‘મ’ અને ‘ન’, બંને આજે ફરી એક વખત મળવાના હતા… અને કદાચ એક આખરી વખત !
બાગની એક ખૂણે ગોઠવાયેલી બેંચ પર એમની મુલાકાત થવાની હતી. એ જ બેંચ પર જ્યાં એમણે આગળની આખી જીંદગી એકમેકનો સાથ નિભાવવાના પરસ્પર કોલ આપ્યા હતા !
ત્યાંના દરેક વૃક્ષની છાંય, ડાળીઓ પરથી ખરીને પડી ગયેલા એ સુકાયેલા પાંદડા, અને એમની મુલાકાતોમાં સમય પસાર કરવાનું માધ્યમ બની ચૂંટાતી રહેતી એ ઘાસની નાની કુંપળો, જે દરેક તેમના પ્રણયની હરએક ક્ષણના સાક્ષી હતા !
પણ આજે એ બધું જ સમાપ્ત થવાનું હતું…!
શું કહેવાય પેલું…!?
બ્રેકઅપ !!
હા, દુનિયાની નજરમાં આજે તેઓ ‘બ્રેકઅપ’ કરવા જઈ રહ્યા હતા !
‘મ’ પહેલાથી જ આવીને બેંચ પર બેઠો હતો.
ઘેલો ! એના પ્રણયના અંતના દિવસે પણ સમયસૂચકતા ભુલ્યો ન હતો !
અને ‘ન’ આજે પણ તેની જૂની આદત મુજબ મોડી હતી. ઘડીભર તો ‘મ’ ને વિચાર પર આવી ગ્યો, કે ‘કદાચ એણે પોતાનો વિચાર બદલ્યો હોય, અને એટલે જ તેણે આવવાનું જ માંડી વાળ્યું હોય, તો ?’
પણ એ વિચારનું આયુષ્ય પણ ક્ષણભરનું જ હતું…!
દૂરથી ‘ન’ આવતી દેખાઈ રહી હતી…! હા, આ એ જ હતી જેને મળ્યા બાદ, ‘મ’ માત્ર એની સાથે જ જીવવા માંગતો હતો. અને પોતાની એ જ જૂની આદત મુજબ એ તેને નજરોમાં સમાવી લેવા માંગતો હોય એમ નિષ્પલક નીરખી રહ્યો હતો ! અને કદાચ આ એક છેલ્લી વખત થઈ રહ્યું હતું !
‘ન’ તેની જોડે થોડા જુના પત્રો અને ભેટ લાવી હતી… જે એ બંને માટે માત્ર પત્રો અને ભેટ નહીં, પણ યાદો હતી ! સાથે વિતાવેલી યાદો, સાથે જીવેલી યાદો !
‘ન’ ની નજીક આવતા જ હંમેશની જેમ, એનું હૃદય જીવવિજ્ઞાન ની ભાષા ભૂલી જઇ ધબકવા માંડ્યું, અને એ એક ઝાટકા સાથે ઉભો થઇ ગયો !
‘ન’ પણ મૌન બની, નિષ્પલક એને જોતી રહી. પણ બંનેની આંખોમાંથી અલગ અલગ ભાવ નીતરતા હતા ! એકની આંખમાં પારાવાર લાચારી અને બીજાની આંખમાંથી ખોટું હાસ્ય વહેતુ હતું !
પણ આંખોના ભાવ બદલાતાં ક્યાં વાર લાગે જ છે !
‘ન’ ની આંખને ખૂણે સહેજ ભેજ તરી આવ્યું, અને લાચારીનો એ ભેજ પ્રવાહ બની વહી જાય, એ પહેલાં જ તેણે નજર ઝુકાવી દીધી !
અને હળવેકથી માત્ર હોઠ ફફડાવી, “હવે બસ !!!” કહેતાં તેણે એ પત્રો રૂપી યાદોનો ભાર ‘મ’ ને થમાવી દીધો !
‘મ’ માટે પણ લાગણીનો એ પ્રહાર અણધાર્યો ન હતો. અલબત્ત એ સ્વસ્થ દેખાવાની પૂરતી તૈયારીઓ પણ કરી આવ્યો હતો !
પણ વ્યર્થ !
હમણાં બધું જ, વ્યર્થ !!
તેણે ભાવાવેશમાં આવીને ‘ન’ ના બંને હાથ જોરથી પકડી લીધા… અને એ સાથે જ તેમની યાદો હાથમાંથી સરકી જમીનદોસ્ત થઈ પડી !
‘મ’ પણ જાણતો હતો કે તે પોતાની પરનો કાબૂ ગુમાવી રહ્યો હતો, પણ એને કોઈ પણ રીતે તેને રોકી લેવી હતી !
એની એ હરકતથી ‘ન’ બે ડગલાં પાછળ ખસી ગઈ… એવું ન હતું કે તેને ‘મ’ પર વિશ્વાસ ન હતો… પણ એ આઘાતના પ્રત્યાઘાત સ્વરૂપે થેયેલી સાહજિક ક્રિયા હતી.
અને એ જોઈ ‘મ’ એ ‘ન’ ના બંને હાથ ‘ન’ ની કમરની ફરતે પાછળ તરફ વીંટી દઈ, તેને પોતાની નજીક ખેંચી ! અને એ સાથે તેમની વચ્ચેનું એ એક વેંતનું અંતર પણ શૂન્ય બની ચાલ્યું !
‘ન’ ના સ્તનયુગમો ‘મ’ ની ખડતલ છાતી સાથે ભીંસાતા હતા, અને તેના મજબૂત બહુપાશની એ પકડ જાણે તેના ચુરેચુરા કરી દઈ, તેને પોતાનામાં સમાવી લેવા માંગતી હોય એમ વધુને વધુ સજ્જડ થતી જતી હતી !
‘મ’ ની પકડમાં જકડાવાથી તેને ગુસ્સો અને રાહત મિશ્રિત લાગણી થતી હતી ! કદાચ એવી જ લાગણી, જે એક શિકારને ભોળા શિકારીની જાળમાં ફસાયા બાદ થતી હોય !
‘મ’ ને પોતાના ગરમ કાન, હાંફતા શ્વાસ, અને ‘ન’ ને તગતગતીને જોઈ રહેલ આંખોમાં જાણે પોતાની વાસનાની ઝલક દેખાતી હતી…!
પણ ત્યાં પ્રેમભર્યો જુસ્સો અને હવસ વચ્ચેની બારીક રેખા હજી પણ હાજર હતી ! અને પોતે એ વચ્ચેની પરખ ન કરી શકતો હોવાની વાત જ તેને વધુ અકળાવી રહી હતી !
‘મ’ ની છાતી ધમણની માફક ફુલતી, અને ‘ન’ ના સ્તન સાથે ઘર્ષણ પામતી. તેના શ્વાસમાં પણ એક અલગ પ્રકારની હૂંફ અને એક લયબદ્ધ ગતિ આવી ચૂકી હતી ! જાણે કોઈ ઍથલીટ તેની રેસ જીતી ને આવ્યા બાદ એક જ લયમાં, પણ ઝડપથી હાંફતો હોય એમ એ શ્વસી હતો. તેના ગરમ શ્વાસ ‘ન’ ના ઠંડાગાર શ્વાસમાં ભળતા, અને એ સંગમ બંનેને એક અલગ જ જગતમાં વહાવી જતું !
‘મ’ એ હળવેકથી ‘ન’ ના હાથ પરની પોતાની પકડ ઢીલી કરી, અને પોતાની આંગળીઓને તેના લાંબા ભૂખરા વાળમાં પરોવી નાંખી ! તેના વાળની ગૂંચમાં પોતાનો રસ્તો કરતી તેની આંગળીઓ વ્હાલ વરસાવતી, તેની બંને કાનની બુટ નીચે, તેની હડપચી પર આવીને સ્થિર થઈ ગઈ !
તેણે હળવેકથી ‘ન’ નો ચેહરો સહેજ ઊંચો કર્યો. તેની બંધ આંખોમાં પણ એક વિશ્વાસ ઝળકતો હતો. અને બસ, એ જોઈ ‘મ’ પોતાના લાગણીઓના ઉભરાને ઠાલવતા રોકી ન શક્યો, અને સાહજિક રીતે જ તેના અધરોને ચૂમી બેઠો !!!
‘ન’ પણ જાણે મૃરુભુમીમાં ભટકેલ રાહીને પાણીરૂપી અમૃત મળી ગયું હોય એમ, તે પણ અધરોના રસપાનનું આહવાહન કરી રહી હતી ! અને અનાયસે જ તેની આંગળીઓ ‘મ’ ની છાતીના વાળમાં ફરવા માંડી હતી !
એ ક્ષણો ! એ ક્ષણોમાં જ કઇંક અદ્દભુત હતું !
એ ક્ષણે ‘મ’ ભૂલી ચુક્યો હતો કે, પોતે સાહીંઠીને ઉંબરે ઉભેલ, આજીવન અપરણિત રહેલ પુરુષ હતો ! અને ‘ન’ પણ વિસરી ચુકી હતી કે, તે એક પરણિત પુત્રની વિધવા માતા હતી, અને સમાજમાં બદનામીની બીકે, એ જ પુત્રના દબાણમાં આવી તે આજે પોતાના આ પ્રણયનો અંત કરવા આવી હતી !
પણ હમણાં ‘મ’ અને ‘ન’ પોતાનું અસ્તિત્વ સમગ્રપણે ભૂલી ચુક્યા હતા ! કારણ, ‘મ’ હવે ‘મ’ ન હતો, અને ‘ન’ પણ ‘ન’ ન હતી, હવે તો તેઓ ‘મન’ હતા !!
‘મન’ બનવાની એ ક્ષણે તે બંને તેમનો ભૂતકાળ અને ભવિષ્ય ભૂલી જઇ માત્ર એ વર્તમાનને જીવી રહ્યા હતા !
દુનિયાની નજરમાં કદાચ એ વાસના, હલકું ચારિત્ર્ય, કે લગ્નેત્તર સંબંધ હશે, પણ એમનો એ પ્રણય ‘માત્ર નામના કહેવાતા પ્રેમ’ ની સરખામણીએ લાખ દરજ્જે પવિત્ર હતો !
બંનેને એકબીજાના સાનિધ્યમાં એક નિરાંત હતી, એક અજીબ રાહત હતી ! બેશક, એ ઉંમરના એક પડાવ પર આવ્યા બાદ જોઈતી લાગણીઓની હૂંફ પણ હોઈ શકે !
પણ એ બંને એકમેક સાથે ખુશ હતા, શું માત્ર એટલું જ કાફી ન હતું !?
‘મ’ એ હળવેથી ‘ન’ ને અળગી કરી અને કહ્યું, “તું કહીશ તો આપણે હવેથી નહીં મળીએ ! પણ એક વાત કહું… જો તું સાથ આપીશ તો સાથે દુનિયાઆખીથી પણ લડી લેવાશે !”
અને ‘ન’ એ એના પ્રશ્નના જવાબમાં ફરી એકવખત તેના અધરો પર પોતાના અધર મૂકી દીધા ! અને ફરી એક વખત એ બાગ, ત્યાંની બેંચ, ત્યાંના વૃક્ષ, તેની છાંયડી, તેનું એક એક પાંદડું, અને ત્યાં હાજર દરેક ચીજ વધુ એક વખત તેમના પ્રણયની સાક્ષી બની !
દૂર ઉભું એક જુવાન યુગલ એ બંનેને જોઈ રહી, હરખાતાં, મનોમન ઈચ્છતું હતું કે એ બંનેનો સાથ પણ ‘મન’ ની જેમ જ બરકરાર રહે !
‘ન’ એ ધીરેથી પોતાનું માથું ‘મ’ ના ખભે ઢાળ્યું, અને બંનેએ હાથમાં હાથ પરોવીને ચાલવા માંડ્યું !
જૂના પત્રો, જૂની ભેટો, જૂની યાદો પાછળ મૂકી ‘મન’ ની એ બેલડીએ ભવિષ્ય તરફ પ્રયાણ કરવા માંડ્યું, અને જતાં જતાં ‘મ’ એ મજાક કરતાં ‘ન’ ની ગાલ પર હળવેકથી ટપલી મારી, અને બોલ્યો, “ગાંડી, ‘બ્રેકઅપ’ જેવા શબ્દો તો, ‘લફરાં’ હોય ત્યાં હોય… બાકી પ્રેમ તો અનંત છે, અને રહેશે !!!”
– Mitra 😊
P.S : ‘મ’ અને ‘ન’ એ કાલ્પનીક પાત્રો છે, અને દોરેલ ચિત્ર ગુગલ પ્રેરિત છે. 😅
Leave a Reply