સાઉથના સુપરસ્ટારો ગુજરાતી ફિલ્મો વિશે કંઈ જાણતા હશે ખરા?
——————————-
સિનેમા એક્સપ્રેસ, ગુજરાત સમાચાર, ચિત્રલોક પૂર્તિ
———————————
ડાબી તરફના અડધા ઊભા ચહેરા પર ‘કાંતારા’ના દૈવી નૃત્યકાર જેવો ડાર્ક ગ્રીન મેકઅપ કરીને અને જમણો અડધો ચહેરો એમને એમ રહેવા દઈને બોલિવુડ બોય ઉર્ફ બોબો પુનઃ તમારી સામે ઉપસ્થિત થાય છે. એણે લેંઘા જેવા જીન્સ ઉપર હવામાં ફગફગતી ધજા જેવું સફેદ ટીશર્ટ ચડાવ્યું છે. તમે આંખો પહોળી કરીને એને ટગર ટગર જોયા કરો છો. બોબો કહે છે, ‘મારો આજનો મેકઅપ સિમ્બોલિક છે. લીલો રંગ ઈર્ષ્યાભાવ પ્રગટ કરે છે, રાઇટ? તો અત્યારે હું ઇર્ષ્યાથી લીલો-લીલો થઈ ગયો છું અને આ મનોભાવને હું બિન્ધાસ્તપણે દુનિયા સામે વ્યક્ત કરવા મેં આવો વેશ ધારણ કર્યો છે.’
તમે ગૂંચવાઈને પૂછો છોઃ પણ તને કોની ઈર્ષ્યા થાય છે, કઈ વાતની ઈર્ષ્યા? બોબો કહે છે, ‘એમાં એવું છેને કે હમણાં સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટાં માથાં ભેગાં થયાં હતાં ને એ બધાં…’
બોબો આગળ ચલાવે તે પહેલાં તમે બિન-બેગ પર ભફ્ફ કરતાં પડતું મૂકો છો અને બોબોનો ઈર્ષ્યાલાપ સાંભળવા રેડી થઈ જાઓ છો. ઓવર ટુ બોબો…
૦ ૦ ૦
વર્ષ પૂરું થવા એટલે પ્રિન્ટ મીડિયામાં જાતજાતના સરવૈયાની અને ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયમ પર રાઉન્ડટેબલ ડિસ્કશનની સિઝન શરુ થઈ જાય. આ વખતે પણ ટોચનાં ફિલ્મ ક્રિટિક-કમ-જર્નલિસ્ટ અનુપમા ચોપડાએ ફિલ્મી હસ્તીઓને એકઠી કરીને એકાધિક ગોળમેજી પરિષદો યોજી. સાઉથ ઇન્ડિયાના ટોચના ફિલ્મમેકરોની પેલી ગોળમેજી પરિષદમાં એસ.એસ. રાજામૌલિ, કમલ હાસન, પૃથ્વીરાજ સુકુમારન્ વગેરે જેવાં છછ્છ ધરખમ વ્યક્તિત્ત્વો હતાં. પૃથ્વીરાજ સુકુમારન્ એટલે મલયાલમ સિનેમાના ટોચના એક્ટર-ડિરેક્ટર-પ્રોડયુસર-ડિસ્ટ્રીબ્યુટર. રાણી મુખર્જીની પેલી ‘અય્યો’ નામની વિચિત્ર ફિલ્મથી પૃથ્વીરાજે બોલિવુડમાં એન્ટ્રી કરવાની કોશિશ કરી હતી, પણ ફિલ્મ સફળ ન થઈ એટલે તેમણે પાછું કેરળ પર જ ફોકસ કર્યું હતું. વાતવાતમાં પૃથ્વીરાજ બોલ્યા કે, ‘આજકાલ બધાના મોઢે હું ઓરિસાની પેલી ફિલ્મ વિશે સાંભળું છું. ઇન ફેક્ટ, પ્રશાંત નીલ (‘કેજીએફ’ સિરીઝના કન્નડ ડિરેક્ટર) પણ આ ફિલ્મના ખૂબ વખાણ કરતા હતા. અરે, પ્રભાસ (‘બાહુબલિ’ સિરીઝનો તેલુગુ હીરો) તો મને વારેવારે કહ્યા કહે છે કે આપણે કાયમ હિન્દી-તેલુગુ-તમિળ-મલયાલમ-કન્નડ ફિલ્મોની ચર્ચા કર્યા કરીએ છીએ, પણ કોને ખબર, હવે પછીની ૫૦૦ કરોડની મેગાહિટ ફિલ્મ ઓરિસ્સા કે આસામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ હોઈ શકે છે!’
પૃથ્વીરાજ જે ઉડિયા ફિલ્મની વાત કરી તેનું ટાઇટલ છે, ‘દમન’. આ ફિલ્મ વિશે પછી વાત કરીએ. પહેલાં કમલ હાસને શું કહ્યું તે સાંભળીએ. પૃથ્વીરાજની વાત સાંભળીને કમલ હાસન તરત બોલ્યા કે, ‘નોર્થ-ઈસ્ટમાં જે ટેલેન્ટ છે એના વિશે તો અલાયદું સેશન થઈ શકે તેમ છે. મેં રતન થિયામ (ઓરિસાના મહાન નાટયકાર)નું નામ હમણાં સુધી સાંભળ્યું નહોતું. એ અને એમના જેવી અન્ય પ્રતિભાઓનો હજુ સુધી ઉપયોગ થયો નથી, બાકી તેઓ ફિલ્મલાઇનમાં ઝંપલાવે એટલી જ વાર છે…’
સાંભળ્યું? કમલ હાસન, પ્રશાંત નીલ, પ્રભાસ… જેવાં રાષ્ટ્રીય સ્તરનાં હોટ-એન્ડ-હેપનિંગ નામોઓરિસામાં બનેલી સાવ નવી ફિલ્મ કાં તો જોઈને બેઠા છે યા તો એના બે મોઢે વખાણ કરી રહ્યા છે. આ સાંભળીને પાક્કો ગુજરાતી એવો બોબો ઈર્ષ્યાથી સળગી ન મરે તો બીજું થાય? તમે જ કહો.
બોબોને થયું કે એ લેપટોપની સ્ક્રીનમાં ઘુસી જાય અને કમલ હાસનને અને પૃથ્વીરાજના ખભા પકડી, જોરજોરથી હલાવીને એમને પૂછે કે હે કમલભાઈ… હે પૃથ્વીભાઈ! તમે કદી ગુજરાતી ફિલ્મો જોઈ છે ખરી? તમે જાણો છો કે ગુજરાતમાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્રમશઃ કાઠું કાઢી રહી છે? જરા પેલા પ્રભાસને પૂછોને કે, બાય એની ચાન્સ, એ ‘હેલ્લારો’ વિશે કશુંય જાણે છે? જરા પેલા ‘કેજીએફ’વાળા પ્રશાંત નીલને પૂછોને કે દોસ્ત, ‘એકવીસમું ટિફિન’ નામની એક ગુજરાતી ફિલ્મ છે એની તને ખબર છે? આ વખતે ભારતની ઓસ્કાર એન્ટ્રી બનેલી ‘છેલ્લો શો’ એક ગુજરાતી ફિલ્મ છે એ તો ભુલી નથી ગયાને તમે લોકો?
સાચ્ચે, અજ્ઞાાની બોબો તો એમ જ માનતો હતો કે હિન્દી-ગુજરાતી-મરાઠી-સાઉથ ઇન્ડિયન ઉપરાંત ખાલી બંગાળી-પંજાબી-ભોજપુરી ભાષામાં જ ફિલ્મો બને છે. એ ભોળાને ખબર જ નહોતી કે ઓરિસ્સામાં પણ કાયદેસરની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને વળી આસામી ભાષામાં ‘વિલેજ રોકસ્ટાર’ સિવાયની ફિલ્મો પણ બની છે.
સાઉથના સિતારાઓ જે ઉડિયા ફિલ્મના બે મોઢે વખાણ કરે છે તેનું ટાઇટલ છે, ‘દમન’. હજુ ગઈ ચોથી નવેમ્બરે જ આ ફિલ્મ ગણીને ૬૬ થિયેટરોમાં જ રિલીઝ થઈ હતી. એમાં ૫૧ થિયેટરો ઓરિસ્સામાં જ અને ૧૫ થિયેટરો ચારેય મહાનગરો, બેંગલુરુ ઉપરાંત અમદાવાદ વગેરેમાં ફેલાયેલાં હતાં. શું છે આ સત્યઘટના આધારિત ફિલ્મમાં? રાજ્યમાં મેલેરિયાએ હાહાકાર મચાવ્યો છે. માણસો ટપોટપ મરી રહ્યા છે, પણ અંધશ્રદ્ધાનું પ્રમાણ એટલું બધું છે કે લોકો તબીબી સારવાર લેવાને બદલે ભૂવાઓ પાસે જાય છે. આવા માહોલમાં એક યુવાન આદર્શવાદી ડોક્ટર નક્કી કરે છે કે ભલે ટાંચા સાધનો હોય, ભલે મને સરકારી મદદ મળે કે ન મળે, પણ હું ગામેગામ ફરીશ અને લોકોની સારવાર કરીશ. ‘દમન’નાં લૂક અને ફીલ મેઇનસ્ટ્રીમ કમર્શિયલ ફિલ્મ જેવાં છે. દેવી પ્રસાદ લેન્કા અને વિશાલ મૌર્ય નામની ડિરેક્ટરબેલડીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.
આ જ વર્ષે ‘અદીયુ ગોર્દાદ’ નામની એક હળવી ઓફબીટ ઉડિયા ફિલ્મ પણ આવી. સાઉથના સિતારાઓ એક્ચ્યુઅલી આ ફિલ્મના વખાણ કરતા હોય તેવી શક્યતા વધારે છે. આ ફિલ્મમાં ગામડાગામના અભણ લોકો મહાન ફ્રેન્ચ ફિલ્મમેકર ગોદાર્દની એક્સપેરિમેન્ટલ ફિલ્મ જોવા ભેગા થાય છે! ફિલ્મનું ટ્રેલર જોઈને જ જલસો પડી જાય છે. ‘પ્રતિક્ષ્યા’ નામની આ વર્ષની ઓર એક નોંધપાત્ર ઉડિયા ફિલ્મમાં સરકારી નોકરી મેળવવા માટે હેરાન થઈ રહેલા એક બેકાર યુવાનની વાત છે. ૨૦૧૮માં ‘હેલ્લો અરસી’ નામની એક નેશનલ અવોર્ડવિનિંગ ઉડિયા ફિલ્મ આવી હતી. આમાં એક સેક્સવર્કરની વાત હતી. શેખર કપૂર જેવા આપણા ગ્લોબલ ફિલ્મમેકર તો ‘હેલ્લો અરસી’ પર, ખાસ કરીને એની લીડ એક્ટ્રેસ પર બોલિવુડ-હોલિવુડ ઓવારી ગયા હતા. તેઓ ત્યાં સુધી બોલ્યા હતા કે, ‘મને પોતાને આવી ફિલ્મ બનાવતા ન આવડે. અરે, મેં ભારતમાં તો શું, કાન કે બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આવી ફિલ્મ ક્યારેય જોઈ નથી!’
લો, બોલો. આ સાંભળીને બોબોને નવેસરથી ઇર્ષ્યાનો એટેક આવે કે નહીં? આમ તો ઓરિસ્સાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બુરા હાલ છે, પણ તોય એ લોકો જો આવી પાવરફુલ ફિલ્મો બનાવીને શેખર કપૂરો અને કમલ હાસનો અને પ્રભાસોને ઇમ્પ્રેસ કરી શકતા હોય તો કલ્પના કરો કે ઓરિસ્સા ઇન્ડસ્ટ્રી પાવરફુલ બને તો તેઓ ભુક્કા જ બોલાવી દેને!
૦ ૦ ૦
બોબો પોતાની હૈયાવરાળ કાઢીને ઘટક ઘટક કરતા બે ગ્લાસ પાણી પી જાય છે. ‘મારું તો એક જ સપનું છે…’ બોબો મુગ્ધભાવે કહે છે, ‘…કે જલદી એવો દિવસ આવે કે જ્યારે ભારતભરના ફિલ્મમેકરોની આવી રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં એક ગુજરાતી ફિલ્મમેકર રાજામૌલિ, કમલ હાસન, સંજય ભણસાલી વગેરેની સાથે વટથી ને હકથી બેઠો હોય ને ગોટપીટ-ગોટપીટ અંગ્રેજીમાં હાઈક્લાસ વાતો કરતો હોય. હે સિનેમાદેવી, આ સપનું સાચું પડે એટલી ધીકતી ક્રિયેટિવિટી અને પાવર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપજે… ને હા, જરા જલદી કરજે, હં!’
આટલું કહીને બોલિવુડ બોય ઉર્ફ બોબો આશાવાદી એક્ઝિટ લે છે.
– Shishir Ramavat
Leave a Reply