શીર્ષક : ચોરી
સમયની માપપટ્ટી લઇ રાતનું માપ કાઢીએ તો અંદાજે રાત અડધા ઉપર વીતી ચુકી હતી. પોતાના નાનકડા ઘરના આંગણામાં હરિયો નિરાંતે સુઈ રહ્યો હતો. પણ જેમ શાંત પાણીમાં કાંકરી પડતા વમળો સર્જાય એમ તેના મનમાં વમળો ઉઠતાં હતા. અને પોતાની પત્ની મોંઘીનો સાદ દુર ઊંડી ખીણમાંથી સાંભળતો હોય એમ કાનમાં ભણકારા વાગી રહ્યા હતા ! અને માત્ર એટલું જ નહીં, એ અવાજની દિશામાં કાન માંડતા, જાણે ઘરમાં કંઇક વિચિત્ર હલચલ થતી હોય એવા અવાજો પણ પાછળ દોરાઈ આવતા હતા.
ના… આ સપનું નથી, હકીકત છે ! – નો ખ્યાલ આવતાં જ હરિયો ખાટલામાં સફાળો જાગી બેઠો. અને ક્ષણભર માટે મૂઢ બની ઘર તરફ જોઈ રહ્યો. શું પોતે જે વિચારતો હતો, એ જ હકીકત હતી?, વિચાર સાથે અચાનક વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ ખાટલાની ઇસ પરથી ઉભો થયો, અને પગમાં ખાસડાં પણ પહેરવા રોકાયા વિના ઘર ભણી ધસ્યો. અને એક જ ઝાટકે બારણું હડસેલી દઈ ઘર અંદર પેઠો ! પણ એની એ જ ઉતાવળ એકાએક ભયંકર શાંતિમાં પલટાઈ ગઈ ! એના પગમાં જાણે સિમેન્ટનું ચણતર થયું હોય એમ એના પગ ત્યાંના ત્યાં જ ખોડાઈ ગયા, અને એની આંખો પણ જાણે સામે દેખાતાં દ્રશ્યની ખરાઈ કરતી હોય એમ એક મટકું પણ માર્યા વિના એ જ દિશામાં મંડાઈ રહી… જ્યાં બે ધાડપાડુઓએ તેની પત્ની મોંઘી, અને તેના સાત વર્ષના દીકરા ટબુડાને ઘેર્યા હતા ! અને હમણાં તેમને ધાક ધમકી આપી ચુપ રેહવાની ઈશારત કરી રહ્યા હતા. અને ત્યાં જ અચાનક પોતાને ધસી આવેલ જોઈ સોંપો પડ્યો હતો, અને એ દરેકનું ધ્યાન એની તરફ જ મંડાયું હતું !
અને એક ક્ષણ માટે એ ઘર જાણે સમયના વ્હેણમાં વ્હેવવાનું ભૂલી ચુક્યું હોય એમ સમય થંભી ચુક્યો હતો. પણ બેમાંના એક ધાડપાડુએ પોતાને સમયના એ થંભેલા ચક્રમાંથી છોડાવી, હરિયાને આંગળીથી ઈશારત કરી દરવાજો બંધ કરી દેવા જણાવ્યું. અને એ કોઈ પણ પ્રકારની હોંશિયારી આદરે એ પહેલા તેણે હાથમાં રાખેલા ચાકુની અણીને મોંઘીના ગળા પર વધુ સખત કરી હતી ! અને એ જોઈ ઘડીના છઠા ભાગમાં હરિયાએ સમગ્ર પરિસ્થતિ સમજી લઇ તાબે થવાનો નિર્ણય લીધો હતો. અને તેનું મગજ પણ જાણે વધારાની કોઈ હરકત ન થઇ જાય એવી ચીવટ રાખતું હોય એમ, તેણે તેના હાથને ઉંધા ફર્યા વિના બારણું અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. અને એ બાદ તરત જ, મીંદડી ઉંદરને જોઈ એની તરફ ડગ માંડે એમ હાડકાના ‘કટક’ બોલવાનો પણ અવાજ સુદ્ધાં ન આવે એ રીતે હરિયાએ ઓરડાની મધ્યમાં આવવા માટે ડગ માંડ્યા હતા. અને એના હાથ પણ જાણે દરરોજની કોઈક યાંત્રિક ક્રિયાથી દયાભાવની યાચના માટે ટેવાયેલા હોય એમ આપોઆપ જોડાઈ ચુક્યા હતા ! પણ એની દયા યાચનાના ભાવ તો સામેના ને ત્યારે જ દેખાયને જયારે સામેની વ્યક્તિમાં એ ભાવને વાંચી શકવાની ક્ષમતા હોય ! પણ સામે તો મનુષ્યના રૂપમાં સાક્ષાત હેવાન આવી ઉભા હતા, જેમની આંખો માત્ર પૈસા જોવા માટે તરસી રહી હતી !
ઓરડીની દીવાલે વાક્ય અથડાઈને પણ પાછું ન આવે એટલા ધીમા અવાજે એમાંના એકે હરિયાને ઉદ્દેશીને કહ્યું, “ઘરમાં જે કંઇ પણ હોય એ બધું કાઢી લાવ, નહિતર આની ખેર નથી !”, કહી મોંઘીના ગળે ચાકુ હુલાવી દેવાની ઈશારત કરી. અને એ સાંભળી મોંઘીએ ડરતા ડરતા કહ્યું, “ખરેખર ઘરમાં કંઈ જ નથી !” એના ‘ખરેખર’ બોલવા પરથી હરિયાને અંદાજ આવ્યો કે મોંઘી એમને ક્યારની કરગરી રહી હશે, અને પોતે આવવામાં થોડોક મોડો પડ્યો હતો !
પણ એ અફસોસને કરોળિયાની જાળની જેમ ખંખેરી દઈ તેણે પણ મોંઘીએ બોલેલું વાક્ય જ દોહરાવ્યું, “ઘરમાં ખરેખર કંઈ જ નથી, માઈબાપ !” શેઠિયાઓ સામે ‘માઈબાપ’ જેવા શબ્દો ઉગારવાની આદતે અનાયસે તેનાથી હમણાં પણ તેમ બોલી જવાયું. પણ એ વધારાના બે શબ્દોની પણ એ દાનવો પર કોઈ ધારી અસર ઉપજી નહીં, અને એ બંનેએ તેમની યાચનાને અવગણી, આંખોથી કંઇક મસલત કરી લીધી. અને એમાંનો એક આગળ આવ્યો અને એના હાથમાંની ટોર્ચ ચાલુ કરી, તેની ટોચ પર હાથ મૂકી પ્રકાશ સહેજ ઓછો કરી, ઇશારાથી હરિયાને તેની આગળ થવા કહ્યું. અને એમ કરીને તેણે હરિયાને બાકીના ઓરડામાં, વાડામાં, રસોડામાં, એમ આખા ઘરમાં ફેરવ્યો… અને જાતજાતની ચીજો ઉથલાવી તપાસ કરવા માંડી. અને એની એ વિહવળતા જોઈ હરિયો મનોમન હરખાતો હતો. ના, એ ધાડપાડુની મૂંઝવણ પર નહીં, પણ એની પત્ની મોંઘીની કોઠાસૂઝ પર !!
ગામ આખામાં વાતો થતી કે, ‘લ્હેર તો આપણા હરિયા ભાઈને જ હોં ! ઘર આખુ સંભાળવા ભણેલી-ગણેલી વહુ જ જો મળી છે !’ હા, આમ તો મોંઘી માત્ર આઠ જ ચોપડી પાસ હતી, પણ ગામની અન્ય સ્ત્રીઓ – અરે ખુદ અભણ હરિયા – ની સરખામણીએ તો એ ભણેલી-ગણેલી જ કહેવાય ને ! અને એની જ આગમચેતી રૂપી સલાહથી પ્રેરાઈને આજે બપોરે, પાક વેચીને પાછા ફર્યા બાદ, ઘરખર્ચીના પાંચસો રૂપિયા સિવાયની બાકીની રકમ એ બરોબર બેંકમાં જમા કરાવી આવ્યો હતો ! ‘…પણ જો એના પરસેવાથી કમાયેલી સમગ્ર મૂડી જો હમણાં ઘરમાં હોત તો…?’ – નો વિચાર સુદ્ધાં એને કંપાવી જતો હતો ! પણ હમણાં પોતાની મોંઘીની વાત માન્યા પર એ ઇતરાતો હતો. કારણકે તેની પાસે ગુમાવવા માટે પણ વધારેમાં વધારે પાંચસો રૂપિયા જ હતા, અને એ પણ પેલાએ ખીંટી પર લટકી રહેલ એની શર્ટમાંથી પોતાની પાસે સેરવી લીધા હતા. અને હવે જયારે એની પાસે લુંટાવા જેવું કશું બચ્યું જ નહોતું ત્યારે એ તદ્દન ભયમુક્ત બની ચુક્યો હતો !
બંને ફરી મુખ્ય ઓરડામાં પ્રવેશ્યા. એ દરમ્યાન પહેલા ધાડપાડુએ મોંઘીને ચાકુની અણી પરથી હટાવી, તેના દીકરા ટબુડાને અણી પર લીધો હતો ! અને હરિયાને પાછો લાવેલો જોઈ એની જીજ્ઞાસા જાગી ઉઠી અને કંઇક મોટી રકમ જોવાની લાલચે પહેલાની હથેળી તરફ જોઈ રહ્યો. અને જયારે તેણે સામે માત્ર પાંચસો રૂપિયા ધર્યા ત્યારે તેણે મોં કટાણું કરતાં પૂછ્યું, “બસ…? આટલા જ !?”
“આજે નસીબ જ ખરાબ છે આપણા ! ક્યાં શેઠના ઘરે ધાડ પાડવા નીકળ્યા હતા… અને ક્યાં આ લુખ્ખાની ઘરે આવી ચડ્યા !”
“હા, તો જ્વુ’તું ને એકલા ! જોયું ન’તું કેટલા ચોકિયાતો પહેરો ભરતાં હતા તે ! એટલા જ અભરખા હતા તે અભિમન્યુ બની એ સાત કોઠા વીંધવા જવા હતા ને… ગયો કેમ નહી, બોલ !?”
બંને વચ્ચે ઉગ્ર દલીલો ચાલતી સાંભળી હરિયાને અંદાજ આવ્યો કે બંને વચ્ચે ફૂટ પડવી શરુ થઇ ચુકી છે ! પણ એમની એ તકરારની ભીંસ વધે એ પહેલા જ એ બેમાંથી એકની નજર મોંઘીના ગળામાં પહેરેલ ચાંદીના રંગની જાડી સેર, અને કાનની બુટ પર જાણે ચળકતા પીળા રંગના ટપકાં મુક્યા હોય એવા કાનના બુટ્ટા પર પડી. અને જાણે અસલ હેમ ચળકતું હોય એવી ચમક તેની આંખોમાં દેખાઈ આવી ! અને એક ચોર જાણે બીજા ચોરની આંખોમાં દેખાતી ચમકને પણ વાંચી શકતો હોય એમ બીજાની નજર પર મોંઘી તરફ દોરાઈ ચાલી. અને એ સાથે બંનેના હોઠ સહેજ વંકાયા – કંઇક અંશે તિરસ્કારથી !
પહેલાએ મોંઘીની પાછળ જઈ, એને ચોટલેથી ઝાલી અને એ સાથે મોંઘી એક તીણી ચીસ પાડી ઉઠી ! માણસનું મન પણ કેટલું અજબ છે નહીં, અહીં કદાચ મોંઘીથી જરાક વધારે જોરથી બુમ પડી ગઈ હોત – કે પછી અન્યોને ચેતવવા એ મોટેથી બુમ પણ પાડી શકી હોત ! – પણ ‘ચાકુની ધાર પર પોતાનો લાડકુંવર છે’, મનમાં ભરાયેલા એ ભયે તેને અભાનપણે પણ તેમ કરતા વારી લીધી ! અને પોતે જાણે વગર કહ્યે તેમની માંગણી સમજતી હોય એમ બોલી ઉઠી, “છોડ રે મુઆ…! આપું સુ કાઢીને… પહેલા મુને છોડ તો ખરી !”
અને શિકારને સરળતાથી તાબે થયેલ જોઈ બંનેને પોતાના સામર્થ્ય પર પોરસ થઇ આવ્યું. પણ ખરેખર તો કમાલ તો પેલા ટબુડાના ગળે ભીંસાઈ રહેલા રામપુરી ચાકુની ધારનો હતો ! બાકી એમના જેવા ચાર પણ જો ની:શસ્ત્ર આવે તો હરિયો એકલો જ એમને ભોંયભેગા કરી શકે એમ હતો !
મોંઘીએ એકએક કરીને દાગીના કાઢવા માંડ્યા, અને હરિયો કંઈ પણ ન કરી શકવાની પોતાની લાચારી પર ડોકું ધુણાવતો રહ્યો. એની આંખોની સામે જ એના ઘરની લક્ષ્મી તેના દાગીના પારકા હાથમાં સોંપી રહી હતી… હવે આથી વિશેષ હજી કંઈ નામોશી થવી બાકી હતી ! પણ એકાએક એની નજર ટબુડા પર પડી, અને એને એ કુમળાં જીવ પર દયા આવી ગઈ. અને લાગ્યું કે જો પોતે હમણાં મોંઘીની જગ્યાએ હોત તો પોતે પણ આમ કરતાં પળવાર પણ ન અચકાત ! અને ટબુડો પણ જાણે એકાએક પરિપક્વ થઇ ગયો હોય, અને એ બધું પોતાની કારણે થઇ રહ્યું છે એમ જાણી નીચું જોઈ ગયો ! સમયના પગ જાણે બેડીમાં બંધાઈ ગયા હોય અને એને વહી જવામાં કષ્ટ પડતું હોય એમ એ ચારેક ઘડીઓ ચારેક સદીઓ જેવી બની રહી.
મોંઘીએ દાગીના પહેલાના હાથમાં સોંપ્યા, અને તેણે મનભરીને જોઈ રહ્યા બાદ બીજા ધાડપાડુને ખિસ્સામાં સેરવી દેવા માટે આપવા હાથ લંબાવ્યો ! અને જેવા ઘરેણા લેવા બીજાએ હાથ લંબાવ્યો કે તરત જ હરિયો એની પર તાડૂક્યો ! અને માત્ર આઘાતના પ્રત્યાઘાત રૂપે જ તેણે પણ સામે સ્વબચાવમાં ચાકુ હુલાવી દીધું, જે હરિયાણા હાથને કાંડાથી માંડી કોણી સુધી ચીરતું ચાલ્યું ! અને બીજી જ ક્ષણે લોહીની એક ધાર ફૂટી નીકળી, જે તળીયે કરેલા લીપણને કથ્થઈથી લાલ રંગતી ચાલી !
સમગ્ર ઘટના આંખના પલકારે ઘટી ગઈ ! પેલા બંને ધાડપાડુઓ ઓચિંતા હુમલાથી, અને એથી પણ વિશેષ એમના હલ્લાથી કોઈક ઘવાયું છે એમ જાણી જીવ પર આવી જઈ, વાડામાં પડતા પાછળના બારણા તરફ, જ્યાંથી તેઓ અંદર ઘુસ્યા હતા, એ તરફ દોટ મૂકી. અને એ જ સાથે નાનકડા ટબુડાએ પણ આગળના બારણેથી નીકળી જઈ ફળિયા ભણી દોટ મૂકી… અને જાણે ક્યાંક એકાદ ગાઉં છેટેથી આગગાડીનો અવાજ આવતો હોય, એ રીતે ટબુડાનો ફળીયામાં ગાજતો અવાજ એ બંનેને કાને પડ્યો, “એ પવલુ ભા… ઓ જમના કાકી… અરે ઓ લાલ ભાઈ, જલ્દી મારે ઘેર હેંડો ! મારે ઘેર ધાડ પડી ! અન બાપુ પણ ઘવાયા ! જલ્દી હેંડો… જલ્દી !”
આટલું બધું એક સાથે બની રહ્યું હોવા છતાં મોંઘીને જાણે સાપ સુંઘી ગયો હોય એમ એ હરિયા તરફ જોઈ રહી ! એના મનમાં એક જ પ્રશ્ન ઘોળાતો હતો, ‘શું એ બધું હકીકતમાં બની રહ્યું હતું…? અને જો હા, તો સહી જરૂર હતી હરિયાના બાપુને ઈમ કરવાની…? ઘરેણા તો…’, અને અચાનક જાણે ભાનમાં આવી હોય એમ ‘ટબુડાના બાપુ…’ કહેતી બુમ પાડતી હરિયા નજીક પંહોચી. અને જેમ આકાશમાં વીજળીનો ચમકારો થાય એ ત્વરાથી પોતાની સાડીમાંથી એક લાંબો છેડો ચીર્યો ! અને લોહી નીંગળતા ભાગે ચપોચપ બાંધ્યો.
અને ઘડીભરમાં જ લગભગ આખુ ગામ ટબુડાની હાકલ સુણી હરિયાને આંગણે આવી ઉભું ! ગ્રામ્યજીવનમાં અસ્વચ્છતા, અસભ્યતા, ભણતરનું ઓછું પ્રમાણ, વગેરે જેવા કેટલાય અવગુણો ભલે ભર્યા હોય, પણ તેમનો માયાળુ સ્વભાવ અને એકતાનો ગુણ ખરેખર વખાણવા લાયક છે ! ત્યાં હાજર દરેકે દરેક જાણે પોતાના જ ઘરનો માણસ ઘવાયો હોય એમ વર્તી રહ્યા હતા. કોઈકે હળદરનો લેપ બનાવી લગાડવા કહ્યું, તો કોઈકે વૈદને ઘરેથી તેડી લાવવાની તૈયારી બતાવી, તો કોઈક ઉંમરલાયક દોશીએ જાતે દેશી દવાઓ, તેમજ લેપ બનાવી આપવા કહ્યું. પણ એ બધા વચ્ચે મોંઘીએ હરિયાને મોટા દવાખાને લઇ જવાની જિદ્દ પકડી ! આ સાંભળી કેટલાકે મોં બગડ્યા, ‘આવી મોટી ! આ ભણેલા બૈરાના આ જ નાટક ! જ્યાં દહમાં પતતું હોય ન્યા સો ખર્ચી આવે !’, તો કેટલાકે ‘વહુ, મોટું હોસ્પિટલ તી ઘણું છેટું પડશે, અન ત્યાં પંહોચવા હાટુ અગવડ પણ ઘણી પડે’, એમ કહી ચિંતા વ્યક્ત કરી. પણ કેટલાકે જવાનિયાઓએ કટોકટીની ઘડી પારખી લઇ, તાબડતોબ હરિયાને હોસ્પિટલ ખસેડવા ગાડામાં નાંખ્યો ! પણ હરિયો જાણે એ બધી પળોજણમાંથી છુટી ઘડીભર આંખ મીંચવાની લાલચે બેભાન અવસ્થામાં સરી ગયો !
અને જાણે પોતે એક જ પળ આંખ મીંચી હોય એમ એણે ફરી આંખો ખોલી. પણ એણે બેભાનાવસ્થામાં વિતાવેલી એ એક પળમાં ખરેખર તો બાકીની રાત અને દિવસનો પહેલો પ્રહર આખો વીતી ચુક્યો હતો ! અને હમણાં એની ઊંઘમાં ઘેરાયેલી આંખો વ્હાઈટ વોશ કરેલી હોસ્પીટલની સીલીંગ અને દીવાલોને તાકી રહી હતી. તેના હાથમાં મોંઘીના સાડલાના છેડાની બદલે હોસ્પિટલનો સફેદ ચકચકિત પાટો હતો ! અને હાથનું વધારે હલનચલન ઈજામાં કળતર ન કરે એ હેતુથી પાટાની દોરી જેવું કંઇક એના ગળા ફરતે વિતાડ્યું હતું, અને એના બીજા છેડે એનો હાથ એમાં લટકતો રાખવાના હેતુથી નાંખવામાં આવ્યો હતો ! એના પલંગની એક બાજુ મોંઘી ઉભી હતી, અને એની સાથે ગામના બીજા ચાર જ્વાનીયાઓ પણ એની ચિંતામાં ઘોળાઈ જતા હોય એમ ઉભા હતા. એને ભાનમાં જોઈ દરેકના મનમાં એક શાતા વળી હતી. એમાંના એકે હરિયાને બેઠો કર્યો, અને પછી ચા પાઇ… અને પછી તો જાણે પોતાના ઘરમાં જ બેઠા હોય એમ વાતોની મહેફિલ ચાલી !
વાતવાતમાં હરિયાને જાણવા મળ્યું કે એના બેભાન થયા બાદ કઈ રીતે એ બધા એને ગાડામાં નાંખીને લઇ આવ્યા, અને કઈ રીતે ડોકટરે પોતાને તાત્કાલિક હોસ્પિટલ લઇ આવવાના નિર્ણય લેનાર, મોંઘીને વખાણી હતી. એ સાંભળી તો હરિયો પણ છાતી ફુલાવી પોતાની મોંઘી પર ઇતરાયો હતો. અને બીજું એણે એમ પણ જાણ્યું કે, ઘા ખાસ ઊંડો તો નહોતો, પણ તત્કાલમાં ધનુરનું ઇન્જેક્શન આપવું ઘણું અગત્યનું હતું ! અને એ ઉપરાંત બીજી થોડી આડીઅવડી વાતો ચાલતી રહી, અને એમ બે અઢી કલાક વીત્યા બાદ ડોકરરે એને ફરી તપાસ્યો, અને થોડીક દવાઓ, મલમ આપી તેને થોડાક દિવસ આરામ લેવાની સલાહ સાથે રજા આપી.
રજા લીધા બાદ ગાડામાં બેસી લગભગ અડધા કલાકમાં બધા ગામના પાદરે આવી પંહોચ્યા, અને જયારે તેમનું ગાડુ તેમના ફળીયામાં દાખલ થયું ત્યારે ફળિયાને છેવટે આવેલ પોતાના ઘરના આંગણામાં હરિયાએ હઠેડેઠઠ લોકો ભરેલા જોયા. અને એ સાથે એ આખી ભીડને ચીરતો પોતાનો ટબુડો ‘બાપુ… બાપુ’ ની બુમ મારતો પોતાના ભણી દોડી રહ્યો હતો. અને એ જોઈ પોતે પણ ગાડામાંથી ઉતરી પડ્યો, અને ટબુડો એક ધક્કા સાથે આવી તેના બંને પગે વળગી પડ્યો. એનો હરખ જોઈ હરિયાને તેને ખોળામાં ઊંચકી લઇ ચૂમી લેવાનું મન થઇ આવ્યું, પણ એક હાથે એ કદાચ શક્ય ન બનતું. બાપ દીકરાને પરસ્પર વ્હાલ કરતા જોઈ ગાડામાં બેઠેલી મોંઘીએ સાડલાનો છેડો સંકોર્યો !
બધાએ આંગણામાં પ્રવેશ લીધો, એ સાથે બધા એક પછી એક બોલતા ચાલ્યા, “હવ કેમ છે હરિયા તન…?”, “મુ તો કુ, માડીએ લાજ રાખી, ની તો શું નું શું ઘટી જાત…”, “હરિભાઈ તમુ રપટ લખાવાની ચિંતા બિલકુલ ની કરતા, આપણે બનેવી પોલીસખાતામાં જ છે, બધું સમુસુતરું પાર પાડી દેહું…”, અને એ દરેકની આંખોમાં રાતભરની ચિંતા, અને હમણાં પોતાને સાજો નરવો જોઈ વળેલી નિરાંતના ભાવ હરિયાથી છાનાં ન રહી શક્યા ! એ કોઈને કંઇ જ જવાબ ન આપી શક્યો, બસ બધાનો ભીની આંખોથી આભાર માનતો રહ્યો. ગામના મુખીએ આગળ થઇ બધાને શાંત કર્યા, અને હરિયાને અંદર આરામ કરવા જવાનું કહ્યું. અને ‘ઘડીક આવી…’ કહેતી મોંઘી પણ તેની પાછળ પાછળ સરકી આવી.
હરિયો ખાટલે આડો પડ્યો, અને મોંઘીએ એને ઓઢવાનું કાઢી આપ્યું. બહાર હજી પણ થોડોક કોલાહલ ચાલુ હતો. અને એ બધામાં પોતાના ટબુડાનો કાલોઘેલો અવાજ પણ સામેલ હતો, જે રાતે ઘટેલી ઘટનાને પોતાની રીતે કહી સંભળાવતો હતો, “…અન કાકા તમુન ખબર, ઈ બંને ગુંડાઓ આવડા મોટા મોટા રાક્ષસ જેવડા હતા… પણ બાપુએ એવીક તો એમની પર તરાપ મારી કે બંને ઉભી પુંછડીએ નાંઠા !”
“અલ્યા પણ ચેટલી વાર તારા બાપુની યશગાથા કહી સંભળાવેશ !” કહી કોઈકે મજાકમાં ટકોર કરી અને બહારથી આવતો વાતોનો અવાજ હસવાના અવાજોમાં ફેરવાઈ ગયો. અને એ સાંભળી હરિયાથી પણ જરાક મલકી જવાયું !
મોંઘી હજી માથે જ ઉભી હતી એ જોઈ તેણે ભ્રમર ઊંચકી પૂછ્યું, “શું…?”
“તી મુ કુ, તમાર રાત્રે આવા કારનામાં કરવાની શી જરૂર હતી હેં…? ઈ દાગીના તો…”
“શ્સ્સ્શશ… ધીરેથી બોલ ! ઈ ખાલી તને અને મને જ ખબર છે કે ઈ દાગીના ખોટા હતા !”
“હા તી ભલેને બધાય જાણે… તમે થોડું મને ઈમ કરવા કહ્યું હતું. ઈ તો મુ જ હતી જેણે તમુને મને ખોટા દાગીના પહેરવા માટે મનાવ્યા હતા. બાકી અસ્સલ તો બેંક લોકરમાં જ જડે !”
“ઈ બધું બરાબર. પણ તું ધીરે બોલ. અને આવ અહીં બેસ મારી બાજુમાં.”, કહી તેણે તેને ખાટલા પર બેસવા કહ્યું.
મોંઘીએ તેની બાજુમાં બેસતા ફરી પોતાની ચિંતા વ્યક્ત કરતા ધીમા અવાજે કહ્યું, “પણ તમારે રાત્રે ઈમ કરવાની જરૂર જ શી હતી !?”
“જરૂર હતી ! એકવાર નહીં, લાખવાર જરૂર હતી ! હમણાં હોંભર્યું ની ? મારો ટબુડો કેવોક મલકાઈને ઇના બાપુના કરતબની વાતો કરતો’તો તે ! હવ તું જ બોલ… રાત્રે મેં કંઈ કહેતાં કંઈ જ ન કર્યું હોત તો શું આમ થાત…!?”
“પણ…”, મોંઘી કંઇક કહેવા જાય એ પહેલા જ હરિયાએ એની વાત કાપતા કહ્યું, “યાદ છે તને, હજી ગયા અઠવાડિયે જ તું એને નિહાળનું લેસન કરાવતી હતી… અને પેલી ચાર લીટીવાળી નોટમાં ઇણે મારા વિષે કેવુંક સરસ-સરસ લખ્યું હતું અને તે ઈ લખાણ વાંચીને સંભળાવ્યું, અને મને સમજાય એવી ભાષામાં કહી જણાવ્યું. અને પેલું વાક્ય કયું હતું, ઈ તો મેં પણ વિલાયતી ભાષામાં યાદ કર્યું હતું, શું હતું એ.. ‘માય ડેડ ઈઝ…’”
“માય હીરો…”, મોંઘીએ એનું વાક્ય પૂરું કર્યું.
“હા બસ ઈ જ…! હવ તું જ બોલ, રાત્રે એનો હીરો – બાપ, એને છાજે એવું વર્તન ન કરત તો ? અને મોંઘી તું ખાલી તારી બાજુથી વિચારે છે, તું જયારે દાગીના કાઢતી હતી ત્યાર, ઈની નજરો મારા પર કંઇક આશાથી મંડાણી હતી, કે હમણાં ઈનો બાપુ કંઇક ચમત્કાર કરશે અને આખી બાજી પોતાના હાથમાં લઇ લેશે ! અને ઈ ઘડીએ જાણે મને એની આંખોમાંથી આ અંગ્રેજી વાક્ય ચૂભતું દેખાયું ! અને મેં મારું જે થવું હોય થાય કહી પેલા પર તરાપ મારી મૂકી… આ તો ઘા ની કારણે સહેજ ચક્કર આવી ગયા’તા, બાકી ઈમને જીવતાં તો ન જ જવા દેત !”
તેની વાતો સાંભળી મોંઘીની આંખો સહેજ ભીની થઇ આવી હતી, પણ એની ચિંતામાં લગીરેય ઓટ આવતી નહોતી. અને એ જોઈ હરિયાએ તેનો હાથ પોતાના હાથમાં લીધો અને સહેજ વ્હાલથી દબાવતાં કહ્યું,
“મોંઘી, મુ તારા જેટલો ભણેલો તો ની મલું… પણ મુ તો એટલું જ જાણું કે માણસમાત્રની જિંદગી આખી ખર્ચીને કમાવેલી મૂડી જો કોઈ હોય તો ઈ બીજાની આંખોમાં પોતાને માટે કમાવેલી ઈજ્જત જ ! અને જો ઈ જ ના હોય તો માણહ આત્મહત્યા સુધીના પગલા લેતા પાછળ નથ પડતા ! અને અહીં તો મારા જ દીકરાની સામે મારા સ્વમાનની વાત…! અને તું જ કે, મુજના અદના નાના માણહ માટે પોતાના જ દીકરાની નજરોમાં પડવું પોહાય ખરું? ભલે તું કે’તી હોવ કે આપણે ટબુડાને પરિસ્થિતિ સમજાવી શક્યા હોત, અને ટબુડો પણ ભલે મને ક્યારેક મોઢેમોઢ કાયર ન કહેવાનો હોય, પણ મોંઘી સાચું કહું તો એ ઘડીએ મારું મન કહેતું હતું કે જો આજે એ કુમળાં મનમાં ઇનો બાપ ‘કાયર’ તરીકે અંકાઈ ગયો તો… તો એ આ જન્મારે ક્યારેય ન ભૂંસી શકાત ! અને ભલે કાલે મારી પાસે લુંટાવા જેવું કંઈ ખાસ હતું નહીં, પણ જો ટબુડાની આંખોમાં એના બાપુ પ્રત્યેની લાગણીઓ પેલાઓ લુંટી ગયા હોત, તો મારી પાસે કંઇ જ ન બચતું ! અને એટલે જ ઈ ઘડીએ મને જે ઠીક લાગ્યું એ મેં કર્યું બસ…!”, કહી એણે ઊંડો શ્વાસ ભર્યો.
મોંઘી હરખના મારે એના ઓવારણાં લઇ બેઠી, અને મનોમન બોલી, “ભલે મુ ભણેલી કહેવાતી હોઉં, પણ જીવનના ભણતરમાં તો તમે જ મારાથી સવાયા નીકળ્યા હોં કે !”
અને હરિયો જાણે એને ખીજવતો હોય એમ મસ્તી ભર્યા સ્વરે બોલ્યો, “ચાલ… ચાલ હવે, છાનીમાની ચા મેલ મારી માટે ! અને ઘડીક માથેથી ખહ… આરામ કરવા દે હવ !”
– Mitra ❤
Leave a Reply