પહેલા એક પ્રકારની ઉતાવળ રહેતી. છાપું આવતું અને ઘરના કોઈ પૂર્તિની વર્જિનીટી ભંગ કરે તે પહેલા પૂર્તિને તફડાવવાના પ્રયત્નો રહેતા. એ પ્રયત્ન જો સફળ જાય તો ગંગા નહ્યા કહેવાઈએ. જો કે ડેલીને અઢેલી ઘરનો એક અસ્તવ્યસ્ત કપડાંમાં ઉભેલો પુરૂષ ખભ્ભા પર નેપ્કિન નાખી મોમાં તમ્બાકુ ચાવતો તમારી પહેલા છાપાને લઈ લેવા માટે સૈનિકની માફક તત્પર રહેતો હતો.
આજે એ ડેલીએ કોઈ ઉભું નથી રહેતું. કારણ કે તમે જેને તમારો પ્રિય કોલમિસ્ટ માનો છો તે ટૂંક સમયમાં જ પોતાની કૉલમને ફેસબુકના ખોળે મુકી દેવાનો છે. જેની માએ થોડા સમય પહેલા બાળકને જન્મ આપ્યો છે તે દત્તક આપવા માટે અધીરો બની જાય છે.
વિનોદ ભટ્ટે વાંચકોના સારા માટે કહેલું કે, ‘એક લેખકને કોઈ દિવસ મળવું નહીં. એ લેખક અને વાંચક બંનેના હિતમાં છે.’ તમે લેખકને મળો તો તમે તેના વિશે બાંધેલી ધારણા અચૂક ખોટી ઠરશે અને લેખક જો તમને મળશે તો સામેનો બુદ્ધિશાળી વાંચક લેખકના પુસ્તકોની ટીકા કરવા માંડશે, તો આગામી બે કોલમ લેખકશ્રી વાંચકો અને ટીકાઓ પર લખશે. ચંદ્રકાંત બક્ષીને જ્યારે ગુસ્સો આવતો ત્યારે તેઓ ઈન્ટરવ્યૂ આપતા અત્યારે બક્ષીજી હયાત હોત તો રોજ બે-ચાર ફેસબુક લાઈવ કરતા હોત.
બક્ષી બાબુએ કોલમક્ષેત્રે/ કટાર લેખનક્ષેત્રે જે કામ કર્યું છે તેવું કામ ભૂતો ન ભવિષ્યતિ છે. અત્યારના લેખકોમાં તો તે નખ બરાબર પણ દેખાતું નથી. સુમન શાહે નવગુજરાત સમયના પોતાના લેખમાં સાહિત્યમાં જે પ્રતિબદ્ધતાની વાત કરેલી તે પ્રતિબદ્ધતાને તેઓ સાચવી શક્યા હતા. એ સાચવી જાણનારા સાહિત્યકારો ખૂબ ઓછા છે. જેમને સાહિત્ય સાથે દેશની સમસ્યા અને રાજકારણમાં પણ રસ પડતો હોય, બક્ષી બાબુને એ બંનેમાં રસ પડતો હતો. હવે દેશની સમસ્યામાં તો સાહિત્યકારો રસ જ નથી લઈ રહ્યા. જેટલા છે તેમની જાતિ હવે લુપ્ત થવાની કગાર પર છે અને બચેલી જાતિમાંથી અનુકરણ કરવા નવી જાતિ તૈયાર નથી.
બક્ષીને ફિક્શન કરતાં નોનફિક્શનમાં ભારે લોકપ્રિયતા મળેલી. તેમનું ફિક્શન તો સાહિત્યમાં રૂચિ હોય તેવા લોકો ખરીદે પણ નોનફિક્શન એટલે કે કોલમ તો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં વંચાય, બસ અને ટ્રેનમાં ઉધાર વંચાય, કિટલીએ બે ચા ગટગટાવી જાઓ તો ત્યાં ફ્રી ઓફ વંચાય, પાનના ગલ્લે પાન કે માવો ખાતા ખાતા પણ દાંત અને મગજ કસવા વંચાય, વાળંદને ત્યાં વાળ કપાવવાની ભીડ હોય ત્યાં સમય બચાવવા માટે વંચાય.
બક્ષીની એક સદાબહાર કોલમ એટલે વિકલ્પ. મેગેઝિનનું નામ અભિયાન. તત્વમ્ પટેલે ‘‘બક્ષી અને અમે મેમરિઝ ઓફ ચંદ્રકાંત બક્ષી’’ નામે પુસ્તક સંપાદિત્ત કર્યું હતું. તેમાં શિશિર રામાવતે અભિયાન મેગેઝિન જોઈન કર્યા બાદ બક્ષી સાથેના યાદગાર અનુભવોની શૈશવ, કિશોર અને યુવા આમ ત્રણ ભાગમાં મેમરી તૈયાર કરી છે. એમાંની યુવા મેમરી જોઈએ….
માત્ર બક્ષીની સર્જકક્ષમતા જ નહીં, તેમની શિસ્ત અને પ્રોફેશનાલિઝમ પણ કેટલાં ટકોરાબંધ છે તે અભિયાનમાં આવ્યા પછી પ્રત્યક્ષ અનુભવ્યું. ચોક્કસ પ્રકારના ફુલસ્કેપ કાગળ પર બે-ત્રણ રંગીન પેનથી મથાળું બાંધ્યું હોય, નીચે રંગોવાળી અંડરલાઈન કરી હોય, વળાંકદાર અક્ષરોમાં સડસડાટ, છેકછાક વગરનો લેખ વહેતો હોય. એમનાં બે ત્રણ લેખો હંમેશા એડવાન્સ પડ્યા જ હોય. થોડા મહિનાઓ પહેલા અભિયાને કાયાપલટ કરી ત્યારે વન પેજર કોલમ્સનો લે-આઉટ પણ બદલાયો અને લેખની લંબાઈ થોડી સંકોચાઈ. આ નવા કદમાં બક્ષીને છેક સુધી મજા ન આવી. ‘‘મારે હવે વીસથી પચ્ચીસ લાઈનો ઓછી લખવી પડે છે અને લેખ હજુ તો શરૂ કરતાંની સાથે પૂરો કરી નાખવો પડે છે.’’ તેઓ દર વખતે અચૂક ફરિયાદ કરતાં અને પછી પોતે જ ઉમેરતા, ‘‘ઠીક છે, ધીમે ધીમે ટેવ પડી જશે….’’
દર અઠવાડિયે લેખ સાથે છપાતી પોતાની તસવીર બાબતનું તેમને એટલું બધું વળગળ હતું કે, રમજૂ થતી. છેલ્લે તેમની ઈચ્છા હતી કે તેમની કોલમ કલરપેજ પર છપાય કે જેથી ફોટો સારો દેખાય. ‘‘અત્યારે જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છપાય છે તેમાં હું છું તેના કરતા વધારે બૂઢો દેખાઉં છું.’’ તેઓ કહેતા. મૃત્યુના થોડા કલાકો પહેલાં એમની સાથે ફોન પર લાંબી વાત થઈ હતી. બક્ષીના ફોન સામાન્યપણે લાંબા ચાલતા અને તેઓ દુનિયાભરની વાતો કરતાં. ‘‘મેં અશ્વિની ભટ્ટને રવિવારે સવારે ફોન કર્યો અને કહ્યું, આજે તમારી પ્રતિમા જોઈ! ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિમાં એમના ઈન્ટરવ્યૂ સાથે એટલો મોટો ફોટો છપાયો છે કે તેને તસવીર નહીં પ્રતિમા કહેવી પડે!’’ આટલું કહીને તેમણે હસીને ફરી ફોટોગ્રાફવાળી વાત દોહરાવી હતી, ‘હું તમને મારા નવાં ફોટોગ્રાફ્સ મોકલું છું. એ વાપરજો.’
ફોટોગ્રાફ્સ આવ્યા પણ બક્ષી ન રહ્યા. (પેજ-99 બક્ષી અને અમે)
◆ ઘટનાનાં બેતાજ બાદશાહ
બક્ષીને ઘટનાનાં બેતાજ બાદશાહ કહેવામાં આવતા હતા. એ સમયે પત્રકારત્વમાં માહિતી લાવવાનું કામ એક તરફથી કાન્તિ ભટ્ટ કરી રહ્યા હતા બીજી તરફ કોલમમાં બક્ષીબાબુ કરી રહ્યા હતા. બક્ષી પછી ઘટનાનાં બેતાજ બાદશાહ નામનું વાક્ય કાન્તિ ભટ્ટને મળ્યું હતું. પણ બક્ષીની જે સ્ટાઈલ હતી તે કોઈ દિવસ કોઈ કોલમિસ્ટ ઉધાર ન લઈ શક્યો. ઘણા જુવાનિયાઓએ ફાંફા માર્યા પણ બક્ષી જેવી શૈલી લાવી ન શક્યા. બક્ષીએ પોતાના એક આર્ટિકલમાં લખ્યું છે કે મારી દિકરી રીવાએ મને રાતના ત્રણ વાગ્યા સુધી લખતો જોયો છે. કદાચ એટલે જ તેઓ ગૂગલની ગેરહાજરીમાં ઘટનાના બેતાજ બાદશાહ હતા. તેઓ જે પ્રમાણે લખતા તેવું હિન્દીમાં ઓશો રજનીશ બોલતા હતા. ઓશોની હિન્દીમાં આવતી મેગેઝિનમાં અને ઓશોના પુસ્તકોમાં પણ એ જ શૈલી જોવા મળશે. લગભગ બક્ષીરસિયાઓને ખ્યાલ છે કે બક્ષીની શૈલી અર્નેસ્ટ હેંમિંગ્વેમાંથી ઉતરી આવી છે. એ હેમિંગ્વે સ્ટાઈલ નવલકથા માટે અને કૉલમ માટે રજનીશ. ઘણા લેખમાં રજનીશ પર તેઓ ઢળી ગયા હોય તેવું લાગતું હતું. બક્ષી લખે છે, ‘રજનીશ માટે મને માન છે ભક્તિ નથી.’ હેંમિંગ્વે વિશે બક્ષીએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘સૌથી પહેલી અર્નેસ્ટ હેમિંગ્વેની, જબરદસ્ત અસર. એટલી બધી દૂરગામી અસર કે આઈ વૉઝ બૉલ્ડ ઓવર બાય હેમિંગ્વે. પછી ગોર્કિ-ચેખોવની અસર. હેમિંગ્વે સ્ટાઈલથી હું બેહોશ થઈ ગયો છું. માત્ર શરૂઆતથી જ નહીં આજે 26મી નવલકથા સમકાલમાં પણ ક્યાંક ને ક્યાંક હેમિંગ્વે દેખાય છે. વાર્તામાં મોપાસાની પણ અસર’ (મીડિયા-કાવ્ય-સાહિત્ય-પેજ-220)
◆ કોલમિસ્ટોને શિર્ષક મારતા શીખવાડ્યું
ગુજરાતી પત્રકારત્વ અને કોલમિસ્ટોની એક જમાત એવી હતી કે તેમને હેડિંગ મારવાનું કહેવામાં આવે તો લખેલા લેખમાંથી એક વાક્ય સિફ્ત પૂર્વક તફડાવી ઉપર મારી દે. વર્ષો સુધી ગુજરાતના વાંચકો એવું માનતા આવ્યા કે જે હેડિંગ ઉપર મારેલું હોય તે વાક્ય અંદર પણ આવવું જોઈએ. જેમ ‘જો હું વડાપ્રધાન બનું તો…’ નિબંધમાં છાશવારે વડાપ્રધાન શબ્દનો ઉલ્લેખ આવે. બક્ષીના લેખ તો ઠીક પણ તેમના પશ્ચિમ વાર્તાસંગ્રહમાં પશ્ચિમ અને મશાલ વાર્તાસંગ્રહમાં મશાલ નામની વાર્તા જ નથી. લેખના ટાઈટલનો તો અલગ મુદ્દો રહ્યો. પણ માનવું પડે કે બક્ષીએ ગુજરાતના લેખકોને ટાઈટલ મારતા શીખવાડ્યું. તેઓ લખતા, દારૂ પીવાની મજા અમદાવાદ જેવી ક્યાંય નથી (સ્ટાર્ટર), સેક્યુલારિઝમ : એ લૂંગી જે બધા પહેરી શકે છે (સામાયિકતા), વિશ્વનેતાઓનો ભોજનવિલાસ: પ્રચંડ પાચનશક્તિ જોઈએ (શોખ અને મોજ), કલબલાટ અને કકળાટ : સ્ત્રીઓ છે તો ગુજરાતી જીવશે (સ્ત્રી વિશે), અપેક્ષા છે ખરાબ માણસ પાસેથી સારી નવલકથાની… અને આવા અગણિત ટાઈટલો છે.
◆ પહેલી કોલમ કઈ ?
1975માં પહેલી વાર બક્ષી કોઈ કોલમ લખવા જઈ રહ્યા હતા. મકાનના ભૂતથી તેઓ વાર્તાકાર તરીકે પોપ્યુલર હતા. કુત્તી પછી એ વાર્તાકાર મરી ગયો તેવું બક્ષીએ પોતાના તમામ ઈન્ટરવ્યૂમાં કહ્યું છે અને બક્ષીનામામાં ક્વોટ કરી લખ્યું પણ છે. એ પછી બક્ષી એક નવલકથાકાર તરીકે જન્મ્યા. 1975માં બક્ષી એક કોલમિસ્ટ તરીકે આવે છે. અને તેમાં પણ અંધાધૂધ ફાયરિંગ કરે છે. પહેલી વખત કોલમનું નામ ‘મૂડ ગુલાબી’ રાખ્યું અને જે વિષય લખ્યો તે ‘પિકનિક’ હતો. અનાયાસે ઉલ્ટું થઈ ગયું. પિકનિક જેના પર લેખ લખેલો તે કોલમ બની ગઈ. આ કોલમ લખાવનારા માણસ પણ કંઈ બુદ્ધિબુઠ્ઠા નહોતા. એ ગ્રેટ મેન મોહમ્મદ માંકડ હતા જેમણે બક્ષી પાસે કોલમ લખાવવાની શરૂઆત કરાવેલી, પણ છેલ્લે તો સંપાદકને જે યોગ્ય લાગે તે ! બક્ષી બાબુએ લખ્યું છે કે, ‘કોલમે મને વર્ગ આપ્યો, પ્રતિષ્ઠા આપી, પૈસા આપ્યા. અત્યારે દરેક પત્રકાર કોલમ લખતો થઈ ગયો છે પણ મારામાં અને તેમનામાં ફર્ક છે. હું શરૂઆતથી અંત સુધી સાહિત્ય લખું છું.’
◆ વ્યવસ્થિત
લેખકો ઢસડી ખૂબ નાખે છે, પણ ગોઠવી નથી શકતા. બક્ષીના પુસ્તકોની સંખ્યા દોઢસો ઉપર હોવાનું કારણ એ છે કે તેઓ જેટલું લખતા તેને કયા પુસ્તકમાં અને કઈ શ્રેણીમાં સમાવવું તે વિશે પણ ધ્યાન રાખતા. પરિણામે આજે એક કોલમિસ્ટ તરીકે બક્ષીના જેટલા પુસ્તકો વંચાય છે અને ફરી છપાય છે તેની પાછળનું કારણ તેમની શિસ્ત જ હતી. એ બક્ષી હતા જેમની કોલમોની બુક ચપોચપ ઉપડતી, હવે એ જમાનો ક્યાંથી કાઢવો ? કોલમના કારણે તો બક્ષી ગુજરાતી ફિલ્મ સ્ટાર કરતાં પણ વધારે પોપ્યુલર થઈ ગયા હતા.
~ મયૂર ખાવડુ
Leave a Reply