જિંદગીમાં તારે રુપિયો બનવાનું છે, દીકરી… ચવન્ની નહીં!
——————-
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
——————-
પ્રિયંકા ચોપડાના વ્યક્તિત્ત્વનું સૌથી ધ્યાનાકર્ષક પાસું કયું છે? એનો વજ્ર જેવો આત્મવિશ્વાસ. એ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહી હોય કે હિન્દી ફિલ્મોમાં કામ કરી હોય, એ હોલિવુડ ગજાવી રહી હોય, કશેય ઇન્ટરવ્યુ આપતી હોય કે નેશનલ – ઇન્ટરનેશનલ સભાઓમાં વકતવ્ય આપતી હોય – એનો કોન્ફિડન્સ આગની જ્વાળાની જેમ સતત ફૂંકાતો રહે છે. પ્રિયંકાએ જોકે ક્યાંક મજાકમાં કહ્યું છે કે એ ઘણી વાર આત્મવિશ્વાસથી ભરપૂર હોવાનો ફક્ત દેખાવ કરતી હોય છે, પણ આ ફેક કોન્ફિડન્સ પણ એના આંતરિક અને કુદરતી એવા નક્કર આત્મવિશ્વાસના પાયા પર જ ઊભો હોય છે.
પ્રિયંકાના આત્મવિશ્વાસના આ અખંડ ઝરાનો સ્રોત શો છે? મનોરંજનની દુનિયા માટે તદ્દન ‘આઉટસાઇડર’ એવી પ્રિયંકાએ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાનું એવું સ્થાન કેવી રીતે ઊભું કર્યું જે ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો એક પણ કલાકાર આજ સુધી પામી શક્યો નથી? પ્રિયંકાનાં મમ્મી ડો. મધુ ચોપડાની વાતો સાંભળો તો તરત સમજાય કે પ્રિયંકાના આત્મવિશ્વાસ અને માનસિક સ્પષ્ટતાના મૂળિયાં એના પરિવારમાં દટાયેલાં છે.
મધુ ચોપડાના પિતાજી , એટલે કે પ્રિયંકાના નાના પણ ડોક્ટર હતા. સ્વભાવે અત્યંત કડક, પણ પણ જીવનમાં કશુંક શીખવાની, અચીવ કરવાની વાત આવે તો પોતાની દીકરીઓને પાંજરામાં ન પૂરી દે, બલ્કે એમની પાંખોને તાકાત આપે. એટલેસ્તો મધુ ચોપડા એમના જમાનામાં પાઇલટ બનવાની ટ્રેનિંગ લઈ શક્યાં. ઘરમાં ભણતર પર ખૂબ મહત્ત્વ આપવામાં આવે. તેથી મધુ ખૂબ મહેનત કરીને ડૉક્ટર બન્યાં. આર્મી ઓફિસરને પરણ્યાં. પ્રિયંકાના પિતા અશોક ચોપડા આર્મીમાં ડોક્ટર. મધુ ચોપડાએ પોતાની સિવિલ હોસ્પિટલની જોબ છોડી અને ઘરગૃહસ્થી સંભાળવા માટે આર્મીમાં ઇએનટી સ્પેશિયલિસ્ટ તરીકે સક્રિય થયાં. તેઓ કહે છે, ‘અમારા ઘરમાં ક્યારેય ઊંચા અવાજે
રાડારાડી થઈ નથી. ન અમારી પતિ-પત્ની વચ્ચે રાડારાડી થઈ કે ન ક્યારેય બાળકો સાથે અમે એવી રીતે વર્ત્યાં. અમે બાળકોની ઇચ્છા પૂછીએ, એમને શું કરવું છે તે જાણીએ. એમની કોઈ વાત બરાબર ન લાગે તો અમે સામસામે બેસીએ અને મોકળા મને ચર્ચા કરીએ. તે પછી જ શું કરવું કે શું ન કરવું એનો નિર્ણય લઈએ.
જોકે પ્રિયંકાને મિસ ઇન્ડિયામાં ભાગ લેવડાવવાની વાત આવી ત્યારે મધુ ચોપડાના પિયરિયાઓને તો કશો વાંધો નહોતો, પણ સાસરિયાઓમાં ધમાલ મચી ગયેલી. પ્રિયંકાનાં ફોઈ સાવ જૂનવાણી વિચારનાં. પ્રિયંકાના પપ્પાને બે ભાઈઓ. કુલ ત્રણ ભાઈઓમાંથી બે આર્મીમાં. આર્મીવાળા આમેય પોતાની બહેન-દીકરીઓ માટે બહુ પ્રોટેક્ટિવ હોય. એમણે તો સીધું કહી દીધું કે આપણા ઘરની દીકરીઓ અંગપ્રદર્શન કરવું પડે એવી સ્પર્ધાઓમાં ભાગ લે જ નહીં. પ્રિયંકા હજુ સ્કૂલમાં ભણે છે, ભણવામાં આટલી હોશિયાર છે, એનુ મન બીજી દિશામાં ભટકે એવું શા માટે કરવું જ જોઈએ? વળી, વાત મિસ ઇન્ડિયાથી જ ક્યાં અટકવાની હતી? પછી મિસ વર્લ્ડ કોન્ટેસ્ટ આવી ને તે પછી તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઇન કરવાની વાત આવીને ઊભી રહી.
‘જાણે પંચાયત ભરાઈ હોય એમ આખો પરિવાર ચર્ચા કરવા બેઠો,’ મધુ ચોપડા કહે છે, ‘મેં મારા મુદ્દા મૂક્યા, એમણે એમની વાત મૂકી. આખરે મારા જેઠ બોલ્યાઃ ઠીક છે, પ્રિયંકાને મિસ ઇન્ડિયામાં જવા દઈએ, પણ એક શરત છે. એ ક્યાંય એકલી નહીં જાય. તમે પતિ-પત્નીમાંથી કોઈ એક જણાએ હંમેશાં એની સાથે રહેવું પડશે. મને પૂછવામાં આવ્યુંઃ તું ખરેખર પ્રિયંકાને બ્યુટી કોન્ટેસ્ટમાં (અને પછી ફિલ્મલાઇનમાં) મોકલવા માગે જ છે? મેં કહ્યુંઃ હા. તો કહેઃ ઇન ધેટ કેસ, તું તારી કરીઅરને ભુલી જા! મને નિર્ણય લેવામાં એક મિનિટ ન લાગી. મેં કહ્યુંઃ આપણે તો જિંદગી જોઈ લીધી છે. જે અચીવ કરવાનું હતું, એન્જોય કરવાનું હતું તે કરી લીધું છે, હવે બાળકોના ભવિષ્યનું જોવાનું છે. જો મારા સાથે રહેવાથી પ્રિયંકાને ફાયદો થતો હોય તો હું જોબ છોડી દઈશ… ને મેં તરત નોકરીમાંથી રાજીનામું આપી દીધું.’
——————-
બન્ને સંતાનો અમારા ખભા પર ઊભાં છે
——————-
પણ એક પ્રિયંકા એક જ સંતાન નહોતી. નાનો દીકરો સિદ્ધાર્થ પણ હતો, દસ વર્ષનો. જો મમ્મી પ્રિયંકાની સાથે સાથે ફર્યા કરશે તો દીકરાને કોણ સાચવે? એના ભણતરનું શુંં? મધુ ચોપડા કહે છે, ‘અગેન, અમે બેઠાં, ચર્ચા કરી. અમારા ઘરમાં બધું વાતચીતથી જ સોલ્વ થાય છે, ઝગડાથી ક્યારેય નહીં. પ્રિયંકાના પપ્પા કહેઃ તું સિદ્ધાર્થની ચિંતા ન કર. હું એને સાચવી લઈશ. પછી તો મારી મમ્મી મારે ત્યાં રહેવા આવી ગઈ. મારાં બન્ને સંતાનોમાંથી કોઈ ક્યારેય એકલું રહ્યું નથી. બન્ને છોકરાંવ જિંદગીમાં જે પણ કંઈ અચીવ કરે છે તે એવા કોન્ફિડન્સ સાથે કરે છે કે તેઓ એકલાં નથી. પ્રિયંકા અને સિદ્ધાર્થ બન્ને જાણે છે કે તેઓ અમારા ખભા પર ઊભાં છે, ને જો પડી જવાય તો પણ વાંધો નથી. અમે છીએ એેમને ઊભાં કરવા માટે. આ પ્રકારની હૈયાધારણ બાળકને કોઈ પણ પ્રકારના ભય વગર આગળ વધવામાં મદદ કરતી હોય છે.’
પોતાની જાતને ચાહવી, પોતાની જાતને આદર આપવો એ તો ચાવીરુપ વાત છે. મધુ ચોપડા કહે છે, ‘પ્રિયંકાને હું એક જ વાત હંમેશા કહેતી આવી છું કે તું તારી જાતને ક્યારેય ચવન્ની (ચાર આના) ન માનીશ, તું ખુદ ચવન્નીની જેમ બિહેવ કરીશ તો દુનિયા તને ચવન્ની જ માનશે. તું પોતાની જાતને રુપિયો સમજ, રુપિયાની જેમ વર્તન કર, બી પ્રાઉડ ઓફ યોરસેલ્ફ. તો દુનિયા તને એ રીતે ટ્રીટ કરશે. વાત પર્સેપ્શનની છે. હા, જો ભી કરો, તમીઝ ઓર તહેઝીબના દાયરે કે અંદર રહકર કરો, ઉસકે બાહર કુછ નહીં. આ મામલામાં અમે બહુ સ્ટ્રિક્ટ છીએ. ક્યારેય બદ્તમીઝી તો કરવાની જ નહીં. અમારા ઘરનો એક કોડ-ઓફ-કન્ડક્ટ છે, જેનું હંમેશાં પાલન થતું આવ્યું છે. આજની તારીખે પણ.’
માત્ર સંતાનોએ નહીં, પેરેન્ટસે પણ સ્માર્ટ હોવું પડે. ડો. મધુ ચોપડા સમાપન કરે છે, ‘તમે બ્લાઇન્ડની જેમ સંતાનના જીવનમાં ઘૂસી ન શકો. ફિલ્મી દુનિયા મારા માટે પણ નવી હતી, પણ મને કાયદા અને ફાયનાન્સનું નોલેજ છે, હું તે ભણી પણ છું. પ્રિયંકાના વકીલો સારા જ હતા, પણ તોય હું એના કોન્ટ્રેક્ટના કાગળિયાં, ફાયનાન્સ વગેરેનું ધ્યાન રાખતી. મા-બાપે સંતાન કરતાં એક ડગલું આગળ જ રહેવું પડે, એક ડગલું પાછળ નહીં.’
– શિશિર રામાવત
#priyankachopra #MadhuChopra #gujaratsamachar #cinemaexpress
Leave a Reply