કરણ જોહરને જોરદાર આઘાત લાગ્યો છે!
——————————–
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
——————————–
કરણ જોહર અત્યારે સ્તબ્ધ છે. એમને સખ્ખત આઘાત લાગ્યો છે. આવી કલ્પના પણ એમણે ક્યાંથી કરી હોય? આવું બને જ શી રીતે? આ શક્ય જ નથી! પણ એવું તે શું બની ગયું છે, સાહેબ? એ જ કે કરણ જોહરે ડિરેક્ટ અને પ્રોડયુસ કરેલી ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ ફિલ્મના ચારે કોર વખાણ થઈ રહ્યા છે! ઓડિયન્સ તો ઠીક, પેલા અતિ ચાંપલા, અતિ કડક ફિલ્મ રિવ્યુઅર્સ સુધ્ધાં એમના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. પોતાની ફિલ્મોને રિવ્યુઅરો વખાણે એ વાતની કરણ જોહરને ટેવ જ નથી! એટલે જ એમને થાય છે કે મેં કંઈ ગરબડ કરી નાખી કે શું? મારી ફિલ્મ આ ઉચ્ચ-ભ્રૂ ફિલ્મ સમીક્ષકોને કેવી રીતે ગમી ગઈ? આવો અનર્થ શી રીતે થઈ ગયો?
કરણ જોહરની સેલ્ફ-ડેપ્રિકેટિંગ (એટલે કે ખુદની ખિલ્લી ઉડાવતી) હ્મુમર કાતિલ છે. બીજાઓ હસે તે પહેલાં તેઓ ખુદ પોતાની જાત પર ઠહાકા મારી મારીને હસી નાખે છે. એક મુલાકાતમાં તેઓ કહે છે, ‘અત્યાર સુધીમાં મેં ડિરેક્ટ કરેલી ફક્ત એક જ ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’ના થોડા ઘણા વખાણ થયા હતા, સમજોને કે એના ૬૦થી ૭૦ ટકા રિવ્યુઝ પોઝિટિવ આવ્યા હતા… પણ ‘રૉકી ઔર રાની…’માં તો ગજબ થઈ ગયો. લોકો એ વાતની ટીકા કરતા હોય કે મારી ફિલ્મોમાં બધા પૈસાદાર લોકો જ હોય છે, ઇવન મિડલ ક્લાસ પાત્રો પણ બ્રાન્ડેડ ચીજવસ્તુઓ વાપરતાં હોય છે ને ડિઝાઇનર કપડાં પહેરતાં હોય છે (યાદ કરો, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ પાર્ટ-વનમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનું કિરદાર). મારી ફિલ્મોમાં બધા મહેલ જેવાં ઘરોમાં રહેતાં હોય, ડાન્સ કરતાં હોય, બધું ગ્લેમરસ-ગ્લેમરસ હોય. ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં પણ આ બધું જ છે, છતાંય આમ દર્શકો અને સમીક્ષકો બન્ને ફિલ્મની તારીફ કરી રહ્યા છે, બોલો! આ મારી સમજની બહારની વસ્તુ છે!’
ફિલ્મ લાઇન હોય, ટીવી સિરીયલોની દુનિયા હોય, નાટકો હોય, ટૂંકમાં, કોઈ પણ ક્રિયેટિવ ફિલ્ડ હોય જ જેમાં કોઈ એક કૃતિ પર આખી ટીમ કામ કરતી હોય, તેમાં ક્રેડિટની બહુ બોલબોલા હોય છે. ક્રેડિટને લઈને હૂંસાતૂંસી ને ઝઘડા પણ થતા હોય છે. ખાસ કરીને કૃતિ સફળ થાય ત્યારે. બધાને જશ ખાટી જવો હોય છે. કોઈ કહેશે કે ફલાણો આઇડિયા મારો હતો, બીજો કહેશે કે ના, મૂળ વિચાર તો મારો જ હતો, તેના પરથી ફલાણાને ફલાણો આઇડિયા આવેલો. આ મામલામાં કરણ જોહર આશ્ચર્ય થાય એટલી હદે ઉદાર છે. અનુપમા ચોપડાને આપેલા વિડીયો ઇન્ટવ્યુમાં એમણે કેટલીય વાર ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’ના રાઇટર્સ શશાંક ખૈતાન, ઇશિતા મોઇત્રા અને અમિત રોયને સઘળો જશ આપ્યો. રણવીર સિંહનું પાત્ર જે રીતે ઉઠાવ પામ્યું છે તે માટે ડિરેક્ટર તરીકે કરણ કાયદેસર જશ લઈ જ શકે છે, છતાંય આ ક્રેડિટ પણ તેઓ રણવીર સિંહને આપે છે.
કરણ કહે છે, ‘આ ફિલ્મની રેકી કરવા માટે અમે દિલ્હી ગયા હતા (રેકી કરવી એટલે જે શહેર કે જગ્યાએ શૂટિંગ કરવા ધાર્યું હોય ત્યાં આગોતરા જઈને સંભવિત લોકેશન્સની શોધ કરવી, નિરીક્ષણ કરવું). રેકી કરવા એક્ટરોએ સાથે આવવાનું ન હોય, પણ રણવીર તોય અમારી સાથે દિલ્હી આવ્યો, એક-બે વીક ત્યાં રહ્યો. અફ કોર્સ, એ લોકેશન શોધવા નહોતો આવતો, પણ હોટલમાં રહીને દિલ્હીના સ્થાનિક સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર્સ વગેરેને મળતો, એમની સાથે ફરતો, એમની સાથે સમય વિતાવતો. શા માટે? એ દિલ્હીના આજના જુવાનિયા જે પ્રકારની ભાષા બોલે છે, જે પ્રકારનો અટિટયુડ ધરાવે છે તેને બારીકાઈથી અભ્યાસ કરવા માગતો હતો. આ રણવીરનું હોમવર્ક હતું, એની તૈયારી હતી રૉકીના પાત્ર માટે. મને ખબર નથી એની શું પ્રોસેસ છે, પણ એ દસ-દસ કલાક પોતાના કમરામાં એકલો ભરાઈ રહે. મારા કે બીજા કોઈના ફોન ન ઉપાડે, વોટ્સએપ મેસેજ પણ ચેક ન કરે. એ પોતાની રીતે જે-તે કિરદારને ઇન્ટરનલાઇઝ કરતો હોય છે.’
રણવીરના આ ફિલ્મના શૂટિંગના પહેલા જ દિવસે એ પોતાના દોસ્તાર સાથે આલિયાની ઓફિસમાં જઈને એને મળે છે તે સિકવન્સ શૂટ કરવામાં આવી હતી. રણવીરને કશીક ગેરસમજ થઈ હશે કે રામ જાણે, પણ એ કોઈ બીજા સીનની તૈયારી કરીને આવેલો. સેટ પર ગયા પછી ખબર પડી કે આજે તો રૉકી-રાનીના ઇન્ટ્રોડક્શનવાળો સીન શૂટ કરવાનો છે. સમાજશાસ્ત્રની પરીક્ષાની તૈયારી કરીને ગયા હોઈને ને છેક એક્ઝામિનેશન હાલમાં ખબર પડે કે આજે સમાજશાનું નહીં, પણ વિજ્ઞાાનનું પેપર આપવાનું છે ત્યારે કેવી કફોડી હાલત થાય! રણવીરની સ્થિતિ પણ કંઈક એવી જ થઈ ગઈ. એની નર્વસનેસનો પાર નહીં. કરણ કહેઃ દોસ્ત, આજે સીન તો એ ઇન્ટ્રોડક્શનવાળો જ શૂટ થશે, કેમ કે સેટ લાગી ગયો છે, આખી ટીમ રેડી છે. રણવીર કહેઃ મને થોડો સમય આપો. કરણ કહેઃ ભલે.
રણવીર ચાર કલાક માટે પોતાની વેનિટી વેનમાં લપાઈ ગયો. ચાર કલાક પછી આવીને જેવા એણે કેમેરા સામે પર્ફોર્મ કરવાનું શરૃ કર્યું કે કરણને સંતોષ થઈ ગયોઃ બસ, આ જ તો છે મારો રૉકી! રણવીરે શૂટિંગના પહેલા જ દિવસે પોતાના પાત્રનો એટિડયુટ, બોડી લેંગ્વેજ બરાબર પકડી લીધા હતા. ફિલ્મનાં અમુક ઇમોશનલ દૃશ્યોમાં તો એ એટલી હદે પોતાની પાત્રની અંદર ઘૂસી ગયો છે કે સીનનાં બીજાં પાત્રો કરતાં તે સાવ અલગ જુદા જ સ્તર પર ઓપરેટ કરતો હોય એવું લાગે. રણવીર અને અન્ય ક્લાકારોના અભિનયની તીવ્રતામાં ખાસ્સો ફર્ક હોવાથી જે-તે ફ્રેમ જાણે અસંતુલિત થઈ જતી હોય એવું પણ લાગે.
‘રૉકી ઔર રાની….’માં રણવીરની સૌથી વધારે તારીફ થઈ છે. આલિયાની પ્રશંસા પ્રમાણમાં ઓછી થઈ છે, પણ કરણ પોતાની હિરોઈનને પણ જશ આપવાનું ચુકતા નથી. એ કહે છે કે રણવીરનું પાત્ર તો જ ખીલી શકે, જો સામે આલિયાની પ્રતિક્રિયાઓ પરફેક્ટ હોય. આફ્ટરઑલ, એક્ટિંગ ઇઝ ઓલ અબાઉટ રિએક્ટિંગ!
————————-
હા, હા, મેં નકલ કરી છે…!
————————–
બિન્ધાસ્તપણે ખુદને નકલખોર કહેવા માટે પ્રામાણિકતા અને હિંમત બન્ને જોઈએ. કરણ કહે છે, ‘જુઓ, પેલા કાશ્મીરમાં અમે જે રીતે ગીત શૂટ કર્યું છે – સુંદર સાડીઓ, જેકેટ, બરફ ને એવું બધું – તે સીધી યશ ચોપડાની કોપી છે. બીજી, રણવીર અને આલિયાના પિતા ‘ડોલા રે ડોલા’ ડાન્સ કરે છે તે સિકવન્સનો આખો સેટ અમે સંજય ભણસાલીની ફિલ્મોમાંથી ઉઠાવ્યો છે. આ સેટમાં કશું જ ઓરિજિનલ નથી. ખોટું શું કામ બોલવું? હા, આ ગીતમાં જે ઇમોશન હાઇલાઇટ થઈ છે અને વાર્તા જે રીતે આગળ વધે છે તે ‘રૉકી ઓર રાની…’નાં છે. કાશ્મીરવાળું ગીત અને ‘ડોલા રે ડોલા’ સિકવન્સને મેં યશ ચોપડા અને સંજય લીલા ભણસાલી પ્રત્યે વ્યક્ત કરેલો આદરભાવ સમજવો. ‘
કરણ નાના હતા એમની ભાવભંગિમા, બોડી લેંગ્વેજ ખાસ્સા સ્ત્રૈણ હતા. અત્યારે પણ છે, પણ નાનપણમાં તો ખૂબ હતાં. ‘સરગમ’ ફિલ્મના ‘ડફલીવાલે…’ ગીત પર તેઓ ઘરમાં ખૂબ ડાન્સ કરતા અને એ પણ જયાપ્રદાવાળાં સ્ટેપ્સ. એમના પિતા યશ જોહરને એમાં કશું અજુગતું ન લાગતું. ઘરે મહેમાન આવે ત્યાર એ કાયમ કરણને કહેતાઃ બેટા, જરા ‘ડફલીવાલે…’નો ડાન્સ કરીને બતાવ તો! ‘રાકી ઔર રાની…’માં આલિયાના કથક ડાન્સર પિતા અને ‘દેવદાસ’નાં બે ગીતો પર કરેલા એમના ડાન્સવાળી સિકવન્સનાં મૂળિયાં દેખીતી રીતે જ કરણનાં બાળપણમાં છે.
કરણે ‘અય દિલ હૈ મુશ્કિલ’ પછી સાત વર્ષના લાંબા ગાળા પછી કોઈ ફિલ્મ ડિરેક્ટ કરી છે. એમાંય કંગના રનૌતે છેડેલા નેપોટિઝમના મધપૂડા પછી ને સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી એકાએક કરણ ભારતનો ‘વન ઓફ ધ મોસ્ટ હેટેડ મેન’ બની ગયો હતો. એને રોજેરોજ ગાળો આપતી એક આખી ફોજ સોશિયલ મિડીયા પર ઉતરી આવે છે. આવી સ્થિતિમાં માનસિક સંતુલન જાળવી રાખવું સહેલું નથી. ‘રૉકી ઔર રાની….’ના ટ્રેલર અને ગીતોનાં લોન્ચ પછી નવેસરથી પસ્તાળ પડી હતી. ટ્રેલર જોઈને સૌને આ એક ટિપિકલ છીછરી મસાલા બોલિવુડ ફિલ્મ હોવાની છાપ પડી હતી. કદાચ એટલે જ ફિલ્મ રિલીઝ થવાની હતી તે દિવસોમાં કરણ આખો દિવસ રડ-રડ કર્યા કરતા હતા. એમને સમજાતું નહોતું કે લોકો ફિલ્મને સ્વીકારશે કે નવેસરથી ખાસડાં મારશે. ફિલ્મમાં ટિપિકલ કરણ જોહરવેડા હોવા છતાં સદભાગ્યે ઓડિયન્સને ને વિવેચકોને સમગ્રપણે ફિલ્મ ગમી છે. કરણના, લાગલગાટ ફ્લોપ ફિલ્મો આપી રહેલા રણવીર સિંહના અને ઇવન બોલિવુડના જીવમાં જીવ આવ્યો છે!
– શિશિર રામાવત
Leave a Reply