આજે ચોકલેટ દિવસ. કોઈ ઉત્સવ હોય તેમ મનાવશે, બાકીના લોકો ચોકલેટ દિવસની ઉજવણી આ દિવસ પૂરો થાય એટલે ચોકલેટ પણ ખત્મ થઈ જવાની હોય એમ એકધારા ખાઈ ખાઈને કરશે. પારલેની ચોકલેટ યાદ છે. કિસમી નામની ચોકલેટ આવતી હતી અને ક્યાંક ક્યાંક પાનના ગલ્લે તે વેચાય છે, જે દુકાન કોઈ દિવસ ચાલતી ન હોય ત્યાં આ ચોકલેટ ડબ્બામાં સૌથી વાધારે જોવા મળશે. જેમ કે ગામડામાં !! તો ચોકલેટનો નાનો અમથો ઈતિહાસ ફફોરી લઈએ.
~ ચોકલેટની જેમ ફેલાયેલો ઈતિહાસ
મુળ સ્પેનિશ લોકોએ આ શબ્દનો હાલ તો ઠેકો રાખેલો છે, સ્પેનિશ લોકોના મત પ્રમાણે ચોકલેટ શબ્દની ઉત્પતિ અમારે ત્યાં થઈ હતી. પણ ઓરિજીન ઈતિહાસ તપાસવામાં આવે તો માયા સભ્યતાના સમયે આ શબ્દ વપરાતો હતો, પણ શેના માટે તેની જાણ નથી. જ્યારે એઝેટેક નામની સભ્યતા ચોકલેટનો અર્થ એક એવા પદાર્થ તરીકે કરતી હતી, જે સ્વાદમાં કડવો અને ખાટો લાગતો હોય, કારણ કે ચોકલેટ કોકોમાંથી બનાવવામાં આવે છે. અમેરિકામાં આજથી 2000 વર્ષ પૂર્વે ચોકલેટની શોધ થઈ હતી. ત્યાંના જંગલોમાં ઉગતા કોકોના વૃક્ષોમાંથી તે તૈયાર કરવામાં આવતી હતી. ચોકલેટનું આ ઉત્પાદન એટલું ફુલ્યું ફાલ્યું અને પ્રેમમાં પણ વિસ્ફોટની જેમ ફાટ્યું કે લોકો આજે ચોકલેટ વિના ચલાવી નથી શકતા. મોટાભાગે એવું માનવામાં આવે છે કે, મધ્ય અમેરિકા યાની કી મેક્સિકોમાં ચોકલેટના બીજ નખાયા હતા. આ શબ્દ પર સ્પેનના લોકો એટલે પોતાનું આધિપત્ય જતાવી રહ્યા છે, કારણ કે 1528માં સ્પેને મેક્સિકોને ગુલામ બનાવ્યું હતું. એટલે ચોકલેટ પણ તેમની ગુલામ બની ગયેલી. પરંતુ ચોકલેટને ત્યારે પ્રમોટ કરવામાં ન હતી આવી. હવે થયું એવું કે એક મુસાફીર આવ્યો મધ્ય અમેરિકામાં. મૂળ ઈટાલીનો હતો અને મેક્સિકોમાં લટાર મારવા આવ્યો. સમયગાળો હતો 1606નો. ઈટાલીના આ પુખ્તવયના ભાઈનું નામ ફ્રાંસિસ્કો કારલેટી. ચોકલેટનો સ્વાદ તેને ગમ્યો અને ઈટાલીમાં ચોકલેટ બનાવવાની પદ્ધતિ ગોખીને-લખીને લઈ ગયો. ત્યાં તેણે ન માત્ર ચોકલેટને વેચવાનું પણ પ્રમોટ કરવાનું કામ પણ કર્યું. એટલે સ્પેન, મધ્ય અમેરિકા અને બાદમાં ઈટાલી સુધી ચોકલેટ પહોંચી ગઈ. 1615માં ચોકલેટની ખબર પડી ગઈ કિસ માટે વખણાતા ફ્રાંસને. જેમણે ચોકલેટ શેક બનાવ્યા. પણ આટલા ઈતિહાસ સુધી જાણી લેવું જરૂરી છે કે ચોકલેટ ફ્રાંસની સરહદ સુધી પહોંચી ત્યાં સુધી તે પીવામાં જ ઉપયોગમાં લેવાતી હતી, અને છેલ્લે ત્યારનું જગત જમાદાર ગણાતું ઈંગ્લેન્ડ બાકી હતું, તે તેણે પણ 1650માં ચોકલેટના રંગે રંગાવાનું નક્કી કર્યું. ભારત ગુલામ બન્યો અને ભારતીયોને પણ મળી ગઈ ચોકલેટ. અત્યારસુધી ચોકલેટનો રસ પીવામાં આવતો જેમ શેરડી હોય. પણ ઓદ્યોગીક ક્રાંતિ થઈ એ સમયે અંગ્રેજ ડોક્ટર હૈસ સલોને ચોકલેટને ખાવાનું નક્કી કર્યું. તેણે ચોકલેટના રસને જમાવ્યો જેમ બરફ હોય અને અત્યારે બરણીમાં જે વેચાય છે, તે મૂળ આ ચોકલેટો બનાવવાનું શ્રેય આ નાચીઝ ડોક્ટરના ખીસ્સામાં પેટન્ટ સ્વરૂપે જાય છે. આ પહેલા આપણે વાત કરેલી કે ચોકલેટ કડવી હતી ! એ એટલા માટે કે ચોકલેટ કોકોમાંથી સીધી પીવામાં આવતી એટલે સ્વાદમાં કડવી લાગતી, પણ તે મુસીબતનું નિરાકરણ કરવાનું કામ કર્યું યુરોપે. જેણે કોકોમાંથી બનતી ચોકલેટમાં દુધ અને ખાંડનું મિશ્રણ કરી નાખ્યું. અને બની ગઈ આપણી ચોકલેટ.
~ ચોકલેટની તારીખનો રાયતો ફેલાવી દીધો
વિશ્વમાં ચોકલેટ દિવસ 7 જુલાઈએ મનાવવામાં આવે છે, એ નેટ રસિયાઓને કહેવાની જરૂર નથી. આની પાછળનો ઈતિહાસ એવો છે કે, યુરોપ દ્વારા જે મીઠી ચોકલેટ બનાવવામાં આવેલી તેને 466 વર્ષ 2017માં પૂર્ણ થવાના હતા. એટલે યુરોપના લોકોએ 7 જુલાઈને વિશ્વ ચોકલેટ દિવસ તરીકે ઘોષિત કરી દીધો. પણ અમેરિકાના પેટમાં ‘ચોકલેટ’ રેડાતા વાર ન લાગી. એટલે અમેરિકા 13 સપ્ટેમ્બરે વિશ્વ ચોકલેટ દિવસ મનાવે છે. તેના માટે ઘડીયાલના કાંટા ઉલ્ટા છે. તેમણે યુરોપનું માન રાખવા 7 જુલાઈને પોતાના માટે ચોકલેટ આઈસક્રિમ દિવસ તરીકે લખી રાખ્યો છે. અને 28 ઓક્ટોબરે રાષ્ટ્રીય ચોકલેટ દિવસ મનાવે છે. પણ તેનું સ્લોગન આ તારીખોના છોતરા ઉડાવી નાખવા પૂરતું છે, સ્લોગન છે, ‘રોજ અમારા માટે ચોકલેટ દિવસ હોય છે.’ તો શા માટે આટલી બધી તારીખો રાખી !?
~ ચોકલેટના દિલ લુભાવતા રેકોર્ડ
નવેમ્બર 2012માં ચોકલેટનો એક અવનવો રેકોર્ડ સર્જાયેલો. આ દિવસે ચોકલેટમાંથી ટ્રેન બનાવવામાં આવેલી. અલબત્ત આ ટ્રેન 111 ફુટ લાંબી હતી, અને તે બાળકો રમી શકે તેવી હતી. જેને તેની લંબાઈના કારણે ગીનીસમાં સ્થાન મળેલું. એડ્રિન પોલ નામના યુકેના માણસે 1 મિનિટ 16 સેકન્ડમાં સૌથી વધારે ઓરેન્જ ચોકલેટ ખાવાનો રેકોર્ડ નોંધવેલો છે. ચાઈનાએ બીજીંગની બનાવેલી ઓલમ્પિક ઈમારતની માફક ચોકલેટનું ઘર પણ બનાવેલું. 2015માં તૈયાર થયેલા આ ઘરની સાઈઝ 1000 કિલોગ્રામથી ઉપરની હતી. બિલ્ડીંગની લંબાઈ 4.08 મીટર હતી. યુએસએના સાયન્સ મ્યુઝિયમે એક ચોકલેટ કપ તૈયાર કર્યો હતો. જેમાં 880 ગેલન ચોકલેટનો સમાવેશ કરવામાં આવેલો હતો. પરંતુ સૌથી મોટું ગાંડપણ સોલ્વિયાના નામે છે. જેમણે ચોકલેટનું રેડ કાર્પેટ તૈયાર કરેલું, પણ સમજણની વાત કે તેમાં ચાલવાની મનાઈ હતી. ખાલી દુરથી ઉભી જીભને હોઠમાં ફેરવવાની. જી લલચાયે રહા ના જાએ ! તમે ચોકલેટ જથ્થાબંધ લો તો બોક્સમાં આપે. આવું સૌથી મોટું બોક્સ જાપાને તૈયાર કરેલું. જે બોક્સમાં ચોકલેટો રાખવામાં આવેલી તે બોક્સનું વજન 2,044 કિલોગ્રામ હતું. પણ ગીનીસ રેકોર્ડ યુકેના નામે છે. જેણે 7 સપ્ટેમ્બર 2011માં 5792.50 કિલોગ્રામની ચોકલેટ તૈયાર કરેલી છે. બાકી ઉપર તો બધા મ્યુઝિયોમાં રાખવા જેવા ગતકડા છે.
~ ચોકલેટ બ્રાંડ કેડબરી સિવાય કોણ છે ફેમસ ?
તમે અને હું કોઈને જન્મદિવસ પર ચોકલેટ આપવાની હોય એટલે પહેલો વિચાર કેડબરીનો આવે, પણ કેડબરી સિવાય દુનિયાની કેટલીક એવી ચોકલેટો છે, જે કેડબરી કરતા પણ સ્વીટ છે. જેમાં સ્વીત્ઝર્લેન્ડની ટોબલેરોન. બેલ્જીયમની ગુયિલીન. 1845માં જ્યુરીચમાં શોધાયેલી લીન્ડટ અને સ્પ્રુંગલી જે આપણે તમામ લોકો કેડબરી ખાઈએ તેવી જ આવે. 1852થી ચાલી આવતી ઘીરાડેલી કે ગીરાડેલીની પાણીયારી ચોકલેટ. જન્મદિવસમાં ગીફ્ટમાં અપાતી પાત્ચી નામની ચોકલેટ. 1986માં શરૂ થયેલી ગેલેક્સી નામની સ્વીટ ચોકલેટ. 1824થી ચાલી આવતી આપણા સૌની કેડબરી. આપણને તે એટલે ગમે છે કારણ કે તે લંડનની પેદાશ છે. ફરેરો રોચર નામની પાનની જેમ પેટીમાં પેક કરી અપાતી ચોકલેટ. બીજા નંબરે દુનિયાભરમાં કિટ કેટ વેચાય અને નંબર વન છે માર્સ નામની અદભૂત ચોકલેટ. જેમાં નામ મુજબ માંસ પણ આવે છે.
~ સૌથી વધુ ઉત્પાદન
ચોકલેટનું સૌથી વધુ ઉત્પાદન ચાર દેશો કરે છે. અમેરિકા, જર્મની, બેલ્જિયમ, સ્વીત્ઝર્લેન્ડ. યુએસમાં વાર્ષિક 20 મિલિયનનું ઉત્પાદન થાય છે. જર્મનીમાં 10 મિલિયનનું, સ્વીત્ઝર્લેન્ડમાં 54 ટકા લોકો ચોકલેટ ખાય છે. બેલ્જિયમમાં એક લાઈનમાં ચોકલેટની 2000 દુકાનો હોય તો નવાઈ નહીં પામવાનું. આપણા પાનના ગલ્લાની માફક તેનો આ મુખ્ય વ્યવસાય છે.
~ ફાયદો
ખાવાનો ફાયદો ખાલી એટલો કે હાર્ટની બીમારી નથી થતી. શરીરનું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, ચહેરો ખુશમિજાજ રહે છે, રક્ત સંચાર થાય, શરીર પાતળુ રહે, શરીરમાં એનર્જી આવે થાક ન લાગે, ચહેરા પર કરચલી નથી પડતી, વૃદ્ધ તો બધાને થવાનું છે, પણ યુવાની ટકી રહે. પણ… પણ… પણ… ખાધા પછી દાંત સાફ કરવા એટલા જ જરૂરી છે. બાકી ચોકલેટ ફસાય જાય અને જીભથી દાંતમાં ખોતર્યા કરો, તો બેક્ટેરિયાનું પ્રમાણ મોંમાં વધી જાય છે.
હવે આજે આખો દિવસ ચોકલેટના રેપરો હવામાં ઉડશે. કેટલાક સડતા પડ્યા રહેશે. છોકરીઓની ડિમાન્ડ આ દિવસે વધતી જાય છે. કારણ કે પુરૂષો કરતા તેમને મીઠુ ખાવાનો શોખ વધારે હોય છે. બાકી ઉજવો ચોકલેટીયો દિવસ.
~ મયુર ખાવડુ
Leave a Reply