આ વખતની ઓસ્કર ફિલ્મોમાં શું છે?
——-
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
———–
ઓસ્કર સિઝને ગરમી પકડી લીધી છે. ઓસ્કાર સમારોહ ૧૩મી માર્ચે છે. આપણે ભારતીયોએ ઓસ્કર ઇવેન્ટનું લાઇવ પ્રસારણ રાત્રે નહીં પણ વહેલી સવારે જોવાનું હોય છે. ઓસ્કર સમારોહ યોજાય તે પહેલાં, આવો, આ વખતની ઓસ્કર મૂવીઝ વિશે થોડી વાતો કરી લઈએ.
આ વખતે બેસ્ટ પિક્ચર કેટેગરીમાં કુલ દસ ફિલ્મો નોમિનેટ થઈ. જો તમે વિદેશી ફિલ્મોના રસિયા હશો તો પૂરેપૂરી શક્યતા છે કે આ દસમાંની ત્રણ ફિલ્મો તમે બિગ સ્ક્રીન પર ઓલરેડી જોઈ કાઢી હશે – ‘અવતારઃ ધ વે ઓફ વોટર’, ‘એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ’ અને ‘ટોપ ગનઃ માવેરિક’. બાકીની સાત ફિલ્મો આ રહીઃ ‘ઓલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’, ‘ધ બાશીઝ ઓફ ઇનિશેરીન’, ‘એલ્વિસ’, ‘ધ ફેબલમેન્સ’, ‘ટાર’, ‘ટ્રાએન્ગલ ઓફ સેડનેસ’ અને ‘વીમેન ટોકિંગ’. આવો, જાણીએ કે આમાંની કેટલીક ફિલ્મોનું કથાવસ્તુ શું છે.
‘ઓલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટઃ પહેલું વિશ્વયુદ્ધ શરુ થયું તે વાતને ત્રણ વર્ષ વીતી ચૂક્યાં છે. પૉલ, આલ્બર્ટ અને મુલર નામના સત્તર-સત્તર વર્ષના ત્રણ લબરમૂછિયા છોકરા તાજા તાજા સ્કૂલમાંથી બહાર પડવાના છે. જર્મનીમાં દેશપ્રેમનો જુવાળ ફાટી નીકળ્યો છે. આવેગ અને ઉશ્કેરાટથી ભરપૂર ભાષણો થાય છે અને આ ત્રણેય મુગ્ધ છોેકરાઓને થાય છે અમારેય રણમેદાનમાં ઉતરવું છે, અમારેય દેશ માટે કશુંક કરી છૂટવું છે, અમારેય વોર-હીરો બનવું છે. એમને તરત તક મળે છે. તેઓ આર્મી જોઇન કરે છે. યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોનાં યુનિફોર્મ રિસાઇકલ થઈને આ છોકરાઓને મળે છે. એમને અન્ય કેટલાય સૈનિકા સાથે ઉત્તર ફ્રાન્સના યુદ્ધમેદાનમાં લઈ જવામાં આવે છે. પહેલાં જ દિવસે અસલી યુદ્ધની વાસ્તવિકતા જોઈને એમના હાંજા ગગડી જાય છે. કીડી-મકોડા મરતા હોય એમ સૈનિકો મરી રહ્યા છે. લોહીના ફૂવારા ઉડી રહ્યા છે, કપાયેલા હાથ-પગ આમતેમ ફેંકાઈ રહ્યા છે. ત્રણમાંથી બે છોકરા વારાફરતી શહીદ થઈ જાય છે અને પૉલ, કે જે આ ફિલ્મનો નાયક છે, એ ભાંગી પડે છે. એની સઘળી મુગ્ધતા વરાળ થઈ જાય છે… પણ હવે પાછું વળાય એમ નથી. પૉલના મનમાં પાર વગરના પ્રશ્નો ઉઠે છે. આવી ભયાનક જાનહાનિ શાના માટે? એને સમજાય જાય છે કે અમે સૈનિકો તો ફક્ત પ્યાદાં છીએ, અસલી યુદ્ધ તો પેલા રાજકારણીઓ અને લશ્કરના જનરલ લડી રહ્યા છે.
‘ઓલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ નામની આ જર્મન ફિલ્મનો સૂર એન્ટિ-વોર છે. ૧૯૨૯માં પ્રકાશિત થયેલી અને આ જ શીર્ષક ધરાવતી નવલકથા પર ફિલ્મ આધરિત છે. આપણે એકએકથી ચડિયાતી વોર ફિલ્મો જોઈ છે, પણ તોય આ ફિલ્મનાં વિઝ્યુઅલ્સ, એનું કથાનક અને ઝીણી ઝીણી વિગતો આપણને જકડી રાખે છે. ફિલ્મને ચૌદ-ચૌદ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. આ વખતના ઓસ્કર સમારોહમાં તે સપાટો બોલાવી દે તો જરાય નવાઈ નહીં પામવાની. ફિલ્મ નેટફ્લિક્સ પર ઓલરેડી મૂકાઈ ગઈ છે. જોજો.
એલ્વિસઃ કિંગ ઓફ રોક-એન્ડ-રોલ, સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સંગીતકાર-ગાયક-પર્ફોર્મર એવા એલ્વિસ પ્રેસલીને કોણ નથી ઓળખતું? એની સ્ટાઇલ અને અદાની આજે પણ નકલ થાય છે. જે આપણે ખાસ જાણતા નથી એ છે, એની કરીઅર મેનેજ કરનારા એના મેનેજર ટોમ પાર્કરને અને એની સાથેના એલ્વિસના કોમ્પ્લિકેટેડ સંબધને. આ બાયોપિકના કેન્દ્રમાં ૨૦ વર્ષમાં ફેલાયેલી એમની રિલેશનશિપની વાત છે. એક તરફ અમેરિકાનું કલ્ચરલ લેન્ડસ્કેપ બદલી રહ્યું હતું અને બીજી બાજુ, સાવ ગરીબ ઘરમાંથી આવેલા એલ્વિસ પ્રેસલી અભૂતપૂર્વ સ્ટારડમ અને અતિ ગ્લેમરસ લાઇફસ્ટાઇલ તરફ આગળ વધી રહ્યા હતા.
‘એલ્વિસ’ને આઠ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. કોઈ મ્યુઝિકલને આટલાં નોમિનેશન્સ મળ્યાં હોય તેવું ભૂતકાળમાં એક જ વાર બન્યું છે. એ હતી ‘યેન્કી ડૂડલ ડેન્ડી’ નામની મ્યુઝિકલ, ૧૧ ઓસ્કર નોમિનેશન્સ. ફિલ્મમાં ટાઇટલ રોલ ઑસ્ટિન બટલરે કર્યો છે, જ્યારે એલ્વિસના ભેદી મેનેજર ટોમ પાર્કરનો રોલ ટોમ હેન્ક્સે કર્યો છે. ‘એલ્વિસ’ અમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. ઘરબેઠાં જોઈ શકો છો. ટોમ હોન્ક્સ જેવા સુપર એક્ટરની કોઈ પણ ફિલ્મ આમેય મિસ કરવાની ન હોય.
ટ્રાયેન્ગલ ઓફ સેડનેસઃ જબરી ફની ફિલ્મ છે આ. કટાક્ષિકા છે. કાર્લ નામનો એક ફેશન મોડલ છે. એની એક ગર્લફ્રેન્ડ છે – યાયા. એ પણ મોડલ છે ને પાછી સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર છે. બન્ને વચ્ચે પૈસાના મામલામાં ક્યારેક ચણભણ થઈ જાય છે. એમને એક દિવસ એક લક્ઝરી સુપરયાટમાં સફર કરવાનું આમંત્રણ છે. યાટ પર ડઝનેક જેટલા એકદમ રિચી રિચ લોકો પ્રવાસ કરી રહ્યા છે. આ મોડલ કપલ અને એના જેવાં બીજા કેટલાક ગુડલુકિંગ યંગસ્ટર્સે આ ધનપતિઓને કંપની આપવાની છે.
શરુઆતમાં તો બધું બરાબર છે, પણ અચાનક યાટ એક ખડક સાથે અથડાઈ પડે છે. ‘ટાઇટેનિક’ની જેમ એનું દરિયામાં ગરક થઈ જવું નિશ્ચિત છે. મુસાફરો લાઇફ જેકેટ વગેરેના સહારે એક ટાપુ – ટ્રાયેન્ગર ઓફ સેડનેસ – પર જઈ ચડે છે. અહીં બધા એકસરખા છે. માલમો જ્યારે અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો હોય ત્યારે કોણ ગરીબ ને કોણ તવંગર! પછી શું થાય છે? આવી કટોકટીભરી સ્થિતિમાં કોનો હાથ ઉપર રહે છે? આ સવાલનો જવાબ ફિલ્મ જોઈને મેળવી લેવાનો છે. ઓલરેડી બહુ બધા અવોર્ડ જીતી ચૂકેલી આ ફિલ્મને ત્રણ ઓસ્કર નોમિનેશન મળ્યાં છે.
આ ત્રણ સિવાયની ઓસ્કર મૂવીઝ વિશે પછી.
– શિશિર રામાવત
Leave a Reply