પતિ, પત્ની અને મર્ડર
પત્નીની સફળતા અને પ્રતિભાની પતિને ઇર્ષ્યા થાય છે. પત્ની પાસે એ લઘુતાગ્રંથિ અનુભવે છે. બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થાય છે. પતિ કહે છેઃ દીકરાના ઉછેરની બધી જવાબદારી તું મારા પર કેમ નાખી દે છે?
—————————-
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————————-
તો થોડા સમય પહેલાં જ પૂરા થયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે કઈ ફિલ્મે સૌથી પ્રચંડ ડંકા વગાડયા? જવાબ છે, ‘એનેટોમી ઓફ અ ફૉલ’ નામની મૂવીએ. આ ફ્રેન્ચ ફિલ્મે સર્વોચ્ચ એવો પાલ્મા ડો’ર અવોર્ડ જીતી લીધો. જસ્ટિન ત્રિએ નામનાં ફિલ્મના મહિલા ડિરેક્ટરની વાહ વાહ થઈ ગઈ. કાન ફિલ્મોત્સવમાં આમેય મહિલા ફિલ્મમેકર્સને સર્વોચ્ચ સન્માન બહુ ઓછી વખત મળ્યું છે. ‘એનેટોમી ઓફ અ ફૉલ’ એક એવી ફિલ્મ છે, જેની શ્રેષ્ઠતા વિશે કશા મતમતાંતર થયા જ નથી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલા દુનિયાભરના દર્શકો અને સમીક્ષકોને આ ફિલ્મ એકસરખી ગમી ગઈ. હવે આ આખું વર્ષ ‘એનેટોમી ઓફ અ ફૉલ’ની ચર્ચા થતી રહેશે, તમે જોજો.
‘અનેટોમી ઓફ અ ફૉલ’ કંઈ મેઇનસ્ટ્રીમ હોલિવુડ ફિલ્મ તો છે નહીં કે આપણે ફટાક્ કરતાં મલ્ટિપ્લેક્સમાં જઈને જોઈ આવીએ. આ ફ્રેન્ચ ફિલ્મને આપણા સુધી પહોંચવામાં કોણ જાણે કેટલો સમય લાગશે. ખેર, આ ફિલ્મ વિશે જે કંઈ ચર્ચાયું છે ને તેના જે કોઈ થોડાઘણા ટુકડા ઓનલાઇન અવેલેબલ છે તેના આધારે ફિલ્મ વિશે આપણે લગભગ નિશ્ચિત થઈને વાત તો કરી જ શકીએ છીએ. શું છે ‘એનેટોમી ઓફ અ ફૉલ’માં? પહેલી નજરે તો એ એક મર્ડર મિસ્ટરી લાગે, ‘તો બતાઈએ, યે હત્યા હૈ યા આત્મહત્યા?’ યા તો ‘હુડનઈટ’ શૈલીની ફિલ્મ લાગે, પણ વાસ્તવમાં તે આના કરતાં ઘણી વધારે છે.
એક કપલ છે. સ્ત્રીનું નામ સાન્ડ્રા (સાન્ડ્રા હુલર). પુરુષનું નામ સેમ્યુઅલ (સેમ્યુઅલ થીસ). એમનો એક સરસ મજાનો અગિયાર વર્ષનો દીકરો છે. એનું નામ ડેનિયલ (મિલો મેચેડો). તેઓ અગાઉ લંડન રહેતાં હતાં, પણ થોડા સમય પહેલાં તેઓ આલ્પ્સના બરફાચ્છાદિત પહાડ પર એક વસેલા એક નાનકડા ફ્રેન્ચ ગામમાં શિફ્ટ થઈ ગયાં છે. એક શાંત નિર્જન જગ્યાએ બાંધેલા રુપકડા મકાનમાં તેઓ રહે છે. પતિ-પત્ની બન્ને લેખક છે. પત્ની મહત્ત્વાકાંક્ષી છે, સફળ છે અને પાછી ફેમસ છે. એનો ઈગો બહુ મોટો છે. પતિ બાપડો હજુ સ્ટ્રગલ કરી રહ્યો છે. પત્નીની સફળતા અને પ્રતિભાની એને ઇર્ષ્યા થાય છે. પત્ની પાસે, એની હાજરીમાં પતિદેવને લઘુતાગ્રંથિનો અનુભવ થાય છે. બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થાય છે. પતિ કહે છેઃ દીકરાના ઉછેરની બધી જવાબદારી તું મારા પર કેમ નાખી દે છે? એક વાર તો એ પત્ની પર રીતસર આક્ષેપ કરે છે કે તેં મારો આઇડિયા કેમ ચોરી લીધો? સાન્ડ્રાની વાર્તાઓ અને નવલકથાઓમાં હંમેશા માનવીય સંબંધો કેન્દ્રમાં હોય છે. વળી, સાન્ડ્રાને પોતાનાં લખાણોમાં ખુદના જીવનની અંગત વાતોને વણી લેવાની ટેવ છે. તેથી જ એની કથાઓમાં કલ્પના અને વાસ્તવ વચ્ચેની ભેદરેખા ઘણી વાર ભૂંસાઈ જાય છે.
ફિલ્મની શરુઆત જ પતિ-પત્ની વચ્ચેના ઘર્ષણથી થાય છે. સાન્ડ્રાનો ઇન્ટરવ્યુ કરવા માટે એક લેડી રિપોર્ટર ઘરે આવી છે. નીચલા માળે ઈન્ટરવ્યુ ચાલી રહ્યો છે ને ઉપલા માળે પતિદેવ ધરાર કાન ફાડી નાખે એવા અવાજે ઘોંઘાટિયું સંગીત સાંભળી રહ્યો છે. વાતચીત થવી શક્ય જ નથી એટલે નછૂટકે મહિલા રિપોર્ટરે મુલાકાત અધૂરી મૂકીને નીકળી જવું પડે છે. એક બાજુ રિપોર્ટરનું એની કારમાં બેસીને રવાના થઈ જવું ને એ જ વખતે નાનકડા ડેનિયલનું પોતાના કૂતરા સાથે ઘર તરફ આવવું. દીકરો અચાનક શું જુએ છે? ઘરની દીવાલ નજીક બર્ફીલી જમીન પર એના પપ્પાની બોડી પડી છે. માથામાંથી વહેતા લોહીએ બરફને લાલ લાલ કરી મૂક્યો છે. બોડી એવી રીતે પડી છે કે જોનારને તરત સવાલ થાયઃ શું આ માણસ સંતુલન ગુમાવીને ઉપલા માળે બારીમાંથી પડી ગયો એટલે મરી ગયો? કે કોઈએ એને ઉપરથી નીચે ફેંકી દીધો હશે? જો મામલો ખૂનનો હોય તો દેખીતી રીતે જ ખૂની પત્ની હોવાની, કેમ કે એના સિવાય ઘરમાં બીજું કોઈ હતું જ નહીં. બસ, પછી મામલો કોર્ટમાં જાય છે, છાનબીન શરુ થાય છે અને ધીમે ધીમે ડુંગળીના પડ ઉતરી રહ્યા હોય તેમ પતિ-પત્નીના ટોક્સિક લગ્નજીવનનાં સત્યો બહાર આવતાં જાય છે.
———————————
ટોક્સિક લગ્નજીવનનો કેસ સ્ટડી
——————————–
પતિ-પત્ની વચ્ચે તિરાડ પડવાની શરુઆત ત્યારે થઈ જ્યારે એમની બેદરકારીને લીધે દીકરાની દષ્ટિ જતી રહેલી. ડેનિયલ પૂરું જોઈ શકતો નથી. એ આંશિક અંધ છે. સંબંધમાં તણાવ હોય ત્યાં શારીરિક આકર્ષણ ક્યાંથી હોવાનું? અધૂરામાં પૂરું, સાન્ડ્રા કોઈકની સાથે લફરું કરી બેઠી છે ને એ પતિના હાથે પકડાઈ પણ ગઈ છે. આ બધી કદરુપી અને અપ્રિય વાતો કોર્ટની કાર્યવાહી દરમિયાન ધીરે ધીરે ટુકડાઓમાં બહાર આવતી જાય છે. આવી અંગત વાતો જાહેર કરવી પડતી હોવાથી સાન્ડ્રાની અકળામણનો પાર નથી. એની જુબાની પણ એની નવલકથાઓ જેવી જ છે. ન્યાયાધીશ (અને ઓડિયન્સ) નક્કી કરી શકતું નથી કે લેખિકા જે બોલી રહી છે એમાંથી સાચું કેટલું હશે ને કાલ્પનિક કેટલું હશે.
નાનકડા ડેનિયલની જુબાની બહુ જ મહત્ત્વની છે, કેમ કે એ જે કહેશે તેના આધારે એની મા કાં તો નિર્દોષ છૂટશે યા તો એના પર ખૂનનો આરોપ લાગશે. ડેનિયલ જે રીતે ત્રુટક ત્રુટક, વેરવિખેર વાતો કરે છે તેના પરથી ઓડિયન્સને થાય કે છોકરો ખરેખર કન્ફ્યુઝ્ડ છે કે પોતાની માને બચાવવા માટે એ કન્ફ્યુઝ્ડ હોવાનું નાટક કરી રહ્યો છે?
ફિલ્મ જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ ગૂંચવાયેલા સંબંધોની વાતો એટલી બળકટ બની જાય કે પતિની હત્યા થઈ કે એણે આત્મહત્યા કરી એ પ્રશ્ન ગૌણ બની જાય છે. ઓડિયન્સને સમજાય કે ફિલ્મનો મુખ્ય મુદ્દો સાન્ડ્રાએ પોતાના પતિની હત્યા કરી હશે કે નહીં તે છે જ નહીં. ફિલ્મ ખરેખર તો એક તૂટી રહેલાં લગ્નજીવનનો કેસ સ્ટડી છે. ‘એનેટોમી ઓફ અ ફૉલ’ કંઈ સતત ટ્વિટ્સ-એન્ડ-ટર્ન્સ ધરાવતી થ્રિલર નથી, અહીં તો માનવીય સંબંધોની, લગ્નજીવનની જટિલતાઓ, વિચિત્રતાઓ અને વિરોધિતાઓનું નાજુક ચિત્રણ છે. શીર્ષકમાં ‘ફૉલ’ એટલે માત્ર પહેલા માળે બારીમાંથી પડવું એમ નહીં. ફૉલ એટલે સંબંધનું અધઃ પતન, પ્રેમ અને નૈતિકતાનું અધઃ પતન.
સાન્ડ્રાનો રોલ નિભાવી રહેલી સાન્ડ્રા હુલર નામની આપણા માટે અજાણી એવી અભિનેત્રીના પર્ફોર્મન્સ પર તો સમીક્ષકો ઓળઘોળ થઈ ગયા છે. એવી જ કમાલ મિલો નામના બાલકલાકારે કરી છે. યુટયુબ પર ‘એનેટોમી ઓફ અ ફૉલ’નું જે થોડું ઘણું કોન્ટેન્ટ અવેલેબેલ છે તેના પરથી તરત ખ્યાલ આવી જાય છે કે આ બન્ને કેટલાં જબરદસ્ત અદાકારો છે.
ગૂંચવાયેલો માનવીય સંબંધ હંમેશા એક ઉત્તમ વિષય પૂરવાર થાય છે – ફિલ્મ, ટીવી સિરીઝ, વેબ શો, નવલકથા કે નાટક માટે. ‘એનેટોમી ઓફ અ ફૉલ’ના કથાનકને તમે ફ્રાન્સમાંથી ઊંચકીને દુનિયાના કોઈ પણ હિલ્સામાં, કોઈ પણ ભાષામાં સેટ કરી શકો છો. આ એક યુનિવર્સલ થીમ છે. તેનામાં સૌને એકસમાન સ્પર્શવાનું કૌવત છે. જો આ પ્રકારની ફિલ્મોમાં રુચિ હોય તો ‘મેરેજ સ્ટોરી’ (નેટફ્લિક્સ) ખાસ જોજો. જોઈએ, ‘એનેટોમી ઓફ અ ફૉલ’ માણવાની તક આપણને ક્યારે મળે છે.
– શિશિર રામાવત
Leave a Reply