છેલ્લો શોઃ આને કહેવાય કાઠિયાવાડી પાણી!
—————
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————
ફિલ્મની પેલી કચકડાની પટ્ટીનો હાર ધારણ કરીને, એક હાથમાં ક્લેપર બોર્ડ અને બીજા હાથમાં બાબા આદમના જમાનાનો કેમેરો ઝાલીને બોલિવુડ બોય ઉર્ફ બોબો બબ્બે ફૂટ ઊંચા કૂદકા મારતો તમારી સામે ઉપસ્થિત થાય છે. એના ચહેરા પરથી ફૂટેલો હરખનો રેલો જમીન પર ઉતરીને તમારા પગ તરફ ધસમસતો આવી રહ્યો છે. ટ્રકના હેડલાઈટ જેવી એની આંખોની ચમકથી તમારી આંખો ચકાચૌંધ થઈ જાય છે.
એલા, બોબો, શું થઈ ગ્યું તને? આટલો બધો હરખા કાં? ને કાંગારુની જેમ કૂદકા કાં માર? તારી નવરાત્રિની પ્રેક્ટિસ તો બહુ ચાલી, ભાઈસાબ… તમે કહો છો.
‘ના…ન્ના…ન્ના…’ કમરથી નીચે ભયજનક રીતે લસરી આવેલું છિદ્રાળુ જિન્સનું પેન્ટ ઉપર ખેંચીને બોબો કહે છે, ‘મારા હરખને ને મારા કૂદકાને નવરાત્રિ સાથે કોઈ સંબંધ નથી. આ તો આપણા અમરેલીવાળા રમણિકભાઈ પંડયાના છોકરાએ મોટી ધાડ મારી છે એટલા માટે હું આનંદપૂર્વક નર્તન કરી રહ્યો છું.’
રમણિકભાઈ પંડયાનો દીકરો? એ કોણ?
‘નલિનકુમાર પંડયાની વાત કરું છું, સાહેબ. હજુય ઓળખાણ ન પડી? અરે, પેન નલિન! આખી દુનિયા એમને પેન નલિનના નામે ઓળખે છે.’
ઓહ્હો… તમને હવે ગડ પડે છે. તમે કહો છો, ગાંડા, સીધેસીધું બોલને. પેન નલિનની ગુજરાતી ફિલમ ‘છેલ્લો શો’ આ વખતે ભારત તરફથી આસ્કરની રેસમાં ઉતરવા માટે પસંદ થઈ છે એટલે તું લોંગ જમ્પ-હાઇ જમ્પ કરી રહ્યો છે અને-
‘તમે વિચાર તો કરો!’ બોબો તમારી વાત કાપી નાખે છે, ‘ના ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ના ‘આરઆરઆર’ કે ના બીજી કોઈ પિક્ચર! ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જ્યુરીએ ઓસ્કરની બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરી માટે આપણી કાઠિયાવાડી મેકરની ગુજરાતી ફિલ્મને સિલેક્ટ કરી, બોલો. અનુરાગ કશ્યપ અને વિવેક અગ્નિહોત્રી બે બિલાડાની જેમ બાખડતા રહી ગયા ને પેન નલિનના ખોળામાં લાડવો આવી પડયો. સાચ્ચે, પેન નલિનની આ ગુજરાતી ફિલ્લમ ઓસ્કર માટે કન્સિડર થઈ રહી છે એવી કોઈને કલ્પના સુધ્ધાં નહોતી!’
એક મિનિટ, બોબો. ‘છેલ્લો શો’ હજુ ફક્ત ઓસ્કરની ઇન્ડિયન એન્ટ્રી તરીકે પસંદ પામી છે, એને ઓસ્કર મળી નથી ગયો… તમે કહો છો. દુનિયાભરના સેંકડો દેશો પોતપોતાની એન્ટ્રી મોકલશે એમ ભારતે પણ પોતાની એન્ટ્રી મોકલી છે. પછી ઓસ્કરવાળા આ સેંકડોમાંથી પાંચ-સાત ફિલ્મોને શોર્ટ-લિસ્ટ કરીને તેમને ફાઇનલ રાઉન્ડ માટે નોમિનેટ કરશે. આપણી ‘છેલ્લો શો’ને આ નોમિનેશન મળે તો પણ ઘણું છે. તું અત્યારથી આટલો બધો એક્સાઇટ ના થા… સમજ્યો?
‘ફિલ્મ નોમિનેટ થશે તો અને ત્યારે હું નવેસરથી દસ ગણો વધારે એક્સાઇટ થઈશ, પણ મને અત્યારે તો હરખ કરી લેવા દ્યો!’ બોબો ‘ડિરેક્ટર’ શબ્દ લખેલી ચેરને નજીક સરકાવી તેના પર બિરાજમાન થાય છે, ‘બાકી પશ્ચિમમાં ‘આરઆરઆર’ની સોલિડ હવા બની હતી એ તો કબૂલવું પડે. તમને ખબર છે, અમેરિકાના ‘વરાઇટી’ નામના પ્રતિષ્ઠિત મેગેઝિને પોતાની રીતે અટકળ બાંધીને આ વખતે ઓસ્કરનું નોમિનેશન મળવાને લાયક સંભવિત ફિલ્મોનું લિસ્ટ બનાવ્યું હતું. તેમાં એ લોકોએ ‘આરઆરઆર’નું નામ પણ મૂક્યું હતું. માત્ર બેસ્ટ વિદેશી ફિલ્મની કેટેગરીમાં જ નહીં, ‘આરઆરઆર’ના ‘દોસ્તી’ ગીતને બેસ્ટ સોંગનું તેમજ બેમાંથી એકાદ હીરોને બેસ્ટ એક્ટરનું નોમિનેશન મળશે ત્યાં સુધી એમણે લખી નાખ્યું હતું, બોલો.’
…અને અત્યારે ‘છેલ્લો શો’ની ટીમ ‘નાચો… નાચો’ કરતી ડાન્સ કરી રહી છે! પણ બોબો, ‘છેલ્લો શો’માં કલાકારો કોણ છે એ તો બોલ!
‘લખી રાખો કે તમે આમાંથી કોઈનાં નામ સાંભળ્યા નહીં હોય,’ બોબો કહે છે, ‘ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દીપેન રાવલ, પરેશ મહેતા… બોલો, છે એકેય નામ જાણીતું?’
ને ફિલ્મમાં છે શું? એની સ્ટોરી શું છે?
‘સમજોને કે આ પેન નલિનની ઓટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે,’ બોબો ફિલ્મી પંડિતની અદાથી કહે છે, ‘એક કાઠિયાવાડી છોકરો છે, નવેક વર્ષનો. એ એક દિવસ અગાઉના જમાનાના સિંગલ સ્ક્રીન થિયેટરના પ્રોજેક્શન રુમમાં કોઈક રીતે ઘૂસી જાય છે. પ્રોજેક્ટર ચલાવતો માણસ સાથે એ દોસ્તી કરી લે છે. નિશાળમાં વેકેશન હતું એટલે રોજ એ પ્રોજેક્શન રુમમાં ભરાઈ જાય ને નાનકડી બારીમાંથી ફિલ્મો જોયા કરે. એને થાય કે આહાહા… લાઇફમાં કરવા જેવું કામ તો આ જ છે – ફિલ્મો બનાવવાનું, ને પછી…’
અચ્છા, ઓકે, એટલે ટૂંકમાં ‘છેલ્લો શો’માં એક નાના નિર્દોષ છોકરાના સિનેમા પ્રત્યેના પ્રેમ અને પેશનની વાત છે, એમ જને?
‘એક્ઝેક્ટલી!’ બોબો કહે છે, ‘પોતાની પહેલી જ ફિલ્મ ‘સંસારા’થી વર્લ્ડફેમસ થઈ ગયેલા પેન નલિન આમ તો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છે, પણ ‘છેલ્લો શો’ એમણે કાઠિયાવાડમાં બનાવી છે, અસલી લોકેશન્સ પર. નાના હતા ત્યારે પોતે જે થિયેટરમાં ફિલ્મો જોતા તે તો વર્ષોથી બંધ પડયું હતું, પણ પેન નલિને એ થિયેટર નવેસરથી ખોલાવ્યું હતું ને ખર્ચો કરીને એને શૂટિંગ પૂરતું પાછું એક્ટિવ કરી દીધું.’
વાહ!
‘શૂટિંગ દરમિયાન પેન નલિને શું કર્યું હતું, ખબર છે? પોતાની પ્રોડક્શન ઓફિસમાં મોટા અક્ષરે ‘F’ લખીને તમામ કાસ્ટ-એન્ડ-ક્રૂને દેખાય તે રીતે મૂક્યું હતું.’
‘F’ એટલે?
”F’ ફોર ફિલ્મ, ફેમિલી, ફ્રેન્ડ્ઝ, ફૂડ એન્ડ ફ્યુચર! પેન નલિન એક ઇન્ટરવ્યુમાં કહેતા હતા કે એમની આ ફિલ્મ આ પાંચ એલિમેન્ટ્સની આસપાસ આકાર લે છે… અને જ્યારે જ્યારે ફૂડ કે ફિલ્મની પટ્ટીનો શોટ હોય ત્યારે તેઓ ટોપ એન્ગલથી શોટ લેતા. આ એંગલને ‘ગોડ્સ પોઇન્ટ ઓફ વ્યુ’ કહે છે. જાણે સ્વર્ગમાંથી દેવતા ફિલ્મની પટ્ટી અને ફૂડને નિહાળી રહ્યા હોય તેવો સિનેમેટિક ભાવ આ પ્રકારના શોટ-ટેકિંગમાં છે, જો સમજાય તો!’
ક્યા બાત! આ ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે જોવી પડશે, બાકી!
‘એ તો જોવાની જ હોયને! ચાલો ત્યારે હું નીકળું…’ કહીને બોબો સ્પ્રિંગની જેમ ડિરેક્ટર્સ ચેરમાંથી ઊભો થાય છે. ગળા ફરતે વીંટાળેલી કચકડાની ફિલ્મપટ્ટીની ઠીક કરતા એ કહે છે, ‘મને સિનેમાદેવીના મંદિરે જવાનું મોડું થાય છે. હું સિનેમાદેવી સામે ઊભો રહીને બાધા રાખવાનો છું કે ‘છેલ્લો શો’ને નોમિનેશન મળશે ત્યારે જ હું આ કધોણું જિન્સ ધોવામાં કાઢીશ. જો નોમિનેશન નહીં મળે તો આજીવન તેને પહેરેલું રાખીશ…!’
તમે કપાળ કૂટો છો અને બોલિવુડ બોય ઉર્ફ બોબો ‘જય સિનેમાદેવી… જય સિનેમાદેવી…’ના પોકારો કરતો ગ્રાન્ડ એક્ઝિટ લે છે.
– શિશિર રામાવત
Leave a Reply