લેખક વૃધ્ધ થતો જાય તેમ તેમ તેની કલમમાંથી પણ સફેદી બહાર આવવા માંડે છે. એ સમયે જે પણ કશું લખાય તે ડાયરીના પાનાંઓ સિવાયનું તમામ ગંભીરતાથી લખાતુ નથી. કારણકે તેમાં વાળની સફેદી સાથે જીવનનો ભાર જીલાયેલો હોય છે, પરંતુ જ્યારે 39 વર્ષની આ સફેદી હોઇ ત્યારે કેવુ લાગે ? નાની ઉંમરે દુનિયા જીવી લીધાનું ? ગઇકાલે ટીવી નાઇનમાં કામ કરતી વખતે ટીવી સામે જોવાયુ અને તેમાં ઝાકીર નાઇક ખુદને ચે ગુએરા સાથે સરખાવતો હતો. મિત્ર વિવેકે પૂછ્યું ,”આ કોણ?” ત્યારે એ 39 વર્ષનું આયુષ્ય. એ વિખરાયેલી દાઢી, મોંમાં સિગાર અને મોટર સાઇકલ ડાયરી નામની બુક સાથે એક નામ યાદ આવી ગયુ અર્નેસ્ટો ચે ગુએરા. ગોરીલા યુધ્ધ પધ્ધતિથી લડનારો એ માણસ વચ્ચે સમય મળે તો કશુંક લખી લેતો. આ લખી લે તો એટલે તેની ડાયરી. કેમકે માણસ પોતાનો સાચો ચહેરો ડાયરીના પાનામાં કેદ કરી રાખતો હોય છે. આ તેની ડાયરી ચિત્રગુપ્તના થોથા કરતા પણ સાચી હોવાની. તમામ હિસાબ કિતાબ તેમાં કેદ હોવાના. માણસ બીજા સાથે છળ કરી શકે ખુદની સાથે તો નહીંને ? હજુ ચેને વાંચુ કે તેના વિશે વિચારૂ તો મનમાં એકસાથે તરબતર થઈ ઘણું બધુ ચમકી ઉઠે. 1928થી લઇને 2016 સુધી. કલકતામાં નક્સલવાદી બનેલા કોલેજના વિદ્યાર્થીઓની ચે ટાઇપ દાઢી. ઓક્સફર્ડના વિધાર્થીઓનું હેલ્લો હાઇ નહીં, પણ ચે કહેવુ. યંગસ્ટર્સની ગેરીલા વોરફેરની પુસ્તિકાઓ વાંચવી. તેના ફોટા રાખવા. તેને ભગવાન ગણવો. અને મારી તેની જેમ દાઢી રાખવી, ટીશર્ટ પહેરવુથી લઇ બાઇક ન આવડતી હોવા છતા મોટર સાઈકલ ડાયરીમાં ખોવાઈ જવું. કોઇ સારો બાઇક રાઇડર મળે તો મારે પણ એક મોટર સાઈકલ ડાયરી કરવી છે તેવો રોજ આવતો વિચાર. ગુએરાનું 1967માં જ્યારે મૃત્યુ થયુ. રહસ્યમય મૃત્યુ. જેને તમે ભયાનક પણ ગણી શકો.
ક્વેદ્રાના ભયાનક જંગલમાં ચેને 180 સૈનિકોએ ઘેરી લીધેલો. તેના તમામ સાથીઓને મારી નાખવામાં આવ્યા. અમેરિકાની સરકાર ચેને વિપ્લવવાદી ગણતી હતી. આથી સરકારે તો બે દિવસ પહેલા જ મારી નાખવામાં આવ્યો છે. તેવી જાહેરાત પણ કરી દીધેલી. અને લોકો પણ શોક મનાવવા માંડેલા. સિવાય કે ફિદેલ કાસ્ત્રો. કારણકે તેને ચેની તાકાતની ખબર હતી. શરીર પાતળુ, બાળપણથી અસ્થમા જેવી બીમારી છતા હિંમત અડગ. ચેના ડાબા સાથળમાં પહેલી ગોળી વાગી. તેની એમ- ટુ રાઇફલ ક્યારની જમીનદોસ્ત થઈ ગયેલી. ચેને જીવતો પકડી ત્યાંથી હિગૂયુરાસ ગામમાં લઇ જવાયો. જ્યાં તડપતા ચેની કતલ કરવાનું નક્કી થયુ. ફીદેલ કાસ્ત્રોએ લખ્યું છે કે એ પછી તો ચે 24 કલાક જીવેલો. ત્યાં અન્ય સૈનિકોએ તેની મજાક કરતા. ઘવાયેલા સિંહે તેને થપ્પડ મારી. ભૂલી ગયા સિંહ સિંહ હોય છે. જ્યારે ચેને મારવાનો ઓર્ડર આપ્યો, ત્યારે એક સૈનિકના હાથ ધ્રૂજવા લાગ્યા. ત્યારે ચેએ તેને દિલાસો આપ્યો,”ડરે છે શું કામ ચલાવ ગોળી!”
તે સૈનિક ત્યાંથી ચાલ્યો ગયો. ચેના શબ્દોમાંથી બહાર આવતા તેને વાર લાગી. જ્યારે પાછો આવ્યો ત્યારેતેણે ચેના ડાબા પડખામાં ગોળી મારી. ચેની શારીરિક વેદના તે લોકો લંબાવવા માગતા હતા. આખરે એક સૈનિક આ ચીચયારીઓ સાંભળી ન હતો શકતો. તેણે તુરંત ચેની છાતીના ડાબી બાજુ ગોળી મારી અને ચેનો શ્ર્વાસ થમી ગયો.
કાસ્ત્રોને ખબર પડતા તેણે રેડીયોથી આ માહિતી ફેલાવી. ચેના શરીરને ત્યારબાદ હેલીકોપ્ટર દ્વારા વાલે ગાન્દ્રે નામના શહેરમાં લઇ જવામાં આવ્યુ. પછી ટ્રકથી હોસ્પિટલમાં. તેના શરીરમાં સાત ગોળીના નિશાન હતા. શરીરને સાફ કરી લાંબા કોક્રીટના મચાન પર મૂકાયુ. બીજા દિવસે તેની આંગળીઓ કાપી નખાઇ. રોમન કેથોલિકમાં જે ન બનવું જોઇએ તેમ તેના શરીરને બાળી નખાયું. અને અજ્ઞાત જગ્યાએ રાખ ફેંકી દેવાઇ. બોલીવીઆનો તેનો પત્રકાર મિત્ર જેલમાં હતો. તેને આ વાતની જાણ થઈ. તો તે રડવા માંડ્યો,”મારે પણ એની સાથે જ મરવુ જોઇતુ હતું, તેની બાજુમાં….. “
ચે ગુએરાની મને ગમતી વાત એટલે તેણે 3000 પુસ્તકો વાંચેલા. આ ચેની ભડકાવેલી ગરમી જ છે. કે લોકો તેને ઓળખતા ન હોવા છતા તેનું ટીશર્ટ પહેરે છે. ટીવીનાઇનની સામે એક દુકાન છે. ઉપર બારીમાંથી વારંવાર તેને જોવા જીવ લલચાય. ચેના કારણે લેટિન અમેરિકાના યુવાનો અને દુનિયા ભરના યુવાનોમાં જોશ ટક્યો છે અને રહેશે. થેન્ક યુ વેરીમચ ચે….
(અને અંતે ચેની ડાયરીમાંથી)
મેં- આજે નાટોની ગીલોનીથી એક પક્ષી માર્યુ, અમે પક્ષીઓના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. પાણી બિલ્કુલ નથી અને બે દિવસ ચાલે તેટલો જ ખોરાક છે. મને અહીં આવ્યે છ મહિના થઇ ગયા. અમે એક જંગલી સુવ્વર જ ખાધુ છે.
~ મયુર ખાવડુ
Leave a Reply