બોલિવૂડ એક્સપ્રેસ : ઓયે બરખુરદાર…
Sandesh – Cine Sandesh – 19 July 2013
Column: બોલિવૂડ એક્સપ્રેસ
પ્રાણસાહેબ જેવા તગડા અભિનેતા-ખલનાયક સામે ન હોત તો અમિતાભ બચ્ચનની એન્ગ્રી યંગમેન તરીકેની ઇમેજ આટલી મજબૂત ન થઈ શકી હોત.
* * * * *
બોલિવૂડ બોય ઉર્ફ બો-બો આમ તો દર શુક્રવારે દુનિયાભરની ફિલ્મી વાતોની રમઝટ બોલાવવા થનગન થનગન થતો હોય છે, પણ આજે એ ઉદાસ છે. સિનિયર એક્ટર પ્રાણની એક્ઝિટથી થયેલા દુઃખથી બો-બોનું દિલ હજુ પણ હર્ટ થઈ રહ્યું છે. એક સરસ કિસ્સો એ શે’ર કરવા માગે છે. પચાસ કરતાંય વધારે વર્ષ પહેલાંની વાત છે. મુંબઈના આર.કે. સ્ટુડિયોમાં મનમોહન દેસાઈની ‘છલિયા’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પ્રાણસાહેબ ખુલ્લામાં એક ખુરશી પર શાંતિથી બેઠા હતા. એક મુગ્ધ યુવાન પોતાના ફ્રેન્ડ્સ સાથે શૂટિંગ જોવા આવેલો. એને પ્રાણસાહેબનો ઓટોગ્રાફ જોઈતો હતો, પણ પાસે જતા ફફડતો હતો. માંડ માંડ હિંમત એકઠી કરીને એ નજીક ગયો. સર, ઓટોગ્રાફ પ્લીઝ! ખલનાયક પ્રાણે બહુ જ પ્રેમથી એને ઓટોગ્રાફ આપ્યો, વાતો કરી, સાથે ફોટા પણ પડાવ્યા. યુવાન રાજીના રેડ થઈ ગયો. એની તો જાણે લાઇફ બની ગઈ. આ યુવાનનું નામ જાણો છો? અમિતાભ બચ્ચન!
પછી તો અમિતાભ, અમિતાભ બન્યા અને પ્રાણસાહેબની સાથે ૧૪ ફિલ્મોમાં કામ કર્યું. સામે પ્રાણ જેવો તગડો ખલનાયક ન હોત તો અમિતાભની એન્ગ્રી યંગમેન તરીકેની ઇમેજ ચોક્કસપણે આટલી મજબૂત ન થઈ શકી હોત. પ્રાણસાહેબ પોતાની ફિલ્મો ક્યારેય ન જોતા. ‘જંજીર’ રિલીઝ થઈ પછી છેક વીસ વર્ષે એમણે આ ફિલ્મ ટીવી પર જોઈ હતી અને તે પણ આકસ્મિક રીતે. ફિલ્મ જોયા પછી એમણે અમિતાભને ફોન કરીને કહ્યું, “અમિત, ‘જંજીર’ મેં તૂને અચ્છા કામ કિયા હૈ.” આ કિસ્સો યાદ કરીને અમિતાભ કહે છે, “પ્રાણસાહેબે બબ્બે દાયકા પછી મને કોમ્પ્લિમેન્ટ્સ આપ્યાં તોપણ હું રાજીના રેડ થઈ ગયો હતો!”
આવો હતો પ્રાણસાહેબનો કરિશ્મા. લોંગ લીવ પ્રાણસાહેબ!
* * * * *
ગોળમટોળ રિશિ કપૂર પણ એમ તો કરિશ્મેટિક તો ખરા જ ને. જુઓને, આ ઉંમરે પણ એ કેવા જલવા દેખાડી રહ્યા છે. કાયદેસર સિનિયર સિટીઝન થઈ ગયેલા રિશિ કપૂર પોતાના સુપરસ્ટાર પુત્ર રણબીર જેટલા જ બિઝી છે. એમની કરિયરને જાણે નવેસરથી જુવાની ફૂટી છે. સાચુકલી જુવાનીમાં એ ચોકલેટી લવરબોય બનીને રહી ગયા હતા. એ માત્ર સ્ટાર કહેવાયા, ‘એકટર’નો દમામદાર દરજ્જો એમને ક્યારેય નહોતો મળ્યો, પણ પાકટ ઉંમરે કરિયરની બીજી ઇનિંગ્સમાં તેઓ જાતજાતના રોલ કરીને પોતાની ભડાસ કાઢી રહ્યા છે. કાયમ હિરોઇનની પાછળ ચકરડી ભમરડી ફરતા રિશિ કપૂર આગળ જતાં સીધાસાદા દિલ્હીવાસી સ્કૂલ ટીચરનો રોલ અફલાતૂન રીતે કરી બતાવશે (‘દો દૂની ચાર’) એવું કોણે કલ્પ્યું હતું? ‘અગ્નિપથ’માં તેમણે ઘૃણાસ્પદ વિલનનો રોલ કર્યો તે પણ ઓડિયન્સ માટે એક પ્લેઝન્ટ શોક હતો. આજે રિલીઝ થયેલી ‘ડી-ડે’માં તેઓ દાઉદ ઇબ્રાહિમ જેવા ડોન બન્યા છે.
કમલ હાસને વર્ષો પહેલાં એક વાર તેમને કહેલું કે, “રિશિ, તું રોમેન્ટિક ઢાંચામાંથી બહાર કેમ આવતો નથી? અખતરા કેમ કરતો નથી?” રિશિ કપૂર કહે, “કેવી રીતે કરું? કોઈ મને ચાન્સ આપે તો કરુંને?” રિશિને આ ચાન્સ હવે મળી રહ્યા છે. રાકેશ રોશન એમના ખાસમખાસ દોસ્તાર છે. ‘કોઈ મિલ ગયા’માં એ રિશિ કપૂરને રિતિકના બાપના રોલમાં લેવા માગતા હતા. રિશિ કપૂરે ના પાડી દીધી હતી કે ના યાર, મારે બાપના રોલમાં ટાઇપકાસ્ટ નથી થવું, મારા મનમાં કરિયરને લઈને કંઈક જુદા જ પ્લાન છે. રાકેશ રોશનને ભારે ખીજ ચડી હતી. એમણે ખીજાઈને કહ્યું હતું કે, “યે કોઈ ઉમ્ર હૈ કરિયર પ્લાન કરને કી?” રિશિ કપૂરને આ ટોણાથી લાગી આવેલું, પણ તેઓ કંઈ બોલ્યા નહીં. આમ જોવા જાઓ તો રાકેશ રોશનની વાત પણ ક્યાં ખોટી હતી. વ્યાવહારિક બુદ્ધિ કહે છે કે આધેડ વયે તો જે રોલ મળે તે ચૂપચાપ કરી લેવાના હોય, પણ રિશિ કપૂરે મનોમન નક્કી કરી નાખ્યું કે ના, હું રાકેશને સાબિત કરીને દેખાડી દઈશ. એ કહે છે, “રાકેશ રોશન પહેલો માણસ હતો, જેણે મારી સામે ચેલેન્જ ફેંકી હતી. સમજોને કે તે દિવસથી મેં એક્ટર તરીકે મારી બ્રાન્ડવેલ્યૂ ઊભી કરવાનું નક્કી કરી નાખ્યું હતું.”
બો-બોનું મન કંઈક જુદું કહે છે. બો-બોને પાક્કી ખાતરી છે કે દીકરા રણબીરે એક સારા એક્ટર તરીકે જે રીતે ધાક ઊભી કરી છે એ જોઈને રિશિ કપૂરને એમ દેખાડી દેવાની ચાનક ચડી હશે કે, ‘બચ્ચુ, મૈં ભી તેરા બાપ હૂં’. એમ તો એમ, પણ રોલીપોલી રિશિમાં એક્ટર તરીકે એક્સપેરિમેન્ટ્સ કરવાની હિંમત આવી એ જ મહત્ત્વનું છે, રાઇટ?
ઓક્કે ધેન. જય શુક્રવાર!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply