…અને ‘ચાંદની’એ યશ ચોપડાને બચાવી લીધા!
—————-
યશ ચોપડા હિન્દી સિનેમાના કેટલા મોટા ફિલ્મમેકર છે કે ‘ચાંદની’ની સ્ક્રિપ્ટમાં શું છે તેની સાથે શ્રીદેવીની મમ્મીને કશી લેવાદેવા નહોતી! એમનો એક જ સવાલ હતોઃ પૈસા કેટલા મળશે?
—————–
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————–
શું યશ ચોપડા જેવા લેજન્ડ ફિલ્મમેકર પણ આત્મવિશ્વાસના અભાવથી પીડાઈ શકે? અને તે પણ ‘વક્ત’, ‘દીવાર’, ‘ત્રિશુલ’ અને ‘કાલા પત્થર’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી લીધા બાદ? જવાબ છેઃ હા, બિલકુલ.
આ એ સમયગાળો હતો, ૧૯૮૦ના દાયકાનો, કે જ્યારે હિન્દી સિનેમાની ગુણવત્તા તદન કથળી હતી. ‘સિલસિલા’ (૧૯૮૧), ‘મશાલ’ (૧૯૮૪) અને ‘ફાસલે’ (૧૯૮૫) – યશ ચોપડાની આ ત્રણેય ફિલ્મો બોક્સઓફિસ પર ચાલી નહોતી. ‘સિલસિલા’ તો એમણે દિલથી બનાવી હતી, પણ તોય ઓડિયન્સે આ ફિલ્મને રિજેક્ટ કરી નાખી. આ નિષ્ફળતાઓએ યશજીને હતાશ કરી નાખ્યા. એટલી હદે કે તેઓ પોતાના કોચલામાં પૂરાઈ ગયા, લોકોને હળવામળવાનું બંધ કરી નાખ્યું. મૂંઝાયેલા યશજીએ માત્ર અને માત્ર બોક્સઓફિસને ધ્યાનમાં રાખીને ગણતરીપૂર્વક કમર્શિયલ ડિસિઝન લીધું: હવે હું એક મલ્ટિસ્ટારર, હાર્ડકોર કમર્શિયલ ફિલ્મ બનાવીશ, જેમાં ગીતો અને ડાન્સની સાથે થોડુંક સેક્સ પણ હશે, હિરોઈનના બિકીનીવાળા શોટ્સ હશે, વગેરે. આ ફિલ્મ હતી, ૧૯૮૮માં આવેલી ‘વિજય’ (અનિલ કપૂર, રિશી કપૂર, સોનમ રાય, મીનાક્ષી શેષાદ્રિ). આ ફિલ્મને ક્રિયેટિવિટી સાથે કંઈ લેવાદેવા નહોતી. તેથી જ ફિલ્મના શૂટિંગ દરમિયાન ન તો યશ ચોપડાને મજા આવી રહી હતી કે ન તો એક્ટર્સને. અધૂરામાં પૂરું, ‘વિજય’માં ઓડિયન્સને પણ મજા ન આવી. ફિલ્મ બનાવતી વખતે જે સવાલ યશજીને સતાવી રહ્યો હતો તે કંગાળ બોક્સઓફિસ પર્ફોર્મન્સ પછી ઓર ટટ્ટાર બની ગયોઃ આ હું શું કરી રહ્યો છું?
‘વિજય’ના શૂટિંગ દરમિયાન જ યશજીએ રિશી કપૂરને કહેલું કે મારે હવે એક લવસ્ટોરી બનાવવી છે. ‘વિજય’ પછી એમણે વિચારી લીધું કે હવે ગમે તે થાય, મારે ફોર્મ્યુલામાં નથી જ પડવું. હું હવે બોક્સઓફિસને ધ્યાનમાં રાખીને નહીં, પણ મારા દિલને સ્પર્શે તેવી ફિલ્મ બનાવીશ… અને આ ફિલ્મ એટલે ‘ચાંદની’. નેટફ્લિક્સની ‘રોમેન્ટિક્સ’ નામની ડોક્યુસિરીઝમાં યશ ચોપડાના જીવનના આ તબક્કા વિશે વિગતે વાત થઈ છે.
એ વખતે શ્રીદેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નંબર વન હિરોઇન હતી. એની ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘નગીના’ જેવી ફિલ્મો ઓલરેડી બમ્પર હિટ થઈ ચૂકી હતી. શ્રીદેવીનો દબદબો એવો જબરદસ્ત હતો અને બોક્સઓફિસ પર પકડ એવી મજબૂત હતી કે ઇન્ડસ્ટ્રીના લોકો એને ‘હિરોઇન’ નહીં, પણ ‘હીરો’ કહેતા. યશ ચોપડાએ એને સૌથી પહેલી વાર તમિલ ફિલ્મ ‘મૂંદરમ પિરાઇ’ (૧૯૮૨)માં જોઈ હતી. અમિતાભ બચ્ચને યશજીને ખાસ આ ફિલ્મ દેખાડેલી. ‘મૂંદરમ પિરાઇ’નું હિન્દી વર્ઝન એટલે શ્રીદેવી-કમલ હાસનવાળી અદભુત ‘સદમા’. યશ ચોપડા મનોમન સ્પષ્ટ હતા કે ‘ચાંદની’ના ટાઇટલ રોલ માટે શ્રીદેવી પરફેક્ટ છે, પણ એનો અપ્રોચ કરવો કઈ રીતે? પરિસ્થિતિ જુઓ. લાગલગાટ ચાર ફ્લોપ ફિલ્મો આપ્યા પછી યશ ચોપડાનો આત્મવિશ્વાસ એટલો તળિયે પહોંચી ચુક્યો હતો કે શ્રીદેવી સાથે વાત કરવાની એમનામાં હિંમત નહોતી! યશ ચોપડાએ અનિલ કપૂરના મોટા ભાઈ બોની કપૂરને કહ્યું, ‘બોની, મારા વતી તું શ્રીદેવીને વાત કરી જો.’ બોની કપૂર ખાસ ચેન્નાઈ ગયા. શ્રીદેવીની મમ્મીને વાત કરી. યશ ચોપડા કોણ છે અને ભૂતકાળમાં તેઓ કેવી કેવી જબરદસ્ત ફિલ્મો બનાવી ચુક્યા છે તે બધા સાથે શ્રીદેવીની મમ્મીને કશી લેવાદેવા નહોતી! એમનો એક જ સવાલ હતોઃ પૈસા કેટલા મળશે?
ખેર, વાત પાક્કી થઈ. શ્રીદેવી સાથે રિશી કપૂર અને વિનોદ ખન્નાનું કાસ્ટિંગ થયું. કોઈએ ડોઢડાહ્યા ફિલ્મી પંડિતે યશજીને કહેલુંઃ આ તમે કેવી ફિલ્મ બનાવી રહ્યા છો? તમે વિનોદ ખન્નાને લીધો છે, પણ ફિલ્મમાં તમે એક પણ ફાઈટ રાખી નથી? તમે તો ગીતોને હાઇલાઇટ કરી રહ્યા છો! શ્રીદેવીનાં ‘ચાદની’નાં કોસ્ચ્યુમ્સમાં સફેદ રંગનો ભરપૂર ઉપયોગ થયો છે. સફેદ એટલે શુદ્ધતાનો રંગ, નિર્દોષતાનો રંગ. એક વાર શ્રીદેવી કહેઃ શું યશજી, મારે સાવ આવાં ધોળાં કપડાં પહેરવાનાં છે? કેટલાં ડલ લાગે છે! શ્રીદેવીની મમ્મીએ પણ કહ્યું કે યશજી, સફેદ રંગ તો માઠા પ્રસંગોમાં પહેરવાનો હોય. તમે શ્રીને કલરફુલ કપડાં કેમ આપતાં નથી? યશજીએ મા-દીકરીને કહ્યુઃ જુઓ, મારા મનમાં ચાંદનીના પાત્ર વિશે ચોક્કસ કલ્પના છે. હું ફિલ્મનો ડિરેક્ટર છું અને તમે મારા પર ભરોસો રાખો.
‘ચાંદની’ બનાવતી વખતે યશ ચોપડા પાસે પૂરતાં નાણાં નહોતાં. એમણે બેન્કમાંથી મોટું કરજ લીધું હતું. આ ફિલ્મ એમનો છેલ્લો મરણિયો પ્રયાસ હતો. જો ‘ચાંદની’ બોક્સઓફિસ પર પિટાઈ જાય તો સમજોને કે યશજીના ફિલ્મમેકર તરીકેની કરીઅર પર પૂર્ણવિરામ મૂકાઈ જવાની હતી.
ખેર, ફિલ્મ બની. મુંબઈમાં પ્રીમિયર યોજાયો. આખી ઇન્ડસ્ટ્રી ઉમટી પડી. ફિલ્મ પૂરી થયા પછી ઇન્ડસ્ટ્રીવાળાઓનું રિએક્શન સાવ ટાઢુંબોળ! ‘યાર, બહુ લાંબી પિક્ચર બનાવી છે… આટલાં બધાં ગીત શું કામ રાખ્યાં છે?… આ કંઈ કમર્શિયલ ફિલ્મ નથી…’ એક ડિસ્ટ્રીબ્યુટરે ફોન કરીને યશજીને કહી દીધુઃ યશજી, મજા ન આવી. હું તમારી ‘ચાંદની’ ડિસ્ટ્રીબ્યુટ નહીં કરું. આખા ભારતની થિયેટર સર્કિટમાં વાત ફેલાઈ ગઈઃ ‘ચાંદની’માં દમ નથી, ફ્લોપ પિક્ચર છે.
ફિલ્મ રિલીઝ થઈ પછી શરુઆતના રિપોર્ટ્સ પણ એવા જ આવ્યા કે ફિલ્મ ઠંડી જઈ રહી છે. મિક્સ્ડ રિપોર્ટ્સ આવતા હતા. કોઈને ફિલ્મ ગમતી હતી, કોઈને નહોતી ગમતી. યશ ચોપડાની છાતી બેસી ગઈ. એમણે માની લીધું કે બસ, ખતમ. જિંદગીમાં હવે હું બીજી કોઈ ફિલ્મ બનાવી નહીં શકે… પણ ધીમે ધીમે માહોલ બદલાયો. પોઝિટિવ રિએક્શન આવવા શરુ થયા. ગીતો પોપ્યુલર બનવા લાગ્યાં. પછી તો વર્ડ-ઓફ-માઉથ પબ્લિસિટીથી ફિલ્મ સોલિડ ઉપડી. ‘ચાદની’ સુપર હિટ થઈ. ટ્રેડ-પંડિતોની આગાહી ખોટી પડી. આખું ભારત શ્રીદેવીના નવેસરથી પ્રેમમાં પડી ગયું. હિરોઈન હોય તો આવી હોય – સુંદર, મોહક, સ્ત્રીત્વથી ભરીભરી, કામુક અને છતાંય માસૂમ, અફલાતૂન અદાકાર, સારી ડાન્સર અને કોમિક ટાઇમિંગમાંય ઉત્તમ.
‘ચાંદની’એ યશ ચોપડાને એમનું સ્વ-ત્વ, એમની ઓરિજિનાલિટી, એમની ઓળખ પાછી આપી. આ ફિલ્મ એટલી સફળ થઈ કે એમણે પછી ફરી કદી પાછળ વળીને જોવાનું જરુર ન પડી.
– શિશિર રામાવત
Leave a Reply