હાથી… ઓસ્કર કા સાથી
————————–
સિનેમા એક્સપ્રેસ, ગુજરાત સમાચાર, ચિત્રલોક પૂર્તિ
———————
એક અભાગણી મા છે. એની સાથે એનું સાવ નાનકડું, હજુ થોડા સમય પહેલાં જ જન્મેલું સંતાન છે. ઘર જેવું કંઈ છે નહીં એટલે મા-દીકરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટક્યાં કરે છે. એક કાળા દિવસે કોણ જાણે કેવી રીતે માને વીજળીનો જોરદાર ઝટકો લાગે છે ને બાપડીના તત્કાળ રામ રમી જાય છે. સંતાન નોંધારું થઈ જાય છે. રખડતાં કૂતરાં એનાં શરીરને પીંખી નાખે છે… પણ રામ રાખે એને કોણ ચાખે. આ જીવલેણ હુમલા પછીય બચ્ચું મરવાના વાંકે જીવતું રહે છે. અધમૂઉં થઈ ગયેલું એ બચ્ચું એક આદમીને સોંપીને કહેવામાં આવે છેઃ આજથી આની જવાબદારી તારી. જો બચે તો ઠીક છે, નહીં તો…
ઇલેક્ટ્રિક કરંટથી કમોતે મરેલી પેલી માતા કોઈ સ્ત્રી નહીં, પણ એક હાથણી છે. કૂતરાંએ ફાડી ખાધા પછીય જીવી ગયેલું પેલું બચ્ચું એક નિર્દોષ મદનિયું છે અને એની સારસંભાળની જવાબદારી જેને સોંપવામાં આવે છે એ બોમ્મન નામનો આદિવાસી માણસ છે. પછી શું થાય છે? બોમ્મન આ મૃતઃપ્રાય બચ્ચાને જીવાડી શકે છે? આના જવાબ માટે તમારે નેટફ્લિક્સ પર જઈને ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ફિલ્મ જોઈ લેવી પડે. આ એ દસ્તાવેજી ફિલ્મ છે, જેણે તાજેતરમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કર અવોર્ડ જીતી લઈને ઇતિહાસ રચી નાખ્યો. ભારતીય સિનેમાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય એક પણ ફિચર કે ડોક્યુમેન્ટરી ફિલ્મે ઓસ્કર નહોતો જીત્યો.
એવું તે શું છે આ ૪૧ મિનિટની ફિલ્મમાં? અહીં ચોપગા જનાવર અને મનુષ્ય વચ્ચે રચાતા અત્યંત હૂંફાળા તેમજ સંવેદનશીલ સંબંધની હૃદયસ્પર્શી વાત છે. અહીં પ્રકૃતિ પ્રત્યે ભારોભાર આદરભાવની વાત છે. એમ તો અહીં અહીં એક લવસ્ટોરી પણ છે, જે પેલા આદિવાસી આદમી બોમ્મન અને એના જ ગામમાં રહેતી બેલી નામની સ્ત્રી વચ્ચે સહજપણે પાંગરે છે. બોમ્મન વિધુર છે, બેલી વિધવા છે. બેલીના પતિને વાઘે ફાડી ખાધો હતો. એની દીકરી પણ કસમયે મૃત્યુ પામી હતી. બોમ્મન અને બેલી બન્ને એકલવાયાં જીવ છે. એમના જીવનમાં નાનકડા હાથીભાઈ પ્રવેશ કરે છે અને એમની જિંદગી આનંદથી છલકાઈ જાય છે.
આ આખી વાત તામિલનાડુના ખૂબસુરત મુદુમલાઈ નેશનલ પાર્કમાં થેપ્પાકડુ નામના ગામમાં આકાર લે છે. બમ્મન પૂજારી પણ છે અને હાથીઓનો કેર-ગિવર પણ છે. મૃતઃ પ્રાય થઈ ગયેલા હાથીના બચ્ચાન જીવાડવા માટે બોમ્મન રાત-દિવસ એક કરી નાખે છે. બચ્ચાનું નામ પાડવામાં આવે છે, રઘુ. રઘુને ઘાસ ખવડાવવું, પાઇપથી દૂધ પીવડાવવું, નદીમાં નહાવા લઈ જવું, ઘસી ઘસીને એનું શરીર સાફ કરવું, એની સાથે દડાથી રમવું, રાતે ઘર સાથે જોડાયલા ગમાણ જેવા મોટા ઓરડામાં એને સુરક્ષિત રીતે ઊંઘાડી દેવું… રઘુને ઉછેરવાની સરખેસરખી જવાબદારી આદિવાસી મહિલા બેલી પણ ઉઠાવી લે છે. જાણે સગું સંતાન હોય એવા લાડ આ બન્ને રઘુને કરે છે. બહુ સુંદર દ્રશ્યો છે આ. બોમ્મન એની સાથે કાલી કાલી ભાષામાં વાતો કરે (મારો સૌથી વહાલો હાથી કોણ છે?… આખા જંગલનો સૌથી હોશિયાર હાથી કોણ છે?…) રઘુ ખોવાઈ ન જાય એના માટે એના ગળે રણકતી ઘંટડી બાંધવામાં આવી છે, પણ નટખટ હાથીભાઈ એને ક્યાંક પાડી આવે એટલે બોમ્મન એના પર ગુસ્સો કરે. નહાતાં નહાતાં રઘુ સાબુ ખાવા માંડે એટલે બોમ્મન ઓર ચીડાય. રઘુ નાના બાળકની જેમ ખાતી વખતે બહુ નાટક કરે. એને નાળિયેરમાંથી બનેલો લોટ જેવો ખોરાક જ ભાવે છે. બીજું કશુંય ખાવા અપાય તો એ સૂંઢ મોંમાં નાખીને બહાર કાઢીને ફેંકી દે. એનો વધેલો ખોરાક પછી વાંદરાઓ આવીને ખાઈ જાય!
જોતજોતામાં રઘુ એવો તંદુરસ્ત થઈ જાય છે કે જોનારાઓ મોંમાં આંગળા નાખી જાય છે. એટલે જ પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બોમ્મન અને બેલીને બીજા એક બાળહાથીની દેખભાળ કરવાનું કામ સોંપે છે. એ માદા બચ્ચું છે. એની મા પણ મરી ગઈ છે. આ બચ્ચાનું નામ અમુ પાડવામાં આવે છે. શરુઆતમાં તો રઘુને ઘરમાં પ્રવેશેલું નવું મેમ્બર જરાય ગમતું નથી, પણ ધીમે ધીમે એને અમુ પ્રત્યે માયા બંધાતી જાય છે. હવે જાણે કે પરિવાર સંપૂર્ણ બન્યો. સ્ત્રી-પુરુષ-રઘુ અને અમુ. આ બાળહાથીઓ બોમ્મન અને બેલીના જીવનનું કેન્દ્ર બની ગયાં છે. બોમ્મનનું સમગ્ર પિતૃત્વ અને બેલીની સઘળી મમતા આ બાળહાથીઓ પ્રત્યે ધોધમાર વહે છે. વિધુર બોમ્મન અને વિધવા બેલી પછી આદિવાસી રીતરિવાજ પ્રમાણે સાદાઈથી લગ્ન પણ કરે છે.
કહે છેને કે એકસરખા દિવસ કોઈનાય જતા નથી. રઘુ પાંચેક વરસનો થઈ ગયો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફરમાન બહાર પાડે છે કે રઘુ હવે બોમ્મન પાસે નહીં રહી શકે, એ બીજા કોઈ ેેકેર-ગિવરને સોંપવામાં આવશે. પતિ-પત્ની બહુ કરગરે છે, પણ અધિકારીઓ એમનું સાંભળતા નથી. રઘુની વિદાયનાં દ્રશ્યો આપણી આંખો છલકાવી દે એવાં હૃદયવેધક બન્યાં છે. પોતાની સગી દીકરી ગુજરી ગઈ ત્યારે જેટલી પીડા થઈ હતી એટલી વેદના બેલી પુનઃ અનુભવે છે. ખેર, અમુ હજુ પણ એમની સાથે જ છે. રઘુ ક્યારેક ક્યારેક ગામ તરફ આવે ત્યારે બોમ્મન અને બેલીને જોઈને હરખાતો એમની તરફ દોડી આવે છે. પોતે જેને જીવતદાન આપ્યું એ હાથી આજે તાજોમાજો છે એ વાતનો બોમ્મન અને બેલીને અપાર સંતોષ છે.
0 0 0
‘ધ એલિફન્ટ વ્હિસપરર્સ’ ફિલ્મ ૩૬ વર્ષીય કાર્તિકી ગોલ્સાલ્વિસ નામનાં સેલ્ફ-ટૉટ, ફર્સ્ટ-ટાઇમ મેકરે બનાવી છે. તેઓ મુદુમલાઈ નેશનલ પાર્કથી માત્ર અડધી-પોણી કલાકના અંતરે ઊટીમાં ઉછર્યાં છે. સમજોને કે આ જંગલોમાં એમનું બાળપણ અને યુવાની વીત્યાં છે. ભૂતકાળમાં એનિમલ પ્લેનેટ અને ડિસ્કવરી ચેનલની ડોક્યુમેન્ટરી માટે એમણે કેમેરા ઓપરેટર તરીકે ફરજ બજાવી છે. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર હોવાને નાતે કાર્તિકીની વિઝયુઅલ સેન્સ કમાલની છે. ફિલ્મની એકેએક ફ્રેમમાંથી સુંદરતા નીતરે છે એનું કારણ આ જ.
કાતકીએ નાનકડા રઘુ હાથીને ૨૦૧૭માં પહેલી વાર જોયો ત્યારે એ માંડ ત્રણ મહિનાનો હતો. શરૃઆતમાં તો કાર્તિકીએ બોમ્મન, બિલી અને બાળહાથીનું રેન્ડમ શૂટિંગ કરવાનું શરૃ કર્યું. તે વખતે એમના મનમાં ડોક્યુમેન્ટરી બનાવવાનો કોઈ વિચાર નહોતો. સમય જતાં કાર્તિકીને લાગ્યું કે આ આખા ઘટનાક્રમને વણી લેતી ડોક્યુમેન્ટરી બનાવવી જોઈએ. તેઓ કહે છે, ‘આ ડોક્યુમેન્ટરી બનાવતાં મને પાંચ વર્ષ લાગ્યાં, પણ જો મારે દસ વર્ષ, પંદર વર્ષ પણ આપવા પડયાં હોત તોય મેં આપ્યા હોત.’
કાર્તિકીની સિદ્ધિ પરથી એક વાત શીખવા જેવી છેઃ ડોક્યુમેન્ટરીનો વિષય શોધવા માટે દુનિયાભરમાં રઝળપાટ કરવાની જરુર નથી. વિષય તમારી આસપાસ, તમારા ઘરઆંગણે હોઈ શકે છે! જરુર હોય છે દ્રષ્ટિ, નિષ્ઠા અને ધીરજની. નેટફ્લિક્સ પર ‘ધ એલિફન્ટ વ્હિસપરર્સ’ જોજો. ખૂબ ગમશે.
– શિશિર રામાવત
Leave a Reply