આયુષ્યમાન ભવ!
——————
ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————–
સિનેમા એક્સપ્રેસ : કશુંક ભડામ્ કરતું તમારા દરવાજા પાસે પછડાય છે. તમે નજીક જઈને જુઓ છો, પણ તમને સમજાતું નથી કે આ એક્ઝેક્ટલી છે શું! આ તૂટી ગયેલા તંબુનું કપડું છે? કે સંકેલાઈ ગયેલું પેરેશૂટ? તમે કપડું હટાવવાની કોશિશ કરો છો… ને આ શું? નીચેથી ઊંહકારા કરતો આખેઆખો બોલિવુડ બોય ઉર્ફ બોબો પ્રગટ થાય છે. તમને ખબર પડે છે કે પેલું તંબુનું કપડું બોબોના સાંઠીકડા જેવા શરીર સાથે મુશ્કેટાટ બંધાયેલું છે. ‘આઇ એમ ઓકે… આઇ એમ ઓકે…’ બોબોના માંડ માંડ બોલે છે.
અરે બોબો, આ તેં શરીરે તંબુ કેમ બાંધ્યો છે? તમે હેબતાઈને પૂછો છો.
‘તમને નહીં સમજાય… ઇટ્સ અ હાઇ-ફેશન. તમે ઐશ્વર્યા રાયના આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલના ફોટા જોયા નથી? એણે કેવા પોતાના ગાઉનમાં પીઠ પર પિન્ક કલરની ખુલ્લી છત્રી ફિટ કરાવી હતી? બસ, એના પરથી પ્રેરણા લઈને મેં આ આઉટફિટ સિવડાવ્યો છે. જો સ્ત્રીઓ કોમ્પ્લીકેટેડ ડ્રેસ પહેરી શકે તો પુરુષ સવાયા કોમ્પ્લીકેટેડ ડ્રેસ કેમ ન પહેલી શકે?’ બોબો હાલકડોલક થતો ઊભો થાય છે.
તમને તરત કાન ફિલ્મોત્સવનો પેલો ખૂબ વાઇરલ થયેલો કોમિક વિડીયો યાદ આવે છે, જેમાં પાંચ જણા ઐશ્વર્યાના મહાવિચિત્ર ગાઉનને ઠીક કરી રહ્યા છે ને બે જણા એને બાવડેથી ઝાલી રાખીને રેડ કાર્પેટ પર જેમતેમ ચલાવી રહ્યા છે. બોબો હાઇ-ફેશન વિશે લાંબું વ્યાખ્યાન આપવાનું શરુ કરે તે પહેલાં તમે એને આજે રિલીઝ થનારી ફિલ્મો વિશે પૃચ્છા કરો છો ને ચાંપલો બોબો પોતાનું ફિલ્મી જ્ઞાાન પ્રદર્શિત કરવાના મૂડમાં આવી જાય છે. ઓવર ટુ બોબો…
૦ ૦ ૦
આયુષ્યમાન ખુરાના જબરો ચતુર નર છે. પૂછો, કેવી રીતે. જુઓ, એણે ‘ચંડીગઢ કરે આશિકી’ નામની ફિલ્મ માટે પ્રભાવિત થઈ જવાય એવી હાઇક્લાસ બોડી બનાવી હતી, બરાબર? પછી એને થયું હશે કે આટલી મહેનત કરીને પેટ પર છ-છ ચોસલાં ઊપસાવ્યાં છે તો હાલો, આ બોડી સાથે મેચ થાય એવી બીજી એક ફિલ્લમ પણ હારોહાર કરી નાખું. એટલે એણે અનુભવ સિંહાની એક્શન-પેક્ડ ફિલ્મ ‘અનેક’ સાઇન કરી.
ના, હોં. જસ્ટ કિડિંગ. આયુષ્યમાન અને અનુભવ સિંહા બન્ને નિસ્બતવાળા કલાકારો છે. તેઓ કંઈ અવિચારીપણે ફિલ્મો ન બનાવે. તમે અનુભવ સિંહાની છેલ્લી ત્રણ તબલાંતોડ ફિલ્મો જુઓ – ‘મુલ્ક’, ‘આર્ટિકલ ૧૫’ અને ‘થપ્પડ’. આયુષ્યમાનનો બાયોડેટા તો સૌને મોઢે છે. ‘અનેક’માં એણે અન્ડરકવર એજન્ટનો રોલ કર્યો છે. સામાન્યપણે આ પ્રકારના રોલ બોલિવુડ નામના દેશમાં જોન અબ્રાહમો અને સલમાન ખાનો જેવા બાવડેબાજ નરશ્રેષ્ઠો કરતા હોય છે.
‘અનેક’નું ટ્રેલર આવ્યું હતું એ જ દિવસે બોબોએ નક્કી કરી નાખ્યું હતું કે બોસ, આ પિક્ચર તો ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શોને લાયક છે. કેટલું અસરકારક ટ્રેલર. સાચ્ચે, ભારતનાં નોર્થ-ઈસ્ટ રાજ્યો વિશે આપણે પ્રમાણમાં ઘણું ઓેછું જાણીએ છીએ. આપણે આ પ્રદેશમાં ટુરિસ્ટ તરીકે પણ ખાસ જતા નથી. શું ત્યાંના લોકો ઝીણી આંખવાળા છે ને એમનો નાક-નક્શો થોડોક ચાઇનીઝ જેવો છે માત્ર એટલા ખાતર આપણે તેમની સાથે આત્મીયતાનો અનુભવ કરી શકતા નથી? ટૂ બેડ. નોર્થ-ઈસ્ટમાં અલગાવવાદની સમસ્યા ભીષણ છે. ટ્રેલરમાં મીન્સ કે પિક્ચરમાં આયુષ્યમાન એક ધારદાર સવાલ કરે છે કે, ‘એવું તો નથીને કે કોઈને નોર્થ-ઈસ્ટમાં શાંતિ ખરેખર જોઈતી જ નથી? નહીંતર આટલાં વરસોમાં આ સમસ્યા ઉકેલાઈ ન ગઈ હોત?’
બોબોએ તો નક્કી કરી નાખ્યું છે કે હવે પછી વિપશ્યનાની સાધના કરવા એ નોર્થ-ઈસ્ટમાં જ જશે, ખૂબસૂરત ગેંગટોક-આસામ ખાતે. સાચ્ચે, બોબોને પણ આંતરિક શાંતિની સોલિડ જરુર છે, નોર્થ-ઈસ્ટની જેમ જ.
૦ ૦ ૦
બોબોએ હમણાં બીજી એક ફિલ્મનું ટ્રેલર જોયું ને તે જોઈને એ ખળભળી ઉઠયો. એમાં એક દુંદાળો માણસ ઠેકડા મારતો મારતો નાચતો હતો. બોબોને થયું કે આ મહાકાય આદમીની સ્ફૂર્તિ તો જો! પછી ઝીણી આંખે જોતાં ખબર પડી કે આઇલ્લા… આ તો ગણેશ આચાર્ય છે, બોલિવુડના ફેમસ કોરિયોગ્રાફર. એ કેમેરાની પાછળથી કેમેરાની આગળ કેવી રીતે આવી ગયા? વધારે છાનબીન કરતાં ખબર પડી કે ભઈ, ગણેશ આચાર્ય તો આ ફિલ્મના મેઇન હીરો છે! અરે, ફિલ્મની સ્ટોરી પણ એમણે લખી છે. ફિલ્મનું ટાઇટલ છે, ‘દેહાતી ડિસ્કો’. અત્યાર સુધી માર્કેટમાં દર્દ-એ-ડિસ્કો ચાલતો હતો. હવે આ નવી ટાઇપનો ડિસ્કો આવ્યો છે. આ ફિલ્મ પણ આજે રિલીઝ થઈ રહી છે, ‘અનેક’ની સાથે.
બાકી ગણેશ આચાર્યે સોલિડ વેઇટલોસ કર્યો છે એ તો સ્વીકારવું પડે. (બોબોને સમજાતું નથી કે સરોજ ખાન હોય કે ફરાહ ખાન હોય કે ગણેશ આચાર્ય કે ગીતા કપૂર… બોલિવુડના કોરિયોગ્રાફરો આખો દહાડો નાચ-નાચ કરીને, બાય ડિફોલ્ટ, કાર્ડિયો એક્સરસાઇઝ કરતાં હોવા છતાં ફૂલીને ઢમઢોલ શી રીતે થઈ જતાં હશે?) મનોજ શર્મા નામના ડિરેક્ટરે બનાવેલી ‘દેહાતી ડિસ્કો’ના ઓફિશિયલ કોરિયોગ્રાફર તરીકે કુશ છાબરિયા નામના અજાણ્યા ઇન્સાનનું નામ બોલે છે, બોલો.
વચ્ચે ફરાહ ખાન પણ એક્ટિંગના રવાડે ચડયાં હતાં, યાદ છે? ‘શિરીન ફરહાદ કી તો નિકલ પડી’ (૨૦૧૨) નામની ફિલ્મમાં એ રીતસર બમન ઇરાનીનાં હિરોઈન બન્યાં હતાં. એ ફિલ્મ કે એમાં ફરાહની એક્ટિંગ – આ બેમાંથી કશું યાદ રાખવા જેવું નહોતું. ‘દેહાતી ડિસ્કો’નાં કેસમાં પણ મોટે ભાગે આવું જ થશે એવું ટ્રેલરના લખ્ખણ પરથી લાગે છે. બોબોને થાય કે મોટી સ્ક્રીન પર ગણેશ આચાર્યની ધૂ્રજતી ફાંદ જોવા કરતાં ટીવી સ્ક્રીન પર ડાન્સ રિયાલિટી શોમાં ફૂલ-ફૂલ જેવાં છોકરાંવનાં અજબગજબનાં નૃત્યો કરતાં ન જોવાં? શું કહો છો?
૦ ૦ ૦
આહા, હમણાં બોબોએ સોશિયલ મિડીયા પર એક પોસ્ટર જોયું. આગામી ગુજરાતી ફિલ્મ ‘રાડો’નું. દસ સેકન્ડ સુધી તો બોબાને સમજાયું જ નહીં ને પછી એને એકાએક બત્તી થઈઃ માય ગોડ! પોસ્ટરમાં સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર જેવો દેખાતો આ હીરો આપણો યશ સોની છે? ના હોય! જો ફર્સ્ટ ઇમ્પ્રેશન જેવું કશુંય હોય તો સાંભળી લો સાહેબ, કે કૃષ્ણદેવ યાજ્ઞિાક (કેડી)ની આ આગામી ફિલ્મની ફર્સ્ટ ઇમ્પ્રેશન ગજબની છે. એક મિનિટ. તમે અભિષેક જૈનના ડિરેક્શનમાં બની રહેલી વેબ સિરીઝ ‘મિસિંગ’નું ટીઝર જોયું? એમાં બીડી ફૂંકતો, પ્રેમિકા (દીક્ષા જોશી)ને ચોટલીથી ઝાલીને ખેંચતો, સ્લો-મોશનમાં બાઇક ચલાવતો ને મસ્ક્યુલાઇન ટોક્સિસિટીની સાક્ષાત મૂર્તિ જેવો લાગતો યશ પેલી બમ્પર હિટ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ (કે એના પરથી શાહિદ કપૂરની હિટ ‘કબીર સિંહ’)ની યાદ અપાવે છે. બોબોને સમજાતું નથી કે ગુજરાતી ફિલ્મમેકરોને યશ સોનીની ક્યુટનેસ સામે શો વાંધો છે! કેમ બાપડાને તેઓ ‘પુષ્પા’ બનાવી દેવા માગે છે? વેલ, ખરેખર તો આ કોમ્પ્લીમેન્ટ કહેવાય. બોબોએ તો અત્યારથી ‘રાડો’ ફિલ્મ અને ‘મિસિંગ’ વેબ સિરીઝની રાહ જોવાનું શરુ કરી દીધું છે.
તો હવે તમે શાની રાહ જુઓ છો? બોબોનો આ સાથે પ્રલાપ પૂરો થયો. ‘જય સિનેમાદેવી… જય સિનેમાદેવી…’ના પોકારો કરતો બોલિવુડ બોય ઉર્ફ બોબો પોતાના ૪૭ કિલો વજન ધરાવતા તંબુછાપ કોસ્ચ્યુમને જેમતેમ ઊંચકે છે ને લથડિયાં ખાતો એક્ઝિટ મારે છે.
– Shishir Ramavat
Leave a Reply