કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે શું શું થયું?
—————
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————
સૌથી પહેલાં તો આ સ્પષ્ટતા, ફરી એક વાર. ઘણા લોકો હજુય Cannes ફિલ્મ ફેસ્ટિવલના નામનો ઉચ્ચાર ખોટો કરે છે. આ ‘કાન’ ફિલ્મ ફેસ્ટિવલ છે, ‘કાન્સ’ કે ‘કેન્સ’ નહીં. એમાં જોકે વાંક આપણો નથી, સ્પેલિંગનો છે. ૧૬મે એ શરુ થયેલો આ ૧૨ દિવસીય ફિલ્મોત્સવની પૂર્ણાહૂતિ આવતી કાલે એટલે કે ૨૭ મેએ થવાની છે. કાન ફિલ્મોત્સવ યોજાય એટલે દુનિયાભરના ફિલ્મી સિતારાઓ, ડિરેક્ટરો, લેખકો, ફિલ્મ સમીક્ષકો, ફિલ્મના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો અને હવે સો સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર્સ સુધ્ધાં દક્ષિણ ફ્રાન્સના દરિયા કાંઠે વસેલા કાન નામના આ નાનકડા નગરમાં અડીંગો જમાવે છે. કાન ફિલ્મ ફેસ્ટિવલથી સમજોને કે જે-તે વર્ષે સૌથી ચર્ચામાં રહેનારી ફિલ્મોનો ધમધમાટ શરુ થઈ જાય છે, એક હવા બનતી જાય છે, જાતજાતના ફિલ્મ ફેસ્ટિવલ્સ અને ફિલ્મી ઇવેન્ટ્સની શૃંખલાનો દમામદાર પ્રારંભ થઈ જાય છે. તેની પરાકાષ્ઠા આખરે આગામી વર્ષના ઓસ્કર સમારોહમાં આવે.
કાન ફિલ્મ ફેસ્ટિવલનું ફક્ત સિનેમેટિક મહત્ત્વ જ નથી, ફેશન ઇન્ડસ્ટ્રી માટે પણ આ અસ્ટ્રા-ગ્લેમરસ ઉત્સવ એટલો જ મહત્ત્વનો છે. ફિલ્મી નટ-નટીઓ દુનિયાના શ્રેષ્ઠોત્તમ ફેશન ડિઝાઇનર્સે તૈયાર કરેલાં કોસ્ચ્યુમ્સ ઠઠાડીને એયને રેડ કાર્પેટ પર સ્ટાઇલો મારતાં મારતાં, મલપતાં મલપતાં ચાલે છે અને ફોટોગ્રાફરોની જમઘટ સામે હોઠનું પાઉટ બનાવીને પૉઝ આપે છે. આ તસવીરોનું પછી દુનિયાભરના મેઇનસ્ટ્રીમ તેમજ સોશિયલ મિડીયા પર સોલિડ પિષ્ટપેષણ થાય છે. તમે આ વખતે કાન ફિલ્મોત્સવમાં હાજર રહેલા ભારતીય સલિબ્રિટીઝ જેવાં કે ઐશ્વર્યા રાય બચ્ચન (કાનનું કાયમી ઘરેણું!), સારા અલી ખાન, ઈશા ગુપ્તા, મિસ વર્લ્ડ-ટર્ન્ડ-એક્ટ્રેસ માનુષી છિલ્લર, સની લિયોની, અનુરાગ કશ્યપ, વિજય વર્મા ઇત્યાદિની રેડ કાર્પેટવાળી તસવીરો ઓલરેડી જોઈ ચુક્યા હશો.
કોઈ પણ ફિલ્મની ઓપનિંગ અને ક્લોઝિંગ ફિલ્મનું ખાસ્સું મહત્ત્વ હોય છે. આ વખતનો કાન ફિલ્મોત્સવ ‘જ્યોં દ બેરી’ નામની હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મથી થયો. આ ફિલ્મનો હીરો છે, હોલિવુડમાં જબરું વજન ધરાવતા જોની ડેપ અને હિરોઈન-ડિરેક્ટર-સહનિર્માત્રી છે મૈવીન નામનાં માનુની. કેવી રીતે દ બેરી નામની ચતુર મહિલા ફ્રાન્સના રાજા લુઈ પંદરમા પર પોતાનો જાદુ પાથરે અને અનેક અવરોધો પાર કરીને રાજાની પ્રિયતમા બની જાય છે એની વાત આ ફિલ્મમાં છે. આવતી કાલે જેનું સ્ક્રીનિંગ થશે તે ફેસ્ટિવલની ક્લોઝિંગ ફિલ્મનું ટાઇટલ છે, ‘એલિમેન્ટલ’. આ એક એનિમેશન ફિલ્મ છે. કથા કંઈક એવી છે કે એક નગર છે, જેમાં પ્રકૃતિનાં પાંચેય તત્ત્વો રહે છે. એમાંથી જળ તત્ત્વ અને અગ્નિ તત્ત્વ એકબીજાના પ્રેમમાં પડે છે. તકલીફ એ છે આ પ્રેમી તત્ત્વો એકબીજાને સ્પર્શી શકે તેમ નથી! હવે કરવું શું? પછી કોઈ પણ લવસ્ટોરીની માફક આ પ્રેમી તત્ત્વ-પંખીડાં પણ કશોક રોમાંચક તોડ શોધી કાઢે છે.
દર વર્ષે કેટલીક મોસ્ટ-અવેઇટેડ ફિલ્મોનાં પ્રીમિયર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાતાં હોય છે. જેમ કે, ગયા વર્ષે ટોમ ક્રુઝની બહુ ગાજેલી ‘ટોપ ગનઃ મેવરિક’ ફિલ્મનું પ્રીમિયર અહીં થયેલું. આ ફિલ્મ એવી બમ્પર હિટ થઈ કે કોરોનાને કારણે કૃશકાય થઈ ગયેલા હોલિવુડને નવી ચેતના મળી ગઈ હતી. આ વખતે એવી કઈ અતિ-પ્રતિક્ષિત ફિલ્મોનાં પ્રીમિયર યોજાયાં?
———————–
ફિલ્મોની દુનિયા અને દુનિયાની ફિલ્મો
———————-
સૌથી પહેલાં તો, હોલિવુડના દિગ્ગજ ગણાતા સિનિયર મૂવીમેકર માર્ટિન સ્કોર્સેઝીની ફિલ્મ, ‘કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન’. ડેવિડ ગ્રેન નામના લેખકની અતિ રસાળ નવલકથા પર આ ફિલ્મ આધારિત છે. આમાં સો વર્ષ પહેલાંના નેટિવ અમેરિકન્સની વાત છે કે જેઓ તેલના મામલામાં ખાસ્સા માલામાલ હતા. કોણ જાણે શું થાય છે કે આ સમાજના લોકો એક પછી એક ભેદી રીતે ટપોટપ મરવા લાગે છે ને પછી… માર્ટિન સ્કોર્સેઝીને જલસો પડી જાય એવો વિષય છેને બાકી! ફિલ્મના હીરોલોગ પણ એમના ફેવરિટ છે – લિઓનાર્ડો ડીકેપ્રિયો અને રોબર્ટ દી નીરો. આ ઉપરાંત બેસ્ટ એક્ટર તરીકેનો લેટેસ્ટ ઓસ્કર જીતી ચૂકેલો બ્રેન્ડન ફ્રેઝર પણ ફિલ્મમાં છે. ટૂંકમાં, ઓડિયન્સ માટે આ ફિલ્મ એટલે ટ્રિપલ બોનાન્ઝા.
વેસ એન્ડરસનની ફિલ્મો એની વિઝ્યુઅલ્સ લેંગ્વેજ માટે ખાસ વખણાતી હોય છે. ઉદાહરણ તરીકે, ‘ધ ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટલ’. કાન મહોત્સવમાં પ્રીમિયર થયેલી એમની લેટેસ્ટ ફિલ્મનું ટાઇટલ છે, ‘એસ્ટ્રોઇડ સિટી’. આ એક સાયન્સ ફિક્શન છે. ૧૯૫૦ના દાયકાની વાત છે. અવકાશ અને બ્રહ્માંડનો અભ્યાસ તેમજ ખેડાણ કરતા લોકોનો મેળાવડો જામ્યો છે ને ત્યાં જ કોઈ એલિયન ટપકી પડે છે. ફિલ્મના કલાકારોની સૂચિ એટલી લાંબી છે કે ચક્કર આવી જાય. જુઓઃ ટોમ હેન્ક્સ, સ્કાર્લેટ જ્હોન્સન, એડ્રીન બ્રોડી, વિલિયમ ડેફો, જેફ ગોલ્ડબમ ને આ સિવાય બીજાં ડઝનેક નામ! સૌના ભાગે ફક્ત એક-બે સીન આવશે કે શું? એ જે હોય તે, પણ વેસ એન્ડરસનનું ડિરેક્શન હોય, સાયન્સ ફિક્શન હોય ને એમાં પાછા ટોમભાઈ (હેન્ક્સ) હોય એટલે ફિલ્મ જોવી તો પડે જ.
‘ફાયરબ્રાન્ડ’ પણ એક ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી ફિલ્મ છે. ઇંગ્લેન્ડના રાજા હેનરી આઠમાની અંતિમ પત્ની કેથરીન આ ફિલ્મના કેન્દ્રમાં છે. ફિલ્મનું કાસ્ટિંગ પણ સરસ છે – જુડ લૉ અને એલિશિયા વિકેન્ડર. પેડ્રો અલ્માડોવર એક આદરણીય સ્પેનિશ ફિલ્મમેકર છે. એમની અતરંગી ફિલ્મોનું ફેન-ફોલોઈંગ આખી દુનિયામાં ફેલાયેલું છે. આ વખતે કાન ફિલ્મોત્સવમાં તેઓ ‘સ્ટ્રેન્જ વે ઓફ લાઇફ’ નામની અડધી કલાકની શોર્ટ ફિલ્મ લઈને આવ્યા છે. ફિલ્મ તો વેસ્ટર્ન તરીકે ઓળખાતા જૉનરની છે – ઉજ્જડ ગામમાં ધૂળ ઉડાડતા ઘોડા, વાતવાતમાં બંદૂક કાઢતા જડભરત જેવા પુરુષો વગેરે – પણ થીમ એલજીબીટીક્યુની છે. જબરું કોમ્બિનેશન છે. લાગે છે, આ વખતે ઐતિકાસિક બેકડ્રોપ ધરાવતી ફિલ્મોની ભરમાર થઈ છે. જુઓને, કેટ બ્લેન્શેટની ‘ધ ન્યુ બોય’માં પણ ૧૯૪૦ના દાયકાના ઓસ્ટ્રેલિયાની વાત છે. કેટ આ ફિલ્મમાં નન બની છે.
આ બધું તો જાણે બરાબર છે, પણ ભારતીય ફિલ્મોનું શું? આ વખતે ચાર ભારતીય ફિલ્મોનું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થયું – અનુરાગ કશ્પની ‘કેનેડી’ (વેરની આગમાં સળગતો એક પોલીસ ઓફિસર છે, જે દુનિયાની નજરે મૃત્યુ પામી ચુક્યો છે. કલાકારઃ રાહુલ ભટ, સની લિઓની), કનુ બહલની ‘આગ્રા’ (આમાં ઘરમાં જગ્યાની મોકળાશ ન હોવાને કામજ્વરથી પીડાતા પુરુષની વાત છે. કલાકારઃ ઓરિજિનલ ‘આશિકી’બોય રાહુલ રોય, મોહિત અગરવાલ, વિભા છિબ્બર). આ સિવાય ‘ઈશાનહોઉ’ નામની એક જૂની ક્લાસિક મણિપુરી ફિલ્મ અને ‘નેહેમિચ’ નામની મરાઠી શોર્ટ ફિલ્મ જે યુદ્ધજિત બસુ નામના ડિરેક્ટરે બનાવી છે, જે સ્ત્રીના માસિક ધર્મના મુદ્દાની આસપાસ વણાયેલી છે.
આ લેખમાં ઉલ્લેખ પામેલી ફિલ્મોનાં નામ નોંધી રાખજો, તક મળે ત્યારે જોઈ પણ લેજો, કેમ કે આ આખું વર્ષ આ ફિલ્મો એકધારી ચર્ચાયા કરવાની છે.
– શિશિર રામાવત
Leave a Reply