ્યો એનું એક પરિણામ શું આવ્યું? અમેરિકાની વીમેન્સ જિમનેસ્ટિક્સ ટીમમાંથી એને કાઢી મૂકવામાં આવી.
———————————–
વાસના, વિકૃતિ અને ફિઝિયો થેરાપી
———————————–
લેરી નાસર દેખાવમાં અને વર્તન-વ્યવહારમાં એકદમ જેન્ટલમેન. એને જોઈને કોઈ કલ્પના સુધ્ધાં ન કરી શકે કે આ ભલોભોળો અને સોફિસ્ટિકેટેડ દેખાતા માણસના મનમાં કેવી કેવી ગંદકી ભરી છે. એ એક્ઝેક્ટલી શું કરતો? એની મોડસ ઓપરન્ડી શું રહેતી? જિમનેસ્ટિક્સમાં સાવ નાની ઉંમરથી બાળકોની તાલીમ શરુ થઈ જતી હોય છે. નાની છોકરીઓએ અત્યંત સ્ટ્રિક્ટ ડાયેટિંગ કરવું પડે. આ લેરી બેબલીઓને ચોકલેટ ને આઇસ્ક્રીમ ખવડાવતો ને પાછો કહેતોઃ ક્યારેક ક્યારેક ખાઈ લેવામાં વાંધો નહીં! લેરી એમની સાથે દોસ્તી કરે, એમની સાથે વાતો કરે, એમને હસાવે. નાની દીકરીઓને થાય કે આ ડોક્ટર અંકલ કેટલા સારા છે! ઇવન છોકરીઓનાં મા-બાપને પણ એ વિશ્વાસમાં લઈ લે.
જિમનેસ્ટિક્સની ટ્રેનિંગ દરમિયાન ઇન્જર્ડ થવું બહુ સામાન્ય વાત છે. ઇન્જરી ન હોય તો પણ ફિટનેસ માટે નિયમિતપણે ફિઝિયાે થેરાપીના સેશન લેવાના હોય. લેરી નાસર ફિઝિયોથેરાપીના સેશન દરમિયાન છોકરીના શરીરના સ્નાયુઓને ‘રિલીફ’ આપવાના નામે હેન્ડ ગ્લવ્ઝ પહેર્યા વગર એના પગ, કમર, નિતંબ પર મસાજ કરે. થેરાપી અહીં જ અટકી જતી હોત તો વાત જુદી હતી, પણ લેરી તો વિકૃત માણસ હતો. આગળ વાંચતી વખતે સંભવતઃ તમારી સુરુચિનો ભંગ થશે તે બદલ ક્ષમા કરજો, પણ ફિઝિયો થેરાપીની સેશન દરમિયાન લેરી નાની છોકરીઓની ગુપ્ત અવયવ સાથે અંગ્રેજીમાં જેને ડિજિટલ પેનિટ્રેશન કહે છે તેવો ચાળો કરી લેતો અને પાછો કહેતો કે બેટા, આને પ્રેશર પોઇન્ટ થેરાપી કહેવાય, હું તને આંગળીથી અહીં આ રીતે પ્રેશર આપીશને તો તને જલદી રાહત થશે. આ હલકટ માણસની હિંમત જુઓ. ક્યારેક તો છોકરીનાં મમ્મી કે પપ્પા રુમમાં હાજર હોય તો પણ એ દીકરીએ કમર પર ઓઢી રાખેલા ટોવલની નીચે ઝડપથી આવો ચાળો કરી લેતો.
મેગી નિકોલસ કહે છે, ‘એક તો તમારી ઉંમર ઓછી હોય, તમને દુનિયાદારીની કશી ખબર ન હોય, અનુભવ ન હોય. વળી, લેરીનો વ્યવહાર આમ પાછો જેન્ટલમેન જેવો અને ડીસન્ટ હોય. સેશન દરમિયાન એ તમારી સાથે સતત વાતો કરતો હોય, હસતો-હસાવતો હોય. એટલે શરૃઆતમાં તો તમને ખબર પણ ન પડે કે આ શું થઈ રહ્યું છે. તમને થાય કે આ જિમનેસ્ટિક્સની ફિઝિયો થેરાપીમાં ખરેખર આ રીતે પ્રેશર અપાતું હશે… પણ પછી ધીમે ધીમે તમને સમજાવા લાગે કે ના, આ નોર્મલ નથી. આ માણસ કશોક અજુગતો વ્યવહાર કરી રહ્યો છે…’
મેગી નિકોલસનાં મા-બાપે નોંધાવેલી ફરિયાદના પગલે ડિસેમ્બર ૨૦૧૬માં અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈએ છાનબીન શરૃ કરી ત્યારે લેરી નાસરના પર્સનલ કમ્પ્યુટરમાંથી ચાઇલ્ડ પાર્નોેગ્રાફીની ૩૭ હજાર તસવીરોનું આખું કલેક્શન મળી આવ્યું હતું. અરે, એક એનો પોતાનો વિડીયો સુધ્ધાં હતો જેમાં એ સગીર વયની બાળકીઓનું જાતીય શોષણ કરી રહ્યો હતો. જરા કલ્પના કરો. વાલીઓ આવા વિકૃત માણસને પોતાની ફૂલ જેવી માસૂમ દીકરીઓ સામેથી તાસકમાં ધરી દેતા હતા. લેરી નાસરના સૌથી નાની ઉંમરની શિકાર માત્ર છ વર્ષ હતી. લેરી નાસર પોતે પરણેલો હતો, ત્રણ બચ્ચાંનો બાપ હતો. જેવા લેરીના કાળા કારનામા બહાર આવ્યા કે એની પત્નીએ ડિવોર્સ લઈ લીધા. ત્રણેય સંતાનોની સંપૂર્ણ કસ્ટડી પત્ની પાસે રહી.
કોર્ટમાં કારવાઈ ચાલી. લેરી નાસરનો ભોગ બનેલી ભૂતપૂર્વ જિમનેસ્ટ મહિલાઓ એક પછી એક કઠેડામાં આવી ને જુબાની આપતી ગઈ. અમુક જુબાનીમાં કહેવાયું કે લેરી ડિજિટલ પેનિટ્રેશન કરતાં પણ ઘણો આગળ વધી જતો હતો. કુકર્મ થયું ત્યારે આ બધી મહિલાઓ બાળકીઓ કે તરુણીઓ હતી. એમને માટે જિંદગીનો આ પહેલો સેક્સ્યુઅલ એક્સપિયન્સ હતો. નાનપણમાં બનેલી આ પ્રકારની ઘટનાઓ બાળકના ચિત્તમાં છપાઈ જતી હોય છે. આવી દુર્ઘટનાઓનો દુષ્પ્રભાવ વર્ષો સુધી, દાયકાઓ સુધી ખેંચાતો હોય છે અને ક્યારેક માણસના જાતીય જીવન સુધ્ધા પર એની નકારાત્મક અસર પડતી હોય છે. અમુક છોકરીઓએ કહ્યું કે ઓલિમ્પિક્સમાં પહોંચવું અમારા માટે સપનું સાકાર થવા જેવી ઘટના હોવી જોઈતી હતી, પણ આ લેરીને કારણે અમને એવી લાગણી થઈ નહીં. ડોક્યુમેન્ટરીમાં કોર્ટની જુબાનીવાળાં દશ્યો જોતી વખતે તમારી આંખો ભરાઈ આવે છે. ડિસેમ્બર ૨૦૧૭માં લેરીને વીસ-વીસ વર્ષ માટે ત્રણ વખત એટલે કે કુલ ૬૦ વર્ષની આજીવન કારાવાસની સજા સુણાવવામાં આવી. લેરી અત્યારે ૫૯ વર્ષનો છે. આ નરાધમ હવે છેલ્લા શ્વાસ જેલમાં જ સડતો રહેેશે.
ખૂબ અસરકારક છે ‘એથ્લીટ એ’ નામની આ ડોક્યુમેન્ટરી. નેટફ્લિક્સ પર તે અવેબેલબલ છે. ચોક્કસ જોજો. યુટયુબ પર પણ આ કેસ સંબંધિત ખૂબ બધા વિડીયો છે. અમેરિકા હોય કે ઇન્ડિયા, દિવસ-રાત એક કરીને મહેનત કરતી આ મહિલા ખેલાડીઓ દેશનું ગૌરવ છે. એમની ગરિમાનું રક્ષણ કરવું એ પ્રશાસનની ફરજ નહીં, ધર્મ છે. એમના માટે જેટલું થાય એટલું ઓછું. તેઓ જ્યારે ચિલ્લાઈ ચિલ્લાઈને કશુંક કહેતી હોય ત્યારે વાતમાં તથ્ય હોવાનું. ‘એથ્લીટ એ’નો વિલન તો સાદો ડોક્ટર હતો, જ્યારે ભારતમાં ચાલી રહેલા વિરોધના કેન્દ્રમાં એક માથાભારે, તાકાતવાન સાંસદ છે. જોઈએ, આ કેસનો નિવેડો ક્યાં અને કેવી રીતે આવે છે…
– શિશિર રામાવત
Leave a Reply