‘વીકએન્ડ’ : ભડકે બળતા ફ્રાન્સનું ભયાનક વ્યંગચિત્ર
———————————-
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
———————————-
ફ્રાન્સ અત્યારે ભડકે બળી રહ્યું છે ત્યારે એક ફ્રેન્ચ માસ્ટર ફિલ્મમેકરની ક્લાસિક ફિલ્મનું સ્મરણ થાય છે. ફિલ્મમેકરનું નામ છે જ્યોં લીક ગોદાર્દ. (ઘણા એમને ગોડાર્ડ પણ કહે છે.) ફિલ્મનું ટાઇટલ છે, ‘વીકએન્ડ’. પેરિસની સળગતી સડકો, ભાંગફોડ અને અરાજકતાનાં દષ્યો જોઈને આજે આખી દુનિયા ધુ્રજી ઉઠી છે. પેરિસના આ વર્તમાન કરતાં અનેકગણો આત્યંતિક સિનારિયો આજથી ૫૬ વર્ષ પહેલાં બનેલી ‘વીકએન્ડ’ ફિલ્મમાં છે. ફ્રાન્સ તો આદર્શ સેક્યુલરિઝમની જન્મભૂમિ ગણાય છે, પણ અત્યારે ત્યાં જે પ્રકારની ભયાવહ સ્થિતિ સર્જાઈ છે તે જોઈને આપણને જે પ્રશ્નો થાય છે લગભગ એવા જ પ્રશ્નો આ ફિલ્મ પણ ઉઠાવે છેઃ શું આદર્શવાદ, નૈતિકતા અને ન્યાય જેવું કંઈ રહ્યું જ નથી? શું માણસજાત તદ્દન નઠારી અને સંવેદનશૂન્ય બની ચૂકી છે? ફિલ્મ જબરી એબ્સર્ડ છે, પણ એને ‘પ્યોર સિનેમા’નું બિરુદ મળ્યું છે. ઘણા ફિલ્મી પંડિતોના મતે આ ગોદાર્દની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. ચાલો જોઈએ, શા માટે ‘વીકએન્ડ’ની ગણના એક ક્લાસિક ફિલ્મ તરીકે થાય છે.
આ અતરંગી ફિલ્મનાં યુવાન નાયક-નાયિકા પણ મહાવિચિત્ર છે. પતિનું નામ છે રોલેન્ડ (જ્યોં પેન), પત્નીનું નામ છે કોરીન (મિરેલી ડાર્ક). તેઓ પરણેલાં છે ખરાં, પણ આ ‘ઓપન મેરેજ’ છે. બન્નેને મન ફાવે એટલા લગ્નેતર સંબંધો બાંધવાની છૂટ છે. મજા જુઓ. બન્ને એકબીજાને પોતપોતાના લવર વિશેની એકેએક વાત શેર કરે છે અને મનોમન એકબીજાને ખતમ કરી નાખવાના વિચારો પણ કરે છે. ફિલ્મનો પ્રારંભ જ સ્ત્રી પતિને વર્ણન કરે છે કે પ્રેમી સાથે એણે કેવી કેવી સેક્સક્રીડા કરી. ખાસ્સો લાંબો સીન છે. આ સીનને વિકૃત ગણવો કે રમૂજી? તે તમે જોઈને નક્કી કરજો.
વાર્તા આગળ વધે છે. સ્ત્રીના પિતા છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે એટલે એ એનો એનો વર નક્કી કરે છે કે હાલો, ગામડે આંટો મારતા આવીએ ને ખબરઅંતર પૂછતાં આવીએ. ખબરઅંતર પૂછવાનું તો ખેર, બહાનું છે. એમને મૂળ રસ છે ડોસાની મિલ્કત પર કબ્જો જમાવવામાં. એમણે વિચારી રાખ્યું છે કે ડોસો જલદી મરશે નહીં તો આપણે જ એનું જિસસનામ સત્ય કરી નાખીશું.
શનિ-રવિની રજામાં તેઓ પોતાની કારમાં નીકળી પડે છે, પણ શહેરની બહાર કશેક ભયંકર અકસ્માત થયો છે, લાશો વિખેરાયેલી પડી છે એટલે માઈલો સુધી ટ્રાફિકજામ થઈ ગયો છે. આ કપલની કાર પણ તેમાં ફસાઈ જાય છે. તેઓ રોંગ સાઇડમાં આગળ વધતાં જાય છે. અહીં જ આવે છે ‘વીકએન્ડ’ ફિલ્મનો પેલો યાદગાર વન-શોટ. એકની પાછળ એક કારો લાઇનમાં ઊભી છે ને કેમેરા રોડને સમાંતર સરકતો જાય છે. આ ટ્રાવેલિંગ શોટ આઠ મિનિટ સુધી નોનસ્ટોપ ચાલે છે અને લગભગ સવા કિલોમીટર જેટલું અંતર કાપે છે. કેમેરા શંુ દેખાડે છે આ આઠ મિનિટમાં? ટ્રાફિકજામમાં અટવાયેલા લોકો ટાઇમપાસ કરવા ટેસથી બૉલ વડે કેચ-કેચ રમી રહ્યા છે, કોઈ વળી સાઇડમાં અઠ્ઠે દ્વારકા કરીને પત્તે રમવા બેસી ગયા છે, કોઈ ઝઘડી રહ્યા છે, કોઈની મોંઘીદાટ કાર ટકરાઈ જવાથી તેમાં ઘોબા પડી ગયા છે, પ્રાણી સંગ્રહાલયનાં જનાવરોને લઈ જતી ગાડી પણ જામમાં અટવાઈ ગઈ છે ને ગાડીમાં વાંદરા કૂદાકૂદ કરી રહ્યા છે.
આ બધું વટાવીને પતિ-પત્ની આખરે એક કાચી સડક પર ગાડી વાળી લે છે. હવે આગળ રસ્તામાં એમને જે નમૂના મળે છે એમની વિચિત્રતાનો પાર નથી. હિંસાનું તો પૂછો જ નહીં. ખુલ્લેઆમ કાપાકાપી ચાલી રહી છે, પણ એ જોઈને કોઈના પેટનંુ પાણી પણ હલતું નથી. રસ્તામાં સ્ત્રી-બાળકોની લાશો આમતેમ રઝળી રહી છે, પણ આ પતિ-પત્નીને કશી પડી જ નથી. એક સીનમાં દંપતી રસ્તા પર બેઠું છે ને બાજુમાં એ સ્ત્રી પર બળાત્કાર થઈ રહ્યો છે. આ બન્ને તેની નોંધ પણ લેતા નથી. જાણે કેમ આ બધું તો જાણે રોજનું હોય! આટલું જાણે ઓછું હોય તેમ ઓચિંતા કોઈ ઐતિહાસિક પાત્ર ટપકી પડે ને ભાષણ આપવા માંડે, અચાનક ક્રાંતિકારીઓ હો-હો કરતાં આવી ચડે, ક્યાંકથી હિપ્પીઓ પ્રગટ થાય. આ તો જાણે હજુય સમજ્યા, પણ છેલ્લે તો માણસને પકાવીને ખાઈ જનારા નરભક્ષીઓ પણ ક્યાંકથી ફૂટી નીકળે છે. આવા કોઈ એબ્સર્ડ બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.
————————
કવિ કહેવા શું માગે છે?
————————-
પહેલી નજરે ધડ-માથા વગરની લાગતી આ ફિલ્મમાં સમજવા જેવું શું છે? યાદ રહે, આ ફિલ્મના રાઇટર-ડિરેક્ટર ગોદાર્દ વિશ્વસિનેમાના ઓલ-ટાઇમ-ગ્રેટ ફિલ્મમેકર્સમાંના એક છે. આવો ઊંચો ડિરેક્ટર કશુંય ‘એમ જ’ ન બનાવી નાખે. સ્ટેન્લી કુબ્રિક અને ટેરેન્ટિનો જેવા કેટલાંય ઉત્કૃષ્ટ ફિલ્મમેકર્સ ગોદાર્દને પોતાના ગુરુ માને છે. અરે, ન્યુ વેવ સિનેમા તરીકે ઓળખાયેલો પ્રવાહ શરુ કરવામાં અને એને ગતિ આપવામાં ગોદાર્દનો સિંહફાળો છે. ગોદાર્દે દુનિયાભરના ફિલ્મમેકર્સને અને ઇવન ઓડિયન્સને શીખવ્યું કે સિનેમા એટલે એક હીરો, એક હિરોઈન, એક વિલન, ટિપિકલ વાર્તા, નિશ્ચિત ઢાંચો, સુખી કે દુખી અંત એમ નહીં. સિનેમા આ સિવાય પણ બીજું ઘણું બધું હોઈ શકે છે. ફિલ્મ વિચારોના તણખા પ્રગટાવી શકે છે, તમારી ભીતર તદ્દન અણધારી પ્રતિક્રિયા પેદા કરી છે.
‘વીકએન્ડ’માં નફરત, નૈતિક અધઃપતન અને શૂન્ય થઈ ગયેલા આદર્શવાદ પર તીક્ષ્મ કટાક્ષ કરવામાં આવ્યો છે. ફિલ્મ કહે છે કે આપણે એટલી જાડી ચામડીના થઈ ગયા છીએ કે આસપાસ લોહી રેડાતું હોય કે કોઈનું શિયળ લૂંટાતું હોય તોય આપણને કશો ફર્ક પડતો નથી. આપણે આપણા જ સ્વાર્થમાં રત રહીએ છીએ. પેલો ટ્રાફિકજામવાળો સીન ઠપ્પ થઈ ગયેલા પ્રજાજીવન અને અસરહીન થઈને ધોવાઈ ચૂકેલા સંસ્કારોનું પ્રતીક છે. ફિલ્મમાં અર્થહીન ઘટનાઓ એક પછી એક બનતી જ જાય છે. ગોદાર્દ આ અર્થહીનતાની લાગણી જ ઓડિયન્સમાં જન્માવવા માગે છે. કદાચ અર્થહીનતા જ અંતિમ વાસ્તવ છે. કદાચ બધું જ અર્થહીન છે. આપણું અસ્તિત્ત્વ પણ!
વિખ્યાત ફિલ્મ ક્રિટિક રોજર ઇબર્ટે આ ફિલ્મ વિશે લખ્યું હતું કે, ગોદાર્દ આપણને અસલી યુદ્ધ દેખાડતા નથી. એના બદલે તેઓ લોકોનો એટિટયુડ દેખાડે છે, સમાજ શી રીતે માનવીય યાતનાઓ પ્રત્યે ઉદાસીન થઈ ગયો છે તે દેખાડે છે. અહીં સમાજનો એક આત્યંતિક, રેડિકલ ચહેરો પેશ કરવામાં આવ્યો છે. ગોદાર્દ આ ફિલ્મમાં કોઈ આશાવાદી કે ઉદારતાવાદી (લિબરલ) ઉકેલ સૂચવતા નથી.
‘વીકએન્ડ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેને ગાળો પણ પડી હતી. ઇવન ગોદાર્દના કેટલાક ચાહકો સુધ્ધાં નારાજ થઈ ગયા હતા. જોકે તેઓ લઘુમતીમાં હતા. ક્રમશઃ આ ફિલ્મ એક ક્લાસિક તરીકે ઊભરી. સિરિયસ સિનેમાના વિદ્યાર્થીઓ અને ચાહકો માટે ‘વીકએન્ડ’ એક ‘મસ્ટ-વોચ’ ફિલ્મ છે. જો તમને પણ એક્સપેરિમેન્ટલ અને ઓફબીટ સિનેમામાં રસ પડતો હોય, ગોદાર્દ જેવા મહાન ફિલ્મમેકરના કામને જાણવામાં રુચિ હોય તો ‘વીકએન્ડ’ શોધીને જોજો. હા, ધીરજ રાખવી પડશે. તમે આ પ્રકારના સિનેમા માટેની રુચિ કેળવી હશે તો ‘વીકએન્ડ’ જરુર ગમશે.
– શિશિર રામાવત
Leave a Reply