દુનિયામાં સૌથી વધારે કોઈ પુસ્તકનું વેચાણ થતું હોય તો તે બાઈબલ છે. બાઈબલે 20મી સદી સુધી પોતાનું આ એકચક્રિય શાસન ભોગવેલું. પરંતુ 20મી સદીમાં એક પુસ્તક આવ્યું. આ પુસ્તકનું નામ હેરી પોટર. વિચારો બાઈબલને અત્યાર સુધી પોતાનું શાસન ટકાવવા 2000 વર્ષની જરૂર પડી. એટલે કે 2000 વર્ષ સુધી વિશ્વ સાહિત્યમાં એવું કોઈ પુસ્તક જ નથી આવ્યું, જેણે બાઈબલને ટક્કર આપી હોય. આખરે હેરી પોટરે બાઈબલને પછાડ્યું. જેનો સમયગાળો હમણાં સુધીમાં 20 વર્ષ થાય છે.
શા માટે કોઈ બીજુ પુસ્તક બાઈબલને ટક્કર ન આપી શક્યું. શા માટે હેરી પોટર અજય રહ્યો. અને આજે પણ છે. એ સમયે તમે અમદાવાદના ક્રોસવર્ડમાં જાઓ, તો ત્યારે પણ હેરી પોટરની બુક લેવા માટે લાઈનો લાગતી. વિદેશમાં તો સમજી શકાય પરંતુ ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ હોય એટલે સાહિત્ય જગતમાં મનોમંથન કરવા જેવું છે.
જય વસાવડાએ નડિઆદની લાઈબ્રેરીમાં એક વક્તવ્ય આપેલું. ત્યારે તેમણે ગુજરાતના મર્ધૂન્ય સાહિત્યકારોને પૂછેલું, ‘આ તમે હેરી પોટરની ટિકાઓ કરો છો, તો શું તમે તે પુસ્તક વાંચ્યુ છે ખરૂ !’ બરાબર છે, કારણ કે ત્યારે ગુજરાતના મોટાભાગના સાહિત્યકારોએ આ પુસ્તકને જાદુ ટોણાનું પુસ્તક માની લીધુ હતું.
કોઈ એક સાહિત્યકાર આ વિશેની ટિકા લખે એટલે બીજા પણ વાંચ્યા કારવ્યા વિના તે ટિકામાં ટિપ્પણી કરે. પરિણામ એ આવ્યું કે હેરી પોટરની ગુજરાતમાં ટિકા થઈ. હવે જય વસાવડા એક પરફેક્ટ રિડર એટલે તેમણે સાહિત્યકારોને આ વિશે પૂછ્યું, પરંતુ કોઈ પણ ટિકાકારે આ પુસ્તકનો એક પણ ભાગ વાંચેલો ન હતો. આ આપણું વિવેચન. આઈસ્ક્રિમ ખાયા વિના તમારે તે આઈસક્રિમ કેવો છે, તેનો મત વ્યક્ત કરી દેવાનો.
આ શબ્દો મારા નથી. આ શબ્દો જય વસાવડાના છે. અને હું તેની સાથે હાથ મિલાવીને સહમત છું. ત્યારે જય વસાવડાને એક માત્ર એવો સાહિત્યકાર મળ્યો, જેણે એ પુસ્તક વાંચ્યું હોય.
બન્યું એવું કે જય વસાવડાએ ગુજરાતના આ સાહિત્યકાર વિશે પોતાની કોલમમાં લખેલું. અને તેનાથી સાહિત્યકારભાઈ પ્રભાવિત થયા અને તેમણે જય વસાવડાને આમંત્રણ પાઠવ્યું. જય વસાવડા સાથેની મુલાકાતમાં તેમણે ઈચ્છા જતાવી અને કહ્યું, ‘આ મારે હેરી કુંભાર વાંચવો છે…’ હસવું આવ્યું હશે પણ પોટર એટલે કુંભાર.
એ સાહિત્યકારે પૂછ્યું કે, ‘આ મળે ક્યાં ?’ પછી તો જય વસાવડાએ તેમને એ પુસ્તક લઈ આપ્યું. તેમણે વાંચ્યું અને જય વસાવડાને પોસ્ટકાર્ડ લખ્યું. આ પોસ્ટકાર્ડ આજે પણ જય વસાવડાની પાસે છે. આ સાહિત્યકાર બીજો કોઈ નહીં, પણ શેરલોક હોમ્સથી લઈને ગ્રીમ બ્રધર્સની ફેરી ટેલ અને કંઈ કેટલીય બાળવાર્તાઓના અનુવાદકર્તા અને સર્જક રમણલાલ સોની.
દુ:ખની વાત છે, રમણલાલ સોની હેરી પોટરના તમામ ભાગો વાંચ્યા વિના ચાલ્યા ગયા. આ તો જય વસાવડાની મહેરબાની હતી કે તેમને ત્યારે રિવીલ થયેલા બે પાર્ટ લઈ આપ્યા.
આ દુનિયામાં બાળકનો જન્મ થાય એટલે તેની પહેલી ઈચ્છા વાર્તાની હોવાની. વાર્તા સાંભળે. ઘોડીયામાં હોય ત્યારે હાલરડું સાંભળે, પણ અત્યારના નોન-વેજીટેરિયન યુગમાં ખૂદ માતાને જ હાલરડુ સમજાતું નથી ત્યારે બાળકને તો સંભળાવવાની વાત જ ક્યાં આવે ? પરંતુ હાલરડુ નહીં તો વાર્તા તો કહી શકો.
તો વાર્તામાં કોની કહીએ ? એ જ ઈસપની વાર્તાઓ, પંચતંત્રની વાર્તાઓ, વિક્રમ બેતાલ, સિંહાસન બત્રીસી એ સિવાય શું આપણી પાસે કશું નથી ? હકિકતે બાળસાહિત્યમાં આંગળીના વેઢે ગળો તેટલા સાહિત્યકારો છે, હવે બાળકોનું ક્યાં લખવું આમ કહી મનને લવસ્ટોરી તરફ કે બીજી જગ્યાએ ઘણા સાહિત્યકારો ફંટાવી દે છે.
આ ઈસપ અને પંચતંત્ર કરતા આગળ આવો એટલે ગુજરાતીમાં જીવરામ જોશી છે. આહા… અડુકિયો દડુકિયો, મીંયા ફુસ્કી થી લઈને કંઈ કેટલાય કેરેક્ટરો તેમણે આપ્યા. જેના પર ફુલલેન્થ ફિલ્મો બનાવી શકો કે પછી વિજયગુપ્ત મોર્યના ટોળામાં લટાર મારી આવવાની. આ બધુ નારાયણ પંડિતની પંચતંત્રથી કમ નથી. તો ગુજરાતી વાચકો જેમના પર ગર્વ કરી શકે તેવા રમણલાલ સોનીએ પણ અગાઉ કહ્યું તેમ અઢળક અંગ્રેજી બાળવાર્તાઓનું કલેક્શન આપ્યું છે. જે તેમણે ખૂદ ટ્રાંન્સલેટ કરેલી. જય વસાવડા પોતાના એ વકતવ્યમાં નોંધે છે કે, ‘જ્યારે રમણલાલ સોનીને આંખે ધુંધળુ દેખાવા માંડે તો એ ફુટપટ્ટીને શબ્દોની આડે રાખી લખતા.’ છતા તેમણે બાળસાહિત્ય રચવામાં કોઈ આડોડાઈ નથી કરી.
ગુજરાત કે ઈવન ત્યાંથી વિશ્વની ભાષાઓમાં જાઓ તો બાળસાહિત્ય હરેલુ ભરેલું છે. બિમાર પણ નથી. રોજ રોજ નવા વિટામીનના ડોઝ તેને મળતા રહે છે. હિન્દીમાં એક નજર મારો તો ખ્યાલ આવશે કે, ડો. હરિકૃષ્ણ દેવસરે 300થી વધારે બાળસાહિત્યના પુસ્તકો લખ્યા. અને આ માટે તેમને 25થી વધારે પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતીમાં લેખકોને મળતા પારિતોષિક કરતા કે ઈવન કોઈપણ રિજનલ ભાષા કરતા આ વધારે છે.
બાળકની દુનિયાનો પહેલો સ્ટોરીટેલર તેની માતા કે દાદા-દાદી હોય છે. આમ તો મોટાભાગે દાદી જ હોય છે. અને તેમના પરથી તો પુસ્તકોના નામ પણ પડે દાદીમાં કી કહાનીયા. કારણ કે એ જમાનાની દાદીઓ જીવનની તમામ લીલી-સૂંકી જોઈને બેઠી હોય એટલે તેમને આવા અગમનિગમના વિચારો આવે. હવે પછીની દાદીઓને આવશે કે નહીં તેમાં મને તો શંકા છે.
વિશ્વનું મોટાભાગનું સાહિત્ય વંચાતુ એટલા માટે નથી કે, તેના પરથી ફિલ્મો બની ચુકી છે. રૂડયાર્ડ કિપ્લિંગની જંગલબુક, હવે કોઈ વાંચશે નહીં, પરંતુ જોન ફાવેરૂનું ફિલ્મ નિહાળશે. હેરિ પોટરના લખાયેલા સાતમાંથી આઠ ભાગ કરીને ફિલ્મ બની ચુકી છે. તો પણ મોટાભાગના લોકોને ફિલ્મ કરતા પુસ્તક વાંચવામાં મઝા આવશે. તેનું કારણ બુકમાં ડિટેલીંગ છે. ફિલ્મમાં તે બધાનો સમાવેશ ન કરી શકાય.
અત્યારે ગેમ ઓફ થ્રોન છે, તો તે બધાની સિઝન આવી ચુકી છે. એટલે મસમોટો થોથો વાંચવાની કોઈ કોશિષ નહીં કરે. એલિસ ઈન વન્ડરલેન્ડ, બિગ ફ્રેન્ડલી જાયન્ટથી લઈને કંઈ કેટલીય પુસ્તકો છે, જેના પરથી ફિલ્મ બની ચુકી છે.
સી.એસ.લેવિસની નાર્નિયા જે 47 ભાષાઓમાં આવી ચુકી છે અને ક્લાસિક બની ચુકી છે, ઉપરથી 100 મિલિયન કરતા તેની વધારે કોપીઓ વેચાઈ ચુકી છે, પરંતુ એક સર્વેક્ષણથી ખબર પડી કે, અમેરિકામાં હજુ પણ ફિલ્મો કરતા લાઈબ્રેરીમાં સમય પસાર કરનારા લોકો વધારે છે, અને આપણે ફિલ્મોમાં વધારે. અને ગુજરાતી સાહિત્યકથાઓ તો ધૂળ ખાતી પડી હોય છે. તેનું કોઈ લેવાલ નથી.
અંગ્રેજીમાં પણ તમે જે.કે.રોલિંગ અથવા તો રૂડયાર્ડ કિપ્લિંગ સિવાય કેટલા બાળસાહિત્યકારોને જાણો છો ? અરે, એ મુકો ઘણા મિડનાઈટ ચિલ્ડ્રનને બાળસાહિત્યમાં ખપાવી દે છે, હા, તેમાં બાળસાહિત્યનો તણખો છે, પરંતુ તે બાળકો માટે નથી.
સલમાન રશ્દિની તમામ મેજીકલ એલિમેન્ટ પરની બુક હોય છે, તેનો અર્થ એ નથી કે એ તમામ બાળ સાહિત્ય માટેની હોવી જોઈએ. હા, એક રસ્કિન બોન્ડને ફુલ ટાઈમ રાઈટર ગણી શકો. જેમની પાસેથી આજે પણ બાળકોની કિતાબો લખાવવા માટે પ્રકાશકો પડાપડી કરતા હોય છે. બાકી પછી બંગાળમાં ચાલ્યું જવાનું. ત્યાં કેટલાક ઘોષ, કેટલાક રાય, કેટલાક સેન છે. આ સિવાય તો અનુષ્કા રવિશંકર અને પોલી સેનગુપ્તા જેવા છૂટાછવાયા લેખકો છે, પરંતુ હજુ પણ ફુટપટ્ટીની આડે સર્જાતું બાળસાહિત્ય બાળકો તો ઠીક ઢાંઢાં પણ એટલું વાંચતા નથી. કારણ કે બાળસાહિત્ય સર્જવું છે કોને ?
~ મયુર ખાવડુ
Leave a Reply