તમે કરણ મલ્હોત્રાને ઓળખો? યે વહી હે વો આદમી જીસને ‘અગ્નિપથ’ કી રિમેક બનાઈ થી. કરણ મલ્હોત્રા ઉસી દિન હમારી નજરો સે બહુત નીચે ગીર ગયા થા જીસ દીન ઉસને ‘અગ્નિપથ’ કી રિમૅક બનાઈ થી. ક્યાં સોમરસના પાનથી ટામેટા જેવી લાલચટ્ટક થયેલી આંખ સાથે પોલીસ સ્ટેશનની ખુરશીમાં પગ લાંબા કરી ‘બાપ કા નામ દિનાનાથ ચૌહાણ’ વાળો ફિલ્મ ઈતિહાસનો ઐતિહાસિક ડાયલોગ બોલતો અમિતાભ બચ્ચન અને ક્યાં ઈજાજત માંગી પોલીસ સ્ટેશનમાં પ્રવેશતો રિતીક રોશન? અમારું મન તો એ જ સિનમાં ઉતરી ગયેલુ અને થયેલુ કે ગઈ ફિલ્મ પાની મેં! ‘બ્રધર્સ’ના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએ જે બિગ બીની ફિલ્મની રિમેક બનાવીને પત્તર રગડી એ જ બિગ બીના એક ઐતિહાસિક ડાયલોગની અદામાં એમને કહેવાનું મન થાય કે, જાઓ પહેલે ઉસ આદમી કો પકડ કે લાઓ જીસને તુમ્હે ‘વોરિયર’ કી રિમેક બનાને કી ઈજાજત દી. ‘બ્રધર્સ’ જોઈને ઓરિજિનલ ‘વોરિયર‘ ફિલ્મ જ આપઘાત કરી લે! શું (દિમાગ)ફાડુ ફિલ્મ બનાવી છે યાર…!
મિક્સ્ડ માર્શલ આર્ટસ પરની આ ફિલ્મના તમામ ફાઇટર્સ પંચ મારે છે એક-બીજાને પણ વાસ્તવમાં એ બધા વાગે છે દર્શકોના દિમાગ પર. તમારી રાશિમાં ગુરુ ગોટાળે ચડ્યો હોય, શુક્ર શરમમાં હોય, રાહુ રિસાયો હોય, મંગળની માઠી બેઠી હોય, બુધ બેફામ બન્યો હોય, શનિ સમસમી રહ્યો હોય, કેતુ કંટાળ્યો હોય અને ફિલ્મદંશ યોગ સર્જાયો હોય ત્યારે જ તમને ‘બ્રધર્સ’ જોવાનો વિચાર આવે. બાકી તો જેનું ટ્રેલર જ આટલુ અસહ્ય હોય એ આખી ફિલ્મ જોવા જાય કોણ? કરણ મલ્હોત્રાના નામે રોકડી બે ફિલ્મો બોલે છે અને એ બંન્ને રિમૅક છે. મલ્હોત્રા જેવાઓના પાપે હવે હેરિટેજ ઈમારતોની જેમ કેટલીક ફિલ્મોને પણ હેરિટેજ જાહેર કરી તેની રિમૅક બનાવવા પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ.
‘બ્રધર્સ’ની શરૂઆતમાં ફાઇટર ગાર્સન ફર્નાન્ડિઝ(જેકી શ્રોફ)ને વર્ષો બાદ જેલમાંથી બહાર નીકળતો બતાવાય છે. બહાર એનો પુત્ર મોન્ટી(સિદ્ધાર્થ મલ્હોત્રા) રાહ જોતો હોય છે. નીકળતા વેંત ગાર્સન સવાલ કરે છે કે, ‘લા, તારો ભૈ ડેવિડ(અક્ષય કુમાર) ના આયો?’ મોન્ટી જવાબ વાળે છે કે, ‘હું આયો એટલુ તમારા માટે ઓછું છે?’ અહીં ફિલ્મની લગભગ આખી સ્ટોરી સ્પષ્ટ થઈ જાય છે કે, એમના કુટુંબમાં કંઈક એવું બન્યુ છે જેના કારણે બેય બ્રધર્સને એક-બીજા સાથે બોલવાના’ય વે’વાર નથી.
જેલમાંથી છુટેલો ગાર્સન ઘરે પહોંચે છે અને ઘરના ખુણે ખુણે તેને પોતાની દિવંગત પત્ની(શેફાલી શાહ)ની યાદો ભૂતાવળ બનીને ડરાવે છે. જેકી શ્રોફની એક્ટિંગ સારી હોવા છતાં એના વિરહના લાંબા દ્રશ્યો અસહ્ય થઈ પડે છે. પછી સ્ટાર્ટ થાય છે પ્રેઝન્ટ અને ફ્લેશબેકમાં ઝોલા ખાતો એક વેવલો ફેમિલી ડ્રામા. જે બિનજરૂરી રીતે છેક ઈન્ટરવલ સુધી ખેંચાય છે. ડાયરેક્ટર એવા વ્હેમમાં છે કે આ બધુ જોઈને દર્શકો પીપડાં ભરી ભરીને આંસુ વહાવશે. આંસુના કારણે ટીસ્યુનો ઈસ્યુ થઈ પડશે. એકશનની રાહમાં તમને બેવડા ગાર્સનની જેમ બે બાટલી ખેંચી લેવાની ઈચ્છા થઈ જાય અને સહનશક્તિને લૂઝમોશન થઈ જાય એ હદે ઈમોશન પીરસવામાં આવે છે. ફિલ્મ એકતા કપુરની સિરિયલ્સને પણ શરમાવે એ હદે ધીમી ચાલે છે.
મોન્ટીને ફાઇટર બનવું હોય છે પણ ફાઇટમાં એ બાપાનું નામ બોળતો ફરતો હોય છે. બીજી તરફ ડેવિડ ટીચર તરીકે કામ કરીને પોતાની પત્ની જેની(જેક્વેલિન) સાથે પારિવારિક-આર્થિક મુશ્કેલીઓ સામે ફાઇટ કરીને ખુશ હોય છે. પણ તરુણાવસ્થાની પિતાની ટ્રેનિંગના કારણે એની અંદરનો ફાઇટર જીવતો હોય છે. ફાઇટિંગ છોડી દીધી હોવા છતાં કિડનીની બિમારીથી પીડાતી પુત્રીની સારવાર સહિતના ખર્ચને પહોંચી વળવા મજબુરીમાં એ એકાદ-બે ફાઈટ કરીને પૈસા મેળવી ઘરના બે છેડા ભેગા કરે છે. ઈન બિટવિન પૂર્વ મિક્સ્ડ માર્શલ આર્ટ ચેમ્પિયન પિટર બ્રિગેન્ઝા(કિરણ કુમાર) લલિત મોદીની સ્ટાઇલમાં આઇપીએલ જેવી ફાઇટિંગ ટુર્નામેન્ટ R2F(રાઈટ ટુ ફાઈટ) યોજવાની જાહેરાત કરે છે. વખાનો માર્યો ડેવિડ લોકલ સ્ટ્રિટ ફાઈટ મેનેજર ઉમેશ(આશુતોષ રાણા) પાસે પહોંચી પોતાને આરટુએફમાં તક આપવા વિનંતી કરે છે. બંન્ને ભાઈઓ અલગ અલગ રીતે R2Fમાં ભાગ લે છે. અને ધોધમાં એકાએક પર્વત પરથી નીચે ફેંકાતા પાણીની ઝડપે ફિલ્મ ઈમોશનમાંથી એકશન મોડમાં પ્રવેશે છે. તોતિંગ શિલા જેવી કદાવર કાયા ધરાવતા ફાઈટર્સ માતેલા સાંઢની જેમ એક-બીજા સાથે ટકરાય છે. એક પછી એક યોજાતા રોમાંચક રાઉન્ડ્સ બાદ એક તબક્કે બંન્ને ભાઈ સામસામે આવી જાય છે. આવા સંજોગોમાં ફિલ્મોમાં પછી શું થાય એ તો હિન્દુસ્તાનનો બચ્ચેબચ્ચો જાણતો જ હોય. અંત સહિત આખી વાર્તા પ્રિડિક્ટેબલ છે.
જેકી દાદાનું પર્ફોમન્સ દમદાર છે. ચારેક દ્રશ્યોમાં એ રીતસર સ્ક્રિન પર છવાઈ જાય છે. તેનો લૂક પણ એ પાત્ર માટે ફિટ છે પરંતુ લાંબા લાંબા દ્રશ્યોમાં છેક ઈન્ટરવલ સુધી તેમને જોયે રાખવામાં સહનશક્તિની કસોટી થઈ જાય છે. પોતાની નેચરલ અને દમદાર બોડી લેંગ્વેજ અને સંતુલિત પર્ફોમન્સથી અક્કી છવાઈ જાય છે. એક જવાબદાર પતિ, પ્રેમાળ પિતા, ટીચર અને એક કાબેલ ફાઈટરના રોલને અક્ષયે બરાબર ન્યાય આપ્યો છે. સિદ્ધાર્થનું પર્ફોમન્સ ઓકે ઓકે કહી શકાય. જેક્વેલિનનું કામ તૈયાર મીઠાઈ પરના વરખ જેટલુ જ છે. કિરણ કુમાર અને કુલભુષણ ખરબંદાનો રોલ તો એ વરખથી પણ ટૂંકો છે. આશુતોષ રાણાની આંખોની ધાર ઈમ્પ્રેસિવ પણ ફાઈટરના ટ્રેનર જેવી બોડી લેંગ્વેજ નથી જણાતી.
ફિલ્મના ડાયરેક્શનમાં હાથી પણ પસાર થઈ જાય એવડા ગાબડાં છે. દર્શકોને હાફ કરી નાખતા ફર્સ્ટ હાફને હાફ કરી નાખવાની જરૂર હતી. એટલિસ્ટ ઈન્ટરવલ સુધીમાં એકાદો તો એવો સિન આવવો જોઈએ ને કે જેમાં દર્શકો ખડખડાટ હસી પડે? એકાદા અધકચરા દ્રશ્યને બાદ કરતા આખી ફિલ્મમાં ક્યાંય હ્યુમર નથી એ ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ છે. ફિલ્મ ફાઇટિંગ પર હોવા છતાં ફિલ્મની એકશન જરા પણ ઈમ્પ્રેસ નથી કરતી. ખિલાડી કુમારને આપણે નેવુના દાયકાથી ફાઇટ કરતો જોતા આવ્યા છીએ. ‘ખિલાડીઓ કા ખિલાડી’માં તો અક્ષય કુમારની આપણે અંડરટેકર સહિત WWEના બે ફા’ટર્સ સાથે ટક્કર જોઈ ચુક્યા છીએ. એ જોતા 2015ની ફાઈટિંગ આધારિત ફિલ્મમાં તો આપણી અપેક્ષાઓ આભને આંબતી હોય. ફિલ્મની એકશન આપણી અપેક્ષાઓ પર ઘણી ઉણી ઉતરે છે. ‘ચાંદની ચોક ટુ ચાઈના’ની જેમ ફાઇટિંગ પૂર્વેની ટ્રેનિંગનો પાર્ટ થોડો વધુ હોવાની જરૂર હતી. એ જ અક્ષય કુમારની ફર્સ્ટ ફાઇટ જે બતાવી છે એનાથી દસ ગણી તીવ્ર અને થોડી લાંબી બતાવી હોત તો જમાવટ થાત. ફિલ્મની પહેલી બેથી ત્રણ ફાઇટ સિનેમાહોલમાં એકપણ તાલી કે ચીચીયારીઓ વિના પસાર થાય છે એ ડાયરેક્ટર અને એકશન ડાયરેક્ટર બંન્નેની નિષ્ફળતા ગણાય. બેકગ્રાઉન્ડ મ્યુઝીક સારું પણ એની તુલનાએ સિન્સ નબળા.
આપણને સવાલ થાય કે ‘બ્રધર્સ‘ પુત્રી માટે પ્રિન્સેસ બનતા પિતાથી માંડી ફાઇટિંગના કારણે મોં પર બેન્ડેંડ લગાવી ભણાવવા પહોંચતા કોલેજ ટીચર સુધીના ‘વોરિયર’ના સિન્સની ફ્રેમ ટુ ફ્રેમ રિમૅક હોવા છતાં ‘વોરિયર‘નો રનટાઈમ 140 મિનિટ અને બ્રધર્સનો 2 કલાક 39 મિનિટ કેમ? જવાબ છે ગીતો. ગીતો એ જ ફિલ્મની લંબાઈ અડધી કલાક વધારી નાખી છે. કોઈ વાંક-ગુના વિના આપણા માથે મરાયેલા આઈટમ સોંગ ‘મેરા નામ મેરી હે, મેરી સો ટક્કા તેરી હે’ને કરિનાના સૌથી ખરાબ સોંગ્સમાં સામેલ કરી શકાય. જૂના જમાનાની ફિલ્મોમાં કોઈ અડ્ડે જતા હિરોની આસ-પાસ લતાની જેમ વિંટળાવા મથતી હિરોઈન જેવું આ સોંગ ‘જબ તક રહેગા સમોસે મેં આલુ, તેરા રહુંગા ઓ મેરી સાલુ’ અને ‘મેં લૈલા લૈલા ચિલ્લાઉંગા કુર્તા ફાડ કે, મેં તેરા મજનુ બન જાઉંગા કુર્તા ફાડ કે’ જેવા વાહિયાત લિરિક્સવાળા સોંગની કેટેગરીમાં મુકી શકાય. જોકે, સમોસા અને કુર્તાબ્રાન્ડ આ બંન્ને સોંગની ધૂન ‘મેરા નામ મેરી હે’ કરતા સારી હતી! ‘બ્રધર્સ એન્થેમ’નું સંગીત જોશીલુ છે. ‘ગાયે જા’ સોંગના ફિમેલ વર્ઝનમાં શ્રેયા ઘોષાલનો અવાજ રીતસરનો કાનમાં ચાસણી ઘોળે છે.
ઓવરઓલ, આ ફિલ્મ અક્ષય કુમારના ચાહકો, એકશનના નામે કંઈ પણ જોઈ લેતા દર્શકો તેમજ સાસ-બહુ સિરિયલ્સના બંધાણીઓને ગમશે. હોલિવુડની ફિલ્મો વધુ જોતા હોય એવા તેમજ વધુ પડતી અપેક્ષા લઈને જનારાઓને ‘બ્રધર્સ‘ નિરાશ કરશે.
ફ્રી હિટ:
જો તમને આપઘાત કરવાનું કોઈ કારણ ન જડતુ હોય તો તમને જણાવી દઉં કે, અમિષની પ્રખ્યાત નોવેલ ‘મેલુહા’ પરથી હિન્દી ફિલ્મ બનાવવાના રાઈટ્સ કરણ જોહર પાસે છે! હવે ભલુ કરે ભોળાનાથ…!
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૨૪-૦૮-૨૦૧૫ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply