અમે મિત્રો કોલેજમાં ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ જોવા ગયેલા, એમાં સાથે ફિલ્મોનો ઔરંગઝેબ કહેવાય એવો એક અસ્સલ દેશી ને આખાબોલો મિત્ર આવેલો. ફિલ્મ પુરી થયે અમુક નવા નવા વિદ્વાન મિત્રો ચર્ચા કરતા હતા કે આ ફ્રેમથી ફિલ્મ સારી ને, ફલાણી ટેક્નિકમાં અતિશય સારી ને ઢીંકણા એંગલથી તો સાવ નબળી. ત્યારે એ ઔરંગઝેબ મિત્રએ જોરથી બરાડો પાડીને બધાને ગાળો આપતા કહ્યું કે, “તમારી તે….ફિલ્મમાં પથરો પણ આવી બઘી વાતોની મને ખબર પડતી નથી, પણ મને એટલી જ ખબર પડે છે કે ત્રણ કલાક પરોવાય જઈએ ને બહાર નીકળીને મન ફિલ્લ્મ ફિલ્લ્મ થઈ જાય ને ચાર પાંચ દિવસ સુધી એના જ વિચારોમાં ખોવાય જવાય એનું નામ ફિલ્મ…”
એ દિવસે અમને સિનેમાની જે વ્યાખ્યા મળી એ આજ સુધી મોટા મોટા ફિલ્મી રાજાઓની વાતો સાંભળીને પણ નથી મળી. સવા સો કરોડની વસ્તી ધરાવતો આ દેશ બૌદ્ધિકોના લોજીક પર નથી ચાલતો, પણ ધર્મ અને સિનેમાના મેજીક પર ચાલે છે. લોજીકનો બહુ કીડો હોય એ લોકો તો લાઈબ્રેરીઓમાં જઈને મોટા મોટા ફિલોસોફીના થોથાઓ વાંચે. પચાસ-સો-બસ્સો રૂપિયા ખર્ચીને ફિલ્મો જોવા જતા સામાન્ય માણસોને તો જલસો કરવો છે ને પેલા મિત્રએ કહેલું એમ ફિલ્મોની કાલ્પનિક દુનિયામાં ખોવાય જવું છે. પણ અફસોસ, આ સિનેમાનો બોલિવૂડિયો જાદુ હવે ક્યાંક ખોવાયેલો હોવાનું માલુમ પડે છે…
બચ્ચન, રાજેશ ખન્ના, દિલીપ કુમાર કે રાજ કપૂર જેવા સિતારાઓનો સુવર્ણયુગ ભારતમાં ફેલાયેલો હતો ત્યારે આજની 90 બોર્ન પેઢી હજી આ મેજિકથી દૂર હતી. છતાં બચ્ચન એક બીડી પીને ગુંડાઓને પડકારે તો વીસ વર્ષ પછી ટીવી પર પણ યુવાનોને ‘ગુઝ બમ્પસ’ આવી જતા, રાજેશ ખન્ના જેવી હેર સ્ટાઇલ ધરાવતા વડીલો આજે પણ આસપાસ ક્યાંક જોવા મળશે, દિલીપ કુમારના કપાળ પર લહેરાતી બે લટ તો વાયા શાહરુખ-શાહિદ થઈને અમારા સુધી પહોંચી ગઈ! શાહરુખ બે હાથ ફેલાવીને જડબા ભીંસી દેતો તો દર્શકો હરખઘેલા થઈ જતા અને “જા સિમરન, જી લે અપની જિંદગી” જોઈને કાજોલ આપણને મળવા આવતી હોય એવો આનંદ રગેરગમાં વ્યાપી જતો. સલમાનની ફિલ્મો આમ ફાલતુ છતાં એક મોટો વર્ગ એને શર્ટ ઉતારતો જોઈને આહકારો ફેંકી દેતા. સની દેઓલ ડંકી ઉખાડે તો આપણને આખું પાકિસ્તાન ઉખાડી લીધાનું જોર ચડે…આવો હતો સિનેમાનો જાદુ!
પણ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી પેઢીના સિક્સ પેકિયા કલાકારો એવા આવ્યા કે એ લોકોનો જાદુ ભલે અમુક અપવાદરૂપ ફિલ્મો પૂરતો ફેલાયેલો લાગે, પણ તરત જ એ લોકો હવાયેલા ફટાકડાની જેમ ફુસ્સ થઈ જાય. રણબીર, રણવીર, શાહિદ જેવા કલાકારો એમની હિટ ફિલ્મો પૂરતા આપણને પાગલ બનાવી દે પણ પાંચ, દસ કે પંદર વર્ષો સુધી કરોડો દિલોની ધડકન ક્યારેય ના બની શક્યા. શાહરુખ- સલમાન વિશે કહેવાતું કે એ લોકો દર્શકોની રગ પકડતા જાણે છે, પણ પાછલા એક દોઢ દાયકાઓમાં એમની જ દુઃખતી રગ ઓડિયન્સે પકડી પાડી હોય એવું લાગે છે. માધુરી-શ્રીદેવી જેવી ભારેખમને આંખોમાં છવાય જાય એવી નાયિકાઓ પણ હવે ડાયનાસોરની જેમ લુપ્ત થઈ ગઈ છે.
આ બધી લમણાંઝીંકનું પરિણામ કહો કે કારણ કહો, પણ છેલ્લા દસ વર્ષમાં બે ત્રણ વાર જોઈ શકાય એવી ફિલ્મો કેટલી આવી? રાંઝણા, રોકસ્ટાર કે જિંદગી ના મિલગી દોબારા જેવા સુખદ અપવાદ સિવાય કોઈ જ નહીં! રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના જેવા ટેલેન્ટેડ કલાકારો કંઈક હટકે કન્ટેન્ટ લાવે છે ખરા ને એમને પડદા પર જોવાની મજા પણ આવે જ છે. પણ આવા કલાકારો એક હિટ ફિલ્મની ઇમ્પેક્ટ વડે બીજી હિટ ફિલ્મો આપી શકતા નથી એ પણ એક હકીકત છે. ઈરફાન ખાન માંડ સિનેમાપ્રેમીઓને જલસા કરાવતા હતા પણ એ અકાળે દુનિયા જ છોડી ગયા. ભલું થજો ઓટીટી પ્લેટફોર્મનું કે સો બસ્સો ને પાંચસો કરોડ કલબની પરવા કર્યા વિના આપણે નવાઝુદ્દીન, પંકજ ત્રિપાઠી, નીરજ કબી અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય જેવા અસ્સલ કલાકારોને માણી શકીએ છીએ. બાકી તો ચાર દિન કી ચાંદની જેવા સિદ્ધાર્થ જ માથે પડે એમ છે!
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો પાછી બોલિવુડનું માથું ભાંગે એવી. એકસરખી કોમેડી, મોદી-રાહુલ ગાંધીના જોક્સ ને લફરાઓ આપણા માથે ફટકારે. કંઈક નવું કરવા જાય તો પાછી બોરિંગ બની જાય. ને આપણે ટીકા કરીએ તો ક્રાંતિકારી રિવ્યુખોરો આપણા ટેસ્ટને જ કડવો સાબિત કરે. આ રિવ્યુખોરો હિન્દી ફિલ્મોની ટીકા કરે, પણ ગુજરાતી ફિલ્મોમાં માસા, ફોઈના સંબંધો બગદવાની બીકે કે પ્રીમિયર પાસમાંથી ફેંકાય જવાની બીકે દર ત્રીજી ફિલ્મને એક્સ્ટ્રા ઓર્ડિનરી સાબિત કરે. એમના પાપે છાપ જ એવી બગડી જાય કે ‘રાડો’ જેવી મજાની ફિલ્મ આવે ત્યારે વાઘ આવ્યો રે વાઘની જેમ જનતા દૂર ભાગે! ખૈર, આ એક અલગ વિષય છે ને પાછો લાંબો છે.
પછી થયું ઉલટું કે, જે સાઉથની ફિલ્મોને આપણે વરસો સુધી મારધાડની ફિલ્મો ગણીને જોક્સ કર્યા એ જ બૉલીવુડ પાસેથી પરફેક્શન શીખીને દર્શકોના દિલ જીતતા શીખી ગયા. પુષ્પા, RRR, KGF જેવું સુપરહિટ ફિલ્મો આમ જુઓ તો કોઈ નવીન કન્ટેન્ટ નથી. એવું કામ તો મનમોહન દેસાઈઓ બચ્ચન પાસેથી વરસો પહેલા કરાવી ગયા. છતાં સાઉથવાળાઓ ફિલ્મની માવજત એવી કરે કે આપણે ભાવવિભોર થઈ જઈએ. અને બોલિવૂડિયાઓ પોતાનું જ અસ્સલ ટેલેન્ટ ભૂલીને કયા આકાશમાં એકલા ઉડે છે એ જ સમજાતું નથી!
ખૈર, એક વાત તો સ્વીકારવી પડે કે હજારો ટીકાઓ છતાં બૉલીવુડ ખતમ થઈ શકે નહીં, આજે નહિ તો કાલે, કાલે નહિ તો કદીક, એ ફરીથી ઉભું તો થવાનું જ! (એટલે જ બ્રહ્માસ્ત્ર વિશે સારા નરસા અભિપ્રાય હોવા છતાં લોકો જોવા તો દોડ્યા જ!) બાકી તો આજે જ વર્લ્ડ સિનેમા દિવસે રિલીઝ થયેલી આર.બલકીની ‘ચૂપ’ ફિલ્મમાં મેસેજ સારો હોવા છતાં પકડ એટલી નબળી છે કે 75 રૂપિયા અંદર ઘૂસવાના આપ્યા પછી બહાર નીકળવાના બીજા 75 માંગે તો પણ આપણે હોંશે હોંશે ચૂકવી દઈએ!
-Bhagirath Jogia
Leave a Reply