લાઇફ પાર્ટનર… ક્રિયેટિવ પાર્ટનર!
——————————-
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
——————————-
સાડાદસ વર્ષ. યશ ચોપડાના નિધન બાદ તેમનાં પત્ની પામેલા ચોપડા સાડાદસ વર્ષ એકલાં, પતિ વિનાં જીવ્યાં. ૨૦ એપ્રિલે એમનું પણ અવસાન થયું. ‘કિંગ ઓફ રોમાન્સ’નું બિરુદ પામેલા ફિલ્મમેકરના જીવનમાં એની પત્નીનું શું સ્થાન હોય છે? અને પ્રેમિકાઓનું?
યશ ચોપડાનાં લગ્ન ઠીક ઠીક મોડાં, ૩૭ વર્ષની ઉંમરે કર્યાં હતાં. યશજી અપરિણિત હતા પણ એકાકી નહોતા. નંદા, સાધના અને મુમતાઝ સાથે એમને મધુર સંબંધો હતા. એક સફળ, યુવાન અને કુંવારા ફિલ્મમેકરને એક કે એક કરતાં વધારે હિરોઈનો સાથે રોમેન્ટિક સંબંધો બંધાયા હોય તો એમાં કશુંય અસહજ નથી. નંદા અને સાધના સાથે તેમને કદાચ સારી દોસ્તી હતી, પણ મુમતાઝના મામલામાં તેઓ સિરિયસ હતા. ત્યાં સુધી કે યશજીના મોટા ભાઈ બી.આર. ચોપડા અને ભાભીએ મુમતાઝનાં મમ્મી-પપ્પાને મળીને લગ્ન માટે વાતચીત પણ કરી હતી. મુમતાઝની કરીઅર તે તબક્કે જોર પકડી રહી હતી. કામ-નામ-દામ છોડીને ઘરગૃહસ્થી સંભાળવામાં મુમતાઝને તે વખતે રસ નહોતો એટલે વાત પડી ભાંગી.
રેચલ ડ્વાયર નામની લેખિકાએ ‘યશ ચોપડાઃ ફિફ્ટી યર્સ ઇન ઇન્ડિયન સિનેમા’ નામનું મસ્તમજાનું પુસ્તક લખ્યું છે. તેમાં યશ ચોપડા કહે છે, ‘મારા મોટા ભાઈ (બી.આર. ચોપડા) તો મેં પહેલી ફિલ્મ બનાવી ત્યારથી મારા માટે યોગ્ય કન્યા શોધી રહ્યા હતા. જીવનમાં એક ચોક્કસ તબક્કો એવો આવે છે ત્યારે તમને સેટલ થવાની બિલકુલ પરવા ન હોય. મોટા ભાઈએ મને કેટલીય છોકરીઓ દેખાડવાની કોશિશ કરી, પણ હું બિલકુલ બેજવાબદાર હતો, હંમેશ મુજબ. હું કહ્યા કરતો કે મને શું કામ છોકરીઓ દેખાડો છો? મારે નથી પરણવું. મારે ગર્લફ્રેન્ડની પણ જરુર નથી…’
મુમતાઝ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકાયાં પછી બી.આર. ચોપડાના પુત્ર રવિ ચોપડાંનાં લગ્ન લેવાયાં. રવિ ચોપડા એટલે સુપરહિટ ‘મહાભારત’ સિરિયલ તેમજ ‘બાગબાન’ ફિલ્મના ડિરેક્ટર. સંગીત-સંધ્યા દરમિયાન યશજીની નજર એક સુંદર છોકરી પર પડી, જે ટિપિકલ પંજાબી સ્ટાઈલમાં ગીતો ગાઈ રહી હતી. યશજીને ગમી ગઈ એ છોકરી. જોકે એ વખતે તો વાત ત્યાં જ અટકી ગઈ. થોડા અરસા પછી યશજીને દિલ્હી જવાનું થયું. એમના ડિસ્ટ્રીબ્યુટર બી.એમ. શર્માએ કહ્યુંઃ યશજી, એક સરસ શીખ છોકરી છે. તમે એક વાર મળી લો. જો ગમે તો વાત આગળ વધારીશું. યશજી માની ગયા. મુલાકાત ગોઠવાઈ અને – સરપ્રાઈઝ, સરપ્રાઈઝ! – છોકરી એ જ હતી, જે સંગીત-સંધ્યામાં જોયેલી!
એ છોકરીનું નામ હતું પામેલા. એનો પરિવાર આર્મી બેકગ્રઉન્ડ ધરાવતો હતો. અભિનેત્રી સિમી ગરેવાલનાં મમ્મી અને પામેલાના પપ્પા સગાં ભાઈબહેન. ઇન ફેક્ટ, રવિ ચોપડાનાં લગ્નમાં સિમી જ કઝિન પામેલાને પોતાની સાથે લાવી હતી. લગ્નમાં હેમા માલિની પણ આવેલાં. પામેલાએ જોકે તે વખતે એવું નોધ્યું હતું કે પેલો ફિલ્મમેકર છોકરો (યશ ચોપડા) ક્યારનો હેમા માલિનીને તાક્યા કરે છે. વાસ્તવમાં યશ ધ્યાન તે વખતેય પામેલા પર જ વધારે હતું!
પહેલી ઓફિશિયલ મુલાકાતમાં જ યશજી અને પામેલા એકમેકને ગમી ગયાં હતાં, પણ કોણ જાણ કેમ ફરી મળવાની હિલચાલ કોઈએ ન કરી. યશજી બીજે દિવસે મુંબઈ રવાના થઈ જવાના હતા, પણ જિંદગીમાં પહેલી વાર એમનાથી ફ્લાઈટ મિસ થઈ ગઈ! તેઓ પાછા હોટલ પર ન ગયા, બલકે શર્માજીના ઘરે આવી ગયા. શર્માજીએ પામેલાને ફરી બોલાવી. બન્ને બીજી વાર મળ્યાં અને લગ્ન માટે એકમેકને હા પાડી દીધી. શર્માજીએ તરત બી.આર. ચોપડાને ફોન કર્યોઃ ચોપડાસાબ, તમારા ભાઈને એક સોણી કુડી પસંદ પડી ગઈ છે અને શાદી માટે તૈયાર થઈ ગયા છે! બી.આર. ચોપડા હરખાઈ ઉઠયા. તરત તેઓ પત્ની સાથે દિલ્હી ઉપડી ગયા. વડીલોની હાજરીમાં સંંબંધ પાકો થયો. પામેલાના પિતાજી જોકે થોડા અવઢવમાં હતા. એમને હતું કે છોકરો મુંબઈના આટલા પૈસાદાર ખાનદાનમાંથી આવે છે, ને અમે રહ્યા મિડલ-ક્લાસ ફૌજી માણસો. મારી પમ્મી કેવી રીતે સેટ થશે આ ઘરમાં? પણ સિમીની મમ્મીએ એમને હૈયાધારણ આપીઃ વીરા, ફિકર ન કર. બધું સરસ ગોઠવાઈ જશે.
એવું જ થયું. યશજી કહે છે, ‘કેટલીક ક્ષણો એવી આવતી હોય છે જે તમારું જીવન પલટી નાખે છે. રવિનાં લગ્નમાં પામેલાને જોવી એ એવી જ એક નિર્ણાયક પળ હતી.’
————————————
ક્વીન ઓફ રોમાન્સ
———————————
૨૦ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ યશ ચોપડા અને પામેલા સિંહનાં દિલ્હીમાં લગ્ન લેવાયાં. લગ્ન પછી યશ ચોપડા આજીવન પ્રેમાળ અને વફાદાર પતિ બની રહ્યા. તેમની ફિલ્મોમાં આઉટડોર શૂટિંગની ઝીણી ઝીણી જવાબદારી પામેલા આનંદપૂર્વક ઉઠાવી લેતાં. આ સિલસિલો શરુ થયો હતો ‘કભી કભી’થી. આ ફિલ્મની અમુક સિકવન્સીસ માટે શિમલાના સ્નો-ફોલમાં શૂટિંગ કરવાનું હતું. આ વખતે પામેલાએ પહેલી વાર આઉટડોર શૂટિંગની સંપૂર્ણ જવાબદારી ઉપાડી હતી. ક્યાં ક્યાં સાધનો જોઈશે, કોની કઈ જરુરિયાતો છે, કોને શું પસંદ-નાપસંદ છે આ બધું જ પામેલાને મોઢે હોય. પછી તો આઉટડોર શૂટિંગ ઓર્ગેનાઈઝ કરવાની કાયમી જવાબદારી પામેલાની બની ગઈ. યુનિટમાં એ સૌથી છેલ્લે સુએ અને સૌથી પહેલાં ઉઠી જાય.
યશજી એવરેજ પતિની જેમ લાગણી પ્રદર્શનની બાબતમાં કાચા પડતા. પત્ની વિશે જાહેરમાં ખાસ બોલતા નહીં, પણ પતિ-પત્ની વચ્ચેનું બોન્ડિંગ કેટલું મજબૂત હતું તે મિત્રો અને આત્મીયજનો સારી રીતે જાણે છે. યશજીએ શું ખાવું-પીવું-પહેરવું એ નક્કી કરવાથી માંડીને એમના સ્ટાફ તેમજ આઉટડોર શૂટિંગને સંભાળવા સુધીનાં તમામ કામ પામેલાએ કુશળતાપૂર્વક કર્યાં. તેઓ યશજીના ક્રિયેટિવ કામકાજમાં પણ સક્રિય રસ લેતા. જેમકે, એમણે ‘પ્રેમરોગ’નાં લેખિકા કામના ચંદ્રાને ફોન કરેલો કે યશજી નવી ફિલ્મ શરુ કરવા માગે છે. તમારી પાસે સરસ સ્ટોરી હોય તો અમને સાંભળાવો. કામના ચંદ્રાએ પછી તેમને મળીને વાર્તા સંભળાવી કરી અને એના પરથી જે ફિલ્મ બની એ ‘ચાંદની’.
પામેલા વચ્ચે પામેલા ખૂબ બીમાર પડી ગયેલાં ત્યારે યશજી સાવ ભાંગી પડયા હતા. બધાં જ કામ કેન્સલ કરીને તેઓ પત્નીને સારવાર માટે ન્યુયોર્ક લઈ ગયા હતા. પેલા પુસ્તકમાં યશજીએ સંતોષપૂર્વક કહ્યું છે, ‘પામેલા મારી સૌથી વહાલી દોસ્ત છે. વી આર સો ક્લોઝ. એ મારી રગેરગને જાણે છે, મારી શક્તિઓ અને નબળાઈઓથી પૂરેપૂરી વાકેફ છે. એને કેન્સર ડિટેક્ટ થયું ત્યારે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. પામેલા તો અમારા પરિવારનું કેન્દ્ર છે. હું અને મારા બેય દીકરા એના પર સંપૂર્ણપણે ડિપેન્ડન્ટ છીએ. અમારી વધુ પડતી સારસંભાળ લઈને એણે અમને બગાડી મૂક્યા છે. પામેલા વગર હું સૂકો પાપડ પણ ભાંગી ન શકું. શી ઈઝ અ ફેન્ટેસ્ટિક ગર્લ. મારી બીમારીમાં એણે જે રીતે મને સાચવ્યો છે… હું એના માટે કંઈ પણ કરી શકું છું. એણે મને આખી જિંદગી સુખ આપ્યું છે. મેં એને સુખ આપ્યું છે કે નહીં એ તો એ જ કહી શકે. એ એટલી બધી ઓર્ગેનાઈઝ્ડ છે કે વાત ન પૂછો. હું મારી કરીઅરમાં જે કંઈ કરી શક્યો છું એ એનું કારણ પામેલા છે. આઉટડોરમાં એ જે રીતે આખા યુનિટને સાચવે છે એ માની ન શકાય એટલું અદ્ભુત હોય છે. એ ઈન્ટેલિજન્ટ છે, સ્માર્ટ છે અને આદર્શ પત્ની છે. પામેલા મારા કરતાં લગભગ બધી વાતે હોશિયાર છે…’
લગ્નના દાયકાઓ વીતી ગયા પછી એક પતિ સંતુષ્ટ થઈને પૂરેપૂરી સચ્ચાઈથી આ શબ્દો ઉચ્ચારી રહ્યો છે. પ્રેમનું, રોમાન્સનું આના કરતાં વધારે ખૂબસૂરત સ્વરુપ બીજું કયું હોવાનું!
પામેલાએ માત્ર યશરાજ બેનરની જ નહીં, બહારની ફિલ્મો માટે પણ પ્લેબેક સિંગિંગ કર્યું હતું તે તમે જાણો છો? ‘કભી કભી’નાં મૂળ કથાલેખક પામેલાં જ. અરે, ‘દિલ તો પાગલ હૈ’માં તેમને સ્ક્રીનપ્લે રાઇટર તરીકે (અન્યો સાથે) ક્રેડિટ મળી છે. ‘સિલસિલા’નું ડ્રેસ ડિઝાઇનિંગ એમણે કરેલું. ડિવોર્સી મોટો દીકરા આદિત્ય, રાની મુખર્જીના પ્રેમમાં પડયો અને પછી એને સાથે લગ્ન કરવા તૈયાર થયો ત્યારે પામેલાને આશ્ચર્ય થયું હતું. એમને હતું કે આવી હાઈ પ્રોફાઇલ હિરોઈન સાથે મારા અતિ શરમાળ દીકરાનું લગનગાડું કેવી રીતે ચાલશે? પણ રાની સાથે સંબંધાયા પછી આદિત્ય ખુશ ખુશ રહેતો હતો એટલે પામેલા પણ રાજી રાજી હતાં.
સમગ્રપણે પામેલા ચોપડા એક સરસ, સભર અને સફળ જીવન જીવ્યાં. જો યશ ‘ચોપડા કિંગ ઓફ રોમાન્સ’ હતા તો પામેલાને ચોક્ક્સપણે ‘ક્વીન ઓફ રોમાન્સ’નું બિરુદ આપવું પડે!
– શિશિર રામાવત
Leave a Reply