સિનેમા એક્સપ્રેસ (ચિત્રલોક, ગુજરાત સમાચાર) :
‘આ ૧૯૭૬ની વાત છે. હું, મારા પાપાજી (રામાનંદ સાગર) અને એમની આખી ટીમ સ્વિટ્ઝર્લેન્ડના એક નાનકડા ગામડામાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તે વખતે અમે જિંદગીમાં પહેલી વાર કલર ટીવી જોયું! કોઈ ફ્રેન્ચ માણસ હડમદસ્તા જેવું બોક્સ લઈને આવેલો. જૈસે સંદૂક હોતા હૈ ના, વૈસે. એણે બટન દબાવ્યું ને સ્ક્રીન પર વિદેશી ફિલ્મ ચાલુ થઈ. અમે ચોંકી ગયા! અમને થાય કે આ જાદુ કેવી રીતે થયોં? પ્રોજેક્ટર વગર સ્ક્રીન પર દશ્યો કેવી રીતે દેખાવા લાગ્યાં? અમે રીતસર ટીવી ફરતે આંટો માર્યો. ક્યાંક આ લોકોએ પ્રોજેક્ટર આ પટારાની પાછળ તો નહીં છૂપાવ્યું હોય ને? પણ પાછળ પણ કશું નહોતું. પાપાજી તો જોતા જ રહી ગયા. એમણે એ જ વખતે કહી દીધેલુંઃ બસ, હું સિનેમાનું ફિલ્ડ છોડી રહ્યો છું. હવે હું આ નવા માધ્યમ માટે જ કરીશ!’
આ પ્રેમ સાગરના શબ્દો છે. પ્રેમ સાગર એટલે રામાનંદ સાગરના દીકરા અને ‘રામાયણ’ સિરીયલના પ્રોડયુસર. ફિલ્મમેકર રામાનંદ સાગરે પછી ખરેખર સિનેમાને તિલાંજલિ આપી દીધી. એ પણ ત્યારે કે જ્યારે એમના નામે બેક-ટુ-બેક છ સિલ્વર જ્યુબિલી હિટ ફિલ્મો બોલતી હતી – ‘ઘુંઘટ’, ‘આરઝુ’, ‘ઝિંદગી’, ‘આંખેં’, ‘ગીત’ અને ‘લલકાર’. સિનેમામાં સફળ થયેલો કયો માણસ બિગ સ્ક્રીન છોડીને સ્મોલ સ્ક્રીન પર જાય? પણ રામાનંદ સાગર દૂરંદેશી હતા. એમણે કહી દીધેલુંઃ ‘ફ્યુચર ટેલીવિઝનનું છે!’
સ્વિટ્ઝર્લેન્ડથી પાછા આવ્યા બાદ રામાનંદ સાગરે દીકરાને રાઉન્ડ-ધ-વર્લ્ડ એર ટિકિટ આપી, રામ વિશેનું સાહિત્ય આપ્યું, વિદેશમાં વસતા પોતાના ધનિક દોસ્તારોને ઉદ્દેશીને લખેલા પત્રોનો થોકડો આપ્યો અને કહ્યું, ‘તું જા, જઈને આ બધાને એક પછી એક મળ. આ સૌ માલદાર લોકો છે, મારા મિત્રો છે. મારે રામાયણ પરથી ટીવી સિરીયલ બનાવવી છે. આ સૌની પાસે જઈને રામાયણની ટીવી સિરીયલના ફાયનાન્સર બનવાની વિનંતી કર. રામાયણ પરથી કંઈક બનાવવાનું સપનું હું ૧૯૪૦ના દાયકાથી જોઈ રહ્યો છું. આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે.’
પ્રેમ સાગર ગયા. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ, આફ્રિકા… જ્યાં જ્યાં રામાનંદ સાગરના એનઆરઆઈ દોસ્તો રહેતા હતા એ સૌને મળ્યા, પપ્પાના ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરી, પણ આ શ્રીમંત ઉદ્યોગપતિઓમાંથી હરામ બરાબર એક પણ જણ સિરીયલમાં પૈસા રોકવા તૈયાર થયો હોય તો! સૌની એક જ દલીલ હતીઃ અરે ભાઈ, તમે આ શું માઇથોલોજી-માઇથોલોજી કરો છો? મુગટ અને મૂછ જોવામાં કોને રસ પડશે? પ્રેમ સાગર ખાલી હાથે પાછા આવ્યા. રામાનંદ સાગર કહેઃ વાંધો નહીં. હું ટીવી સિરીયલ બનાવીશ એટલે બનાવીશ. એ પણ એક નહીં, ત્રણ ટીવી સિરીયલ બનાવીશ. પહેલાં રામાયણ બનાવીશ, પછી કૃષ્ણ પર સિરીયલ બનાવીશ ને પછી દુર્ગા પર.
દરમિયાન રામાનંદ સાગરે ‘વિક્રમ ઔર વેતાલ’ નામની ટીવી સિરીયલ બનાવી, ૧૯૮૬માં. મુગટ અને મૂછ તો તેમાંય હતા, પણ આ શો હિટ થઈ ગયો. રામાનંદ સાગર તો પહેલેથી જ નિશ્ચય કરીને બેઠા હતા ને એમાં ‘વિક્રમ ઓર વેતાલ’ સફળ થઈ એટલે એમનો કોન્ફિડન્સ ઓર વધ્યો. તેઓ કહેઃ હું રામાયણ બનાવીશ અને હું જે રીતે કલ્પું છું તે રીતે જ બનાવીશ!
‘વિક્રમ ઔર વેતાલ’ની સફળતા પછી પ્રેમ સાગરે ‘રામાયણ’ની સ્પોન્સરશિપ માટે સૌથી પહેલાં કોલગેટનો સંપર્ક કર્યો. કોલગેટના સાહેબો તૈયાર થઈ ગયા. પછી હિંદુસ્તાન લિવર અને અરવિંદ મફતલાલનો કોન્ટેક્ટ કર્યો. તેેમણે પણ હા પાડી. આ બધી મોટી કંપનીઓ હતી. એક વાર સ્પોન્સર્સ મળી ગયા એટલે સૌથી મોટું વિઘ્ન તો ત્યાં જ પસાર થઈ ગયું. ‘વિક્રમ ઔર વેતાલ’નું બજેટ હતું, એક એપિસોડના એક લાખ રુપિયા, જ્યારે ‘રામાયણ’ના એક એપિસોડનું બજેટ હતું, ૯ લાખ રુપિયા. એ જમાનાના ૯ લાખ એટલે આજના સમયના એક કરોડ રુપિયા સમજી લો.
દૂરદર્શન પર ‘રામાયણ’ સિરીયલ શરુ થવા પાછળ તે વખતની રાજકીય પરિસ્થિતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તે વખતે રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા. શાહબાનો કેસને કારણે ખૂબ વિવાદ થઈ ગયો હતો. રાજીવ ગાંધીને સલાહ આપવામાં આવી હતી કે તમારે હવે હિંદુ પ્રજાને રીઝવવી પડશે. આના માટે આસાન રસ્તો એ છે કે તમે રામાયણ અને મહાભારત પર ટીવી સિરીયલ બનાવડાવો. હિંદુ ઓડિયન્સ રાજી થઈ જશે.
એવું જ થયું!
રામાનંદ સાગર દૂરદર્શનને રામાયણની પ્રપોઝલ તો વર્ષો પહેલાં આપી ચૂક્યા હતા. એ અમલદારશાહીનો જમાનો હતો. વાત અપ્રુવલના તબક્કા સુધી પહોંચી હોય ને ત્યાં દૂરદર્શનના મોટા સાહેબની કાં તો બદલી થઈ જાય અથવા રિટાયર થઈ જાય. આવું કેટલીય વાર બન્યું. કદાચ દૂરદર્શનના એજન્ડામાં તે વખતે રામાયણ ફિટ થતું નહોતું તે પણ કારણ હોય, પરંતુ શાહબાનો કેસની કન્ટ્રોવર્સી પછી એકાએક અનુકૂળ માહોલ બની ગયો.
જાન્યુઆરી ૧૯૮૭ની એક સુંદર બપોરે દિલ્હીથી દૂરદર્શનની ઓફિસમાંથી રામાનંદ સાગરને ફોન આવ્યોઃ તમે રામાયણના એપિસોડ્સ બનાવ્યા છે, રાઇટ? રામાનંદ સાગરે પાક્કું અપ્રુવલ મળ્યું નહોતું તોય ‘રામાયણ’ સિરીયલ પર કામ કરવાનું શરુ કરી દીધું હતું. રામાનંદ સાગર કહેઃ જી હા, મારા ચાર કાચા એપિસોડ રેડી છે. દૂરદર્શનના સાહેબ કહેઃ ચાર નહીં, અમને એક જ પાઇલટ એપિસોડ બનાવીને આપો. તમારી પાસે બે જ અઠવાડિયાનો સમય છે! તાત્કાલિક મિટીંગ બોલાવવામાં આવી. રામાનંદ સાગર અને દીકરાઓ બેઠા. પ્રેમ સાગર કહેઃ પાપાજી, જે ચાર એપિસોડ બનાવ્યા છે તે એડિટ પણ થયા નથી. મ્યુઝિક બાકી છે. બે અઠવાડિયામાં કોઈ કાળે આપણે પાઇલટ એપિસોડ તૈયાર કરીને આપી ન શકીએ. રામાનંદ સાગર કહેઃ નથિંગ ડુઇંગ. આપણે ડેડલાઇન પહેલાં એક ફાયનલ એપિસોડ સબમિટ કરવાનો છે એટલે કરવાનો છે!
યુદ્ધના ધોરણે કામ શરુ થયું ને ચાર કાચા એપિસોડમાંથી જુદા જુદા સીન્સ ઊંચકીને, તેને એક તાંતણે પરોવીને, મ્યુઝિક તૈયાર કરાવીને પાઇલટ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો. ૨૫ જાન્યુઆરી ૧૯૮૭ના રોજ તે એપિસોડ ટીવી પર ટેલિકાસ્ટ થયો… એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! ભારતીય ટેલીવિઝનનો ચહેરો હંમેશ માટે બદલાઈ ગયો. બે જ એપિસોડમાં ‘રામાયણ’ સિરીયલે જબરદસ્ત ક્રેઝ ઊભો કર્યો. કોઈએ કલ્પના સુધ્ધાં કરી નહોતી એટલી લોકપ્રિયતા આ સિરીયલે મેળવી. લોકો ‘રામાયણ’ જોતા નહીં, ‘રામાયણ’ના દર્શન કરતા. જેમના ઘરે ટીવી હોય ત્યાં આડોશપાડોશની જમઘટ થઈ જતી. એ ૩૫ મિનિટ દરમિયાન રસ્તાઓ પર જાણે કરફ્યુ હોય એવો સન્નાટો છવાઈ જતો. ‘રામાયણ’ની લોકપ્રિયતા જયારે શિખર પર હતી ત્યારે એની વ્યુઅરશિપ ૬૫ કરોડ સુધી પહોંચી ગઈ હતી. પંચાવન દેશોમાં આ સિરીયલ જોવાઈ. ૭૮ એપિસોડ એટલે કે દોઢ વર્ષ કરતાંય વધારે સમય માટે ચાલેલી આ સાપ્તાહિક સિરીયલે દૂરદર્શનને તે જમાનામાં ૨૩ કરોડ રુપિયા કમાવી આપ્યા.
‘રામાયણ’ સિરીયલ શરુ થઈ ત્યારે રામાનંદ સાગર ૬૦ વર્ષના હતા. ‘રામાયણ’ની બમ્પર સક્સેક પછી એમણે ‘શ્રી કૃષ્ણ’, ‘લવ ઔર કુશ’ અને ‘આલિફ લૈલા’ બનાવી. જોકે આ સિરીયલો ‘રામાયણ’ના તોલે ન આવી. ‘રામાયણ’ સિરીયલ લોકડાઉન દરમિયાન પુનઃ ટેલિકાસ્ટ થઈ ત્યારે પણ તેણે વ્યુઅરશિપના નવા રેકોર્ડ બનાવ્યા. રામાનંદ સાગરની ‘રામાયણ’ ભારતીયોની સામુહિક ચેતના પર એટલી સજ્જડ રીતે અંકિત થઈ ગઈ છે કે ‘આદિપુરુષ’ જેવી અપ્રામાણિક અને નિમ્નસ્તરીય ફિલ્મના હોબાળા વચ્ચે લોકો અરુણ ગોવિલ અને દીપિકા ચિખલીયાવાળી ‘રામાયણ’ને તીવ્રતાથી યાદ કરી રહ્યા છે…
– શિશિર રામાવત
Leave a Reply