બ્લુ વેલેન્ટાઇનઃ સ્ફોટક લગ્નજીવનનો નગ્ન એક્સ-રે
—————————–
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————————–
આ મહિને રિલીઝ થયેલી હોલિવુડની બન્ને મોટી ફિલ્મો – ‘ઓપનહાઇમર’ અને ‘બાર્બી’ – સફળ થઈ એટલે હોલિવુડના જીવમાં જીવ આવ્યો છે. ક્રિસ્ટોફર નોલન સુપરસ્ટાર ફિલ્મમેકર છે એટલે એમની પ્રત્યેક ફિલ્મ ‘મોસ્ટ અવેઇટેડ’ હોવાની જ, પણ ‘બાર્બી’ બોક્સઓફિસ પર આટલો સરસ દેખાવ કરી શકશે એવી અપેક્ષા નહોતી. ‘બાર્બી’ ભલે ‘મહિલાકેન્દ્રી’ ફિલ્મ રહી, પણ ફિલ્મના હીરો રાયન ગોસલિંગે પોતાના પર્ફોર્મન્સથી ફરી એક વાર સૌને આનંદિત કરી દીધા છે.
ઘણી વાર હીરો કે હિરોઇન એટલાં સુંદર હોય કે તેમનો દેખાવના તેજવલયમાં એમનાં બીજા પ્લસ પોઇન્ટ્સ ઢંકાઈ જતાં હોય છે. જેમ કે, ટોમ ક્રુઝ અને બ્રેડ પિટ વગેરે સતત હોલિવુડના મોસ્ટ ગુડલુકિંગ હીરો તરીકે પોંખાતા રહ્યા, પણ તેઓ સિરીયસ એક્ટર તરીકે પણ દમદાર છે. કંઈક અંશે રાયન ગોસલિંગના કેસમાં પણ આવી જ સ્થિતિ છે. એનો ચાર્મ એની ટેલેન્ટને ક્યારેક ઢાંકી દે છે! આજે રાયનની પ્રમાણમાં ઓછી જાણીતી ફિલ્મ ‘બ્લુ વેલેન્ટાઇન’ (૨૦૧૦) વિશે વાત કરવી છે. તેમાં રાયન અને એની કોસ્ટાર મિશેલ વિલિયમ્સ બન્નેનાં પર્ફોર્મન્સ અફલાતૂન છે. ઇન ફેક્ટ, મિશેલને તો આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબ એમ બન્ને ટોપ અવોર્ડ મળ્યા હતા. રાયનને બેસ્ટ એક્ટર તરીકેનું ગોલ્ડન ગ્લોબનું નોમિનેશન મળ્યું હતું. ‘બ્લુ વેલેન્ટાઇન’ના ડિરેક્ટરનું નામ છે, ડેરેક સિએનફ્રાન્સ. આ એમની કરીઅરની બીજી ફિલ્મ.
‘બ્લુ વેલેન્ટાઇન’માં એક યંગ કપલના સંધાતા-તુટતા-ફરી સંધાતા-ફરી તૂટતા સંબંધની વાત છે. આમ તો આ પ્રકારની કેટલીય ફિલ્મો આપણે જોઈ ચુક્યા છીએ, પણ ‘બ્લુ વેલેન્ટાઇન’ જોતી વખતે જાણે ચહેરા પર જોરદાર મુક્કો વાગ્યો હોય એવી ફીલિંગ થાય છે. અહીં કશું સુષ્ઠુ-સુષ્ઠુ નથી. સ્ત્રી અને પુરુષની એકબીજા પ્રત્યેની મીઠી-કડવી, મુલાયમ-હિંસક, કાયાકલ્પ કરી નાખે એવી યા તો અંદરથી હણી નાખે એવી લાગણીઓને કશી જ મિલાવટ વગર, એ જેવી હોય એવી, બિલકુલ રૉ અને નગ્ન સ્વરુપમાં પેશ કરવામાં આવી છે. આ જ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે.
ફિલ્મ બે સ્તરે આગળ વધે છે. એક સ્તર વર્તમાનનો, જેમાં ડીન નામના પુરુષ અને સિન્ડી નામની સ્ત્રીનાં લગ્નને છ વર્ષ વીતી થઈ ગયાં તે પછીની ઘટનાઓ છે. એમને એક મીઠડી દીકરી છે. બીજો સ્તર અતીતનો. બન્ને એકબીજાને કેવી રીતે મળ્યાં હતાં, કેવી રીતે એકમેકના પ્રેમમાં પડયા હતાં તેની વિગતો ફ્લેશબેકના ટુકડાઓ ક્રમશઃ ઊઘડતી જાય છે. ડીન તો કદી કૉલેજ ગયો જ નહોતો, પણ સિન્ડી મેડિકલ કૉલેજમાં ભણતી તેજસ્વી વિદ્યાર્થિની હતી. ડીન કોઈ મૂવર્સ-એન્ડ-પેકર્સ પ્રકારની એજન્સીમાં મહેનત-મજૂરીનું કામ કરતો હતો. ડીન મળ્યો એના થોડા સમય પહેલાં જ સિન્ડીએ એના ક્લાસમેટ સાથે બ્રેકઅપ કરી નાખ્યું હતું. સિન્ડીને ખબર પડે છે કે એ પ્રેગનન્ટ છે. એ ડીનને કહે છે કે ડીન, તું આ બાળકનો બાપ હોય એવા ચાન્સ ઓછા છે. સિન્ડી અબોર્શન કરાવવા જાય તો છે, પણ છેલ્લી ઘડીએ એનું મન બદલી જાય છે. ડીન કહે છેઃ કશો વાંધો નથી. બાળક મારું હોય કે ન હોય, મને એની પરવા નથી. આપણે બન્ને સાથે મળીને આ બચ્ચાને ઉછેરીશું. બન્ને પરણી જાય છે.
આ ઘટનાક્રમ એમના સંબંધનો પાયો રચે છે. તેમનો વર્તમાન કેવો છે? લગ્નનાં છ વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં લહેરી લાલો ડીન ખૂબ દારુ પીવા લાગ્યો છે. એ મહત્ત્વાકાંક્ષી ક્યારેય નહોતો. એ હવે મકાનની દીવાલોને રંગવાનું મજૂરીકામ કરે છે. કમનસીબે સિન્ડી પોતાનું મેડિકલનું ભણતર પૂરું કરી શકી નહોતી એટલે એ હવે કોઈ ક્લિનિકમાં નર્સ તરીકે કામ કરે છે. પોતાનો વર દારુ બહુ પીએ છે તે એના માટે મોટી સમસ્યા નથી, એને તકલીફ એ વાતની છે કે મારો વર ટેલેન્ટેડ છે, બુદ્ધિશાળી છે, પણ એનામાં ધગશ કેમ નથી? એ કશું કરતો કેમ નથી? ડીન કહે છેઃ મારે વધારે કશું કરવાની જરુર શી છે? મારી સાથે તું છે, બેબલી છે, ઘર ચાલી જાય એટલી આવક છે, વધારે શું જોઈએ? હું તો આટલામાં રાજી છું. પતિ-પત્ની વચ્ચે નાનીનાની વાતે ઝઘડા થતા રહે છે. સિન્ડી થાકી ગઈ છે. એને હવે યાદ પણ આવતું નથી કે હું આ માણસના પ્રેમમાં શું જોઈને પડી હતી?
લગ્નસંબંધમાં, કહો કે મોટા ભાગના સંબંધોમાં ખરાબી સર્જાય છે ત્યારે એના મૂળમાં પ્રેમનો અભાવ હોવાનો. ડીન ક્યારેક શંકાશીલ થઈ જાય છે, પણ એ લગ્ન બચાવવા માગે છે. સ્ત્રીને હવે તીવ્ર અભાવ થઈ ગયો છે. પતિની લાગણી, એનો સ્પર્શ કશું જ એને તરંગિત કરી શકતું નથી. એમાં વળી પતિદેવ બીજું બાળક પ્લાન કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે ને વાત ઔર વણસે છે. દુભાયેલો પુરુષ દારુ પીને પત્નીની ઓફિસમાં જઈને ધમાલ મચાવી મૂકે છે. બસ, સ્ત્રીની સહનશક્તિ હવે જવાબ દઈ દે છે અને…
———————
કૌણ સાચું? કોણ ખોટું?
———————
‘બ્લુ વેલેન્ટાઇન’ એક અસરકારક કેસ-સ્ટડી છે, લગ્નજીવનમાં પ્રવેશી જતી સડનનો. એક સમયે જે વ્યક્તિ પોતાના જીવ કરતાં વધારે વહાલી હતી એ લગ્નનાં થોડાં જ વર્ષો પછી સહન સુધ્ધાં ન થઈ શકે તેવી સ્થિતિ શી રીતે આવી જતી હશે? ક્યાં શું બદલાઈ જાય છે? શું ખોટું થઈ જાય છે? રાઇટર-ડિરેક્ટર ડેરેક સિએનફ્રાન્સને આ ફિલ્મ બનાવતાં બાર વર્ષ લાગ્યાં હતાં. સૌથી પહેલો ડ્રાફ્ટ એમણે ૧૯૯૮માં લખેલો ત્યારે તેઓ ફક્કડ ગિરધારી હતા. પછી લગ્ન થયાં, બે સંતાનના બાપ બન્યા. લગ્નજીવનનો, સમગ્રપણે જીવનનો અનુભવ વધતો ગયો તેમ તેમ તેઓ ફિલ્મના ડ્રાફ્ટમાં નાના-મોટા ફેરફાર કરતા ગયા. હવે તેઓ લગ્નસંબંધની જટિલતાને, પિતૃત્વના વિવિધ રંગોને વધારે અધિકૃત રીતે પોતાના લખાણમાં ઉતારી શકતા હતા. ડેરેક બાર વર્ષમાં ‘બ્લુ વેલેન્ટાઇન’ના કુલ ૬૬ ડ્રાફ્ટ લખ્યા. ૬૬ ડ્રાફ્ટ! તે પછી એમણે ગણવાનું જ બંધ કરી દીધું.
ફિલ્મનું સૌથી પહેલું પહેલું સ્ક્રીનિંગ ૨૦૧૦માં સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું. ખૂબ વાહવાહી થઈ. ડેરેકને જોકે સંતોષ નહોતો. તેમણે ફિલ્મ નવેસરથી એડિટ કરી અને સાડાચાર મિનિટનું કોન્ટેન્ટ, કે જે અગાઉના એડિટમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું, તે પાછું ઉમેર્યું. જુદા જુદા ફિલ્મોત્સવોમાં ‘બ્લુ વેલેન્ટાઇન’નું સ્ક્રીનિંગ થાય તે પછી ડેરેક ઓડિયન્સને પૂછતાઃ તમે કોના પક્ષે છો? પતિના કે પત્નીના? મોટે ભાગે એવું બનતું કે અડધું ઓડિયન્સ પુરુષની તરફેણ કરતું, અડધું ઓડિયન્સ સ્ત્રીનું. ‘બસ, આ જ મારી સફળતા છે,’ ડેરેક કહે છે, ‘સંબંધમાં એક વ્યક્તિ સાવ સાચી ને બીજી વ્યક્તિ સાવ ખોટી એવું ક્યારેય હોતું જ નથી.’
ડેરેકે પોતાનાં માતાપિતાનું કથળેલું લગ્નજીવન નજીકથી જોયું છે. ડેરેક કહે છે, ‘હું નાનો હતો ત્યારે મને સૌથી વધારે બે બાબતોનો ભય લાગતોઃ એક, વિશ્વયુદ્ધ થશે તો? અને બીજું, મારાં મમ્મી-પપ્પા અલગ થઈ જશે તો? હું વીસ વર્ષનો થયો ત્યારે મારાં પેરેન્ટ્સના આખરે ડિવોર્સ થયા. નાનપણથી મનમાં ઘર કરી ગયેલા આ ભયને મારે સામનો કરવો હતો. આ મથામણમાંથી જ ‘બ્લુ વેલેન્ટાઇન’નો જન્મ થયો.’
ફિલ્મનાં ફ્લેશબેકનાં દૃશ્યોમાં, અગાઉ કહ્યું તેમ, ડીન અને સિન્ડી હજુ એકબીજાને ઓળખી રહ્યાં છે, એમના સંબંધમાં પુષ્કળ શક્યતાઓ છે ને સંબંધ ગતિશીલ છે. સંબંધના આ તબક્કાને કેપ્ચર કરવા માટે ડિરેક્ટરે ફ્લેશબૅકનાં દૃશ્યો લોંગ શોટમાં લીધાં છે કે જેમાં પાત્રો માટે હરવાફરવા માટે, દોડવા-કૂદવા માટે પુષ્કળ જગ્યા છે. લગ્ન બાદ ડીન અને સિન્ડી જાણે થીજી ગયાં છે, અટકી ગયાં છે, તેમનો સંબંધ બંધિયાર થઈ ગયો છે. વિઝ્યુઅલના સ્તરે આ સ્થિતિને પ્રતીકાત્મક રીતે દેખાડવા માટે ડિરેક્ટરે વર્તમાનનાં દૃશ્યોમાં ટાઇટ ક્લોઝ-અપ્સ અને સાંકડી ફ્રેમ્સનો ઉપયોગ વધારે કર્યો છે. અહીં કેમેરા મૂવમેન્ટ કરતો નથી બલકે સ્થિર રહે છે – એમના સ્થગિત થઈ ચૂકેલા સંબંધની જેમ.
આ ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે રાયન ગોસલિંગ અને મિશેલ વિલિયમ્સ બન્ને ૨૮ વર્ષનાં હતાં. ફિલ્મના લેખન, ડિરેક્શન અન અભિનય – આ ત્રણેયમાં ભારોભાર પ્રામાણિકતા છે. તેથી જ પાત્રોની ઇમોશન્સ તમને તરંગિત કરી નાખે છે. આ મલ્ટિપલ અવોર્ડવિનિંગ ફિલ્મ અમેઝોન પ્રાઇમ વિડીયો પર છે. જોજો. ગમશે.
– શિશિર રામાવત
Leave a Reply