રોકેટ બોય્ઝઃ સ્પેસ સાયન્સને રસ નીતરતો પ્રેમપત્ર
———————————–
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
————————————
વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હોય અને આખો દેશ અધ્ધર ઇસરોની યુટયુબ ચેનલ પર યા તો ન્યુઝ ચેનલોને અધ્ધર શ્વાસે નિહાળી રહ્યો હોય ત્યારે દિલમાં ખૂબ ટાઢક થાય છે. જ્યારે ‘રોકેટ્રી-ધ નામ્બી ઇફેક્ટ’ જેવી ફિલ્મ થિયેટરમાં જોવા જઈએ અને આખું ઓડિટોરિયમ પક જોવા મળે ત્યારે હૃદયમાં શીતળતાનો શેરડો પડે છે. જ્યારે ‘મિશન મંગલ’ જેવી બોલિવુડના મેઇનસ્ટ્રીમ કલાકારોને ચમકાવતી ફિલ્મ બોક્સઓફિસ પર હિટ થાય છે ત્યારે મજ્જા પડી જાય થાય છે… અને જ્યારે ‘રોકેટ બોય્ઝ’ જેવો વિજ્ઞાાનને સેલિબ્રેટ કરતો વેબ શો ઓટીટી પર ખૂબ વખણાય, ચિક્કાર જોવાય, સિઝન-વન કરતાંય સિઝન-ટુની તારીફ વધારે થાય ત્યારે તો ખરેખર આનંદ આનંદ થઈ જાય છે.
ચંદ્રયાન-૩ આંતરરાષ્ટ્રીય સ્તરે તરંગો સર્જી રહ્યું છે ત્યારે ‘રોકેટ બોય્ઝ’ જેવા અફલાતૂન શોની વિગતે વાત ન કરીએ તે કેમ ચાલે? ભારતમાં બનેલા અત્યાર સુધીના શ્રેષ્ઠત્તમ વેબ શોઝમાં ‘રોકેટ બોય્ઝ’નું નામ ટોપ-ફાઇવમાં અનિવાર્યપણે મૂકવું પડે. સહેજે વિચાર આવે કે વિજ્ઞાાન અને વૈજ્ઞાાનિકો જેવા ‘શુષ્ક’ વિષય પર ઇન્ટરેસ્ટિંગ અને જકડી રાખતો શો બની શકે? જરુર બની શકે. ન ખાતરી થતી હોય તો જોઈ લો ‘રોકેટ બોય્ઝ’ની બન્ને સિઝન, જો હજુ સુધી ન જોઈ હોય તો.
ડો. હોમી જહાંગીર ભાભા અને ડો. વિક્રમ સારાભાઈ સાચા અર્થમાં આપણા લેજન્ડ્સ છે. દેશની આઝાદી પછી એમણે જે સપનું જોયું, તે સાકાર કરવા માટે સંસાધનો અપૂરતાં હોવા છતાંય જે ભગીરથ પુરુષાર્થ કર્યો એનું જ તો પરિણામ છે કે આજે આપણે ચંદ્રયાન-૩ની સફળતા સગી આંખે નિહાળી શક્યા છીએ.
સિદ્ધાર્થ રોય કપૂર અને નિખિલ અડવાણીના પ્રોડક્શન હાઉસ દ્વારા સંયુક્તપણે ‘રોકેટ બોય્ઝ’ શોનું નિર્માણ થયું છે. કહાણી અભય કોરાણેએ લખી છે. એમના નામેરી અભય પન્નુએ સ્ક્રીનપ્લે લખ્યો ને એનું હાઇક્લાસ ડિરેક્શન પણ કર્યું છે. અભય પન્નુએ ચાર વર્ષ પહેલાં ‘રોકેટ બોય્ઝ’ પર કામ શરુ કર્યું ત્યારે એમની ઉંમર હશે છવ્વીસ વર્ષ. તેઓ શો લખવાનું શરુ કરે તે પહેલાં શો-રનર નિખિલ અડવાણીએ એમને સરસ સલાહ આપેલી કે અભય, એક વાત સતત મનમાં યાદ રાખજે કે આપણે ‘રોકેટ બોય્ઝ’ બનાવી રહ્યા છીએ, ‘રોકેટ મેન’ નહીં. આપણે ડોક્ટર હોમી જહાંગીર ભાભા અને ડોક્ટર વિક્રમ સારાભાઈની નહીં, આપણે હોમી અને વિક્રમની વાર્તા કહેવાની છે. આપણે બે લેજન્ડ્સને નહીં, પણ બે મેધાવી ને તરવરિયા જુવાનિયાઓને દેખાડવાના છે, જે પડે છે-આખડે છે, જે ભૂલો કરે છે – નિષ્ફળ જાય છે, જે પ્રેમમાં પડે છે – પ્રેમમાંથી બહાર આવી જાય છે. જો તું આટલું કરી શકીશ તો મને લાગે છે કે તું સરસ શો બનાવી શકીશ.
‘મને મળેલી આ બેસ્ટ એડવાઇસ હતી,’ અભય પન્નુ એક મુલાકાતમાં કહે છે, ‘નિખિલની આ વાતને કારણે મારા મનમાં શોનો આખો ટોન સ્પષ્ટ થઈ ગયો.’
વિક્રમ સારાભાઈ પર ગાંઘીજીની તીવ્ર અસર. સ્વભાવે તેઓ પ્રમાણમાં શાંત અને ગંભીર. જ્યારે હોમી ભાભાનું વ્યક્તિત્ત્વ ખાસ્સું વેસ્ટર્નાઈઝ્ડ અને બહિર્મુખી. એમની મૂળભૂત તાસીર વિદ્રોહી. એમનામાં રમૂજવૃત્તિ પણ ભારોભાર. બન્નેની પર્સનાલિટીમાં ખાસ્સું અંતર, પણ બન્નેનું પેશન એક જ – વિજ્ઞાાન. બન્નેની મહત્ત્વાકાંક્ષા પણ એકસમાન – ભારતને વિજ્ઞાાનમાં એટલું આગળ લઈ જવું કે વિશ્વના અન્ય દેશોના ખભા સાથે તે ખભા મિલાવી શકે. અહીં વાત વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાની નહોતી. વાત એવું કશુંક સિદ્ધ કરવાની હતી, જે પોતાના સીમિત દાયરા કરતાં ઘણી વધારે મોટી, વધારે ગહન અને વધારે ઊંચી હોય. થયા, બન્ને વચ્ચે ટકરાવ થયા જ, પણ વિજ્ઞાાનપ્રેમે બન્નેને બાંધી રાખ્યા.
————————–
યેસ, આ જ છે મારા પાપા!
————————–
વેબ શોના એપિસોડ્સ જેમ જેમ લખાતા ગયા તેમ તેમ વિક્રમ સારાભાઈનાં પુત્રી મલ્લિકા સારાભાઈ સાથે શૅર થતા ગયા. ડો. ભાભાના મૃત્યુ કુદરતી નહોતું, પણ તેમને ખતમ કરી નાખવાનું કાવતરું રચાયું હતું તેવી કોન્સ્પિરસી થિયરીને પુષ્ટ કરે તેવા ઘણા પુરાવાઓ મળ્યા છે. એમ તો ડો. વિક્રમ સારાભાઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું ત્યારે પણ તેઓ ષડયંત્રનો ભોગ બન્યા છે તેવો શોરબકોર થયેલો, પરંતુ મલ્લિકા સારાભાઈએ શોના મેકર્સને કહ્યુંઃ આ માત્ર વાતો છે. મારા ફાધરનું મૃત્યુ ખરેખર કાર્ડિયાક અરેસ્ટથી જ થયું હતું. સ્વયં દીકરી કુદરતી મૃત્યુનું સમર્થન કરતી હોય ત્યારે વિક્રમ સારાભાઈની મોત ફરતે શોમાં ભેદભરમ ઊભા કરવાની જરુર નહોતી.
ડો. હોમી ભાભાનું પાત્ર જિમ સર્બ (અથવા સર્ભ) કરશે એ તો પહેલેથી જ નક્કી હતું. જિમના વ્યક્તિત્ત્વમાં કુદરતી રીતે જ પાશ્ચાત્ય છાંટ છે, એક પ્રકારની ઉર્જા છે, જે ડો. ભાભાના કિરદાર માટે આવશ્યક હતી. અભય પન્નુ અને નિખિલ અડવાણીએ ‘પાતાલલોક’ વેબ સિરીઝમાં પોલીસના રોલમાં ઇશ્વાક સિંહને જોયો હતો. એનો અભિનય થઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. ઈશ્વાકને વિક્રમ સારાભાઈના કિરદાર માટે ઓડિશન માટે બોલાવવામાં આવ્યો. ઓડિશન અફલાતૂન રહ્યું. આ ઓડિશનની ટેપ મલ્લિકા સારાભાઈને મોકલવામાં આવી. ફૂટેજ જોતાં જ મલ્લિકાએ કહી દીધુંઃ યેસ, આ જ છે મારા પાપા! ઇશ્વાક થિયેટર એક્ટર છે અને યોગાનુયોગે મલ્લિકા સારાભાઈની અમદાવાદ સ્થિત દર્પણ એકેડેમીમાં એકાધિક વખત પર્ફોર્મ કરી ચુક્યો છે. મલ્લિકા સારી રીતે જાણતાં હતાં કે આ છોકરો તગડો કલાકાર છે… ને બસ, બીજા રોકેટબોયની વરણી પણ થઈ ગઈ. યુવાન એપીજે અબ્દુલ કલામના પાત્રમાં અર્જુન રાધાકૃષ્ણન નામના એક્ટરને કાસ્ટ કરવામાં આવ્યો.
‘રૉકેટ બોય્ઝ’ની બન્ને સિઝન એકસાથે લખાઈ હતી હતી. સિઝન-વની સાથે સાથે સિઝન-ટુનું ૮૦ ટકા શૂટિંગ પણ પૂરું કરી નાખવામાં આવ્યું હતું. જયપુરના હરિ મહેલ પેલેસને વિક્રમ સારાભાઈના રહેઠાણમાં ફેરવી નાખવામાં આવ્યો. ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ડિટેલિંગમાં સારાભાઈ પરિવાર તરફથી મળેલી માહિતી અને સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યાં. ઇક્ષ્વાક હોમ વર્કના ભાગરૃપે વિક્રમ સારાભાઈની જીવનકથા પુસ્તક ધ્યાનપૂર્વક વાંચી ગયો હતો. તેને કારણે જે બાબતો સ્ક્રિપ્ટમાં લખાઈ નહોતી તેના વિશે પણ માહિતી મળી, સંદર્ભો વધારે સ્પષ્ટ થયા.
ફેબુ્રઆરી ૨૦૨૨માં પહેલી સિઝન રિલીઝ થઈ અને માર્ચ ૨૦૨૩માં બીજી. જે રીતે ભારતના સ્પેસ પ્રોગ્રામનું ચિત્રણ કરવામાં આવ્યું છે તેમજ વિક્રમ સારાભાઈનું પાત્ર ઊપસાવવામાં આવ્યું છે એનાથી ‘વિક્રમ સારાભાઈ- અ લાઇફ’ પુસ્તકનાં લેખિકા અમૃતા શાહ જોકે નાખુશ થયાં હતાં. એમને એવું પણ લાગ્યું કે ઐતિહાસિક ઘટનાક્રમમાં કાલ્પનિક પાત્રો ઉમેરવાની જરૃર નહોતી. એ જે હોય તે, ‘રોકેટ બોય્ઝ’ શોને પ્રેમ કરનારાઓની વસ્તી એટલી વધારે હતી કે છૂટીછવાઈ નારાજગીના સૂર એક તરફ હડસેલાઈ ગયા.
અભય પન્નુ કહે છે, ‘હું પહેલી સિઝનની સફળતા કોણ જાણે કેમ પણ માણી શક્યો નહોતો. મને કદાચ ત્યારે બીજી સિઝનનું ટેન્શન હતું. પણ બીજી સિઝનની સફળતા મેં ભરપૂર માણી. મને બેસ્ટ કોમ્પ્લીમેન્ટ્સ તો જાવેદ અખ્તર તરફથી મળ્યા. એમણે બીજી સિઝન જોઈને મને ફોન કર્યો અને કહ્યુંઃ અભય, મારો ઓરિજિનલ પ્લાન તો એવો હતો કે હું ત્રણ ટુકડામાં બીજી સિઝનના આઠેય એપિસોડ જોઈશ, પણ જેવી મેં જોવાની શરુઆત કરી ને હું એવો લીન થઈ ગયો કે એક જ રાતમાં મેં આખી સિઝન પૂરી કરી નાખી! જાવેદસાહેબે એવું પણ કહ્યું કે તારો શો જોઈને મને હવે અવકાશ વિજ્ઞાાનના જુદા જુદા કોન્સેપ્ટ્સ વિશે ઊંડાણથી સમજવાની ઇચ્છા થઈ રહી છે. કલ્પના કરો, ભારતના નંબર વન સ્ક્રિપ્ટરાઇટર આવું બોલ્યા! આનાથી વધારે મને બીજું શું જોઈએ?’
બિલકુલ. જાવેદ અખ્તર જે બોલ્યા એની નીચે આપણે પણ સહી કરી નાખીએ?
– શિશિર રામાવત
Leave a Reply