તમે કદી ઉછળતી, નાચતી, કૂદતી નદી જોઇ છે ? મેં જોઈ છે… આજથી વર્ષો પહેલા. ખીલતી કળી જેવી એ મને જોતાંની સાથે જ ગમી ગઈ.
પતંગિયા માફક તે ઉડાઉડ કરતી. તેનામાં હતી તાજા ખીલેલા ફૂલોની સુવાસ, બાળક જેવી નિખાલસતા, ચંદ્ર જેવી સૌમ્યતા. તો કોઈ દરિયા જેવું તોફાન પણ તેનામાં ભરપૂર હતું.
મારી અગાસીમાં બેસી હું તેને નિરખ્યા કરતો. આમ જ એકવાર તેને રમતમાં મશગૂલ જોઈ હું તેને નિરખતો હતો.
તે મશગૂલ હતી તેની રમતમાં. જમણા હાથની તર્જની અને અંગૂઠા વચ્ચે રહેલી લખોટીને ડાબા હાથની તર્જની ને અંગૂઠા વચ્ચે રહેલી લખોટી સાથે અથડાવી ટક… ટક… ટક… અવાજ કરી, જમણા પગને સહેજ આગળ લાવી જમણા હાથની લખોટીનો તેણે દૂર કુંડાળામાં રહેલી લખોટીઓ તરફ ઘા કર્યો.
તેની લખોટી બરાબર નિશાન પર જ વાગીને કુંડાળા માંથી કેસરી રંગની લખોટી બહાર નીકળી. તે બહાર નીકળતાંની સાથે જ તે મુગ્ધતાથી કુદતી, તાળીઓ પાડતી વિજેતાની અદાથી હસીને ફરી દાવ લેવા તત્પર બની. તેનું આ રીતે કૂદવું, હસવું, દોડવું મને, મારા મનને મુગ્ધ કરી ગયા અને ત્યાં જ દૂરથી એક બાળક દોડતું આવી મમ્મી-મમ્મી કરતું તેને વળગી પડ્યું. તે છોકરીએ રમત પડતી મૂકીને બાળકને વહાલથી ઉંચકી ચુમીઓથી નવરાવી દીધું.
હું જોઇ રહ્યો. મને કુતુહલ થયું. મારા આશ્ચર્યની અવધિ ન રહી. ક્યાં નાના બાળકો સાથે લખોટીથી રમતી મુગ્ધ બાલિકા શી એ અને ક્યાં બાળકને તેડીને પોતાના વહાલથી ભીંજવતી માતા !
હું ઊભો થઇ તેની પાસે ગયો. કહો કે ખેંચાયો… મેં જઇને પૂછ્યું, તારું નામ શું છે ? તેણે હસીને ઉત્તર આપ્યો, “માનસી ..”
મેં ફરી પૂછ્યું- “શું આ બાળક તારું છે ? “
તેણે જવાબ આપ્યો – “કેમ નથી લાગતું ? “
મારાથી ફરી એકવાર પૂછાઇ ગયું – ” આનું નામ શું છે ?”
તેણીએ એકદમ ટૂંકો જવાબ આપ્યો – “વિનય” અને આટલું કહેતાની સાથે જ તે ચાલવા લાગી.
તે મારી દ્રષ્ટિથી ઓઝલ ના થઈ ત્યાં સુધી હું તેને નિરખતો જ રહ્યો. આ ક્રમ રોજનો થયો. કોઇ વાર ઑફિસેથી આવતાં, કોઇ વાર ક્યાંક બહાર જતાં હું તેને રમતી જોતો. તેની ચંચળતાને નિર્દોષતા જોતાં મારાથી અનાયાસ જ પૂછાઇ જતું – “કેમ છે ? ” અને તે એ જ તેના મોહક સ્મિતને મુગ્ધતાથી કહેતી – “મજામાં .”
મારું મન હવે સતત તેને ઝંખવા લાગ્યુ. મારી એકલતા હવે મને ગમવા લાગી. દિન-રાત મને તેના જ વિચારો આવવા લાગ્યા. કદાચ મારી કલ્પનામૂર્તિ, પ્રેરણામૂર્તિ તે જ હતી. હા… તે જ…
મેં તેની સાથે પરિચય વધાર્યો અને તેમાંથી ઉગ્યો એક છોડ મૈત્રીનો. હું રોજ રોજ તેને મળવા લાગ્યો. તેની મૈત્રી, તેનો સાથ અને ધીમે ધીમે મારા ચિત્રો એક નવા જ રંગોથી રંગાવા લાગ્યા. મારી પીછીનો વાળ, મારા ચિત્રોના રંગ, તેમાં ધબકતી જીવંતતા અને એક નવા જ ઉન્મેષથી પ્રગટતી કલા… બધું તે જ છે… હા તે જ…
આ એ જ આભાસી હતી જેને જોતાં મારી પીછીમાં સળવળાટ ઉત્પન્ન થતો. કેનવાસ ધબકવા લાગતા અને રંગો રેલાવા લાગતા. તે પણ મારી પ્રેરણામૂર્તિ જ હતી. એક સારા ચિત્રકાર તરીકેનું સ્થાન મને આભાસીએ જ અપાવેલું. મને સર્વોચ્ચ શિખરે બેસાડી, મને છોડીને તે ચાલી ગઈ દૂર… દૂર… જોજનો દૂર…
મારા ચિત્રો પછી તો ઉંડી ગર્તામાં ધકેલાઇ ગયા. પીંછી આક્રંદ કરતી હતી. કેનવાસ શોકમગ્ન હતા. ફક્ત એક કાળો રંગ જ હતો જે હસતો મારી સામે -ભેદભર્યું.
આ માનસી ! કે જેને જોતાં પીંછી ફરી સળવળી. કેનવાસ પર રંગો રેલાવા લાગ્યા. અને આમ મારા ચિત્રોની ક્ષિતિજો ખૂલી જાણે ઉષાના ખીલતા કિરણો. ..
સોળે કળાએ ખીલતા ચંદ્રની જેમ મારા ચિત્રો, મારી કલા, મારા સર્જન નો સૂર્ય મધ્યાહ્ને તપવા લાગ્યો, પણ હજુ મને ડર છે -એ કાળા રંગનો, એ કાળા વાદળોનો, એ ઘનઘોર કાલિમાનો. શું મારો સૂર્ય ઢંકાઈ તો નહીં જાય ને ? જો માનસી પણ મને છોડીને જતી રહેશે તો ? તો હશે રણ… કેવળ રણ, અને હશે મારા જેવા ઊભા થોરની વાડો…
આભાસી તો છે જોજનો દૂર , ને માનસી પણ તેના હર્યાભર્યા બાગમાં હેતે હિલોળા લેતી હશે, તો ક્યાંક મારી પીંછી, મારા રંગો ને મારું કેનવાસ…
~ જ્યોતિ ભટ્ટ
Leave a Reply