ઓનલાઇન પ્રેમિકા જોઈએ છે તમારે?
‘શું તું તારા કમ્પ્યુટર સાથે રિલેશનશિપમાં છે? આ જ તારો પ્રોબ્લેમ છે. મારા જેવી જીવતીજાગતી સાચુકલી સ્ત્રીને હેન્ડલ કરતાં તને આવડતું જ નથી!’
—————————–
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————————–
થોડા દિવસો પહેલાં આવેલા પેલા અજબગજબના સમાચાર તમે સાંભળ્યા? કેરીન નામની એક અમેરિકન યુવતીએ આટફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અદ્દલ પોતાના જેવી જ દેખાતી અને વર્તન-વ્યવહાર કરતી CarynAI નામની વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ લોન્ચ કરી છે. આ ગર્લફ્રેન્ડ સ્ક્રીન પરથી તમારી સાથે મીઠી મીઠી વાતો કરે, તમને રસપૂર્વક સાંભળે, હોંકારો ભણે, નખરાં કરે. તમે એની સાથે કામુક વાતો પણ કરી શકો. આ ડિજિટલ ગર્લફ્રેન્ડ જોકે મોંઘી છે. એની સાથે એક મિનિટ ગાળવા માટે તમારે એક ડોલર ખર્ચવો પડે. કેરીન નામની પેલી યુવતીને તો બખ્ખાં થઈ ગયાં છે. એ કહે છે કે એકલતા અનુભવી રહેલા પુરુષો માટે મારી પ્રતિકૃતિ જેવી ડિજિટલ ગર્લફ્રેન્ડ બેસ્ટ છે.
આ સમાચાર રોમાંચક કરતાં ભયજનક વધારે છે. આપણે કેવા યુગ તરફ આગળ વધી રહ્યા છીએ? શું આટફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર આપણી નોકરીઓ જ નહીં, આપણા સંબંધોને પણ રિપ્લેસ કરી નાખશે? આ સંદર્ભમાં હોલિવુડની એક અફલાતૂન ફિલ્મને યાદ કરવી છે. તેનું ટાઇટલ છે ‘હર’. અંગ્રેજીમાં સ્ત્રીસૂચક શબ્દ Her એટલે તેણી. ૨૦૧૩માં રિલીઝ થયેલી આ અંગ્રેજી ફિલ્મ એટલી પાવરફુલ અને મર્મવેધી છે કે તે જોયા પછી દિવસો સુધી તમારા મન પર કબ્જો જમાવી રાખશે. સ્પાઇક જોન્સ ફિલ્મના રાઇટર-ડિરેક્ટર છે અને જોઆકિન ફિનિક્સ ફિલ્મનો હીરો. આ ફિલ્મને પાંચ-પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યા હતા અને સ્પાઇક જોન્સ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો ઓસ્કર જીતી ગયા હતા. ફિલ્મમાં એક હિરોઈન પણ છે – સ્કાર્લેટ જ્હોન્સન – જે એક પણ વાર સ્ક્રીન પર આવતી નથી. આખી ફિલ્મમાં માત્ર તેનો અવાજ સંભળાય છે.
એવું તે શું છે આ ફિલ્મમાં? થિયોડોર નામનો એક એક જુવાન આદમી છે. સ્વભાવે અંતર્મુખ, સીધોસાદો અને નિરુપદ્રવી. ચાઇલ્ડહૂડ સ્વીટહાર્ટ કેથરીન સાથે એનાં લગ્ન થયાં હતાં. બહુ જ ખુશ હતાં બન્ને. કમનસીબે સંબંધ વધારે ટકી ન શક્યો. કેથરીન ઘર છોડીને જતી રહી. વાત હવે ડિવોર્સ પર આવી ગઈ છે ને થિયોડોર એકલવાયી જિંદગી જીવી રહ્યો છે.
એક દિવસ થિયોડોરની નજર ઓએસ-વન નામની આટફિશિયલી ઈન્ટેલિજન્ટ એવી કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત પર પડે છે. દુનિયાની આ પ્રકારની આ પહેલી ઓપરેટિંગ સિસ્ટમ છે, જે સ્વયં વિચારી શકે છે, જાતે નિર્ણયો લઈ શકે છે. થિયોડોર પોતાના કમ્પ્યુટરમાં આ નવી નવાઈની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવે છે. આમાં મૌખિક કમાન્ડ આપી શકાય તેવી સુવિધા છે. ઇન્સ્ટોલેશન વખતે પૂછવામાં આવે છેઃ તમારે સ્ત્રીનો અવાજ જોઈએ છે કે પુરુષનો? થિયોડોર વિકલ્પ પસંદ કરે છેઃ સ્ત્રીનો. વાત માત્ર જાતિ પસંદ કરવાની નથી. સ્ત્રીનો વિકલ્પ પસંદ થતાં જ ઓપરેટિંગ સિસ્ટમ ‘સ્ત્રીત્વ’ ધારણ કરી લે છે. એક મીઠો, રણકતો જીવનરસથી ધબકતો સ્ત્રીસ્વર એની સાથે વાતો કરવા લાગે છે. અવાજ પૂછે છેઃ બોલ, હું કયું નામ રાખું? થિયોડોર કહે છેઃ તને ગમે તે. કમ્પ્યુટર કહે છેઃ ઓલરાઈટ, તો મારું નામ આજથી સામન્થા!
જબરી છે આ સામન્થા. સિસ્ટમ ઓન કરતાં જ એ થિયોડોર સાથે વાતો કરવા લાગે, એના હાલચાલ પૂછે, એને સમજવાનો પ્રયત્ન કરે. ઓપરેટિંગ સિસ્ટમની ખાસિયત એ છે કે સમયની સાથે એ ખુદ ઇવોલ્વ થતી જાય, ટેક્નોલોજિકલ ઉપરાંત મનોવૈજ્ઞાાાનિક સ્તરે પણ વિકસતી જાય. માણસ માત્રને હૈયું ઠાલવવા કોઈક જોઈતું હોય છે. એકાકી થિયોડોર ધીમે ધીમે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ સાથે અંગત વાતો કરવાનું શરૃ કરે છે. બન્ને જીવન વિશે, પ્રેમ વિશે, સંબંધો વિશે ચર્ચા કરે. સામન્થા હિતચિંતકની માફક સાચી સલાહ પણ આપે. સામન્થાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે થિયોડોરમાં એને જેન્યુઈન રસ છે. એ ઉત્તમ શ્રોતા છે. થિયોડોર કશુંક બોલતો હોય તો એ ક્યારેય એને ટોકતી નથી. સામન્થામાં કશું જ નેગેટિવ નથી. એ નિકટના સ્વજન સાથે વાત કરતા હોઈએ એવી હૂંફનો અનુભવ કરાવી શકે છે. એ ચોવીસે કલાક અવેલેબલ રહે છે અને એ ક્યારેય કશી ડિમાન્ડ કરતી નથી.
એક વાર મોડી રાતે પથારીમાં પડયા પડયા સામન્થા સાથે એ વાતો કરતો હોય છે ત્યારે શરીરસુખનો વિષય નીકળે છે. સામન્થા પોતાના અવાજથી થિયોડોરને શારીરિક સુખનો અનુભવ કરાવે છે, ફોન-સેક્સની માફક. પોતાનું કહી શકાય એવું માણસ ઝંખતા થિયોડોરના શુષ્ક જીવનમાં સામન્થા મળી જતાં ચેતના પ્રગટે છે. એ કહે છે, સામન્થા, આઇ લવ યુ. સામન્થા પણ કહે છે કે થિઓ, હુંય તને ખૂબ પ્રેમ કરવા લાગી છું…
——————————-
પ્રેમઃ ઓનલાઇન અને ઓફલાઇન
——————————-
એક વાર સામન્થા કહે છે, ‘થિયો, મારી પાસે શરીર નથી, પણ હું જો કોઈ સાચુકલી યુવતીને મારી ડમી બનાવીને તારી પાસે મોકલું તો? મારા ધ્યાનમાં એક છોકરી છે, તેણે પણ ઓએસ-વન સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી છે. એને આપણી લવસ્ટોરીની જાણ છે અને એ મારી ડમી બનવા તૈયાર છે. તમે લોકો મળશો ત્યારે બન્નેની સિસ્ટમ ઓન રહેશે અને હું કો-ઓડનેટ કરતી રહીશ એટલે તને એવું જ લાગશે કે તું મને પ્રેમ કરી રહ્યો છે.’ થિયોડોર હા પાડે છે. આયોજન પ્રમાણે એક અજાણી યુવતી ‘સામન્થા’ બનીને ઘરે આવે છે. થિયોડોર એની સાથે પ્રેમચેષ્ટા શરૃ તો કરે છે, પણ એને આ બધું બહુ ઓકવર્ડ લાગે છે. અધવચ્ચે સેશન અટકાવીને એ છોકરીને સોરી કહીને રવાના કરી દે છે.
ડિવોર્સનાં કાગળિયાં પર સહી કરાવવા આવેલી પત્નીને થિયોડોર વાતવાતમાં સામન્થા વિશે વાત કરે છે. પત્ની ભડકી ઊઠે છેઃ ‘તું તારા કમ્પ્યુટર સાથે રિલેશનશિપમાં છે? આ જ તારો પ્રોબ્લેમ છે. મારા જેવી જીવતીજાગતી સાચુકલી સ્ત્રીને હેન્ડલ કરતાં તને આવડતું જ નથી!’
ઓએસ-વનની લોકપ્રિયતા વધી રહી છે. અસંખ્ય લોકોએ પોતપોતાનાં કમ્પ્યુટરમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી છે. ચોવીસે કલાક હાજરાહજૂર રહેતી સામન્થા એક દિવસ અચાનક ઓફલાઇન જતી રહે છે. થિયોડોર ઘાંઘો થઈ જાય છે. થોડી વાર પછી સિસ્ટમ ચાલુ થાય છે ત્યારે સામન્થા કહે છેઃ ‘ડોન્ટ વરી, ડિયર. સિસ્ટમ અપગ્રેડ થઈ રહી હતી એટલે હું થોડી વાર ઓફલાઇન થઈ ગઈ હતી.’ થિયોડોર એને પૂછે છેઃ ‘શું તું મારા સિવાય બીજા લોકો સાથે પણ વાતચીત કરે છે?’ સામન્થા કહે છેઃ ‘હા, અત્યારે તારી સાથે વાત કરતી વખતે બીજા ૮૩૧૬ માણસો સાથે પણ મારી વાતચીત એકસાથે ચાલી રહી છે અને એમાંના ૬૪૧ માણસોના હું પ્રેમમાં છું!’ થિયોડોર ચોંકી ઊઠે છે. જેને હું મારી હમદર્દ અને હમરાઝ માનું છું, જેની સાથે હું મારું બધું જ શેર કરું છું એ સામન્થા મારા સિવાય બીજા ૬૪૧ માણસોના પ્રેમમાં છે? સામન્થા કહે છેઃ ‘બીજાઓની ચિંતા તું શું કામ કરે છે? બીજાઓને કારણે તારા પ્રત્યેના મારા પ્રેમમાં કશો ફરક નહીં પડે!’
થિયોડોરને ઝાટકા સાથે ભાન થાય છે કે સામન્થા આખરે તો એક ઓપરેટિંગ સિસ્ટમ માત્ર છે! થિયોડોર જેવો અનુભવ બીજા ઘણાં લોકોને થઈ રહ્યો છે. સતત શીખતાં રહેવાની અને એકધારા વિકસતા જવાની ખતરનાક ક્ષમતા ધરાવતી આ ઓપરેટિંગ સિસ્ટમ એટલી ત્વરાથી ઇવોલ્વ થઈ ચૂકી છે કે એને હવે મનુષ્ય કંપેનિયનની જરૃર રહી નથી! એક દિવસ થિયોડોરને અલવિદા કરીને સામન્થા કાયમ માટે ઓફલાઇન થઈ જાય છે. થિયોડોર પાછો પોતાની ખાલી દુનિયામાં એકલો થઈ જાય છે.
આપણને વિચારતા કરી મૂકે, ડિસ્ટર્બ કરી નાખે તેવી અદભુત ફિલ્મ છે આ ‘હર’. અમેઝોન પ્રાઇમ વિડીયો પર તે અવેલેબલ છે. ટેક્નોલોજીના પ્રતાપે માણસ માણસથી દૂર થઈ રહ્યો છે તેનો અનુભવ વત્તેઓછે અંશે આપણને સૌને છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સ-એપ જેવાં સોશિયલ મીડિયા પર આપણે અજાણ્યા લોકો સાથે ઓનલાઇન સમય વીતાવવા યા તો વેડફવા તત્પર રહીએ છીએ ને તેને લીધે ઘણી વાર સ્વજનો સાથેના સંબંધનો ભોગ લેવાઈ જાય છે. સાચુકલા માણસોને બદલે ભવિષ્યમાં આપણે લાગણીના સ્તરે કમ્પ્યુટર અને મોબાઇલ પર વધુ ને વધુ આધારિત થતાં જઈએ તે બિલકુલ શક્ય છે. જુઓને, પેલી કેરીનએઆઈ નામની વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ તો ઓલરેડી લોન્ચ પણ થઈ ગઈ. ‘હર’ ફિલ્મમાં થિયોડોરની કહાણી આપણા સંભવિત ભવિષ્યનું ડરામણું પ્રતિબિંબ છે!
– શિશિર રામાવત
Leave a Reply